ભારતને જોવાના અને ભારત સાથે કામ પાડવાના અંગ્રેજો અને કુલ મળીને યુરોપિયનોના ચાર અભિગમ હતા એ અહીં કહેવામાં આવ્યું છે. એમાં એક વર્ગ પૌરાત્યવાદીઓનો પણ હતો. આમાં મુક્ત અભ્યાસીઓ હતા અને કેટલાક મિશનરીઓ પણ હતા. પાશ્ચાત્યવાદી અને સામ્રાજ્યવાદી મૅકોલેએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવે એની વકીલાત કરતા કહ્યું હતું કે જો ભારતના સમગ્ર પૌર્વાત્ય સાહિત્યને એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ મોટો પડે! પણ મૅકોલે તો કેટલાક પ્રકારના પૂર્વગ્રહો સાથે ભારતને જોનારો હતો. જે લોકો ભારતમાં રહીને ભારત સાથે કામ પાડતા હતા તેમાંના કેટલાકને અખાનું વચન ટાંકીને કહીએ તો ‘છીંડું શોધતા લાધી પોળ’ જેવો અનુભવ થયો હતો.
ભારતને અને ભારતની પરંપરાને સમજવા માગતા મિશનરીઓ બે પ્રકારનું વલણ ધરાવતા હતા. કેટલાક એટલા માટે આમાં પ્રવેશ્યા હતા કે હિંદુ ગ્રંથોનો હવાલો આપીને કહી શકાય કે જુઓ તમારી પરંપરા ખાલી અને ખોખલી છે. ખોખલાપણાના પ્રમાણો શોધવા માટે. આ સારુ તેઓ સંસ્કૃત શીખ્યા હતા. તેમણે જ્યારે તેમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. વેદ, ઉપનિષદ, સાંખ્ય, વૈશેષિક દર્શન, ન્યાય, વ્યાકરણ, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, શ્રમણદર્શન, શાકુન્તલ જેવું સંસ્કૃત સાહિત્ય તેમ જ કાવ્યશાસ્ત્ર, આયુર્વેદ, શિલ્પ અને સ્થાપત્યશાસ્ત્ર, સંગીત વગેરેનો અભ્યાસ કર્યો ત્યારે તેઓ મોંમાં આંગળા નાખી ગયા હતા. તેમનામાં જે લોકો જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા હતા તેમણે હિંદુ ધર્મના ખોખલાપણાના પ્રમાણો શોધવાનું બાજુએ મૂકીને તેનો ઊંડો અભ્યાસ કરવા માંડ્યો હતો. આ ઉપરાંત મિશનરી નહોતા એવા સ્વતંત્ર વિદ્વાનો પણ ભારતમાં રસ લેતા થયા હતા. જે કેવળ ધર્મપ્રચારક હતા તેઓ હિંદુ ધર્મને નિંદવા માટે પુરાણોનો આશરો લેતા થઈ ગયા હતા. હિંદુ ધર્મને નિંદવા માટે હવે તેઓ માત્ર પુરાણોની ગાંડીઘેલી વાતોનો જ તેઓ આશરો લઈ શકે એમ હતા.
એમ કહેવાય છે કે પોંડીચેરીના મિશનરીઓએ ફ્રેંચ ભાષામાં યજુર્વેદનો તેમને ફાવ્યો એવો કાચોપાકો અનુવાદ કર્યો હતો જે L’ezour Vedamના નામે પ્રકાશિત કર્યો હતો અને તે ફ્રેંચ ફિલસૂફ વોલ્તેરના વાંચવામાં આવ્યો હતો. સન ૧૭૩૨માં સંસ્કૃતનો વ્યાકરણગ્રંથ લખવામાં આવ્યો હતો જે ૧૭૯૦માં રોમમાં છપાયો હતો. ૧૮૧૭માં એબે જે. એ. દુબોઇસ નામના અભ્યાસીએ ‘હિંદુ મેનર્સ, કસ્ટમ્સ એન્ડ સેરિમનીઝ’ નામનો ગ્રંથ લખ્યો હતો. ૧૭૬૦માં ઍન્ક્વેફિલ દુપરોન નામનો અભ્યાસી યુવક ભારત આવ્યો હતો જે સંસ્કૃત અને ફારસીની ૮૦ જેટલી હસ્તપ્રતો ફ્રાંસ લઈ ગયો હતો. એમાં એક હસ્તપ્રત દારા શિકોહે ઉપનિષદોનો ફારસી ભાષામાં કરેલો અનુવાદ હતો. ઍન્ક્વેફિલ દુપરોને તેનો ‘Oupnekhat’ (ઉપનિષદ્) એવા શીર્ષક સાથે લેટિનમાં અનુવાદ કર્યો હતો જે વાંચીને જર્મન ફિલસૂફ આર્થર શોપેનહાર અભિભૂત થઈ ગયો હતો જેની વાત આ શ્રેણીમાં કહેવાઈ ગઈ છે.
