અમદાવાદમાં ટ્રમ્પાગમન પહેલાં, પોતાની માહિતીની રસાળતા, વિગતોની સત્યતા, (સોશિયલ મીડિયામાં આવા મોકે ભાગ્યે જ જોવા-સાંભળવા મળતી એવી) ગરિમાપૂર્ણ ભાષા, ગામઠી-શહેરી બોલીનું સંમિશ્રણ, એ થકી પ્રગટતી ભારોભાર વેદના, વ્યંગ-કટાક્ષ, ટૂંકાં વાક્યોમાં સ્ફૂટતા અને લાંબાં વાક્યોમાં અસરકારકતા જાળવી રાખીને જરૂરી આરોહઅવરોહ … વગેરે કારણોસર રાજેશ ઠાકર(નામ બદલ્યું હોઈ શકે)ના નામે એક ઓડિયો ક્લિપ ખાસ્સી વહેતી થઈ. જે સંજય શ્રીપાદ ભાવેએ ધ્વનિઅંકન કરીને મોકલી આપી છે, તે ‘નિરીક્ષક’ના વાચકોજોગ … … …
−− સં.
ડોનાલભાઈ ટ્રમ્પ સાહેબ,
રાજેશ ઠાકરના નમસ્તે.
કેમ છો ? સાચું કહું નં તો ‘કેમ છો ?’ અમારે તમને નહીં, પણ તમારે અમનં પૂછવાનું હોય. આ તમારી ‘હાઉ ડી મોદી’ અને ‘હાઉ ડી ટ્રમ્પ’માં અમારા અર્થતંત્રની હવાડા જેવી થઈ ગઈ.
હા હા. હવાડો. ના સમજાયું ને ? આટલો ખરચો કરાયો છે તો રૂપાણીને કહી એક દુભાષિયાનો ય વે’ત પણ પાડી દે જો એટલે હવાડાનો ખ્યાલ આવે.
ટ્રમ્પસાહેબ, અમારે ફૅમિલીને ત્રણ કલાકનું પિચ્ચર જોવા લઈ જવું હોય ને તો પણ સત્તર વાર વિચાર કરીએ. ટિકિટનો ખરચો, પોપ કોર્નનો ખરચો, આખા મહિનાનું બજેટ … બધો હિસાબ માંડીએ.
અને આ જુઓ ને તો તમારા ત્રણ કલાકના સામૈયામાં પેટ કાપીને ભરેલી સરકારી તિજોરીની પત્તર ફડાઈ ગઈ. હા હા પત્તર. દુભાષિયાને પૂછજો આ પત્તર ફડાવી શું કહેવાય!
મોદીજીને તમે અંદર અંદર ‘નમસ્તે’ ને ‘કેમ છો’ રમો એ ઠીક નહીં. હવે આયા જ છો તો ડોનાલભૈ તમે ‘કેમ છે, અમદાવાદ?’ એટલું પૂછો નં તો હૈયે ટાઢક વળં. કારણ કે તમારો ભાઈબંધ તો અહીંથી ગયા પછી કોઈ ’દિ ‘કેમ છો’ એવું તો અમને પૂછતો જ નથી. અને જેના ભરોસે અમને છોડીને ગયા છે એ વિજયભાઈને તો અમારે જ કેમ છો પૂછવું પડે એવી દશા છે.
આમ જોઈએ ને ટ્રમ્પસાહેબ તો તમે ય કંઈ ઓછા નથી. એ તો જ્યારે તમે ૧૪૩૦ વાર જૂઠું બોલ્યા એવો રિપોર્ટ વાંચેલો ત્યારે જ અમે ઓળખી ગયેલા. એમાં ય સિત્તેર લાખ અમદાવાદી મારું સ્વાગત કરશે એવી ટિ્વટ કરી ત્યારે તો પાકી ખાતરી થઈ ગઈ કે અમારા નરેન્દ્રભાઈ અને તમે હિન્દી પિચ્ચરમાં મેળામાં છૂટા પડી જતાં ભાઈઓ જેવા જ છો.
હવે આટલે લાંબે સુધી થયા જ છો, આટલે લાંબે સુધી આવ્યા જ છો તો ગાંધીજીની ધરતી પર સાચું બોલજો. સાચું બોલજો ડોનાલભાઈ, કે અમારા નરેન્દ્રભાઈ અમેરિકા આવ્યા ત્યારે તમે આટલો ખરચો કર્યો’તો? અમારાં ભાભીની સોગંધ ખાઈને કહો, કેટલા ડૉલર મોદીજી પાછળ વાપર્યા’તા ? સાચું કઉં ને ટ્રમ્પભાઈ, તમે તો ખિસ્સામાં હાથ જ નહોતો નાખ્યો. નરેન્દ્રભાઈ બાપડા તમારા જ પ્રચાર માટે આવ્યા’તા. ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’, ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ના નારા બોલાવી ભારતીય મૂળના નાગરિકોને તમારા પક્ષે કરવા ‘હાઉડી મોદી’નો તમાશો કર્યો. તમારા લગનનો ઢોલ ગળે ટાંગી નરેન્દ્રભાઈ તમારો પ્રચાર કરી ભાઈબંધી નિભાવી. પણ તમે તો સાવ કંજૂસી કરી. અમે અમદાવાદી ભાઈબંધો જમ્યા પછી બિલ આવે એટલે વૉશરૂમમાં જતાં રહીએ ને – એવી લૂખ્ખાઈ તમે ક્યાંથી શીખ્યા? આટલું ઓછું હોય તેમ વિકાસશીલ દેશોની યાદીમાંથી પણ અમને બહાર કાઢ્યા. હવં તો એમ કો છો મનં ભારત પસંદ નથી, મોદીજી પસંદ છે. તો આ ખરચો મોદીજી નહીં, ભારત કરી રહ્યો છે, ટ્રમ્પસાહેબ!
