રંજન ગોગોઈ અને પી. સથાસિવમ જેવા કલંકરૂપ જજોને વેચાતા જોઈને જેમનું રુવાડું પણ ફરકતું નથી એવા દેશભક્તોને કડવું લેસન ભણાવવું જરૂરી છે. લેસન એ છે કે પાકિસ્તાનની આજે જે હાલત જોવા મળે છે એના જનક એકલા રાજકારણીઓ, એકલા લશ્કરી સરમુખત્યારો અને એકલા કોમવાદી મુલ્લાંઓ નથી; તેમાં ન્યાયતંત્રનો પણ હાથ છે. હું તો કહીશ કે તેમાં ન્યાયતંત્રનો સૌથી મોટો હાથ છે. રાજકારણીઓ, લશ્કરી અધિકારીઓ અને મુલ્લાંઓ બંધારણની મર્યાદામાં રહે એવી અપેક્ષા રાખવામાં આવી છે; તેમને મર્યાદા બતાવી આપવાનું કામ, તેમને મર્યાદામાં રાખવાનું કામ અને જો ન રહેતા હોય તો દંડવાનું કામ અદાલતોનું અર્થાત્ જજોનું છે. આમ બંધારણીય મર્યાદા અને બંધારણીય નૈતિકતા (કૉન્સ્ટીટ્યુશનલ મૉરાલિટી) જાળવવાનો અને તેની રખેવાળી કરવાનો ધર્મ જજોનો છે.
૧૯૫૪માં, પાકિસ્તાન સ્થપાયાને હજુ માંડ સાત વર્ષ પણ નહોતા થયાં ત્યાં પાકિસ્તાનના ત્રીજા ગવર્નર જનરલ ગુલામ મહમ્મદે પાકિસ્તાનની બંધારણસભાનું વિસર્જન કરી નાખ્યું હતું. ૧૯૫૦માં ભારતમાં બંધારણ અમલમાં આવી ચૂક્યું હતું, જ્યારે ૧૯૫૪માં પાકિસ્તાનમાં બંધારણસભા હજુ બંધારણ ઘડતી હતી એનું કારણ મતભેદ અને હુંસાતુંસી હતાં. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ન્યાયતંત્રની અને ખાસ કરીને ત્યાંની સર્વોચ્ચ અદાલતની ફરજ બનતી હતી કે તે બંધારણસભા તેના ધ્યેય સુધી ન પહોંચે ત્યાં સુધી તેની રક્ષા કરે. પવનની ઝાપટો ખાતો દીવો રાણો ન થાય એ જોવાનું કામ અને દીવા આગળ હાથની હથેળી રાખીને તેને બચાવવાનું કામ જજોનું હતું.
બંધારણસભાનું વિસર્જન કરવાનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે વડા પ્રધાન ખ્વાજા નઝીમુદ્દીનની સરકાર પાકિસ્તાનની પ્રજાનું પ્રતિનિધિત્વ નથી કરતી. ૧૯૫૨માં ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ ચૂકી હતી અને ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં પણ આવી ગઈ હતી, પરંતુ પાકિસ્તાનમાં હજુ તો સામાન્ય ચૂંટણી યોજાઈ જ નહોતી એટલે સરકાર માટે લોકોના પ્રતિનિધિત્વનો કયો માપદંડ લાગુ કરવામાં આવ્યો હતો એ તો ખુદા જાણે.
સાચી વાત તો એ હતી કે પાકિસ્તાનની બંધારણસભા તેનું કામ લગભગ પૂરું કરવા આવી હતી અને ૧૯૩૫ના ઇન્ડિયન ઍક્ટમાં ગવર્નર જનરલને જે અમર્યાદિત સત્તા આપવામાં આવી હતી તે બદલીને ગવર્નર જનરલની સત્તા પર કાપ મૂકવાની હતી. ભારતે પણ આમ જ કર્યું હતું. સંસદીય લોકતંત્રમાં રાષ્ટ્રપતિ કે રાજ્યોના ગવર્નરોને એક હદથી વધુ સત્તા આપવામાં આવે તો ચૂંટાયેલી સરકારનો શો અર્થ? આ તો વગર ચૂંટણીની પ્રમુખશાહી થઈ અને ચૂંટાયેલી સરકાર શોભાની થઈ. ગવર્નર જનરલના અર્થાત્ રાષ્ટ્રપતિના અધિકારો કપાવાના છે તેની ગંધ આવતા જ ગુલામ મહમ્મદે સમૂળગી બંધારણસભા જ વિખેરી નાખી હતી. ન રહે બાંસ ન બજે બાંસુરી.
