દેશ ઘનઘોર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે એક વાત સારી બની છે. બધાં જ મોહરાં અને વાઘા ઊતરી ગયાં છે. વિકાસ, ગુજરાત મોડેલ, સબકા સાથ સબકા વિકાસ, સ્કિલ ઇન્ડિયા, ફેડરલ ઇન્ડિયા, સ્માર્ટ સિટી વગેરે વાતો આજે એટલી હદે ભૂલાઈ ગઈ છે કે જાણે એ કોઈ બીજા યુગની વાતો હોય. સારું થયું. અમને તો નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન બનીને આવ્યા અને એ પછી જે ઘટનાઓ બનવા લાગી ત્યારથી જ જાણ હતી કે જો તેમને અનુકૂળતા મળશે તો તેઓ દેશને ત્યાં જ લઈ જશે જ્યાં તેઓ આજે લઈ ગયા છે. વિકાસ તો અનુકૂળતા પેદા કરવાનું મહોરું હતું. આ વિશે છેલ્લાં સત્તર-અઢારેક વરસમાં મેં સેંકડો વાર લખ્યું પણ છે.
ખાતરી હોવાનું કારણ એ નથી કે હું કોઈ દીર્ઘદૃષ્ટિ કે દિવ્યદૃષ્ટિ ધરાવું છું. મારા જેવા બીજા હજારો માણસ ભારતમાં છે જેમને પણ મારી જેમ ખાતરી હતી. એ ખાતરીનું કારણ નરેન્દ્ર મોદી જ્યાંથી આવે છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ડા અને ઇતિહાસ છે. એજન્ડા તો હજુયે છુપાવી શકાય, પણ ઇતિહાસ છુપાવી શકાતો નથી. સહિયારા ભારતની કલ્પના જ તેને સ્વીકાર્ય નથી; એટલે જ્યારે જ્યારે પણ સહિયારા ભારતે સંગઠિત તાકાત બતાવી છે, ત્યારે તેણે તેમાં ફાચર મારી છે. સામે પક્ષે મુસ્લિમ લીગ ફાચર મારવાનું કામ કરતી હતી અને બંને મળીને પોતપોતાની રીતે અંગ્રેજોને મદદ કરતા હતા. બંનેમાંથી કોઈને સહિયારું ભારત કબૂલ નહોતું અને ઝોળીમાં અનેક શરતો લઈને ફરતા હતા.
એ પછી ભારતના વિભાજન વખતે, ગાંધીજીની હત્યા વખતે, ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે, હિંદુ કોડ બિલ આવ્યું ત્યારે અને એવા બીજા અનેક નાનામોટા પ્રસંગો છે જેમાં સંઘની ભૂમિકા જોઈને કોઈ પણ બુદ્ધિશાળી માણસ કહી શકતો હતો કે તેમનો એજન્ડા શું છે. તેમનો ઇતિહાસ તેમનો એજન્ડા ખુલ્લો પાડી આપે છે, પછી ભલે તેને ગમે એટલો છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય. તેમનું સંસદીય રાજકારણ પણ બેમોઢાનું હતું. તેમનાં જાહેર વક્તવ્યો પણ અનેક મોઢાનાં વિરોધાભાસી રહેતાં. આમ રાજનીતિશાસ્ત્રનો કોઈ પણ અભ્યાસી માણસ કહી શકતો હતો કે મોકો મળ્યે તેઓ દેશને ક્યાં લઈ જવા માગે છે અને તેમની કલ્પનાનું ભારત કેવું હશે! એમાં કોઈ મોટા વિશારદ હોવાની જરૂર નથી.
જે લોકો આકાર લઈ રહેલા ભારતના સમર્થકો છે એમને કેટલાક સવાલ પૂછવા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ભારતના બહુમતી હિંદુઓએ અત્યાર સુધી પ્રતિકાર કર્યો અને આજે પણ કરે છે તો તેઓ શું ઓછા હિંદુ હતા કે છે? હિંદુ હોવાનો ગર્વ માત્ર તમે જ ધરાવો છો અને બાકીના હિંદુ નથી ધરાવતા? હિંદુ હોવું એટલે શું એ માત્ર તમે જ જાણો છો અને એ લોકો નહોતા જાણતા કે નથી જાણતા? જેને તમે સૌથી વધુ ચાહો છો એ સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ કેમ સંઘમાં નહીં જોડાયા? ભગતસિંહ કેમ સંઘમાં નહીં જોડાયો? જાહેરમાં હિંદુ હોવાનો ગર્વ વ્યક્ત કરનારા લાલા લજપતરાય, મદનમોહન માલવિયા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી જેવા સેંકડો હિંદુ નેતાઓએ કેમ સાવરકરને અને સંઘને સાથ ન આપ્યો? એ લોકો શું તમારાં કરતાં ઓછા હિંદુ હતા? કે પછી એટલા ગમાર હતા કે હિંદુ હોવું એટલે શું એનું ભાન નહોતું?
