ન્યાયમૂર્તિએ કહ્યું : ‘જ્યારે તમે હેરિટેજ વૃક્ષ કાપો છો, ત્યારે એ વૃક્ષે એનાં બધાં વર્ષોમાં પેદા કરેલા ઑક્સિજનનાં મૂલ્યને ધ્યાનમાં લેજો. પછી સરખામણી કરજો કે જો તમારે એટલો ઑક્સિજન બીજી કોઈ જગ્યાએથી ખરીદવો પડે તો કેટલી કિંમત ચૂકવવી પડે.’
‘કોઈને ખબર પડે તે પહેલાં આપણે બધું ગુમાવી ચૂક્યાં હોઈશું. ગ્રીન કવરનું રક્ષણ થવું જ ઘટે … લોકોને વિકલ્પો શોધવા નથી. રસ્તો બનાવવા માટે ઝાડ કાપવા ઉપરાંતનો વિકલ્પ હોવો જોઈએ. એ કદાચ થોડો વધુ ખર્ચાળ હોય, પણ એ વધારે સારો પણ હોય …’ – આ મતલબની તાકીદ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ શરદ બોબડેએ 18 ફેબ્રુઆરીએ, પશ્ચિમ બંગાળમાં સૂચિત વૃક્ષછેદન અંગેના એક મુકદ્દમાની સુનાવણી દરમિયાન કરી.
તે પૂર્વે 10 જાન્યુઆરીએ ન્યાયમૂર્તિએ એ જ કેસની પહેલી સુનાવણી દરમિયાન કહ્યું હતું : ‘જ્યારે તમે હેરિટેજ વૃક્ષ કાપો છો ત્યારે એ વૃક્ષે એનાં બધાં વર્ષોમાં પેદા કરેલા ઑક્સિજનનાં મૂલ્યને ધ્યાનમાં લેજો. પછી સરખામણી કરજો કે જો તમારે એટલો ઑક્સિજન બીજી કોઈ જગ્યાએથી ખરીદવો પડે તો કેટલી કિંમત ચૂકવવી પડે.’
સર્વોચ્ચ ન્યાયમૂર્તિના આવાં બે નિરીક્ષણોની વચ્ચેના ગાળામાં, ખાસ તો 14 ફેબ્રુઆરીથી ચાર પાંચ દિવસ દરમિયાન ગુજરાતની રાજ્ય સરકાર અમદાવાદના એક વિસ્તારનાં ગ્રીન કવર સાથે ભર વસંતે ચેડાં કરી રહી હતી. છબિઓ અને અહેવાલો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમનની પૂર્વ તૈયારી માટે મોટેરા સ્ટેડિયમની નજીકના એક વડદાદાને ખતમ કરવામાં આવ્યા. લીમડાના બે અને નીલગીરીનાં વીસેક જેટલાં ઝાડ કાપી નાખવામાં આવ્યાં.
એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફના રોડ પરના ડઝનેક લીમડાની એટલી હદે છટણી કરવામાં આવી કે પછી થડ પણ ન જતાં રહે તે ડરથી મ્યુનિસિપાલિટીના અધિકારીઓ ખુદ ત્યાં દોડી ગયા. અન્યત્ર પણ મોટાં વૃક્ષોને બેફામ રીતે ટ્રિમ કરવામાં આવ્યાં. તો બીજી બાજુ લાખો રૂપિયાના ખરચે રાતોરાત હજારો શોભાનાં છોડ અને વેલા વાવવામાં આવ્યાં. ગુજરાત સરકારે બુધવારે જાહેર કરેલાં અંદાજપત્રમાં વનીકરણ માટે બસો પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા છે, ત્યારે આ ભંડોળ શોભાની હરિયાળી માટે નહીં વૃક્ષોવાળાં જંગલોને સાચવવા-વિસ્તારવા માટે ઉપયોગમાં લેવાય એવી અપેક્ષા અસ્થાને નથી.