પાકિસ્તાનની બંધારણસભા કમ સંસદના સ્પીકર મૌલવી તમીઝુદ્દીને ગવર્નર જનરલના પગલાંને સિંધની વડી અદાલતમાં પડકાર્યું. સિંધની વડી અદાલતમાં ન્યાયમૂર્તિ સર જ્યોર્જ કોન્સ્ટેન્ટાઈને ગવર્નર જનરલનાં પગલાંને ગેરકાયદે ઠરાવ્યું અને બંધારણસભા બહાલ કરી. ગવર્નર જનરલ સર્વોચ્ચ અદાલતમાં ગયા જ્યાં રાજન ગોગોઈઓ અને સથાસિવનોના મોટાભાઈ ન્યાયમૂર્તિ મુહમ્મદ મુનીરે ગવર્નર જનરલના પગલાંને કાયદેસર ઠરાવ્યું અને પાકિસ્તાનની બંધારણસભાનું અને બંધારણનું કાસળ કાઢી નાખ્યું. શા માટે? કારણ કે ગવર્નર જનરલ ગુલામ મહમ્મદ સાથે અંગત દોસ્તી હતી અને તેમણે જ મુનીરની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ કરી હતી.
બાય ધ વે, મહીન્દ્ર એન્ડ મહીન્દ્રમાં જે બે ‘એમ’ છે એમાંનો બીજો એમ ગુલામ મહમ્મદનો હતો. કંપની આઝાદી પહેલાં મહિન્દ્રબંધુઓએ અને ગુલામ મહમ્મદે મળીને સ્થાપી હતી અને તેનું મૂળ નામ મહિન્દ્ર એન્ડ મહમ્મદ હતું. આઝાદી પછી ગુલામ મહમ્મદ પાકિસ્તાન જતા મહિન્દ્ર એન્ડ મહમ્મદ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર બની હતી. બાય ધ વે, એક વાત ન્યાયમૂર્તિ મુનીર વિશે પણ નોંધી લઈએ. મુનીર અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. હતા અને તેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અદ્ભુત હતું. એક વાર એક ખટલામાં આપણા કનૈયાલાલ મુનશી તેમની સામે લાહોરની વડી અદાલતમાં ઊભા રહ્યા. ન્યાયમૂર્તિ મુનીરે ખટલો સાંભળતા મુનશીને કહ્યું હતું કે મિ. મુનશી, તમારું અંગ્રેજી અને ઉચ્ચારણ હોરિબલ છે. મુનશીએ પોતે આ પ્રસંગ તેમની આત્મકથામાં નોંધ્યો છે. મુનશીનું અંગ્રેજી ફાંકડું હતું એ આપણે જાણીએ છીએ તો મુનીરનું એનાં કરતાં કેવું ઉત્તમ હશે તે વિચારી જુઓ અથવા તે માણસ કેટલો શ્રેષ્ઠત્વથી પીડાતો હશે તેની કલ્પના કરી જુઓ. બીજી વાત સાચી છે.
ખેર, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના જજ મુનીરે ગવર્નરનાં પગલાંને કાયદેસર ઠરાવ્યું. દલીલ શું હતી જાણો છો? ડૉક્ટ્રીન ઑફ નેસેસિટીની. જરૂરિયાતનો સિદ્ધાંત. ૧૩મી સદીમાં થઈ ગયેલા બ્રિટિશ જજ હેન્રી દે બ્રેક્ટનના સિદ્ધાંતનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે કેટલીકવાર અનિવાર્ય સંજોગોમાં કાયદાકીય રીતે ગેરકાયદેને જરૂરિયાતના ભાગરૂપે કાયદેસર હોવાની માન્યતા આપવી પડતી હોય છે. હવે વિચારો કે પાકિસ્તાનમાં એવી કઈ અનિવાર્ય જરૂરિયાત પેદા થઈ હતી કે બંધારણસભાને વિખેરી નાખવા જેવું ગેરકાયદે પગલું ભરવું પડે! દેશ પર કોઈએ ચડાઈ નહોતી કરી, વર્ગવિગ્રહ નહોતો ફાટી નીકળ્યો, એવી બીજી કોઈ ઈમરજન્સી નહોતી. હા, જો કોઈની જરૂરિયાત હતી તો એ ગવર્નર જનરલ ગુલામ મહમ્મદની હતી જેને સત્તા હાથમાંથી છોડવી નહોતી.
મુહમ્મદ મુનીરના એ દોસ્તાના ચુકાદા પછી પાકિસ્તાનની ગાડી પાટા પરથી ઊતરી ગઈ જે આજ સુધી સરખી રીતે પાટે ચડી નથી. ન્યાયમૂર્તિ મુનીરે ન્યાયમૂર્તિનો ધર્મ નિભાવ્યો હોત તો પાકિસ્તાન અત્યારે જે સ્થિતિમાં છે એવી સ્થિતિમાં ન હોત.