બીજું, વીતેલી સદીના મેધાવી અને પુરુષાર્થી લોકો પર એક નજર કરો. રવીન્દ્રનાથ કે વિનોબા જેવા ખ્યાતનામ વિચારકો, ઠક્કરબાપાથી લઈને બાબા આમટે સુધીના પ્રજાસેવકો, પ્રજાના પ્રશ્ને લડનારાઓ, કમલાદેવી ચટ્ટોપાધ્યાયથી લઈને વિદ્યા બાળ સુધીની મહિલાઓના અધિકાર માટે લડનારી સ્ત્રીઓ, કલાકારો, વિજ્ઞાનીઓ, ભાઈલાલ પટેલ કે કુરિયન જેવા સંસ્થાસ્થાપકો, ભારતની તમામ ભાષાઓના તેજસ્વી સાહિત્યકારો વગેરેની યાદી બનાવશો તો ઓછામાં ઓછા પાંચેક હજાર કરતાં વધુ હિંદુઓની યાદી બનશે અને તેમાંથી માંડ દસ જણા, જી હા દસ જણા સાવરકર અને સંઘના સમર્થક સાંપડશે. એવું કેમ? શું એ લોકો તમારાં કરતાં ઓછા હિંદુ હતા? તેઓ તમારા જેટલી અક્કલ નહોતા ધરાવતા? બીજી બાજુ ઉપર કહ્યાં એ ક્ષેત્રોમાં હિન્દુત્વવાદીઓનું યોગદાન કેટલું છે અને નથી તો કેમ નથી?
સારાસારનો ભેદ કરી આપનારી વિવેકબુદ્ધિ, પુરુષાર્થ અને સર્જકતા આ ત્રણ ચીજ થકી સમાજ આગળ વધે છે. આવી શક્તિ જેનામાં હોય એ સંસારને પ્રકાશિત કરી શકે, માર્ગ બતાવી શકે. આખી વીસમી સદી પર નજર કરશો તો આ ત્રણ ચીજ ધરાવનારાઓમાંથી ભાગ્યે જ કોઈએ સાવરકર-સંઘ તરફ નજર કરી છે અને આજે આ ત્રણ ચીજ ધરાવનારાઓ તેમનો વિરોધ કરે છે. સાવરકર અને સંઘમાં કાંઈક તો એવું છે જે આ લોકોને અપીલ કરતું નથી. વીસમી સદીમા પણ નહીં કર્યું અને આજે પણ નથી કરતું! સમાજે જેને સાંભળવા જોઈએ, સમાજે જેને અનુસરવા જોઈએ, સમાજે જેની કદર કરવી જોઈએ, સમાજે જેને માટે ગર્વ લેવો જોઈએ એવા લોકો જ્યારે તમે જે માર્ગે ચાલો છો એ માર્ગે નહોતા ચાલ્યા તો જરૂર કોઈક કારણ હશે. એ કારણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે તેજસ્વી છો અને એ લોકો ગમાર હતા કે છે એવું માનતા હો તો પછી ચર્ચા કરવા જેવું કાંઈ રહેતું નથી.
એ લોકોએ સાવરકર-સંઘનો માર્ગ નહોતો અપનાવ્યો અને આજે પણ નથી અપનાવતા એનું કારણ એછે કે બહુવિધતા આ જગતની વાસ્તવિકતા છે. ચર-અચર આખી સૃષ્ટિ બહુવિધતાથી ભરેલી છે. ઈશ્વરની જ આવી રચના છે જેને નકારનારા તમે કોણ? જો વિવિધતા જગતનું વાસ્તવ હોય તો સહઅસ્તિત્વનો આ જગતમાં કોઈ વિકલ્પ નથી. માટે કહેવામાં આવે છે કે સહઅસ્તિત્વ માનવીની અને બીજાં તમામ જીવોની નિયતિ છે. આનાથી બચી શકાય એમ છે જ નહીં.
