= = = ખરેખર તો inner contacts-ને, આત્મિક સમ્બન્ધોને, રીપેર કરી દૃઢ કરી લેવાનો આ એક ઉત્તમ અવસર છે = = =
= = = આવી વ્યાપક આપદા વખતે માનવતા શુદ્ધ અર્થમાં જાગે છે અને આપણને ખરા અર્થમાં રાંક બનાવી દે છે = = =
Corona virus હવે Epidemic થી Pandemic થયો છે એમ કહેવાઈ રહ્યું છે. એટલે કે, ભૌગોલિકથી વૈશ્વિક.
આપણે ત્યાં ભારતમાં અને સવિશેષે ગુજરાતમાં એ એવો વ્યાપક નથી થયો. આપણે ઈચ્છીએ કે ન જ થાય બલકે વિશ્વ આખામાંથી નષ્ટ થાય. તેમછતાં, એ ઘણી જ ઝડપે આપણા લગી પ્રસરી શકે છે એ વાતને ચિત્તમાં અગ્રિમ સ્થાને રાખીએ.
મૃત્યુના ડર જેવો કોઈ બીજો ડર નથી તેમ છતાં આપણે ડરતા નથી, એને વીસરી જઈએ છીએ ને જીવ્યે રાખીએ છીએ. આ લખાય છે ને આ લખાયેલું વંચાય છે એ દરેક ક્ષણે હું અને મને વાંચનાર પોતાના મૃત્યુની નજીક જતાં હોઈએ છીએ. વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત સ્થળે ને ચૉકક્સ સમયે ઘટનારી દુર્નિવાર ઘટના છે. તેમ છતાં એ સ્થળને અને એ સમયને આપણે જાણતા નથી, જો કે તેમ છતાં, ગઈ કાલે અને આજે આપણે સૌ અમદાવાદમાં કે વડોદરામાં, શિકાગોમાં કે લન્ડનમાં, જીવ્યે જઈએ છીએ.
પરન્તુ સામુદાયિક નિયતિ સૂચવતા આ કોરોના-કાળમાં ડરવું આવશ્યક, કહો કે, અનિવાર્ય થઈ પડ્યું છે.
તો કરીએ શું? દરેક ક્ષણને દરેક સ્થળને અને દરેક સમયને ચાંપતી નજરે નિહાળીએ. નિરન્તર સાવધાન રહીએ. સાવધાન શબ્દને એના સ્થૂળ અને સૂક્ષ્મ બન્ને અર્થસંકેતોમાં આત્મસાત્ કરીએ ને તમામ વ્યવહારો તે મુજબ ગોઠવીએ. ખરેખર તો આજે કશા ય પ્રકારનો માનવીય સમ્પર્ક – human contact – પરવડે એમ નથી. શારીરિક સમ્પર્ક તો નહીં જ નહીં, જેમ કે, પરસ્પર હાથ ન જ મિલાવાય, ભેટાય પણ નહીં. જાહેર ટોળામાં ભળાય નહીં. એથી દૂર રહીએ. બગાસું છીંક કે ખાંસી જાહેરમાં ન જ ખાઈએ, રૂમાલથી નાક-મૉંને ઢાંકીને ખાઈએ. બધાં કામ ઘેર બેઠાં કરી શકાય તો તે ઉત્તમ છે. વાયરસ વિશેના સમાચારો આપણને ભલે લાગુ ન પડતા હોય, પણ એનાથી વાકેફ રહીએ. એને વિશેની સઘળી માહિતીથી સજ્જ રહીએ, એને વિશેનું જ્ઞાન જ્યાંથી મળે, કશી કચાશ વિના મેળવતા રહીએ.
પણ આ ઉપરાન્ત, આપણે સૌ સરળ અને સહજ કામો તો કરી જ શકીએ છીએ : જેમ કે, જ્ઞાન મેળવીએ પણ એને ડહાપણમાં ઠારીએ. એટલે કે, કોરોના વિશેના જ્ઞાનથી ઘાંઘાં ન થઈએ, એ જ્ઞાનનો સાર પકડીને સંતુલિત વર્તન કરીએ. બુદ્ધિને અને તર્કને જાગ્રત રાખીએ પણ સાથોસાથ, ભાવભાવનાને અને હૃદયને પણ એટલાં જ જાગતાં રાખીએ. હાથ ન મિલાવીએ પણ નમસ્તે કરીએ – મનોમનના નમસ્તે વધારે સારા અને વધારે આવકાર્ય.
ખરેખર તો inner contacts-ને, આત્મિક સમ્બન્ધોને, રીપેર કરી દૃઢ કરી લેવાનો આ એક ઉત્તમ અવસર છે. આવી વ્યાપક આપદા વખતે માનવતા શુદ્ધ અર્થમાં જાગે છે અને આપણને ખરા અર્થમાં રાંક બનાવી દે છે. એ રાંકપણાને ઓળખીને બે વસ્તુ ખાસ કરીએ : ૧ : કોઈ ખરા હૃદયવાનને પ્રેમ કરવાનું આપણાથી ભુલાઈ ગયું હોય, તો કરવા માંડીએ : ૨ : તૂટેલી મૈત્રીને ફરીથી સાંધવાની કોશિશ કરીએ : અને આ બે જો ન જ થઈ શકે તો કરુણાળુ બનીને એ હૃદયવાનને અને એ મિત્રને તેમ જ સાથોસાથ આપણી પોતાની જાતને, માફ કરવાની કોશિશ તો કરીએ જ.
કોરોના ભલે ક્રૂર છે પણ એથી કરુણાળુ થવાની તક જન્મી છે. કોરોના એટલે કરુણા એમ જોડવું મને ન જ ગમે, ન જ ગમે, પણ આટલા પૂરતું ગમ્યું છે …
= = =
(March 15, 2020 : Ahmedabad )
Courtesy : City Sunday