લંડનના મેયર તરીકે મૂળ પાકિસ્તાનના મુસ્લિમ સાદિક ખાનનો ચુનાવ સમગ્ર યુરોપ માટે મહત્ત્વનો છે. સાદિકે માત્ર ચૂંટણીમાં જ નહિ ઈસ્લામોફોબિયા પર વિજય મેળવ્યો છે
યુરોપિયન ભાષાઓમાં છેલ્લાં વીસેક વર્ષથી ‘ઈસ્લામોફોબિયા’ નામનો શબ્દ પ્રવેશ્યો છે. ફોબિયા એટલે ભય અથવા આશંકા. બ્રિટનમાં વંશીય સમાનતા માટે કામ કરતા રનીમીડ ટ્રસ્ટે 1997માં ઇસ્લામ અથવા મુસ્લિમો પ્રત્યેની નફરત, ઘૃણા અને ભયને લઈને એક રિપોર્ટ બનાવેલો ત્યારથી આ શબ્દ બોલ-ચાલની ભાષામાં આવી ગયો છે. સીરિયા, અફઘાનિસ્તાન અને ઇરાકમાંથી આવી રહેલા મુસ્લિમ નિર્વાસિતો અને મુસ્લિમ આતંકવાદમાં પિસાઈ રહેલા યુરોપમાં લંડને ગયા સપ્તાહે પહેલીવાર મુસ્લિમને મેયર પદે ચૂંટ્યો એમાં ‘યુરોપના ઉદાર અને ધર્મનિરપેક્ષ સમાજનું ધનોતપનોત નીકળી જશે’થી લઈને ‘સાદિક ખાનના મેયર બનવાથી ઈસ્લામોફોબિયાનો અંત આવી જશે’ જેવી દલીલો વચ્ચે યુરોપમાં અત્યારે ‘લંડનના પહેલા મુસ્લિમ મેયર’ પર ગરમાગરમ બહસ ચાલી રહી છે.
ભારતમાં (અને યુરોપમાં પણ) ઘણા લોકો એવું માને છે કે યુરોપ એટલે ગોરી ચામડીવાળા ઈસાઈ લોકોનો પ્રદેશ અને મુસ્લિમો તો બહારથી આવેલા આક્રમણખોરો. એટલા માટે જ યુરોપના (અને વિશ્વના) સમાચારપત્રોમાં સાદિક ખાન લંડનના મેયર તરીકે ચૂંટાયા તેના સમાચારોમાં ‘પ્રથમ મુસ્લિમ’ શબ્દ પર બહુ ભાર મૂકવામાં આવ્યો હતો. પૂરા યુરોપમાં ઈસાઈ-મુસ્લિમનું ધ્રુવીકરણ એટલું સખત છે કે યુરોપમાં ઈસ્લામ (ઈસાઈ પૂર્વે) 1300 વર્ષ જૂનો છે અને યુરોપના ઘણાં શહેરો પર મુસ્લિમોનું શાસન હતું એવો ઇતિહાસ ભુલાઇ ગયો છે.
આ ‘ભૂલચૂક’માંથી જ એક એવી ગલતફહમી સર્જાઈ છે કે ઈસ્લામિક આતંકવાદીઓ યુરોપમાં ઈસાઈ ધર્મને નિશાન બનાવી રહ્યા છે. હકીકતમાં તામસિક ઈસ્લામ યુરોપની આધુનિકતા સામે લડી રહ્યો છે. તામસિક ઈસ્લામને યુરોપના ઉદારવાદ સામે (જેમાં વિવાહપૂર્વે સેક્સ, ગર્ભનિરોધકતા, સમલૈંગિકતા, વ્યભિચાર અને ઉઘાડી સ્ત્રીઓનો સમાવેશ થાય છે) વાંધો છે જે, એમના મતે, ઈસ્લામને ભ્રષ્ટ કરી રહ્યો છે.
