ગોલ્ડમૅન સૅક નામની વિશ્વની સૌથી મોટી નાણાસંસ્થાના એક સમયે આર્થિક સલાહકાર રહી ચૂકેલા જીમ ઓ’નીલે કહ્યું છે કે, ‘ભગવાનનો પાડ કે કરોના વાઇરસની શરૂઆત ચીનથી થઈ અને ચીનના કૃતનિશ્ચયી શાસકોએ તેને સજ્જડ હાથે ફેલાતો અટકાવ્યો. જો તેની શરૂઆત નબળા વહીવટવાળા કે લગભગ વહીવટીશૂન્યતા ધરાવતા ભારતમાં થઈ હોત તો જગતનું શું થાત!’ આ અભિપ્રાયના સૂચિતાર્થો સમજવા જોઈએ.
સંકટ સમયે સખત હાથે કામ લેવું જોઈએ એમ કોઈ પણ કહેશે, પણ સખત હાથે કામ એટલે શું? ચીનના પ્રમુખ (ખરું પૂછો તો સરમુખત્યાર) શી ઝિંગપીંગ સખત હાથે કામ લેનારા માણસ છે. ચીનમાં લોકતંત્ર અને પારદર્શકતા નથી અને જે થોડી ઘણી હતી એ શી ઝિંગપીંગે ખતમ કરી નાખી છે. તેઓ પક્ષ પર વર્ચસ ધરાવે છે, તેમણે પોતે જ પોતાને માટે પક્ષની અંદર ‘સર્વોચ્ચ નેતાનું’ બિરુદ મંજૂર કરાવ્યું છે અને આજીવન શાસક પણ બની બેઠા છે. આમ નિર્દયતા અને સખત હાથે કામ લેવા માટે તેઓ જાણીતા છે.
જીમ ઓ’નીલને આપણે પૂછવું જોઈએ કે જો ચીનમાં લોકતંત્ર હોત, પારદર્શકતા હોત, મીડિયાને અને લોકોને બોલવાનો અધિકાર હોત તો મૂળમાં કોરોના વાઇરસ ચીનમાં ફેલાયો હોત ખરો? ચીનના વહીવટીતંત્રને ઘણા સમયથી જાણ હતી કે તેના વુહાન શહેરમાં કોઈ જીવલેણ બીમારી ફેલાઈ રહી છે. મહિનાઓ પહેલાં ડૉ. લી વેન લિઆંગે સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું હતું કે આ શહેરમાં કોઈ ખતરનાક વાઈરસ ફેલાતો હોય એમ લાગે છે. ચીની સત્તાવાળાઓએ તેમને મોઢું બંધ રાખવાની સલાહ આપી હતી. અખબારો, ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાનાં મોઢાં બંધ કરવામાં આવ્યા હતા. આમ આ વાઈરસ વિશેની વાત જ્યાં સુધી છુપાવી શકાઈ ત્યાં સુધી છુપાવી હતી અને જ્યારે એ છુપાવવી મુશ્કેલ બની ગયું ત્યારે લોખંડી હાથે કામ લેવામાં આવ્યું હતું. બીમારી ધરાવતા કે બીમારી ધરાવતા હોવાના શકમંદો સાથે ક્રૂરતાપૂર્વકનું વલણ અપનાવવામાં આવ્યું હતું. એ કહેવાતી કૃતનિશ્ચયતાની વીડિયોક્લીપ જોશો તો ખ્યાલ આવશે કે માનવતાનો એ ચહેરો કેવો હતો.
ઘણા લોકોને લોખંડી શાસકો ગમે છે. મોટે ભાગે લોખંડી શાસક એટલે બેજવાબદાર અને આપખુદ શાસક. સરદાર પટેલને લોખંડી શાસક તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ આમ કહેનારા એ ભૂલી જાય છે કે સરદાર પટેલ અવિવેકી શાસક નહોતા. માનવીય ચહેરાવાળું, ન્યાયુક્ત, વિવેકપૂર્વકનું કૃતનિશ્ચયી શાસન એ શાસકનો ગુણ છે. સરદાર પટેલને શાસકધર્મની યાદ અપાવવી નહોતી પડી. ઘણા લોકોને સરમુખત્યારશાહી ગમે છે. એટલે તો સમાજમાં જ્યારે પણ રાજકીય હતાશા પેદા થાય છે ત્યારે મરદ હોવાની ઈમેજ વિકસાવનારા મૅચો મૅન રાજકારણમાં ફાવે છે. ખાસ કરીને આર્થિક અને સામાજિક બાબતોમાં જમણેરી વલણ ધરાવતા લોકોને લોખંડી શાસકોનું વધારે આકર્ષણ હોય છે, પછી ભલે તે સરમુખત્યાર હોય અને કોઈને અન્યાય કરનારો હોય! એવા લોકોની મૂલ્યનિષ્ઠા સપાટી પરની હોય છે. એમ તો સંકટ સમયે ધીરજપૂર્વક કામ લેવું જોઈએ એમ પણ વડવાઓ કહી ગયા છે, પણ આજના યુગમાં ધીરજને અણઆવડત અને નબળાઈ તરીકે જોવામાં આવે છે.
