ઈરાનના રણપ્રદેશમાંથી મેસોપોટેમિયા, સીરિયા અને સાયનાઈના અફાટ મેદાનો – જંગલોમાંથી સાયકલ લઈને સૌથી પહેલીવાર કોણ પસાર થયું હતું?
આખા કોરિયા ઉપખંડને ચીરતો સૌથી પહેલો સાયકલ પ્રવાસ કોણે કર્યો હતો?
અચ્છા, ત્રીજો સવાલ. સાયકલ પર ફક્ત ૧૬ કલાકમાં ૨૭૫ કિલોમીટરનું અંતર કાપવાનો સૌથી પહેલો વિશ્વ વિક્રમ કોણે નોંધાવ્યો હતો?
આ સવાલોનો આશ્ચર્યજનક અને અધૂરો જવાબ એ છે કે, આ ત્રણેય વિશ્વ વિક્રમ ગુજરાતી યુવાનોના નામે છે, જે ૧૯૨૩થી ૧૯૨૮ની વચ્ચે સર્જાયા હતા.
આટલાં વર્ષો પહેલાં ઈરાનનો રણપ્રદેશ, મેસોપોટેમિયા એટલે કે ઈરાકથી ગ્રીસ સુધીની ટાઇગ્રિસ અને યુફ્રેટિસ નદીના વેરાન મેદાનો, સીરિયાનું પાંચ લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું અફાટ રણ અને સાયનાઈ એટલે કે ઇજિપ્તના લાલ અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચે આવેલા નિર્જન વિસ્તારમાંથી પહેલીવાર સાયકલ લઈને નીકળેલા સાહસિકો ગુજરાતીભાષી હતા. કોરિયા જેવા ‘અજાણ્યા’ ઉપખંડને ચીરતો પહેલો સાયકલ પ્રવાસ કરનારા ગુજરાતીભાષી હતા. આજે તો સાયકલ સવારીના અનેક વિશ્વ વિક્રમો નોંધાયા કરે છે, પરંતુ નવ દાયકાથી પણ વધુ સમય પહેલાં સાયકલ પર ફ્કત ૧૬ કલાકમાં ૨૭૫ કિલોમીટરનું અંતર કાપવાનો વિશ્વવિક્રમ નોંધાવનારા પણ ગુજરાતીભાષી હતા. સાયકલિંગની દુનિયામાં બીજી અનેક સિદ્ધિઓ ગુજરાતના સપૂતોના નામે છે. જેમ કે, બર્ફીલા તોફાનો વચ્ચે સ્વિત્ઝર્લેન્ડની આલ્પ્સ પર્વતમાળાઓને સાયકલ લઈને ખૂંદનારા તેમ જ ચીન-જાપાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે આ બંને દેશના યુદ્ધક્ષેત્રોમાંથી સાયકલ લઈને પસાર થનારા પહેલવહેલા એડવેન્ચર ટ્રાવેલરો પણ ગુજરાતીભાષી હતા, એ હકીકતો જ કેટલી રોમાંચક છે!
ફેસબુક પર એવિડ ટ્રાવેલર કે એડરનલાઈન જંકી એવું સ્ટેટસ મૂકવું એ અલગ વાત છે અને કારકિર્દીને લાત મારીને, ફક્ત સાહસનો સળવળાટ સંતોષવા, ઘરેથી સાયકલ લઈને દુનિયા ફરવા નીકળી પડવું એ તદ્દન નોખી વાત છે. આ પ્રકારની સાહસ યાત્રામાં વ્યક્તિ સફળ થાય તો દુનિયા સલામ કરે પણ નિષ્ફળ જાય તો એ પ્રયાસને કોઈ યાદ સુદ્ધાં ના રાખે અને ગમે તેવો મહાન પ્રયાસ કરનારા પણ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ જાય. દુ:ખની વાત એ છે કે, ૧૯૩૦ના દસકામાં ત્રણ પારસી યુવકોએ સાયકલ પર વિશ્વ ભ્રમણ કરીને સાયકલિંગ અને એડવેન્ચર ટ્રાવેલની દુનિયામાં અનેક વિશ્વ વિક્રમો નોંધાવ્યા હતા. આમ છતાં, ભારતમાં પારસીઓના પ્રદાનની વાત આવે ત્યારે તેમને ‘ગુજરાતી’ ગણાવીને છાતી ફૂલાવતા ગુજરાતે આ સાહસિક પ્રવાસીઓને, રાખવા જોઈએ, એવી રીતે યાદ રાખ્યા નથી.
***
૧૫મી ઓક્ટોબર, ૧૯૨૩ના રોજ બોમ્બે વેઇટલિફ્ટિંગ ક્લબના અદિ હકીમ, જલ બાપાસોલા, રૂસ્મત ભૂમગરા, કેકી પોચખનવાલા, ગુસ્તાદ હાથીરામ અને નરીમાન કાપડિયા નામના છ યુવાન સાયકલ લઈને દુનિયાનો આંટો મારવા નીકળ્યા હતા. જો કે, આ સાહસ યાત્રા અદિ, જલ અને રૂસ્તમ જ પૂરી કરી શક્યા હતા. સરેરાશ વીસ વર્ષની ઉંમરના એ ત્રણેય યુવાનો બોમ્બેથી દિલ્હી, આગ્રા, મુલતાન (હાલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં) બલુચિસ્તાનના ક્વેટાથી ભારતીય ઉપખંડની સરહદ પાર કરીને ઈરાન, ઈરાક, સીરિયા, પેલેસ્ટાઈન, ઇજિપ્ત, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ, હંગેરી, ઝેકોસ્લોવેકિયા, જર્મની, હોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, યુનાટેડ સ્ટેટ્સ, જાપાન, કોરિયા, બર્મા અને શ્રીલંકાનો સાયકલ પ્રવાસ કરીને ૧૮મી માર્ચ, ૧૯૨૮ના રોજ ભારત પરત ફર્યા, ત્યારે તેમના નામે ૭૦,૮૧૨ કિલોમીટરનું અંતર સાયકલ પર કાપવાનો વિક્રમ નોંધાઈ ગયો હતો. બોલતા બોલતા હાંફી જવાય એટલા દેશોનો પ્રવાસ કરવા અદિ, જલ અને રૂસ્તમે ચાર વર્ષ અને પાંચ મહિનાનો સમય લીધો હતો.
મુંબઈની દાદરસ્થિત વેઇટ લિફટિંગ ક્લબની બહાર અદિ, રૂસ્તમ અને જલ તેમની સાયકલો અને અન્ય સાધનસરંજામ સાથે
આજે ય હાર્ડકોર ટ્રાવેલર સિવાય કોઈ જવાનું પસંદ નથી કરતું એવા અનેક સ્થળોએ અદિ, જલ અને રૂસ્તમ સાયકલ લઈને ફર્યા હતા. આ યુવાનોએ મુંબઈથી નીકળતી વખતે શક્ય હોય ત્યાં બધે જ દરિયાઈ અને રેલવે મુસાફરી અવગણી હતી કારણ કે, તેઓ ઈચ્છતા હતા કે તેમનો મહત્તમ પ્રવાસ સાયકલ પર જ થાય. આ રીતે પ્રવાસ કરવામાં અનેક સ્થળોએ તેમની જબરદસ્ત માનસિક કસોટી થઈ અને ક્યાંક તો સાક્ષાત મોતના દર્શન પણ થયા. જેમ કે, ભારત સહિત અનેક પ્રદેશોના જંગલોમાંથી ગાઢ જંગલોમાંથી પસાર થતી વખતે જંગલી પ્રાણીઓ, સાપ, લૂંટારા અને માણસને ય મારીને ખાઈ જાય એવી આદિ જાતિઓનો સામનો કર્યો. ઈરાકથી સાયનાઈ સુધીના ૧૦૦૭ કિલોમીટરનો પ્રવાસ કરતી વખતે ૬૦ ડિગ્રી ગરમીમાં સાયકલ ચલાવવી પડી. યુરોપના અમુક વિસ્તારોમાં પોચટ હૃદયના માણસના તો ગણતરીની ક્ષણોમાં જ રામ રમાડી દે એવી હિમવર્ષાનો સામનો કર્યો. કેટલાક વિસ્તારોમાં તો બર્ફીલા વાવાઝોડા સાથેના વરસાદથી બચવા માટે તેઓ પોતાની રજાઈઓનો ઉપયોગ કરીને માંડ માંડ મોતની ચુંગાલમાંથી બચ્યા. આ સાહસિકોને ક્યાંક ઉમળકાભેર આવકાર મળ્યો તો ક્યાંક જેલની હવા પણ ખાવી પડી.