યુરોપનો એક મોટો ભૂતકાળ બર્ફ યુગમાં દફનાયેલો છે. 25,000થી 13,000 વર્ષનો એક ગાળો એવો હતો જ્યારે યુરોપમાં ત્રણ માઇલ ઊંચો બર્ફ છવાયેલો રહ્યો હતો. આ બર્ફ ઓગળ્યો તે પછી હાલના તુર્કી, સીરિયા, યુરોશિયા અને આફ્રિકામાંથી સૌ પહેલું સ્થળાંતર થયું હતું. ઈસાઈ ધર્મનો સંગીન પ્રસાર ઈસુ પછીની ચોથી સદીથી શરૂ થયો અને ચારસો વર્ષમાં જ સ્પેન અને ફ્રાન્સમાં એનો અહમ સામનો ઈસ્લામથી થયો. લોકમાન્યતાથી વિપરીત યુરોપમાં ઈસાઈ ધર્મ ધીમેથી આવ્યો હતો. મધ્યકાલીન યુરોપ મૂળભૂત રીતે પેગન, ઈસાઈ અને ઈસ્લામ વચ્ચે વહેંચાયેલું હતું.
711થી 1492મી સદી સુધી સ્પેનમાં મુસ્લિમ શાસન હતું. 756માં દમાસ્કસ, સીરિયામાં જન્મેલા અબ્દ અલ-રહેમાન પ્રથમને દક્ષિણ સ્પેનના કોર્દોબા પ્રદેશના અમીર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે મધ્યકાલીન યુરોપમાં રોમન સામ્રાજ્ય અને ઇટાલિયન રેનેસાની સમકક્ષ જે સંસ્કૃિતનો વિકાસ થયો તેનો યશ સ્પેનની ઈસ્લામિક સંસ્કૃિતને જાય છે, જેની મોટી અસર ઈસાઈ અને યહૂદી સંસ્કૃિત પર હતી.
છેક 1860 સુધી સ્વતંત્ર રહેલા ભૂમધ્ય મહાસાગરના દ્વીપ સિસિલીમાં 831થી 1072 સુધી આરબ મુસ્લિમોની અમીરાત હતી, અને જફર અલ-કલ્બી નામના અમીર સિસિલીની રાજધાની પલેરમોના મેયર હતા. અત્યારે ગ્રીસ તરીકે ઓળખાતા પશ્ચિમી સભ્યતા અને પશ્ચિમ લોકતંત્રના જનક એવા પ્રદેશમાં 1458થી 1832 સુધી ઓટ્ટોમાન વંશનું તુર્કીશ સામ્રાજ્ય હતું. ઓટ્ટોમાનનું શાસન હંગેરીમાં (1541થી 1677) પણ હતું, અને આજે યુરોપના મહત્ત્વના શહેર ગણાતા બુડાપેસ્ટ(જે ત્યારે હંગેરીની રાજધાની હતું)માં અલ્બેનિયન અબ્દુરહેમાન અબ્દી પાશા સૈનિક જનરલ હતો.
1402થી 1912 સુધી સર્બિયામાં (જેની રાજધાની બેલગ્રેડ દક્ષિણપૂર્વ યુરોપનું સૌથી મોટું શહેર છે) ઓટ્ટોમાન શાસન હતું, અને હસી મુસ્તફા આગા 1739માં બેલગ્રેડનો ગવર્નર હતો. એક સમયે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખાતા આજના ઇસ્તંબુલમાં ડૉ. કાદીર ટોપ્બાસ નામનો મુસ્લિમ મેયર છે. દક્ષિણ પૂર્વ યુરોપમાં જાત-ભાતની સીમાઓમાં વહેંચાયેલા બાલ્કન પેનીન્સુલા(પ્રાયદ્વીપ)ના ઘણાં શહેરોમાં છેક 20મી સદીની શરૂઆત સુધી મુસ્લિમ ગવર્નરો હતા.
