મારા એક મિત્રએ શુદ્ધ કુતૂહલ ખાતર પૂછ્યું કે સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું છે તો શું સરદાર વિશ્વના સૌથી વિરાટ પુરુષ હતા, એમ કહી શકાય? આ પ્રશ્ન સાંભળીને મને અચાનક પ્રકાશ થયો કે નિ:સ્વાર્થભાવે બને એટલી દેશસેવા કરીને જતા રહેલા માણસ સાથે બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. આવનારાં અનેક વર્ષો સુધી આ પ્રશ્ન પૂછાતો રહેશે, અને સરદારની કારણ વગર ઊંચાઈ મપાતી રહેશે. તેમની ઊંચાઈ વિષે પ્રશ્નો થતા રહેશે અને શંકા પેદા કરાતી રહેશે, એક પૂતળાને કારણે, જ્યારે કે સરદારે પોતે ક્યારે ય વિરાટ હોવાનો દાવો કર્યો નથી. આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવું થઈ રહ્યું છે.
કામધંધા વિનાના ઇવેન્ટબહાદુરો થોડીક મોજ ખાતર, થોડુંક કોઈને આંજી દેવાના મોહ ખાતર અને થોડીક રાજકીય જરૂરિયાત ખાતર, કોઈની હજાર ફૂટ ઊંચી પ્રતિમા બંધાવે તો હજાર ફૂટની ઊંચાઈ સાબિત કરવાની જવાબદારી કોની? એની જેની પ્રતિમા બાંધવામાં આવી હોય? છેલ્લાં કેટલાંક વર્ષોથી નાના માણસો સરદારના ખભે ચડી ગયા છે અને એમાં બિચારા સાવ નિર્દોષ સરદારનો ખભો લોહીલુહાણ કરી નાખ્યો છે. પૂતળા બંધાવનારાઓ કાળના ચાળણામાંથી ચળાઈને નીકળી જશે અને ઇતિહાસમાં ફૂટનોટમાં માંડ સ્થાન પામશે, પરંતુ તેમના આવા અવિચારી અ-ગંભીર મોજીલા શાસનની કિંમત સરદારે યુગો સુધી ચૂકવવી પડશે. ગ્લાનિ આ વાતે થાય છે. સરદારનું મૂલ્યાંકન થયું છે, થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થતું રહેશે; પરંતુ મોજીલાઓએ બાંધેલું પૂતળું એનું કારણ બને અને પૂતળાના ગજે સરદારને નાના ચિતરવામાં આવે એ સરદાર સાથે અન્યાય હશે. લગે હાથ એ પૂતળા નીચે લખવું જોઈએ કે ‘આ પૂતળાની ઊંચાઈ મોજીલા શાસકોની કલ્પના અને ખેલ માત્ર છે, તેના આધારે સરદાર વલ્લભભાઈ પટેલની ઊંચાઈ માપવાની ચેષ્ટા કરવામાં ન આવે.’
એવું નથી કે તેમને સરદાર પટેલ બહુ વહાલા છે. જવાહરલાલ નેહરુને નાના બતાવવા માટે સરદારનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે સુભાષચન્દ્ર બોઝના ખભે પણ ચડી જોયું હતું, પરંતુ તેમનો ખભો બહુ માફક નહોતો આવ્યો. એમ તો શહીદ ભગત સિંહનો ખભો પણ ઉપલબ્ધ છે, પરંતુ તેનાથી તેઓ દૂર ભાગે છે. કોઈ સંઘવાળાને તમે ભગત સિંહનાં વખાણ કરતા નહીં જોયાં હોય, કારણ કે ભગત સિંહે હિન્દુ કોમવાદનો ઉઘાડો વિરોધ કર્યો હતો. જો સરદાર પટેલ ભારતનાં પહેલા નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન ન હોત તો તેમનો ખભો પણ બહુ ઉપયોગી ન થયો હોત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૧૯૨૫માં થઈ હતી. ૧૯૨૫થી ૧૯૪૫નાં વર્ષોમાં સરદાર અને સંઘ વચ્ચે સખા-સહોદરનો એક પણ પ્રસંગ બતાવો. ભારતનાં વિભાજનના અને ગાંધીજીની હત્યા પછીના એક ચોક્કસ કાલખંડમાં સરદાર ગૃહ પ્રધાન હતા અને કેટલીક બાબતે તેમના અને નેહરુના અભિપ્રાયો અલગ પડતા હતા એટલે સરદાર તેમને ખપના લાગે છે. ટાર્ગેટ નેહરુ છે, સરદાર તો સાધન માત્ર છે. એક રીતે જુઓ તો એ લોકો નેહરુ માટે પ્રતિ-નાયકી આકર્ષણ ધરાવે છે.