સાયકલ યાત્રામાં આવરી લેવાયા હતા એ દેશો અને શહેરો
અદિ, જલ અને રૂસ્તમનો સાયકલ પ્રવાસ એક સાહસયાત્રાથી ઘણો વિશેષ છે કારણ કે, તેઓ કોઈ પણ દેશની સરહદોને અડીને નીકળી નહોતા જતા પણ જે તે વિસ્તારોના જાણીતા ભૌગોલિક પ્રદેશો, જંગલો, નદીઓ, કોતરો અને પર્વતમાળાઓ નજીક સાયકલ પ્રવાસ કરતા. એટલું જ નહીં, તેઓ વિવિધ દેશોમાં નક્કી કરેલા સમયમાં સ્થાનિક સ્થાપત્યો, મ્યુિઝયમો, સંસ્કૃિત વગેરે વિશે જાણ્યા પછી જ આગળ વધતા હતા. આ વાતની સાબિતીરૂપે તેમણે અનેક દેશોના વડાપ્રધાનો, વિદેશોમાં બ્રિટન વતી ફરજ બજાવતા વાઈસરોય, ગવર્નર જનરલો, ઉચ્ચ સરકારી અને યુદ્ધ ક્ષેત્રોનો હવાલો સંભાળતા લશ્કરી અધિકારીઓના હસ્તાક્ષર પણ લીધા હતા. કમ્ફર્ટ ઝોનમાં રહીને એક પર્યટક(ટુરિસ્ટ)ની જેમ પ્રવાસ કરવો અને એક પ્રવાસી(ટ્રાવેલર)ની જેમ ઘરેથી નીકળી પડવું એમાં આસમાન-જમીનનો ફર્ક છે. સામાન્ય વ્યક્તિ પ્રિ-પ્લાન વિના ટ્રાવેલિંગ કરીને ‘પેકેજ્ડ ટુરિસ્ટ’થી કંઈક અલગ કર્યાનો સંતોષ જરૂર મેળવી શકે, પરંતુ દુનિયા યાદ રાખે એવા ટ્રાવેલર બનવા માથે ભૂત સવાર થયું હોવું જરૂરી છે. અદિ, જલ અને રૂસ્તમ ઘરેથી સાયકલ યાત્રાએ નીકળ્યા ત્યારે સારી રીતે જાણતા હતા કે, કદાચ તેઓ પાછા ના પણ આવે! પરંતુ એ એ ત્રણેય યુવાનોના માથે ભારત માટે કંઈક કરવાનું ભૂત સવાર હતું.
અદિ, જલ અને રૂસ્તમ કહેતા કે, ‘‘એક યુવાન હોવાના નાતે અમે ભારત માતાનું નામ દુનિયાના એ દરેક ખૂણામાં લઈ જવાની અત્યંત પ્રબળ ઈચ્છા ધરાવીએ છીએ, જ્યાં ભારત ફક્ત એક ભૌગોલિક વિસ્તાર તરીકે ઓળખાય છે. કોઈ રાજકીય ક્ષેત્રે કામ કરે તો કોઈ આર્થિક, પરંતુ અમે રમતગમત ક્ષેત્રે ભારતનું નામ રોશન કરવા ઈચ્છીએ છીએ. રમતગમતમાં નામના ધરાવતા દેશો અને ભારત વચ્ચે અમે કડી બનવા માગીએ છીએ, જેનું મહત્ત્વ બિલકુલ ઓછું નથી. અમારે પણ દુનિયાનો ઓતપ્રોત થઈને અનુભવ કરવો છે. અમે વિશ્વને પણ ભારત અને ભારતીયોથી પરિચિત કરાવવા માગીએ છીએ. આ અઘરા મિશનમાં સાયકલ પ્રવાસ એક નાનું સાહસ છે, પરંતુ અમે અમારું પ્રદાન આપવાનો નિર્ણય લઈ લીધો છે…’’ ‘‘અમે ઈચ્છીએ છીએ કે, અમારા પ્રવાસને બીજી પણ એક દૃષ્ટિએ જોવામાં આવે. આજનો યુવાન આવતીકાલનો નાગરિક છે. દુનિયામાં કશું પણ મેળવવા ચરિત્ર જોઈશે. ભવિષ્યના ભારતને બહાદુર, ઊર્જાસભર, સ્વપ્રેરણાથી આગળ વધનારા, જૂની રૂઢિઓને ફગાવી દેનારા, વ્યવસાયિક સાહસનું બુદ્ધિપૂર્વક આયોજન કરીને તેનો પૂરેપૂરી ક્ષમતાથી અમલ કરી શકે એવા ઉચ્ચ ચરિત્ર ધરાવતા નાગરિકો જોઈશે …’’