ટ્રમ્પની તાજમહેલની મુલાકાત માટે આગ્રાનાં વૃક્ષોની પણ બેફામ છટણી કરવામાં આવી હતી. જો કે વૃક્ષોને છાટવા-કાપવામાં બધી વખતે સત્તાવાળાઓ સફળ થાય છે એવું બનતું નથી. પશ્ચિમ બંગાળની સરકારને એમ કરતાં સર્વોચ્ચ અદાલતે અટકાવી છે. ભારત-બાંગલાદેશ સરહદની પર આવેલ, બાંગલા દેશની આઝાદીની લડતમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો જેસોર રોડ તરીકે ઓળખાતો નૅશનલ હાઇવે 112 છે. ત્યાં વારંવાર થતાં જીવલેણ અકસ્માત નિવારવા રેલવે ઓવરબ્રિજ બનાવવાની તેમ જ રસ્તાને પહોળો કરવાની રાજ્ય સરકારની યોજનામાં સેંકડો મોટાં, ગીચ અને ઘટાદાર વૃક્ષોને કાપવાં પડે તેમ છે. અસોસિએશન ફૉર પ્રોટેક્શન ઑફ ડેમૉક્રેટિક રાઇટસ્ નામની એન.જી.ઓ. સૂચિત વૃક્ષછેદનનાં વિરોધમાં અદાલતમાં ગઈ. પણ રાજ્યની અદાલતે 354 વૃક્ષો કાપવાની મંજૂરી આપી અને કપાયેલાં એક વૃક્ષ દીઠ પાંચ છોડ વાવવાની શરત પણ મૂકી. વડી અદાલતના આ ચૂકાદાની સામે એન.જી.ઓ.એ સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી. તેની સુનાવણી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ શરદ બોબડે, જસ્ટીસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાન્તની બેન્ચ સામે ચાલી રહી છે. તેમાં દસમી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ નિષ્ણાતોની એક સમિતિની નિમણૂક કરી.
દસમી જાન્યુઆરીની સુનાવણી દરમિયાન થયેલી દલીલો નોંધપાત્ર છે. અરજદાર એન.જી.ઓ.ના વકીલ અને કર્મશીલ ધારાશાસ્ત્રી પ્રશાન્ત ભૂષણે કહ્યું કે કે વૃક્ષો કપાવાનાં છે તે 70 -80 વર્ષ જૂનાં એવાં હેરિટેજ ટ્રીઝ છે કે કોઈ વૃક્ષવાવણી એનો વિકલ્પ બની શકે નહીં. આગળ ઉપર સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ વૃક્ષો કરતાં માણસની જિંદગી વધુ મહત્ત્વની હોવાનું મંતવ્ય આપ્યું. તેના પ્રતિભાવમાં ભૂષણે જણાવ્યું કે દરેક પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં મૂકનાર ગ્લોબલ વૉર્મિન્ગ આવતાં પચાસ વર્ષમાં આખી ય માનવજાતિને ખતમ કરી શકે તેમ છે. ભૂષણે વિકાસની જરૂરિયાત સ્વીકારવાની સાથે ગ્લોબલ વૉર્મિન્ગના ઉકેલ તરીકે વૃક્ષવનસ્પતિનાં જતન અને વૃક્ષછેદનનાં વિકલ્પોની ખોજ પર ભાર મૂક્યો. આ વિકલ્પો અંગે ન્યાયમૂર્તિએ તેમને પૂછતાં ભૂષણે ઓવરબ્રિજને બદલે અન્ડરબ્રિજનું સૂચન કર્યું. ભૂષણે વધુમાં કહ્યું કે કલકત્તા અદાલતે સરકારને માત્ર 354 વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે. પણ સરકાર તો 4,000 જૂનાં વૃક્ષો કાપી નાખે એવી વકી છે. આ બાબતને ધ્યાનમાં લઈને ભૂષણે એન્વાયર્નમેન્ટ રેગ્યુલેટરની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ બંને સૂચનોનો પશ્ચિમ બંગાળની સરકારના ધારાશાસ્ત્રી અભિષેક સિંઘવીએ એમ કહીને વિરોધ કર્યો કે તે સૂચનોનો અમલ કરવામાં પ્રોજેક્ટ ખોરંભે ચડશે. જો કે ન્યાયમૂર્તિ બોબડેએ સરકારને અન્ડરગ્રાઉન્ડ રસ્તો બનાવવાનો અથવા ઝાડ બચે તે રીતે રસ્તાનું અલાઇનમેન્ટ બદલવાનો નિર્દેશ આપ્યો. અદાલતે આ મુકદ્દમાને ટકાઉ વિકાસનો વિષય ગણીને સમિતિને ત્રણ અઠવાડિયામાં વૃક્ષછેદનના વિકલ્પો જણાવવાનો નિર્દેશ આપ્યો.