જોહાન ફિક્ટે, પૉલ ડૂસાન જેવા વિદ્વાનોએ વેદાંતનો અનુવાદો દ્વારા જગતને પરિચય કરાવ્યો. ડૂસાને તો વેદાંતને જગતનું સૌથી મોટું સત્ય માન્યું હતું. ‘મનુસ્મૃતિ’નો અનુવાદ જ્યારે વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ નિત્શેના વાંચવામાં આવ્યો ત્યારે તેણે તેને બાઈબલ કરતાં પણ મહાન ગ્રંથ તરીકે ઓળખાવ્યો હતો. તેના શબ્દોમાં : A work which is spiritual and superior beyond comparison, which even name in one breath with the Bible would be a sin against the holy ghost.”
અહીં વાંચકોને એક ચેતવણી આપવી જરૂરી છે. પશ્ચિમના વિદ્વાનોએ આપણા ગ્રંથોની સરહના કરી છે એનો અર્થ એવો નથી કે એ બધા ગ્રંથો ખામીરહિત સંપૂર્ણ છે. કોઈ એમ ન માને છે નિત્શેએ જેને બાઈબલ કરતાં ચડિયાતો ગ્રંથ માન્યો છે એટલે ‘મનુસ્મૃતિ’નું પ્રત્યેક વચન ગ્રાહ્ય છે અને દલિતો અને નારીવાદીઓ તેને નાહક નિંદી રહી છે. નિત્શે આમ પણ ચોકાવનારા વિધાનો કરવા માટે ખ્યાતિ ધરાવતો હતો. પ્રત્યેક ગ્રંથ તેના સ્થળ અને કાળ દ્વારા પ્રભાવિત હોય છે, પણ તેનું પ્રમાણ ઓછુંવધતું હોય છે. જેટલી સ્થળ-કાળ બાધકતા ઓછી એટલો એ ગ્રંથ મહાન. આ દૃષ્ટિએ મૂલવીએ તો ઉપનિષદોમાં સ્થળ-કાળ બાધકતા ઓછામાં ઓછી છે, કદાચ નહીંવત્ છે એટલે એ સર્વકાલીન ગ્રંથ મનાય છે, જ્યારે ‘મનુસ્મૃતિ’ સમાજિક નીતિનિયમોનો ધર્મગ્રંથ હોવાને કારણે તેમાં સ્થળ-કાળ બાધકતા સૌથી વધુ છે. વાચકે આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે.
બીજું પશ્ચિમની આંખે આપણે આપણી જાતને સરાહવાની કે નિંદવાની માનસિકતા છોડવી જોઈએ. આપણે આપણી આંખ વિકસાવવી જોઈએ, જે રીતે પશ્ચિમના વિદ્વાનોએ પોતાની આંખે ભારતીય વિચાર-વ્યાપારને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તો પૂર્વગ્રહો સાથે પ્રાચ્યવિદ્યામાં પ્રવેશ કર્યો હતો અને દિવસના અંતે તેમાંના કેટલાક પ્રાચ્યવિદ્યાના સૌથી મોટા અભ્યાસી પ્રવક્તા બની બેઠા હતા. તેમના થકી આપણને આપણી પરંપરાનો સમગ્રતામાં પરિચય થયો હતો, બાકી આપણે તો સંપ્રદાય સાહિત્યના અભ્યાસથી આગળ વધતા જ નહોતા. બીજાનું વાંચવું શું, અડવું એ પણ પાપ ગણાતું હતું. એનો અર્થ એવો નથી કે પશ્ચિમના કોઈ વિદ્વાન પૂર્વગ્રહદુષિત નહોતા. ઘણા હતા અને તેનાથી પણ આપણે બચવાનું છે.