અદિ, હકીમ અને રૂસ્તમે આશરે ૯૪ વર્ષ પહેલાં આ શબ્દો લખ્યા હતા. એટલું જ નહીં, આજે સાયકલ, બાઈક કે કાર લઈને વિશ્વભ્રમણ કરતા મોટા ભાગના સાહસિકોની સમગ્ર ટૂર સપોર્ટેડ હોય છે, જ્યારે આટલાં વર્ષો પહેલાં તેમણે અનસપોર્ટેડ સાયકલ ટૂર કરી હતી. સપોર્ટેડ ટૂરમાં ટ્રાવેલરને અગાઉથી નક્કી કરેલાં અનેક સ્થળે મદદ મળે છે, જ્યારે અનસપોર્ટેડ ટૂરમાં આ પ્રકારની ‘લક્ઝરી’ મળતી નથી.
***
અદિ, જલ અને રૂસ્તમની કહાની પ્રવાસ, ધૈર્ય, હિંમત, સહશક્તિની જ નહીં પણ પારસીઓની ઉદારતા, બુદ્ધિચાતુર્ય અને ભારત માતા પ્રત્યેની દેશદાઝની પણ કહાની છે. દેશમાં આટલી ઓછી વસતી ધરાવતા પારસીઓ એક સમાજ તરીકે કેમ જબરદસ્ત સફળતા મેળવી શક્યા છે એની પણ કહાની છે. પત્રકારત્વ, રંગભૂમિ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે પણ પારસીઓ હંમેશાં જમાનાથી આગળ કેવી રીતે રહી શક્યા છે એની પણ કહાની છે. આ કહાની એ પારસીઓની પણ છે, જે આઠમી સદીમાં શરણાર્થીઓ તરીકે ગુજરાતમાં સંજાણના દરિયાકાંઠે ઉતર્યા હતા અને હજુયે પારકી ભૂમિનું ચૂપચાપ ઋણ ઉતારી રહ્યા છે. આજકાલ શરણાર્થીઓને નફરત કરવાનો યુગ ચાલી રહ્યો છે અને શરણાર્થીઓ પણ શરણું આપનારા દેશોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે પારસીઓ દુનિયા માટે જીવતીજાગતી મિસાલ છે.
પુસ્તકનું કવરપેજ
આ કહાનીઓ ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામના પુસ્તકના પાને પાને વાંચવા મળે છે. આ પુસ્તક પણ ખુદ એક કહાની છે. અદિ, જલ અને રૂસ્તમ મુંબઈ પરત ફર્યા ત્યારે સ્વજનો, સગાંવ્હાલા ંઅને બીજા અનેક લોકો તેમને સાયકલ પ્રવાસ વિશે સવાલો પૂછતા. આ લોકોને જવાબ આપવા તેમણે ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામે એક ટ્રાવેલોગ પ્રકાશિત કર્યો, જે આ પ્રવાસ વખતે લખેલી ડાયરીથી વિશેષ ન હતો. રસપ્રદ વાત એ છે કે, ટાઇપ રાઇટર પર લખાયેલા આ પુસ્તકનું આમુખ જવાહરલાલ નહેરુએ લખી આપ્યું હતું. આમુખની પહેલી જ લીટીમાં નહેરુ લખે છે કે, આ પ્રકારનું પુસ્તક આપનારા જુવાનિયાઓની મને ઈર્ષા થાય છે…
આ પુસ્તક સહિત અદિ, જલ અને રૂસ્તમની ડાયરી, તસવીરો વગેરે અદિ હકીમના વડોદરાસ્થિત પુત્ર દારાયૂસ હકીમ અને રોડા હકીમના ત્યાં સચવાયેલું છે, જે તેમના ફેમિલી ફ્રેન્ડ એસ્થર ડેવિડના ધ્યાનમાં આવ્યું. એસ્થર ડેવિડ અમદાવાદસ્થિત જાણીતાં લેખિકા અને કળા વિવેચક છે. એ પછી એસ્થર ડેવિડના પ્રયાસથી વર્ષ ૨૦૦૮માં હકીમ પરિવારે અદિ, જલ અને રૂસ્તમની સાયકલ યાત્રા ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ નામે પ્રકાશિત કરી. આ પુસ્તકમાં પણ નહેરુએ લખેલું આમુખ, અદિ-જલ-રૂસ્તમની પ્રસ્તાવના અને તેમણે લીધેલા વૈશ્વિક હસ્તીઓના હસ્તાક્ષરનો સમાવેશ કરાયો છે.