શી ઝિંગપીંગ આવા એક શાસક છે અને જગતને આજે તેમનું અને ચીનનું આકર્ષણ છે. જગતમાં લોકતાંત્રિક ખુલ્લો સમાજ આજે ભીંસમાં છે એનાં અનેક કારણોમાં એક કારણ શી ઝિંગપીંગનાં ચીનનું શાસકીય મોડેલ છે. જીમ ઓ’નીલ જેવા લોકો શરમાયા વિના કહે છે કે લોકશાહી અને પારદર્શકતા જાળવી રાખીને તમે શું કાંદો કાઢ્યો? સમાજને ઓછું લોકતંત્ર ચાલશે પણ માનવીય મૂલ્યોનાં જતન માટે પાછળ રહી જવું નહીં પાલવે. જુઓ ચીને કેટલી ઝડપી પ્રગતિ કરી છે અને બીજી બાજુ જે દેશોમાં લોકતંત્ર છે અને જવાબદાર રાજતંત્ર છે એ દેશોની હાલત જુઓ. એ દેશો ચીનની સામે માર ખાઈ રહ્યા છે. મૂકો લોકતંત્રને અને અધિકારોને બાજુએ અને બનો જેવા સાથે તેવા.
જો ચીનમાં લોકતંત્ર હોત, પારદર્શકતા હોત, મીડિયાને અને પ્રજાને બોલવાની આઝાદી હોત તો ઘણા સમય પહેલાં આ વાઈરસની જગતને જાણ થઈ હોત અને નુકસાન નિવારી શકાયું હોત. કોઈ ઊંઘતા ન ઝડપાયા હોત અને જગતભરમાંથી સંકટને પહોંચી વળવાનો સહિયારો પ્રયાસ થયો હોત. આવાં માનવીય સંકટને છુપાવવાનો નૈતિક અધિકાર પણ ચીનના સત્તાવાળાઓને નહોતો. અને છુપાવવાની જરૂર શું હતી?
પણ જગતને જો જણાવવામાં આવે તો બે દમડી ઓછી કમાવા મળે ને! છુપાવવા પાછળનું આ કારણ હતું. એટલે જગતભરમાંથી લોકો ચીન જતા હતા અને ચીનાઓ આખા જગતમાં જતા હતા. એરપોર્ટ પર આવાગમન કરનારાઓનું પરીક્ષણ કરવામાં આવતું નહોતું. વાઈરસ ફેલાઈ રહ્યો છે એની જાણ હોવા છતાં. વેપાર ઘટવો ન જોઈએ. આવી છે શી ઝિંગપીંગની ચીની કૃતનિશ્ચયતા!
ઇટાલી કોઈ ગરીબ દેશ નથી. તે ભારત જેવું લૂલું વહીવટીતંત્ર ધરાવતો દેશ નથી. તે ચીન જેવો સરમુખત્યારશાહીવાળો દેશ પણ નથી જ્યાં સંકટને છુપાવવામાં આવતું હોય. આમ છતાં ય હજારોની સંખ્યામાં ઈટાલીમાં લોકો કોરોનાને કારણે માર્યા ગયા છે. શા માટે? જીમ ઓ’નીલ જેમના ઓવારણા લે છે એ શી ઝિંગપીંગની કૃતનિશ્ચયતાને કારણે. ઇટાલીનું મિલાન શહેર ફેશન ઉદ્યોગની રાજધાની ગણાય છે. ચીની વસ્ત્ર અને ચીની બનાવટની ચામડાંની ચીજો મિલાનની બજારમાં વેચાવા આવે છે. મોટી સંખ્યામાં ઇટાલિયન વેપારીઓ ચીન જાય છે અને એનાથી ઘણી મોટી સંખ્યામાં ચીની વેપારીઓ મિલાન જાય છે. ધંધો ન ગુમાવવો પડે એ માટે તેમનું વૈદકીય પરીક્ષણ ચીને કર્યું નહોતું જેની ઇટાલી આજે કિંમત ચૂકવી રહ્યું છે. યુરોપના બીજા દેશો પણ શી ઝિંગપીંગના અને ચીનના વલણના શિકાર બન્યા છે. પાડાને વાંકે પખાલીને ડામ એ આનું નામ. જગતમાં અત્યારે જેટલા લોકો મરી રહ્યા છે તેના હત્યારા ખરું પૂછો તો શી ઝિંગપીંગ અને ચીનના સત્તાવાળાઓ છે. ચીને જગત સાથે છેતરપીંડી કરી છે.
આની સામે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ત્રૂદોનું વલણ જુઓ. તેમણે સામે ચાલીને કહ્યું હતું કે તેમનાં પત્ની કોરોના વાઈરસનાં શિકાર બન્યાં છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ પંદર દિવસ કોઈને નહીં મળે અને એક જ જગ્યાએ સ્થાનબદ્ધ રહેશે. આને કહેવાય માણસાઈ. બીજું, ઓ’જીને ચીનની સરખામણી જેની સાથે કરી છે અને વાઈરસના પ્રસારણની શરૂઆત નહીં થવા માટે ઈશ્વરનો પાડ માન્યો છે એ ભારતમાં લૂલું વહીવટીતંત્ર હોવા છતાં હજુ સુધી તો એટલા લોકો નથી મર્યા જેટલા બીજા દેશોમાં મર્યા છે. આનું કારણ આઝાદી છે, ખુલ્લો સમાજ છે અને ઠીકઠીક પ્રમાણમાં પારદર્શકતા છે.
જંગલીપણું એ કૃતનિશ્ચયતા નથી અને જંગલીપણાની વાહવાહ કરવાની પણ ન હોય એ કરોનાનો સંદેશ છે અને જીમ ઓ’નીલને જવાબ છે. મોકળાશ ભલે શાસકોને અકળાવનારી હોય, પણ તેનો કોઈ જવાબ પણ નથી. એકાધિકારશાહી અને અતિરેક નબળા શાસકોનાં ગુણલક્ષણ છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 માર્ચ 2020