ચણો ચણો
ચણી શકાય તેટલી ઊંચી ચણો
ગગનગાજતી દીવાલો ચણો!
દીવાલો ચણી શકનાર, ચણી શકે છે માત્રક દીવાલો, ચણો!
ચણો ચણો રે રાજા દેવાળિયા
નવાં રાષ્ટ્રધ્વજ સમી દીવાલો ચણો!
આટઆટલું તપ્યું તમારું રાજ
સરવાળે ભાગવા શક્કોર જેવી દીવાલો ચણો!
દીવાલો જ દીવાલો ચણો
દેખાતી ચણો, ન દેખાતી ચણો
ગામમાં ચણો, શહેરમાં ય ચણો
રાજમાં ચણો, દેશમાં ય ચણો
લોહીમાં ચણો, આંસુમાં ય ચણો
ઈશ્વરમાં ચણો, અલ્લાહમાં ય ચણો!
જરૂર પડે તો અચકાતા નહીં હોં
દિલની વચોવચ ચણો!
પણ યાદ રાખજે રાજા દેવાળિયા
દીવાલને ય હોય છે કાન
એ સાંભળે છે બધ્ધેબધ્ધું સરવે કાન
પછી એને ફૂટે છે લીલાછમ્મ પાન!
ધ્વસ્ત કરી દેશે એ, દીવાલો જ નહીં, કિલ્લેલિલ્લા!
ભલ તમે ચણો
ચણો ચણો રે રાજા દેવાળિયા
નવાં રાષ્ટ્રધ્વજ સમી દીવાલો ચણો!
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 14