ત્રણેય સાહસવીરો (વચ્ચે રૂસ્તમ, જલ અને અદિ) પરત આવ્યા ત્યારે મુંબઈના માતૃ-પિતૃ નિવાસ નવરોઝ બાગની બહાર ક્લિક કરાયેલી એ ગર્વિષ્ઠ ઐતિહાસિક ક્ષણ
આ પુસ્તકના આધારે મહેન્દ્ર દેસાઈએ ‘ચિત્રલેખા’ સામાયિકમાં ‘પેડલ પર પૃથ્વીની પરકમ્મા’ નામે હપ્તાવાર નવલકથા લખી હતી. જુલાઈ ૧૯૮૪માં આ નવલકથા પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત થઈ. એટલું જ નહીં, ગુજરાતીઓને ‘સળગતા સૂરજમુખી’ જેવો ઉત્કૃષ્ઠ અનુવાદ આપનારા સ્વ. વિનોદ મેઘાણીએ આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે, જે પ્રકાશકો સાથે મેળ નહીં પડવાના કારણે હજુયે અપ્રકાશિત છે. આ અંગ્રેજી રૂપાંતર માટે તેમણે નવલકથાના વિવિધ પ્રસંગોના સુંદર સ્કેચ પણ તૈયાર કરાવ્યા છે, જે હાલ તેમના ઘરે સચવાયેલા છે.
બીજી એક વાત. ‘વિથ સાયકલિસ્ટ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ એડવેન્ચર ટ્રાવેલ કેટેગરીમાં દુનિયાના શ્રેષ્ઠ પુસ્તકોમાં સ્થાન પામે એવું છે. આ પુસ્તક પારસીઓ માટે જ નહીં, તમામ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવો ઐતિહાસિક દસ્તાવેજ છે. આમ છતાં, તેનો હજુ સુધી ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ નથી. ભારતીયો ઈતિહાસને કદાચ ગંભીરતાથી લેતા હોત તો, ગુજરાતના કોઈ શહેરમાં કે પછી મુંબઈમાં આ ત્રણેય સાહસિકોના નામે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જરૂર હોત!
***
આ સાયકલ યાત્રની વાત અદિ, જલ અને રૂસ્તમના જ શબ્દોમાં પૂરી કરીએ. તેઓ કહેતા કે, ‘‘… આજના યુવાનોને પ્રેરણામૂર્તિની જરૂર પડે છે. જો અમારું સાહસ એ દરેક આશાસ્પદ યુવાનમાં પડેલી સુષુપ્ત શક્તિને પ્રગટ કરવામાં મદદરૂપ થશે, જો આ મિશનમાંથી લોકો શીખશે કે પ્રયાસ કરવાથી સફળતા મળે જ છે, જો અમારા આ પ્રયાસથી લોકો સમજશે કે જ્યાં સુધી તમે જાતની કસોટી કરતા નથી ત્યાં સુધી તમે તમારી શક્તિઓથી અજાણ રહો છો, જો આ સાહસથી યુવાનોને એવા ગર્વની લાગણી થશે કે ભારત માતાના સપૂતો પણ બીજા દેશોથી જરાયે ઉતરતા નથી, તો અમને પૂરો વિશ્વાસ છે કે અમારી આ સાહસયાત્રા નિરર્થક સાબિત નહીં થાય …’
‘ફ્રેન્કલી સ્પીકિંગ’ નામક લેખકની કોલમ, ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 31 જાન્યુઆરી 2017
સૌજન્ય : http://vishnubharatiya.blogspot.co.uk
e.mail : vishnubharatiya@gmail.com