ન્યાયમૂર્તિએ પહેલી સુનાવણીમાં એમ પણ કહ્યું કે વસ્તીવિસ્ફોટને કારણે થઈ રહેલો માળખાકીય વિકાસ હરિત આવરણનો ભોગ લે છે. કપાયેલાં એક વૃક્ષની સામે વાવવામાં આવતાં પાંચ છોડમાંથી માત્ર ત્રણ જ ટકે છે, અને વૃક્ષારોપણ ક્યારેક એક કૌભાંડ પણ હોય છે. જો કે વૃક્ષારોપણની મહત્તમ તકેદારી જેસોર રોડ પ્રોજેક્ટમાં પશ્ચિમ બંગાળની સરકાર રાખશે એમ કહીને સિંઘવીએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે વૃક્ષોનું કસ્ટોડિયન એટલે રક્ષણહાર ગણાતું પર્યાવરણ અને વન મંત્રાલય પણ રાજ્ય સરકારની સાથે છે. એના પ્રતિભાવમાં ‘તમને ખબર નથી એ મંત્રાલય કેવી જાતની મંજૂરીઓ આપે છે’ એમ કહીને સર્વોચ્ચ ન્યાયાધીશે એ મંત્રાલયની મંજૂરીથી સંખ્યાબંધ ખૂબ જૂનાં વૃક્ષો સહિત ચાર હજાર વૃક્ષો કાપીને બનાવવામાં આવેલ નાગપુર-જબલપુર ધોરી માર્ગનો દાખલો આપ્યો.
આવો જ એક દાખલો તેમણે એકવીસમી તારીખની સુનાવણીમાં પણ આપ્યો. કુદરતી સંપત્તિને થઈ રહેલી હાનિની વાત કરતાં તેમણે નાગપુરનાં ત્રણ તળાવોની અવદશાનો ઉલ્લેખ કરીને કહ્યું : ‘નવાં ઊભા કરવાની અક્કલ તમારામાં ન હોય એ હું સમજું છું, પણ તમે તો જે છે તેનો પણ નાશ કરી રહ્યા છો.’ પર્યાવરણની હાનિને લગતો આ ત્રીજો કિસ્સો અદાલતની સામે આવ્યો છે એમ જણાવી ન્યાયમૂર્તિએ મુંબઈની મેટ્રો રેલ માટેના શેડનો અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો.
અહીં એ યાદ કરવું જોઈએ કે મુંબઈનાં ગોરેગાવની આરે કૉલોની વિસ્તારમાં મેટ્રો રેલવે માટે ઝાડ કાપવા પર સર્વોચ્ચ અદાલતે 8 ઑક્ટોબરે આપેલો મનાઈ હુકમ 16 ડિસેમ્બરે ફરીથી સુનાવણી થાય ત્યાં સુધી લંબાવ્યો છે. જો કે તે પહેલાં 4 ઑક્ટોબરની સાંજે મુંબઈની વડી અદાલતની મંજૂરીને પગલે સત્તાવાળાઓએ અસાધારણ ઝડપથી બે દિવસમાં બે હજારથી વધુ ઝાડનો ખાતમો બોલાવી દીધો. તે પછી સર્વોચ્ચ અદાલતનો વૃક્ષછેદન સામે મનાઈહુકમ આવ્યો. આ મનાઈહુકમ કાયદાની પદવીના વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ ન્યાયાધીશ રંજન ગોગોઈને લખેલા પત્રને આધારે દશેરાની રજા હોવા છતાં ખાસ વેકેશન બેન્ચ રચીને આપવામાં આવ્યો હતો.
સર્વોચ્ચ ન્યાયમૂર્તિની પર્યાવરણ માટેની સંવેદનશીલતા તેમણે દિલ્હીમાં ન્યાયાધીશોનાં બે દિવસનાં આંતરરાષ્ટ્રીય સંમેલનના સમાપન સમારંભમાં રવિવારે આપેલાં વક્તવ્યમાં પણ જોવા મળી. તેમાં જસ્ટીસ બોબડેએ પર્યાવરણને લગતી બાબતો માટે બધાં દેશોની વચ્ચે સમાન ધારાનું સૂચન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે: ‘પર્યાવરણના પ્રશ્નોના ઉકેલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સરહદો ન નડવી જોઈએ. પાણી અને પવન આખી પૃથ્વી પર વહેતાં રહે છે …. આપણે પૃથ્વી પાસેથી જેટલું લઈએ છીએ તેના કરતાં ઘણું ઓછું તેને પાછું આપીએ છીએ.’
******
રિવાઇઝ્ડ 28 ફેબ્રુઆરી 2020
[“નવગુજરાત સમય”, શનિવાર, 29 ફેબ્રુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત]