સદ્ભાવનાના વિસ્તારની પ્રવૃત્તિ એક દાયકા કરતાં વધુ સમયથી હાથ પર લીધી છે. તે પ્રમાણે વર્ષભરના કાર્યક્રમોને અંતે કાર્યકરોને વૈચારિક ભાથું મળતું રહે તે માટે પર્વનું આયોજન થાય છે. મોરારિ બાપુ ભલે રામકથા સાથે જોડાયેલા રહ્યા, પરંતુ સામાજિક સદ્ભાવનાનું કાર્ય પણ તેમના હૈયે પહેલેથી વસેલું છે. પ્રતિવર્ષ પર્વનું આયોજન મહુવા ખાતેના કૈલાસધામ ગુરુકુળમાં જ થાય, પોતે તેના યજમાન બને, એમાં તેમણે સદા ય ગૌરવનો અનુભવ કર્યો. પર્વના વિષય, વક્તા અને પુરસ્કૃત થનાર વ્યક્તિની પસંદગીમાં ક્યાં ય આડકતરો ઇશારો કે સૂચન દસ વર્ષમાં કદી પણ તેમણે ન કર્યાં. આવા યજમાને નિર્ણય કરી નાખ્યો કે તેમને ત્યાં થતાં બધાં જ પર્વો હવે સ્થગિત! જાણ્યું ત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયેલા. અમારે તો આયોજન ચાલુ જ રાખવું હતું, પણ પેલી સંસ્કૃત સૂક્તિમાં કહ્યું છે તેમ યોજક દુર્લભ હતા. છેલ્લા થોડાં વર્ષોથી લોકનિકેતન, રતનપુરમાં ‘વિશ્વગ્રામ’ની ઘણી શિબિરો ત્યાંના સંચાલક કિરણ ચાવડાના સહકારથી યોજાતી રહેતી હતી. તેમણે યજમાન થવાની ત્વરિત તૈયારી દર્શાવી. પરિણામે સદ્ભાવના પ ર્વ- દસ એ ૧૨-૧૩-૧૪ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન ત્યાં યોજાયું. નક્કી કર્યું હતું કે ગાંધી-કસ્તૂરબાનાં જન્મના ૧૫૦ વર્ષ ઊજવાઈ રહ્યાં છે, ત્યારે શાશ્વતગાંધી – સાંપ્રતગાંધી એ થીમની આસપાસ બધાં વક્તવ્યો ગોઠવવાં, રાષ્ટ્રીય કક્ષાના વક્તાઓની પસંદગી પ્રતિવર્ષ કરતા રહ્યા છીએ તે રીતે, આ વર્ષે પણ કરવામાં આવી.
પ્રથમ દિવસની પહેલી બેઠકના વક્તા હતા અર્થશાસ્ત્રના અભ્યાસી અને વિદ્વાન પ્રાધ્યાપક રોહિત શુક્લ. રોહિતભાઈએ વિષય પસંદ કર્યો હતો : ‘ગાંધીવિચાર : ગ્રાહકત્વ, માણસત્વ અને નાગરિકત્વ’. મૂડીવાદના પાયામાં ગ્રાહક રહેલો છે. મૂડીવાદ ફૂલેફાલે છે ગ્રાહકને કારણે. નવું ખરીદો અને જૂનું ફેંકી દો એ નિયમથી જ આજે વૈવિધ્યસભર ઉત્પાદનો થઈ રહ્યાં છે. આપણી જૂની માનસિકતા ઓછી ચીજવસ્તુઓથી ચલાવવાની હતી. વળી, આપણે ચીજો રિપૅર કરાવીને પણ વાપરતા હતા. રૂપાંતર કરીને પણ તેનો ઉપયોગ કરતા. હવેનું સૂત્ર છે : યુઝ ઍન્ડ થ્રો. વળી વધુ વાપરો અને કરકસર ન કરો એવું પણ કહેવાય છે. આ મૂડીવાદ ક્યાં લઈ જશે એ કોઈ જાણતું નથી. વક્તાએ ગાંધીવિચારને જોડીને કહ્યું કે જો પાયામાંથી ગ્રાહક જ હટી જાય, તો મૂડીવાદનું માળખું ધ્વસ્ત થઈ જાય ! આપણે ગ્રાહક બની રહેવાનું નથી. વિવેકપુરઃસરના ઉપયોગકર્તા બની રહેવાનું છે. બીજા સોપાને મનુષ્યત્વની વાત આવી. ધાર્મિક માણસ પણ દયાભાવ જતાવે છે, પણ સામેવાળાના મનુષ્યના સ્વમાનને હાનિ ન પહોંચે તે રીતે તેનો મદદે જવાનું છે તેના બહુ ખ્યાલ રખાતો નથી. સામાજિક ન્યાયની રીતે મનુષ્યત્વની ખિલવણી કરવાની છે. ત્રીજા તબક્કે નાગરિકતાની વાત છે. માણસ અને નાગરિકમાં ફેર છે. નાગરિક કાયદાથી અને અધિકાર-ફરજ એમ બંનેથી સભાન હોય છે. એ સંકુચિત વાડાઓથી પર હોય છે. પ્રશ્નોત્તરીમાં ઘણાને એ ન સમજાયું કે માણસ બીજા ક્રમે અને નાગરિક તેથી ઉપલા ક્રમે કેમ ? વક્તાએ ઘણા સમભાવથી આ પ્રકારના પ્રશ્નોના જવાબમાં સમજણ વિસ્તરે તેવાં ઉદાહરણો પણ આપ્યાં, પણ હજુ આખા દેશને આ નાગરિકતાવાળી ઉચ્ચ વાત પકડાતી નથી, તેવું સભામંડપમાં પણ બન્યું !
રોહિતભાઈના વક્તવ્યપૂર્વે સંજયે સદ્ભાવના પર્વની ભૂમિકા વિગતે રજૂ કરી. પોરબંદરથી દાંડીની સદ્ભાવના-યાત્રા, તેમાં થતાં વક્તવ્યો અને તે સાથે ભજવાતું એકાંકી નામે ‘લકીરે મિટાયેં હમ’ની વાત કરી. કાશ્મિરયાત્રા ચાલી રહી છે અને થવાની છે, તેની પણ વાત કરી.
બપોરની બેઠક દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક અપૂર્વાનંદની હતી, જેમનો વિષય હતો, ‘સત્યાગ્રહ અને ગાંધી’. સદ્ભાવના એક તપસ્યા છે અને એ બિનશરતી હોય છે, પૂર્વગ્રહવિહીન હોય છે એ સમજણ આપી. આ વાત કરતી વખતે તેમણે ગાંધીવિચારને જોડ્યો. ગાંધીની એ વાત યાદ કરી કે હિન્દુ-મુસ્લિમ એકતાના ભોગે ગાંધીને સ્વતંત્રતા ખપતી ન હતી. આજે જે નાગરિકતાનો પ્રશ્ન ઊભો થયો છે, એવો જ પ્રશ્ન દક્ષિણ આફ્રિકામાં હતો. ગાંધીએ પ્રજામાં ભેદભાવ ઊભો કરતા કાયદાનો વિરોધ કર્યો હતો. કાયદા સમક્ષ બધા નાગરિકોની સમાનતા હોવાનો આગ્રહ સેવ્યો હતો. આ બાબત તે સમયની સરકારે પણ સ્વીકારી ન હતી. તેથી ગાંધીને સત્યાગ્રહ કરવો પડ્યો હતો. સાંપ્રત ઘટનાઓ સંદર્ભે પ્રશ્નોત્તરી પણ ઘણી રસપ્રદ અને ઉત્તેજક રહી. વ્યાપક નાગરિકતાની કેટલીક વાતો અસ્વીકાર્ય બનતી હોય, એમ પણ જોવા મળ્યું!
રાત્રિબેઠકમાં પાલનપુરના જાણીતા સંવેદનશીલ ગઝલકાર મુસાફિર પાલનપુરીએ પ્રસંગને અનુરૂપ કેટલીક ગઝલોની રજૂઆત કરીને શ્રોતાઓને કવિતાની રસલહાણિ કરાવી હતી. તે પછી યાત્રા દરમિયાન અનેક સ્થળે ભજવાતું રહેલું એકાંકી ‘આવો લકીરે મિટાયેં’ની ૫૮મી પ્રસ્તુતિ થઈ હતી. એકાંકીમાં સફાઈકામદારનું મૃત્યુ, દલિતોને મકાન મેળવામાં પડતી મુશ્કેલી, બાળકોની એકતા વિરુદ્ધ વડીલોની ભેદભાવભરી દૃષ્ટિ અને યુદ્ધવિરોધી બાબતોને સરસ રીતે વણી લેવામાં આવી છે. એકાંકી સર્વત્ર ઘણું અસરકારક રહ્યું હતું. સંદેશ લોકોમાં બરાબર ઝિલાતો હતો.
બીજા દિવસની પ્રથમ બેઠકમાં વક્તા હતા સુભાષ ભટ્ટ, જેઓ ‘નવનીત સમર્પણ’ સામયિકમાં ઊઘડતા પાને ‘અનહદ બાની’ નામે અધ્યાત્મની રજૂઆત કરતા રહ્યા છે. તેમનો વિષય હતો : ‘ગાંધી અને અધ્યાત્મ’. બીજી બેઠકનો વિષય હતો ગાંધી અને અહિંસા. વક્તા હતા દિલ્હીની અશોક યુનિવર્સિટીના પ્રાધ્યાપક દિલીપ સિમિયન. વિજ્ઞાન અને ટેક્નોલૉજી આપણા નૈતિક પ્રશ્નોના જવાબ ન આપી શકે. વિચારવિમર્શ અને વિવેક તે માટે જરૂરી છે. ધર્મની બાબતે વધુ વિવેક અને દૃઢતાની જરૂરત છે. પોતે યુવાવયે કેવી રીતે ભાવુકતાને કારણે નક્સલવાદી આંદોલનમાં ગયા અને કેવી રીતે તેમને હિંસાની નિરર્થકતાનો અનુભવ થયો તેના ઉદાહરણ દ્વારા તેમણે અહિંસાના મહત્ત્વની વાત વધુ સ્પષ્ટપણે મૂકી આપી. બપોરની બેઠક ગાંધીજી અને સર્વધર્મ સમભાવ વિશે હતી અને વક્તા હતા મૂલ્યનિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા, એમણે કોમી વિખવાદ અને ભારતના ભાગલાનો ઇતિહાસ બહુ શરૂઆતથી સમજાવ્યો. ગાંધીજીને બિનજરૂરી રીતે વિભાજન માટે જવાબદાર ઠેરવામાં આવે છે, એની વિગતો આપી. ગાંધીનો ધર્મ તરફનો દૃષ્ટિકોણ કેવો હતો, એનાં ઉદાહરણો પણ આપ્યાં.
બીજા દિવસની બેઠકોને અંતે રાત્રિબેઠકમાં કાશ્મીરયાત્રાના અનુભવો રજૂ થયા. આપણને માત્ર કાશ્મીરમાં નહિ. પણ કાશ્મીરની પ્રજામાં રસ હોવો જોઈએ, તેમની ચિંતા હોવી જોઈએ એ વાત સંજયે મૂકી. છેલ્લા દિવસે સવારમાં ૫૭ દિવસની પદયાત્રાના અનુભવોની રજૂઆત થઈ. તે અંગેની નાનકડી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી. કોઈ પણ સમૂહ કોઈ પણ સંદેશ લઈને પગપાળા નીકળે છે. તો લોક તેને કેવી ઉષ્માથી જુએ છે, તેને કેવો સહકાર સાંપડે છે, તેના અનુભવો ઉત્સાહ વધારનારા હતા. તે પછી ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના કુમાર પ્રશાંતે ગાંધી અને સાધનશુદ્ધિ વિશે રજૂઆત કરી. કુમાર પ્રશાંત દેશ-વિદેશમાં ગાંધીવિચારને રજૂ કરી રહ્યા છે. જયપ્રકાશ નારાયણ સાથે તેમણે સંપૂર્ણ ક્રાંતિ અંગે કામ કર્યું છે. ખોટાં સાધનોથી અથવા ખોટા માર્ગે જઈને સાચું ધ્યેય હાંસલ ન થઈ શકે તેથી જ ગાંધીનો આગ્રહ સાધનશુદ્ધિ માટે હતો એમ તેમણે કહ્યું. સહકારની શક્તિ કરતાં લોકશક્તિ વધુ વળવાન છે. લોકો સરકારને પરવાનો આપે છે, તેથી સરકારના પરવાના બાબતે લોકોએ ડરવાની જરૂર નથી. દેશ આખરે સરકારથી નથી બનતો, પણ સંસ્કૃતિથી બને છે. સંસ્કૃતિના પાયામાં લોકો જ હોય છે. લોકતંત્રથી મોટો બીજો કોઈ ધર્મ ન હોઈ શકે. એમ તેમણે જણાવ્યું.
છેલ્લી વિશેષ બેઠક પ્રોફેસર ભીખુ પારેખ સાથે હતી. તેમણે ગાંધીજીની અન્યાય સામેની લડત તેમ જ તેમાં પ્રયોજેલા સત્યાગ્રહ અને અહિંસાની મીમાંસા કરી. કોઈ પણ ઠેકાણેથી ઉપયોગી વસ્તુ લેવામાં ગાંધીને વાંધો નથી. રાજકીય નેતૃત્વ કેવું હોવું જોઈએ તેનું ગાંધી ઉત્તમ ઉદાહરણ છે. ગાંધીના વિચારોને આજના સંદર્ભમાં સાથે જોડીને નવી દૃષ્ટિ અપનાવીને ગાંધીને પુનઃજીવીત કરી શકાય એવું તેમનું તારણ હતું. પ્રશ્નોત્તરી પણ ઉત્તેજક રહી. એક પ્રશ્નના જવાબમાં ભીખુભાઈએ જણાવ્યું કે ગાંધીનો વિરોધ ગુલામી સામે હતો, અંગ્રેજો સામે નહિ. આજે પણ ભારતના લોકો ઇંગ્લૅન્ડમાં ધંધા-રોજગાર કરી શકે છે અને કોઈ ભારતીય મહિલા ત્યાં મંત્રીમંડળ સુધી પહોંચી શકે છે. એના પાયામાં ગાંધી છે.
આજે દેશમાં ઘણી બધી બાબતોએ હોબાળાની પરિસ્થિતિ છે. યુવાવર્ગ આંદોલનમાં અગ્રહરોળમાં છે. રાજકારણ અને રાષ્ટ્રભાવના એવી રજૂઆત પામે છે કે સામાન્ય માણસ ભ્રમિત થઈ જાય છે, મૂંઝાઈ જાય છે. લોકશાહીમાં બહુમતીવાદને સ્થાન નથી, પરંપરાને વળગી રહેવાને બદલે બંધારણના આદર્શો મુજબ લોકોમાં નાગરિકતા વિકસે, એના સઘન પ્રયાસોની જરૂરત છે. પર્વમાં યુવાવર્ગે ભાગ લીધો, પ્રશ્નો પૂછ્યા અને જાણકારી પ્રાપ્ત કરી. એ રીતે પર્વ સંતર્પક રહ્યું.
અડાલજ
E-mail : dankesh.oza20@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 11-12