અહીં સરદારના જીવનની ત્રણ અવસ્થા જોઈએ. એના પરથી સરદાર શું હતા એનો ખ્યાલ આવશે.
૧.
આત્મકેન્દ્રીય સ્વાર્થ શું કહેવાય એનો અનુભવ તો વલ્લભભાઈને તેમની તરુણાવસ્થામાં જ મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલે કરાવી દીધો હતો. આને કારણે વલ્લભભાઈ એક પ્રકારની ઉદાસીનતા, માણસ જાત પ્રત્યેની નાસ્તિકતા અને તોછડાઈના ગુણ ધરાવતા થયા હતા. અમદાવાદમાં વકીલાત કરતા હતા, ધીકતી કમાણી હતી, ઠાઠમાઠથી રહેતા હતા, મિત્રો સાથે સાંજ ગુજરાત ક્લબમાં પસાર કરતા હતા અને રાજકારણ પરત્વે ઉદાસીન વલણ દાખવતા હતા. આનો અર્થ એવો નથી કે રાજકારણમાં શું ચાલી રહ્યું છે એનાથી તેઓ અજાણ હતા. તેઓ નજર તો રાખતા હતા, પરંતુ જે પ્રકારનું રાજકારણ ભારતમાં ભજવાતું હતું તેમાં વલ્લભભાઈને લાગતું નહોતું કે જહાલ કે મવાળ એમ કોઈની આંગળી પકડીને કોઈ મોટું પરાક્રમ થઈ શકે એમ છે. તેઓ પોતે પોતાનો વેગળો માર્ગ કંડારી શકે અને આખા દેશને નેતૃત્વ આપી શકે એવું તો તેમણે ક્યારે ય પોતાના વિશે વિચાર્યું પણ નહોતું. સાશંક વલ્લભભાઈ વાંઝિયા રાજકારણમાં સમય વેડફવાની જગ્યાએ કમાઈને વૈભવી જીવન જીવવા માંગતા હતા.
આની વચ્ચે ૧૯૧૫ના જાન્યુઆરી મહિનામાં ગાંધીજી ભારત આવે છે. એ જ વરસના એપ્રિલ મહિનામાં તેઓ અમદાવાદમાં આશ્રમ સ્થાપે છે. વલ્લભભાઈએ તેમની દક્ષિણ આફ્રિકાની કામગીરી અને સફળતા વિષે સાંભળ્યું હોય છે, પરંતુ એ જ માર્ગે તેમને ભારતમાં પણ સફળતા મળે એવું તેમને (વલ્લભભાઈને) નહોતું લાગતું. ગાંધીજી ભારત આવ્યા પછી તેમને જ્યારે મહાત્માનું બિરુદ મળ્યું ત્યારે વલ્લભભાઈએ ગુજરાત ક્લબમાં મિત્રોને કહ્યું હતું કે “આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે.” એ સમયે લોકો કુતૂહલથી પ્રેરાઈને કે કોઈક શ્રદ્ધાથી ગાંધીજીના આશ્રમમાં જતા હતા, પરંતુ વલ્લભભાઈ ક્યારે ય નહોતા ગયા. ‘ચક્કી પીસવાથી કે સંડાસ સાફ કરવાથી સ્વરાજ મળતું હશે!’ એમ કહીને તેઓ ગાંધીજીની ઠેકડી ઉડાડતા હતા.