આમ છતાં ય ભારતને સમજવામાં પશ્ચિમના વિદ્વાનોએ જેટલા પ્રમાણમાં પૂર્વગ્રહ છોડ્યા છે, જિજ્ઞાસા બતાવી છે, જહેમત ઊઠાવી છે, મુક્ત મને અભિપ્રાયો બદલ્યા છે, ભૂલ કબૂલ કરી છે એટલું આપણા વિદ્વાનોએ પશ્ચિમની બાબતમાં તો નથી કર્યું, આપણી પોતાની બાબતમાં પણ નથી કર્યું. દ્વૈતી ગુરુ પહેલા જ દિવસે શિષ્યને કહી દેશે કે અદ્વૈત તરફ નજર નહીં કરવાની. એનાથી શંકા પેદા થશે, શંકા અશ્રદ્ધા પેદા કરશે અને અશ્રદ્ધા પાતકનું કારણ છે. તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણે આપણો સારાસાર વિવેક વિકસાવવો જોઈએ. જ્ઞાનસાધનાની પાશ્ચાત્ય પરંપરામાંથી ઘણું અપનાવવા જેવું છે. માટે નિત્શે જેવા વિદ્વાનોના અભિપ્રાયોને માથે મૂકીને નાચવાની જરૂર નથી.
વાચકોને અહીં જ સંકેત આપી દઉં કે જ્યારે આપણે આગળ ભારતે પશ્ચિમને કઈ નજરે જોયું તેની ચર્ચા કરીશું ત્યારે આ પ્રશ્ન કેન્દ્રવર્તી બનવાનો છે. અત્યારે તો આપણે પશ્ચિમે ભારતને કઈ નજરે જોયું અને તેઓમાં કેવા અભિગમ પ્રવર્તતા હતા તેની વાત કરી રહ્યા છીએ. સામ્રાજ્યવાદીઓ, પશ્ચિમી સભ્યતાવાદીઓ, ખ્રિસ્તી ધર્મવાદીઓ અને ભારત માટે કુણું સહાનુભૂતિપૂર્વકનું વલણ ધરાવનારા પૌર્વાત્યવાદીઓ એમ ચાર વલણ ધરાવનારા લોકોએ ખૂબ ચર્ચા કરી હતી. તેઓ સત્તામાં હતા અને તેઓ સમર્થ હતા એટલે પહેલું ડગલું તેઓ માંડતા હતા અને ભારતીય પ્રજા ગુલામ હોવાને કારણે અને સામર્થ્યહીન હોવાને કારણે તેણે પ્રતિક્રિયારૂપે ડગલું માંડવાનું હતું. ડગલું માંડનારાઓ તો ડગલાં માંડીને અને છેવટે પગ ખેંચીને જતા રહ્યા, પરંતુ પ્રતિક્રિયારૂપે ડગલું માંડવાની સમસ્યા એવડી મોટી હતી કે તેનાથી આજે પણ ભારતીય માણસ મુક્ત થઈ શક્યું નથી એની વાત તો હવે પછી આવશે.
હવે મૂળ વિષય પર પાછા ફરીએ વારેન હેસ્ટિગ્સ કંપની સરકારનો ભલે સત્તાવારપણે નિયુક્ત નહીં થયેલો, પણ પહેલો ગવર્નર જનરલ હતો. તેને પોતાને પ્રાચ્યવિદ્યાઓમાં ખૂબ રસ પડ્યો હતો. તેના ધ્યાનમાં આવ્યું હતું કે જ્યારે આપણે ભારતીય પ્રજા પર શાસન કરી રહ્યા છીએ અને સામ્રાજ્યનો વિસ્તાર થઈ રહ્યો છે ત્યારે પહેલી જરૂરિયાત તો ન્યાયતંત્રની પડવાની છે. શિક્ષણની બાબતમાં રસ ન લઈએ તો ચાલે પણ ન્યાય તો કરવો જ પડે. એ ન ટાળી શકાય. એ સમયે બ્રિટિશ ન્યાયપદ્ધતિ ભારતમાં દાખલ થઈ શકે એમ નહોતી એટલે વારેન હેસ્ટિગ્સે હિંદુઓના ધર્મશાસ્ત્રોનો અનુવાદ પહેલાં ફારસીમાં અને એ પછી અંગ્રેજીમાં કરાવ્યો હતો. એવી જ રીતે મુસલમાનોના ગ્રંથોના પણ અનુવાદ કરાવ્યા હતા. આને કારણે પણ ભારતીય સમાજને સમજવા માટેની પશ્ચિમને નવી દૃષ્ટિ મળી હતી. અંગ્રેજ જજો, અંગ્રેજ વકીલો અને અદાલતમાં ખાસ બેસાડવામાં આવતા હિંદુ પંડિતો અને મુસ્લિમ મૌલવીઓ વચ્ચે ખાટીમીઠી ચર્ચા ચાલતી રહેતી. આ ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી બ્રિટિશ ન્યાયપદ્ધતિ ભારતમાં સંપૂર્ણપણે લાગુ નહોતી કરવામાં આવી.