ચાલો માનીએ કે અમારા રાષ્ટ્રીય પ્રચારમંત્રીને આંતરરાષ્ટ્રીય પ્રચારમંત્રી થવાનો અભરખો જાગ્યો. પણ એનો આવો લાભ લેવાનો ? ભાઈબંધ ભોળો હોય એટલે બકાવવાનો ? દેવામાં ડૂબેલો પતિ ઘર ચલાવવા ઘરવાળીના દાગીના વેચવા મૉડં ને એમ એરપોર્ટ, રેલવેથી લઈને ઍર ઇન્ડિયા ને એલ.આઈ.સી. બધું તમારા ભૈબંધે વેચવા કાઢ્યું છે. જરા દયા તો ખાઓ. અમારી ગુજરાત સરકાર અઢી લાખ કરોડનાં દેવામાં હોવાં છતાં જેમતેમ ઉછીનાપાછીના કરીને તમારી એકએક મિનિટ પાછળ લાખ્ખોનું આંધણ કરતી હોય, ત્યારે એક અમદાવાદી તરીકે મારી લાગણી તમારા ભાઈબંધ સુધી પહોંચાડશો એટલી અપેક્ષા તો રાખું ને, સાહેબ?
વળી નરેન્દ્રભૈ તો અહીં છાતી ઠોકીને કહે છે કે મારે ટ્રમ્પ જોડે ‘તું-તારી’નો સંબંધ છે. હવે અંગ્રેજીમાં તું-તારી કેવી રીતે થાય એ તો તમે બેઉ જણ જાણો. પણ જો થોડી તું-તારી આવડતી જ હોય તો તમે ય કરી લેજો. અને સત્ય અને સાદગીની ભૂમિ એવા ગાંધીઆશ્રમના એક ખૂણે લઈ જઈને તમારા નરેન્દ્રભાઈને સમજાવજો કે ‘અલ્યા સાવ આવું તો ના હોય! પગ ચાદર જેટલા જ લાંબા કરાય. જેવા હોઈએ તેવા જ દેખાઈએ એ જ સાચી મિત્રતા. તું ઝૂંપડપટ્ટીઓ ફરતે કિલોમીટરો લાંબી ને ઊંચી દિવાલ કરી દઈશ એટલે મને કશી ખબર નૈ પડે ? શું હું મૂર્ખ છું ? તમારો મચ્છુ ડૅમ તૂટ્યો ને એ હજ્જારો કિલોમીટર દૂર બેઠાં અમે કહી દીધું’તું. ને તું એક દિવાલ બાંધી મારી આંખે પાટા બાંધવા નીકળ્યો છે ? મેં તો સૅટેલાઇટનાં માધ્યમથી અમદાવાદનાં મિલ્લતનગર, ગુપ્તાનગર, સંકલિતનગર, પિરાણાના કચરાનો પહાડ, ગોતાની હાઉસિંગ વસાહત – બધ્ધું જોઈ લીધું.
મિત્ર નરેન્દ્ર, તારે બાંધવી જ હતી તો દિવાલ જ નહીં પણ અમદાવાદના આકાશ નીચે શહેર આખાને ઢાંકતું કપડું પણ બાંધવાનું હતું. બે’ ભાઈબંધીમાં છેતરપીંડી ના હોય. ગાંધીજી જેવી પારદર્શિતા હોય.
ખેર, તમારા જેવા કોઈ મહાનુભાવો આવે ત્યારે અમારી દિવાળી આવે. ભલે ને દેવું લઈને આવે પણ દિવાળી આવે. સિન્જો આબે સાહેબ આવ્યા પછી સરકારે આ તમે આવ્યા ને ત્યારે અમારી સામે જોયું. બાકી તૂટેલા રસ્તા … ને ઊભરાતી ગટરો જ નસીબમાં હતી. આબે ભાઈનં પણ કહ્યું’તું ‘આવતા રહેજો!’ પણ એ તો બુલેટ ટ્રેનનો ધંધો લઈને ગયા પછી ડોકાયા જ નથી.
ભૈસા’બ તમે એવું ના કરતા. અમેરિકાની ચૂંટણી જીત્યા પછી એનો વિજય મનાવવા ચોક્કસ આવજો. પણ હા! એ રોડ શો ગરીબોની વસ્તી, અવિકસિત વિસ્તારોમાં કરજો, જેથી એમનું પણ કંઈક ભલું થાય. બાકી એક મોદીનો ભાર તો વેંઢારીએ જ છીએ. બીજા એક અમેરિકન મોદીને ય સહી લઈશું.
એક અમદાવાદીને આ પરવડે નહીં સાહેબ. અને ખરચો વ્યાજબી કરજો એમ તો કહેવાય નહીં. એટલે ‘બાય્ બાય્ ટ્રમ્પ’ કહીશ, ‘આવજો’ તો નહીં જ કહું.
ફરી એક વાર રાજેશ ઠાકરના નમસ્તે.
[વાઇરલ ઑડિયોમાંથી શબ્દાંકન : સંજય શ્રીપાદ ભાવે]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 15 તેમ જ 14