કોરોના મહામારીએ ભારતના શ્રમજીવીઓની જિંદગી દોજખ બનાવી અને તેમને રસ્તે રઝળતા કરી મુક્યા, એવા સમયે દેશની યુવા પેઢીએ સેવાપ્રવૃત્તિ દ્વારા જાણે કે ગાંધીજીને જીવંત રાખ્યા છે. સંવેદનશીલ યુવાનોએ અમદાવાદનાં હજારો સ્થળાંતરિત મજદૂરોને મદદરૂપ થવાનો – ટકાવી રાખવાનો પ્રેરણાદાયી પ્રયત્ન કર્યો છે.
મારા પીએચ.ડી.ના વિદ્યાર્થી એજાઝ શેખ અને તેમના સાથીઓએ અમદાવાદના ગોમતીપુર, રખિયાલ અને બાપુનગર વિસ્તારનાં કારખાનાંમાં કામ કરતાં આશરે 4,500 એકલ, સ્થળાંતરિત શ્રમિકો માટે સ્વયંસંચાલિત ૧૦ રસોડાં તૈયાર કર્યાં. લૉક ડાઉનના કપરા દિવસોમાં એક તરફ બેકારી, બીજી તરફ વતનથી દૂર હોવાની પીડા અને તેમાં વળી કોમવાદી લાગણીનો ફેલાવો — તેમાં ધર્મ જોયા વિના તમામ ગરીબ અને મહેનતકશ લોકોને સહન કરવાનું આવ્યું. આ વાસ્તવિકતા વચ્ચે 'પીડ પરાઈ જાણનારા' યુવાનો નવા ભારતના ‘શાંતિદૂત’ બની રહ્યા છે. 'આત્મસન્માન: અપની રસોઈ, અપના ખાના' એ શ્રમિકો દ્વારા સંચાલિત રસોડાં શરૂ થયાં, તેમને જનવિકાસ, ઑક્સફામ-ઇન્ડિયા, અઝીમ પ્રેમજી ફિલાન્થ્રોપિક ઇનિશિએટિવ જેવી જાણીતી સંસ્થાઓ ઉપરાંત અમદાવાદના ઝોન પાંચના ડી.સી.પી. રવિ તેજાનો સહયોગ મળ્યો.
એજાઝે જણાવ્યું હતું કે ડી.સી.પી. રવિ તેજાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનું જૂનું મકાન આ કામગીરી માટે વાપરવા આપ્યું અને ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ટંડેલનાં સહયોગ-માર્ગદર્શન મળ્યાં. શ્રમિક સ્થળાંતરિતોને સહાયક બનતા પહેલાં, ૨૬ માર્ચથી ૩૦ માર્ચ વચ્ચે એક સર્વેક્ષણ કરીને માહિતી એકઠી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં આઇ.આઇ.એમ. અમદાવાદના પ્રૉફેસર અંકુર સરિનનો સહકાર મળ્યો. તેમણે શહેરનાં સ્થળાંતરિતોનું મૅપિંગ ગૂગલ પર મૂક્યું. તેમાં ગોમતીપુરના અભિયાનને જોઈ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ મદદે આવી. રસોડાંની કામગીરીમાં આ વિસ્તારના ૬૦ સ્વયંસેવકો સક્રિય છે. પ્રત્યેક રસોડામાં ૧૫ સ્થળાંતરિત શ્રમિકો જવાબદારી સંભાળે છે અને તે પોતે જ રસોઈ પણ બનાવે છે.
આવી નાગરિક પહેલ કોઈ પણ આપત્તિકાળને પસાર કરવામાં જ નહીં, નાગરિકશક્તિનું ઘડતર કરવામાં પણ મહત્ત્વની બની શકે છે.
e.mail : gaurang_jani@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 ઍપ્રિલ 2020