એક વાર ગાંધીજીને ગુજરાત ક્લબમાં બોલાવવામાં આવ્યા હતા. ગાંધીજી આવ્યા ત્યારે વલ્લભભાઈ સાથે બ્રીજ રમનારા બધા મિત્રો તેમની પાછળ પાછળ સભાખંડમાં ગયા હતા. તેમના મિત્ર ગણેશ માવળંકરે વલ્લભભાઈને ગાંધીજીને સાંભળવા અંદર આવવાનો આગ્રહ કર્યો, ત્યારે સરદાર અંદર નહોતા ગયા. તેમણે માવળંકરને અંદર જતા વારતા મજાકમાં કહ્યું હતું કે તેઓ શું બોલશે એ હું તમને અહીં જ જણાવી દઉં : તમને ઘઉંમાંથી કાંકરા વીણતા આવડે છે કે નહીં એવું તમને પૂછશે અને આ પ્રવૃત્તિથી આઝાદી મળી જશે એવું ઠસાવશે. વલ્લભભાઈ અંદર ગાંધીજીને સાંભળવા નહીં ગયા, પરંતુ માવલંકર સભાગૃહમાં ગયા હતા. લોકોના મનમાં ગાંધીજી માટે વિલક્ષણ આકર્ષણ હતું, પરંતુ વલ્લભભાઈને હજુ શ્રદ્ધા નહોતી.
તેમના વલણમાં વળાંક આવ્યો ૧૯૧૬માં બનારસ હિન્દુ યુનિવર્સીટીના ઉદ્દઘાટન વખતે ગાંધીજીએ આપેલા પ્રવચન પછી. એ પ્રવચનમાં ગાંધીજીએ સલામતી વચ્ચે ફરતા ભારતનાં ગવર્નરને કહ્યું હતું કે જો ભારતમાં રહેવામાં ડર લાગતો હોય, તો તેમણે સ્વદેશ પાછા જતા રહેવું જોઈએ. ડરીને જીવવું એ ગુલામી છે. તેમણે શ્રોતાઓને કહ્યું હતું કે જો ગવર્નર આપણાથી (ભારતની પ્રજાથી) ડરતા હોય તો એ શરમની વાત છે. કોઈને ડરાવવા એ નામર્દાઈ છે. સામી છાતીએ નિર્ભયતાથી બોલવું જોઈએ અને લડી લેવું જોઈએ. ન ડરવું કે ન કોઈને ડરાવવું. તેમણે મોંઘા આભૂષણો પહેરીને આવેલા રાજા-મહારાજાઓના ગળામાંનાં આભૂષણો જોઈને મોઢામોઢ કહ્યું હતું કે આ આભૂષણો તમારી રૈયતનાં શોષણ દ્વારા બન્યાં છે એટલે તેને પહેરવામાં શરમ આવવી જોઈએ, તેનું પ્રદર્શન કરવાનું ન હોય.
આ ભાષણ વલ્લભભાઈએ વાંચ્યું ત્યારે તેઓ ચોંકી ગયા હતા. મોઢામોઢ આવું ભાષણ એ જ કરી શકે જે નિર્ભય હોય. તેમના મોઢામાંથી વહેણ નીકળ્યા હતા: માવળંકર, આ માણસ મરદનો દીકરો છે જે સ્વરાજ અપાવી શકે છે. આપણી ગુજરાત સભાના પ્રમુખ તરીકે તેમની વરણી કરવી જોઈએ. એ પછી ચંપારણના સત્યાગ્રહની ઘટના બને છે અને વલ્લભભાઈ ગાંધીજીનું શિષ્યત્વ સ્વીકારી લે છે. એ પછી જેમ કહેવામાં આવે છે એમ રેસ્ટ ઈઝ હિસ્ટરી.