સર ચાર્લ વિલ્કિન્સ અને સર વિલિયમ જોન્સે મળીને ૧૭૮૪ની સાલમાં કલકત્તામાં એશિયાટિક સોસાઈટીની સ્થાપના કરી હતી. પ્લીઝ સાલ નોંધી લો. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી હજુ તો રાજ પાપા પગલી ભરતું હતું ત્યારે વારેન હેસ્ટિગ્સની સહાયથી એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ ગઈ હતી. આને કહેવાય પામવાની જિજ્ઞાસા. જેનું શોષણ કરવામાં આવતું હતું, જેને ગુલામ બનાવવામાં આવતા હતા, જેના સ્થાનિક ઉદ્યોગો તોડી નાખવામાં આવતા હતા, જેનો કાચો માલ અને બજાર કબજે કરવામાં આવ્યાં હતાં, જ્યાં ભારતીય રાજવીઓ સામે યુદ્ધો કરવામાં આવતાં હતાં, જ્યાં હિંસા આચરવામાં આવતી હતી, જ્યાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી; એની વચ્ચે ભારતને પામવાનો એટલો જ ભગીરથ પ્રયત્ન કરવામાં આવતો હતો.
ચાર્લ્સ વિલ્કિન્સ સંસ્કૃત શીખવા ખાસ બનારસ ગયો હતો અને તેણે ભાષા શીખીને ભગવત્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. તેણે મહાભારતનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ પણ હાથમાં લીધું હતું, પરંતુ તે પૂરું થઈ શક્યું નહોતું. તેણે બંગાળી ભાષાનું વ્યાકરણ લખ્યું હતું અને છાપખાના માટે બંગાળી બીબાં તૈયાર કર્યાં હતા. વિલિયમ જોન્સે કાલિદાસના અભિજ્ઞાનશાકુન્તલનો ઈ. સ. ૧૭૮૯માં ‘Sacontala or The Fatal Ring’ એવા શીર્ષક હેઠળ અનુવાદ કર્યો હતો જે વાંચીને જર્મન કવિ જોહાન્ન ગોથે નાચી ઊઠ્યો હતો એમ કહેવાય છે. વિલિયમ જોન્સે ભારતીય ભાષાશાસ્ત્રનો અને ધ્વનિશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. એ પછી તો કોલ બ્રૂકથી લઈને મેક્સમૂલર સુધીના અનેક વિદ્વાનો પ્રાચ્યવિદ્યાના અભ્યાસમાં જોડાયા હતા.
અહીં રામધારી સિંહ દિનકરનાં પુસ્તક ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ના આધારે માત્ર આચમન કરાવવામાં આવ્યું છે. બાકી પાશ્ચાત્ય વિદ્વાનોની પૌર્વાત્ય સાધનાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા વીસ લેખ લખવા પડે એટલું વ્યાપક કામ તેમણે કર્યું છે. જે તે જ્ઞાનશાખામાં અને બહુવિધ જ્ઞાનશાખાઓ (ડિસીપ્લીનરી એન્ડ મલ્ટી-ડિસીપ્લીનરી) વિદ્વત-વ્યાપાર કેમ ખેડાય એ પશ્ચિમના વિદ્વાનોએ આપણને શીખવ્યું હતું. તેમની ભારતભક્તિ અને તેમની જ્ઞાનસાધના કેવી મોટી અને ગંભીર હતી એનો પરિચય કરાવવા એ યુગમાં બ્રિટનમાં ‘મેધાવી અંગ્રેજ એટલે બ્રાહ્મણ અંગ્રેજ’ એવી એક કહેવત વપરાતી થઈ હતી.
આ વાંચીને જરૂર હરખાશો, પણ મિથ્યાભિમાન મમળાવશો નહીં; કારણ કે પશ્ચિમને કઈ નજરે નિહાળવું અને તેની સાથે કઈ રીતે કામ પાડવું એમાં આપણે ગોથા ખાવામાં કાંઈ બાકી રાખ્યું નથી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 માર્ચ 2020