આપણે ત્યાં ગયા નવેમ્બર મહિનામાં અયોધ્યાના મામલામાં સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો હતો એ ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી જેવો જ હતો, માત્ર આવો શબ્દપ્રયોગ કરવામાં નહોતો આવ્યો. સામાન્ય સંજોગોમાં જે ઘટના કાયદાકીય રીતે ગેરકાયદે કહેવાય એ જરૂરિયાતના ભાગરૂપે કાયદેસર ગણવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે મીર બાંકી કે બીજા કોઈ મુસલમાને મંદિર તોડીને એ સ્થાને બાબરી મસ્જિદ બાંધી હોવાના કોઈ પુરાવાઓ મળતા નથી. મસ્જિદના સ્થળે મંદિર હોવાના પણ કોઈ શંકાતીત પુરાવાઓ મળતા નથી. આમ છતાં ય હિન્દુત્વવાદીઓએ કાયદો હાથમાં લઈને મસ્જિદ તોડી પાડી અને તેનો કબજો લઈ લીધો એ સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ સામાન્ય સંજોગોમાં કાયદાકીય રીતે તો ગેરકાયદે કહેવાય પણ તે જરૂરિયાતના ભાગરૂપે કાયદેસર ગણાય. ચુકાદો આમ જ કહે છે કે બીજું કાંઈ? ચુકાદો આપનાર જજોએ ડૉક્ટ્રીન ઑફ નેસેસિટીનો શબ્દપ્રયોગ ઈમાનદારીપૂર્વક કરવો જોઈતો હતો. આ જ તો તેમણે કહ્યું હતું તો પછી ડૉક્ટ્રીન ઑફ નેસેસિટીનો આશ્રય લેવામાં શું વાંધો હતો?
સામાન્ય સંજોગોમાં કાયદો હાથમાં લઈને કોઈની જમીન કે મિલકત આંચકી લેવી એ ગેરકાયદે ગણાય, પણ જરૂરિયાતના ભાગરૂપે ગેરકાયદેને કાયદેસરનું રૂપ આપવું પડે. પણ જરૂરિયાત કોની? સર્વોચ્ચ અદાલતની પોતાની. હિન્દુત્વવાદીઓએ મસ્જિદની જમીન ગેરકાયદે આંચકી લીધી અને હવે બળજબરી કબજો જમાવ્યો છે એ ગેરકાયદે છે એમ જો સર્વોચ્ચ અદાલત કહે તો જમીન ખાલી કરાવવી પડે. જેમણે ગેરકાયદે કબજો જમાવ્યો છે તેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે. તેઓ દાદાગીરી કરે છે અને કાયદાની ઐસીતૈસી કરે છે. આમ જેની જમીન આંચકી લેવાઈ છે તેને ન્યાય આપી શકાય એમ નથી માટે ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી. મુસલમાનોને થોડે દૂર મસ્જિદ બાંધવા પાંચ એકર જમીન આપવામાં આવશે એમ ન્યાયના નામે નાક બચાવવા કહેવામાં આવ્યું છે.
હવે પછી શબરીમાલાના ચુકાદાની રિવ્યુ પિટીશનમાં પણ ડૉક્ટ્રીન ઑફ નેસેસિટીનો આશરો લેવામાં આવે તો નવાઈ નહીં પામતા. સામાન્ય સંજોગોમાં કોઈને મંદિરમાં પ્રવેશતા રોકવા એ કાયદાકીય રીતે ગેરકાયદે કહેવાય પણ અનિવાર્ય સંજોગોમાં જરૂરિયાતના ભાગરૂપે ગેરકાયદેને કાયદેસર ઠરાવી શકાય. જો પરંપરાવાદી ધર્મઝનૂની હિંદુઓને મનાવી ન શકાય, તેમને કયદાનો ડર ન લાગતો હોય, તેમને વારી શકાય એમ ન હોય, તેમને સજા કરો તો સજાનો અમલ કરવાનું જેમનું કામ છે એ અમલ ન કરે તો બીજું શું થાય? ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી. કરો ગેરકાયદેને કાયદેસર.
હું આશા રાખું છું કે સુજ્ઞ વાચકોને આ વાતની ગંભીરતા સમજાતી હશે. ૧૯૫૪માં મુહમ્મદ મુનીર નામના જજે પાકિસ્તાનમાં છીંડું પાડ્યું. જ્યારે પહેલું છીંડું પડ્યું ત્યારે જો પાકિસ્તાનના નાગરિકો જાગી ગયા હોત તો પાકિસ્તાનના આજે જે હાલ થયા છે એ ન થયા હોત, પણ તેમને મન તો પાકિસ્તાન મુસલમાનો માટેની ખુદાએ અલગ કાઢી આપેલી પાક ભૂમિ હતી એટલે ઇસ્લામના નામે મૂંગા રહ્યા હતા. બહુ થોડા લોકો બોલતા હતા જેનો અવાજ ઇસ્લામના ગોકીરમાં કાને પડતો નહોતો. એ પછી તો છીંડાં મોટાં અને વધુને વધુ પહોળાં થતાં ગયાં જેની વાત આવતા અઠવાડિયે કરીશું. દરમિયાન રંજન ગોગોઈ (જેમના નામની આગળ ‘ન્યાયમૂર્તિ’ એવું વિશેષણ હું હવે વાપરતો નથી અને વાપરવું પણ ન જોઈએ) તેમની સેવાનું ઇનામ મેળવીને રાજ્યસભામાં ગોઠવાઈ ગયા છે. એ જોઈને બીજા જજોના મોઢામાં પાણી પણ આવતું હશે!
કાયદાના રાજનો અને બંધારણીય નૈતિકતાનો આ જ રીતે ગોગોઈઓ દ્વારા ક્રમશઃ ક્ષય થતો હોય છે! … માટે બોલો. ઊહાપોહ કરો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 માર્ચ 2020