‘ત્રિવેણી તીર્થ’માં મનુભાઈ પંચોળીએ કહ્યું છે એમ જે લોકો ગાંધીજીના સંઘમાં જોડાયા હતા એ બધા જ પૂરી યાત્રાના સાથી હતા એવું નથી. એ કપરું કામ હતું. જે જોડાયા હતા તેમને એક વાતની ખાતરી હતી કે આ માણસ અને માત્ર આ માણસ જ સ્વરાજ અપાવી શકે એમ છે; પછી ભલે એ રેંટિયો કાંતતો હોય, ચક્કી પીસતો હોય અને બાફેકું ખાતો હોય. તેમને ગાંધીજીના બધા જ વિચારો ગળે ઊતરતાં હતા એવું નહોતું. ગાંધીજીના વિચારો આનાથી આગળ આપણાંથી અપનાવી શકાશે નહીં, એમ જ્યારે જે કોઈને લાગ્યું ત્યારે તેઓ સંઘમાંથી બહાર નીકળી જતા હતા. મનુભાઈની ભાષામાં ટ્રેનમાંથી ઊતરી જતા હતા. આમ છતાં તેમને એટલી ખાતરી તો હતી જ કે આપણા નહીં હોવા છતાં પણ ગાંધીજી સ્વરાજ અપાવશે. કનૈયાલાલ મુનશી જેવા કેટલાક લોકો એક કરતાં વધુ વખત ગાંધીજીના સંઘમાંથી બહાર નીકળ્યા છે અને પાછા જોડાયા છે. અંદર રહે તો ગાંધીજીનો તાપ ખમાતો નહોતો અને બહાર રહે તો અંતરાત્મા ડંખતો હતો. આવું એ લોકોની સાથે બનતું હતું જે સાચા હતા.
સરદાર પટેલ ગાંધીના સંઘમાં સૌથી વફાદાર હોવાની ખ્યાતિ ધરાવતા હતા. વિરોધીઓ તેમને ગાંધીજીના યસ મેન તરીકે નીંદતા પણ હતા. વલ્લભભાઈ ક્યારે ય પોતાની જાતને, પોતાના સ્વાર્થને, પોતાના ગમાઅણગમાને વચ્ચે લાવ્યા નહોતા. બાપુએ કહ્યું એટલે ઈશ્વરવચન. જવાહરલાલ નેહરુ હજુ ગાંધીજીની ટીકા કરે, પણ વલ્લભભાઈ ન કરે.
૨.
આવા, બાપુનો પડ્યો બોલ ઝીલનારા વલ્લભભાઈ પણ ૧૯૪૫-૪૬ પછી ગાંધીજીના સંઘમાંથી સાવ નીકળી ગયા એમ તો ન કહેવાય, પણ કતરાતા ચાલતા હતા. માત્ર વલ્લભભાઈ નહીં, નેહરુ અને બીજા નેતાઓ પણ કતરાતા ચાલતા હતા. માણસ હોવાનો, અહિંસાનો અને ગાંધીજીના અનુયાયી હોવાનો કસોટીકાળ ૧૯૪૫ પછી શરૂ થયો હતો અને એ બધા માટે કપરો નીવડ્યો હતો. બહુ ઓછા લોકો એમાં ટકી શક્યા હતા અને જેમના હાથમાં શાસનની ધુરા હતી તેમની તો કપરી કસોટી થઈ હતી. આનો અર્થ એવો નહોતો કે તેમણે ગરજ પૂરી થતા ગાંધીજીને છોડી દીધા હતા. માણસ જાતે ઇતિહાસમાં ભાગ્યે જ જોઈ હોય એવી માણસાઈની કસોટી ટાણે ગાંધીજીનો તાપ તેમનાથી ખમાતો નહોતો.
તેઓ ગાંધીજીના અનુયાયી હતા, ગાંધીજી નહોતા. ભારતનું વિભાજન, ખૂનામરકી, તાજા આઝાદ થયેલા દેશની આઝાદી કેમ ટકાવવી એના પ્રશ્નો, કાશ્મીર અને હૈદરાબાદના પ્રશ્નો, બસો વરસનાં શોષણ પછી મળેલો ભૂખમરો, અશિક્ષિત ગરીબ પ્રજા, લોકશાહી રાજ્ય વ્યવસ્થા માટે અનુકૂળતા પેદા કરવી, આધુનિક બંધારણ ઘડવું, જૂના યુગની પ્રજાને નવા યુગ માટે તૈયાર કરવી વગેરે અનેક પ્રશ્નો હતા. એમાં હાથમાં શાસનની ધુરા અને એની વચ્ચે ગાંધીજીનું અનુયાયીત્વ વફાદારીપૂર્વક જાળવી રાખવું. માત્ર સરદાર નહીં, ગાંધીજીના બધા જ સાથીઓની ૧૯૪૫ પછી કસોટી થઈ હતી અને તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. ગાંધીનો સંઘ છોડવા લાગ્યા હતા, પરંતુ એનો રંજ કાયમ હતો. મુનુભાઈ કહે છે કે મહાભારતના યુધિષ્ઠિરની અને ગાંધીજીની અવસ્થા એક સરખી હતી. સાથે હતું માત્ર સત્ય. બંને સાવ એકલા પડી ગયા હતા.
૩.
ગાંધીનો સંઘ છોડવાની સરદારની વ્યથા, તેમની રાજકીય મજબૂરીઓ, આપસી મતભેદો, ગાંધીજીની હત્યા, કોમી દાવાનળ, વિશ્વાસઘાત વગેરેએ સરદારને અંદરથી તોડી નાખ્યા હતા. રાજમોહન ગાંધી ‘સરદાર પટેલ: એક સમર્પિત જીવન’માં ગાંધીજીની હત્યા પછીની સરદારની મનઃસ્થિતિ વિષે લખે છે : ‘સરદારના અનેક ઉચ્ચારણોમાં વારંવાર મહાત્માજીના ઉલ્લેખ થયા કરતા. મહાત્માજીની હત્યાને તેમણે “કાયમી ક્લંક” ગણાવ્યું હતું અને તેનાથી “આપણી નાલાયકી સિદ્ધ થઈ છે”, તેવું તેમણે કહ્યું. ૧૯૪૮ના નવેમ્બરમાં વારાણસીમાં તેમણે કહ્યું કે “આપણામાંથી જ એક ઊંધે રસ્તે ચડેલા યુવાને આ કૃત્ય કર્યું તે આપણે કદી ભૂલી શકીએ નહીં અને માફ પણ કરી શકીએ તેમ નથી. તેમણે ઉમેર્ય કે “હું ગાંધીજીનો આજ્ઞાંકિત સિપાહી હતો, તેમની તપસ્યાથી આપણને આઝાદી મળી. હું તેમનો અનુયાયી બન્યો, કારણ કે અમારાં મંતવ્યો એક સરખાં જ હતાં. ત્રણ મહિના પછી વલ્લભભાઈએ કહ્યું કે “અમારી છેલ્લી મુલાકાત વખતે રેંટિયો કાંતી રહેલા ગાંધીજીનું ચિત્ર હવે હંમેશાં મારી નજર સામે તરવર્યા કરે છે.” સન ૧૯૪૯ના ઓગસ્ટની ૧૫મી તારીખે સરદારે સ્વાતંત્ર્ય દિને આપેલા સંદેશમાં કહ્યું “ગાંધીજીના જાદુઈ પ્રભાવથી અમે બધા હિંમંત અને સમતુલા દાખવતા હતા.” તેમણે ઉમેર્યું, “મને તો મનમાં વારંવાર એક જ વિચાર આવે છે કે બાપુ તમારે અત્યારે જીવતાં રહેવું જરૂરી છે.” નવ મહિના પછી ફરી વખત “જેને કારણે શરમથી આપણાં માથાં કાયમ માટે ઝૂકેલા રહેશે તેવા મહા કરુણ પ્રસંગ”નો ઉલ્લેખ કરે છે.’
ઉક્ત ફકરામાં તમે સરદારની મનોદશા જોઈ શકો છો. તેઓ પોતાને ગાંધીના સિપાહી, અનુયાયી, હમસફર, સમવિચારી તરીકે ઓળખાવે છે. ગાંધીજીની હત્યા કરનારા હિન્દુત્વવાદીઓને તેઓ માર્ગ ભૂલેલા પણ દેશભક્ત તરીકે ઓળખાવે તો જવાહરલાલ નેહરુ તેમને આધુનિક, લોકતાંત્રિક, સેક્યુલર રાજ્યના દુશ્મન અને ફાસીવાદી તરીકે ઓળખાવે છે. હિન્દુત્વવાદીઓને નેહરુની સામે સરદાર ભાવે છે એનું કારણ તેમને શંકાનો આપવામાં આવેલો લાભ હતું. બાકી ૧૯૪૯ના ફેબ્રુઆરીમાં “હિન્દુ રાજ”નો ઉલ્લેખ કરીને સરદારે તેના માટે “પેલો પાગલ ખ્યાલ” એવા શબ્દો વાપર્યા હતા. (સરદાર પટેલ; રાજમોહન ગાંધી. પૃષ્ઠ ૫૧૯. બાય ધ વે સરદાર પટેલનું વિરાટ પૂતળું બાંધનારાઓ સરદારનું એક સારું જીવનચરિત્ર પણ નથી લખી શક્યા. એ પણ નરહરિ પરીખ, રાજમોહન ગાંધી, યશવંત દોશી જેવા ગાંધીજીના અનુયાયી સેક્યુલરિસ્ટોએ લખ્યાં છે. બુદ્ધિદરિદ્રતા. બીજું શું!)
શાસક સરદારે કપરા કાળમાં જે વલણ લીધું હતું અને જે બોલ્યા હતા તેમાંથી વીણીવીણીને કેટલોક અંશ અને કેટલાક પ્રમાણો પૂતળા બાંધનારાઓ વાપરે છે. એ વચનો અને એ વલણોનો એક સમયસંદર્ભ હતો, પણ તેના તરફ આંખ આડા કાન કરીને કોમવાદીઓ તેમને ભાવતા સરદારનો ઉપયોગ કરે છે. જે સરદારના ખભા પર તેઓ ચડી ગયા છે અને બિચારાના ખભાને લોહીલુહાણ કરી નાખ્યો છે, એ ૧૯૪૬ પછીના સરદારનો ખભો છે. કેન્દ્રના નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાનનો ખભો છે. ગાંધીજીના વફાદાર સિપાહી સરદાર, માનવસહજ મર્યાદા ધરાવનારા સરદાર અને ભલભલાની કસોટી કરે એવી પરિસ્થિતિમાં ઘેરાઈ ગયેલા તેમ જ તેની સામે ઝઝૂમનારા સરદારમાં તેમને રસ નથી.
બીજી બાજુ હવે જ્યારે સરદારનું વિશ્વનું સૌથી મોટું પૂતળું બાંધવામાં આવ્યું છે, ત્યારે સરદાર ક્યાં ઊણા ઊતર્યા હતા તેની યાદ કરાવવામાં આવશે. આ સરદાર સાથેનો અન્યાય કહેવાશે. સેક્યુલર વિદ્વાનોએ કે અભ્યાસકર્તાઓએ જરૂર સરદારનું મૂલ્યાંકન કરવું જોઈએ, પરંતુ પૂતળાને કારણે અને પૂતળાના કદને જોઇને નહીં. મોજીલા ઇવેન્ટબહાદુરોને કારણે સરદારને દંડવાના ન હોય. આજનો દિવસ સરદારને યાદ કરવાનો, પ્રેમ કરવાનો અને દયા ખાવાનો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 31 અૉક્ટોબર 2018
કાર્ટૂન સૌજન્ય : સુરેન્દ્ર; "ધ હિન્દુ", 31 અૉક્ટોબર 2018