લંડનના મેયર તરીકે મૂળ પાકિસ્તાનના મુસ્લિમ સાદિક ખાનનો ચુનાવ સમગ્ર યુરોપ માટે મહત્ત્વનો છે. યુરોપ અત્યારે તામસિક ઈસ્લામના ગુસ્સામાં તપી રહ્યું છે. બ્રિટનમાં અને અન્ય યુરોપિયન શહેરોમાં ઈસાઈ અતિવાદીઓ સાદિક ખાનના ચુનાવને નફરતથી જોઈ રહ્યા છે, પણ હકીકત એ છે કે યુરોપને પરિભાષિત કરવામાં ઈસ્લામની ભૂમિકા બહુ મોટી હતી, અને હવે કરોડો તુર્ક, આરબ, અલ્જિરિયન અને બીજા મુસ્લિમો દેશાંતર તથા અતિવાદી બની ગયેલા મુસ્લિમ યુવાનોના આતંકથી યુરોપ ફરીથી પરિભાષિત થઈ રહ્યું છે. વર્ષો સુધી યુરોપિયન લોકોને બહારથી આવેલા આ સસ્તા શ્રમિકો ખાસા ઉપયોગી લાગતા હતા. હવે આ સ્થળાંતરિત મુસ્લિમ વસ્તી યુરોપમાં સાંસ્કૃિતક અને રાજકીય તાકાત બની ગઈ છે.
આ મુસ્લિમો, ખાસ કરીને યુવાન પેઢી, યુરોપિયન સમાજમાં ભળ્યા નથી, અને એ અલગાવને કારણે સામાજિક તનાવ વધી રહ્યો છે, જે આતંકવાદી ગતિવિધિઓમાં પરિણમી રહ્યો છે. યુરોપ ગુસ્સાવાળા મુસ્લિમોને પહેલીવાર જોઈ રહ્યું છે. ઈસાઈ અને ઈસ્લામ વચ્ચેનાં ધર્મયુદ્ધો યુરોપે બહુ જોયાં છે, પરંતુ યુરોપની આધુનિકતા સામે ઈસ્લામની લડાઈ એમના માટે નવી છે.
બહુ લાંબા સમય સુધી યુરોપને એમ લાગતું હતું કે મુસ્લિમોનો આતંક અને ગુસ્સો અમેરિકાનો ‘પ્રોબ્લેમ’ છે, પરંતુ પાછલા કેટલા ય હુમલાઓ અને ઈસીસ (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવાન્ટ)ના આશ્ચર્યજનક પગપેસારા પછી યુરોપ સાવ જ નવા ઈસ્લામનો સામનો કરી રહ્યું છે, જેને ઈસાઈ ધર્મ સામે નહીં, પણ યુરોપની જીવનશૈલી સામે વાંધો છે. એક સર્વે પ્રમાણે આત્મઘાતી હુમલાઓને જર્મનીના 22 પ્રતિશત અને ફ્રાન્સના 24 પ્રતિશત યુવાન મુસ્લિમોનું સમર્થન છે.
નેધરલેન્ડમાં 80 પ્રતિશત ડચ તુર્કોને ઈસીસમાં કંઈ જ ખોટું દેખાતું નથી. બ્રિટનમાં આજે બ્રિટિશ સૈન્ય કરતાં ઈસીસમાં જોડાનારાઓની સંખ્યા વધારે છે. બ્રિટનમાં દર પાંચ મુસ્લિમો પૈકીના એકને ઈસીસની ખિલાફત પ્રત્યે સહાનુભૂતિ છે.
અમેરિકાના શિકાગોથી લઈને બ્રિટનના બ્રેડફર્ડ અને ઑસ્ટ્રેલિયાના મેલબોર્નથી લઈને ફ્રાન્સના પેરિસ સુધી ઈસીસનું જે વશીકરણ છે તેનું કારણ આતંક નહીં, પણ ખિલાફતનો એનો વિચાર છે. ખિલાફત ખલીફા શબ્દ પરથી આવે છે. ખલીફા એટલે ઉત્તરાધિકારી. મોહમ્મદ પયગંબરના ઉત્તરાધિકારીને ખલીફા કહેવાય અને એ ખલીફાનું જે ઇલાકામાં કાર્યક્ષેત્ર હોય તેને ખિલાફત કહેવાય.