જો બચી ન શકાતું હોય તો સહઅસ્તિત્વ આસાન બને એ માટે રસ્તાઓ શોધવા પડશે. એક રસ્તો છે વિવેક. માણસ પોતાની મર્યાદામાં રહે અને બીજાની આઝાદી(અંગત સ્પેસ)નો આદર કરે. આ વિવેક અંગત ગુણ છે જેનું એક સરખું સાર્વત્રિકરણ શક્ય નથી. વધુમાં વધુ માણસને સમજાવી શકાય.
બીજો રસ્તો છે, સંહિતા અને દંડ જે રાજ્ય કરી શકે. બંધારણમાં દરેકની અંગત આઝાદી અને મર્યાદા આંકી આપવામાં આવે. એની અંદર સ્વતંત્ર રીતે જેટલું રમવું હોય એટલું રમી શકો પણ જો બાંધી આપેલી સંહિતાનો ભંગ કરો તો રાજ્ય તમને દંડી શકે. અહીં સવાલ આવે કે સંહિતા કેવી હોવી જોઈએ? એક જવાબ છે, તટસ્થ. તટસ્થ એટલે સાવ તટસ્થ. કોઈ પણ પ્રકારનો પક્ષપાત નહીં. બીજો જવાબ છે કે, સંહિતા તટસ્થ ભલે હોય પણ નબળાને, પરંપરાગત રીતે જેને અન્યાય થયો હોય એવા લોકોને અથવા જેમની સંખ્યા ઓછી હોય એવા લોકોને થોડું ઝૂકતું માપ આપવામાં આવે. સમર્થ લોકોએ આટલી માણસાઈ બતાવવી જોઈએ. આનો અર્થ થયો કે એકંદરે તટસ્થ પણ માઈસાઈભર્યા પક્ષપાતવાળી સંહિતા. ત્રીજો જવાબ છે જેની બહુમતી હોય તેને ઝાઝું મળવું જોઈએ. એ બહુમતીનો હક છે અને બાકીના લોકોએ તેનો સ્વીકાર કરવો જોઈએ.
અને હજુ એક ત્રીજો રસ્તો પણ છે અને તે છે, મારે એની ભેંસ અથવા બળિયાના બે ભાગ. આમાં અરાજકતાનું જોખમ છે. સમાજમાં ક્યારે ય શાંતિ શક્ય ન બને અને બળિયા તો બદલાયા કરે. લઘુમતીએ બહુમતીને ગુલામ બનાવી હોય કે રંજાડી હોય એવા સેંકડો ઉદાહરણ મળી આવશે. કાલે વખત બદલાય અને વખત સાથે બળિયા બદલાય તો આબી બને. માટે આ રસ્તો જોખમી છે.
તો વ્યવહારુ ઉકેલ બચે છે એવી સંહિતા જે ટકાઉ હોય. જે સમાજમાં શાંતિ સ્થાપી શકે અને જાળવી શકે. જે વ્યક્તિની વિચારવાની ક્ષમતાને, સર્જકતાને અને પુરુષાર્થને પ્રોત્સાહન આપે. આખરે આ ત્રણ ચીજ તો સમાજને ઉપર લઈ જાય છે. સમાજનો વિકાસ રાજ્ય થકી નથી થતો, પણઆ ત્રણ ચીજ દ્વારા થાય છે જેમાં રાજ્ય પ્રોત્સાહકની ભૂમિકા ભજવી શકે. બસ રાજ્યની આટલી જ ભૂમિકા હોવી જોઈએ.
તો ભારત આઝાદ થયું ત્યારે સંહિતા ઘડનારાઓ પાસે ત્રણ વિકલ્પ હતા. એક. સંપૂર્ણપણે તટસ્થતા. બે. માનવીય પક્ષપાત. ડર અને બેવકૂફીના ભાગરૂપે નહીં, પણ ઉદારતા અને સમજદારીના ભાગરૂપે. ત્રણ. બહુમતીના બે ભાગ અર્થાત્ બહુમતીનો પક્ષપાત.
હવે તમે જો સંહિતા ઘડવા બેઠા હો તો આ ત્રણમાંથી કયો માર્ગ અપનાવો અને શા માટે? એક અઠવાડિયું મનન કરો, વધુ ચર્ચા આવતા અઠવાડિયે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 માર્ચ 2020