આધુનિક ઈસ્લામમાંથી ખલીફાનું આ પદ ગાયબ થઈ ગયું છે, અને ઈસીસના નેતા અબુ બકર અલ-બગદાદીએ પોતાને ખલીફા જાહેર કર્યો છે. ઈસ્લામમાં ખલીફા બનવા માટે કેટલીક જરૂરી શરતો છે: એના નિયંત્રણમાં કોઈ ઇલાકો હોવો જોઈએ, એ ઇલાકામાં શરિયતનો કાનૂન હોવો જોઈએ અને ખલીફા કુરૈશ (કુરેશી) કબીલામાંથી હોવો જોઈએ, જે કબીલામાંથી મોહમ્મદ પયગંબર આવ્યા હતા.
યુરોપમાં સામાજિક લગાવ અને વ્યક્તિગત ઓળખ વગરના (યુરોપમાં 50 પ્રતિશત મુસ્લિમ યુવાનો બેરોજગાર છે) યુવાનો માટે ખિલાફતનો આખો વિચાર જ લલચાવનારો છે. યુરોપની કથિત ‘નગ્ન’ સંસ્કૃિત વચ્ચે એમને ખિલાફત શાસનમાં નૈતિક અનુશાસન નજર આવે છે. યુરોપની સમસ્યા આતંકવાદ નહીં, પણ સામાજિક-સાંસ્કૃિતક છે એવું ઘણાને સમજાતું નથી. યુરોપ એના ઇતિહાસમાં સૌથી મોટી શરણાર્થી મુસીબતનો સામનો કરી રહ્યું છે. મધ્યપૂર્વ અને આફ્રિકામાં ચાલતાં ગૃહયુદ્ધોથી પરેશાન દસ લાખ લોકો 2015માં યુરોપમાં ઘૂસી આવ્યા છે. 2016ના પ્રથમ બે મહિનામાં જ 1,35,000 શરણાર્થી આવી ચૂક્યા છે.
આ ગૃહયુદ્ધોમાં અને યુરોપમાં ભાગી આવેલા મુસ્લિમો પર ઈસીસનો ખાસો પ્રભાવ છે. યુરોપને ખબર નથી કે આ મુસીબતનો સામનો કેવી રીતે કરવો. કેટલા ય યુરોપિયન દેશોએ સરહદો પર દીવાલો ઊભી કરી દીધી છે. જર્મન ચાન્સેલર, અને યુરોપની એક માત્ર સશક્ત નેતા, એન્જેલા મર્કેલે યુરોપિયન સમાજમાં વ્યાપ્ત બેચેનીના ઉપાય તરીકે બેરોજગાર, બેબસ અને દિશાહીન મુસ્લિમ યુવા પેઢીના યુરોપમાં એકીકરણનું સૂચન કર્યું છે. મોઝાર્ટ અને ગોથે અને શોપનહાર અને સાર્ત્ર અને બીથોવનનું યુરોપ ક્યારનું ય ખતમ થઈ ગયું છે. એક જમાનામાં જેનો ડંકો વાગતો હતો એ યુરોપિયન અર્થતંત્ર કમ્મરેથી બેવડ વળી ગયું છે.
સાદિક ખાન એન્જેલા મર્કેલની એકીકરણની યોજનાના સમર્થક છે. શરણાર્થીઓને પાછા ધકેલી મૂકવાને બદલે તેમને રોટી, કપડાં ઔર મકાન આપવાની એક ઝુંબેશ ચાલે છે. સાદિક આ ઝુંબેશના કાર્યકર છે. સાદિક એવા સમયે મેયર બન્યા છે જ્યાં લંડન(અને બીજાં અનેક શહેરો)ના ઈસાઈ યુવકો પણ ભ્રમિત થઈ ગયા છે. આપણે જેને જાણતા હતા એ યુરોપ તો ક્યારનું ય મરી ગયું છે. હવે એક નવા યુરોપનો જન્મ થઈ રહ્યો છે.
200 વર્ષમાં પહેલીવાર એક મોટા યુરોપિયન શહેરના મેયર બનેલા સાદિક ખાન યુરોપના આ નવા પ્રસવમાં દાયણની ભૂમિકા ભજવે છે કે ડાકણની એની લંડન રાહ જોઈ રહ્યું છે.
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 15 મે 2016
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5324308-NOR.html