ઇમર્જન્સી એ સમયની ઘટના છે જ્યારે ભારતના જાહેર જીવનમાં દિગ્ગજો હયાત હતા, જેમણે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો અને ભાગ નહોતો લીધો તેમણે લડતને નજીકથી જોઈ હતી. મોટા ભાગના જજો, વરિષ્ઠ પત્રકારો અને બુદ્ધિજીવીઓ ખરા અર્થમાં બહુશ્રુત હતા. નૈતિકતાનું અને મૂલ્યોનું આજે જેટલું ધોવાણ થયું છે એટલું ત્યારે નહોતું થયું
૧૯૭૫ની ૨૫ જૂનની મધરાતે પશ્ચિમ બંગના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રાય અને કેન્દ્રના કાયદાપ્રધાન એચ. આર. ગોખલે રાષ્ટ્રપતિભવન ગયા હતા. રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદને ઊંઘમાંથી જગાડીને એક દસ્તાવેજ આપ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન ઇચ્છે છે કે અત્યારે જ આના પર સહી કરવામાં આવે. રાષ્ટ્રપતિ આગળ પ્રશ્ન પૂછે એ પહેલાં તેમને જણાવી દેવામાં આવ્યું કે વડા પ્રધાન આવતી કાલે સવારે કૅબિનેટની બેઠક બોલાવવાના છે અને એમાં આ નિર્ણય પર મંજૂરી લઈ લેવામાં આવશે. રાષ્ટ્રપતિએ ચુપચાપ એક પણ પ્રશ્ન કે શંકા કર્યા વિના એ દસ્તાવેજ પર સહી કરી આપી હતી.
એ દસ્તાવેજ ઇમર્જન્સીનો હતો. દેશમાં અસાધારણ સંજોગો હોય, કહો કે કટોકટીની સ્થિતિ હોય ત્યારે આંતરિક સુરક્ષા માટે નાગરિકોના નાગરિક અધિકારો પર કાપ મૂકવાની કે જરૂર પડે તો છીનવી લેવાની બંધારણમાં જોગવાઈ છે. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચાલતું હતું, ઇન્દિરા ગાંધી સામે પ્રચંડ અસંતોષ હતો, નવનિર્માણ આંદોલન પછી ગુજરાતમાં હજી મહિના પહેલાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પરાજય થયો હતો; પરંતુ આ બધી સામાન્ય રાજકીય ઘટનાઓ હતી, જેને રાષ્ટ્રીય સંકટ કહેવાય એવી કોઈ ઇમર્જન્સી નહોતી. હા, બે અઠવાડિયાં પહેલાં ઇન્દિરા ગાંધી માટે અંગત સંકટ પેદા થયું હતું. ૧૨ જૂને અલાહાબાદની વડી અદાલતે લોકસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરવા બદલ ઇન્દિરા ગાંધીને ના-લાયક ઠરાવ્યાં હતાં અને તેમનું લોકસભાનું સભ્યપદ રદ કર્યું હતું. એ વાત તો ઇન્દિરા ગાંધીના દુશ્મનો પણ સ્વીકારે છે કે ઇન્દિરા ગાંધીના મામૂલી અને એ પણ ટેક્નિકલ ગુનાઓ માટે અલાહાબાદની વડી અદાલતે વધુ પડતી સજા કરી હતી. ઇન્દિરા ગાંધી સર્વોચ્ચ અદાલતમાં ગયાં હતાં, તેમને સ્ટે પણ મળ્યો હતો અને સર્વોચ્ચ અદાલતમાં તેઓ નિર્દોષ સાબિત થાય એવી પૂરેપૂરી શક્યતા હતી. ઇન્દિરા ગાંધી માટે અંગત સંકટ એ હતું કે ત્યાં સુધી તેઓ વડા પ્રધાનપદેથી રાજીનામું નહોતાં આપવા માગતાં.
સર્વસાધારણ માન્યતા એવી છે કે ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપવાની માનસિક તૈયારી કરી લીધી હતી, પરંતુ તેમના પુત્ર સંજય ગાંધીએ તેમને વાર્યા હતાં અને સિદ્ધાર્થ શંકર રાયે ઇમર્જન્સી લાદવાનો બંધારણીય ઉપાય શોધી કાઢ્યો હતો. એ વાત સાચી પણ હોઈ શકે છે. એ કદાચ ઇન્દિરા ગાંધીને ઊજળાં બતાવવા માટે ઊભી કરવામાં આવી હોય એવું પણ બને. એક વાત નક્કી છે કે ઇન્દિરા ગાંધી દેશની પાંચ કલંકિત ઘટનાઓમાંથી એક માટે જવાબદાર હતાં. દેશની પાંચ કલંકિત ઘટનાઓમાં મહાત્મા ગાંધીની હત્યા, ઇમર્જન્સી, દિલ્હીમાં સિખોનો નરસંહાર, બાબરી મસ્જિદનો ધ્વંસ અને ગુજરાતમાં મુસ્લિમોના નરસંહારનો સમાવેશ છે. ઇતિહાસ ઇન્દિરા ગાંધીને ઇમર્જન્સી માટે ક્યારે ય માફ નહીં કરે.
બંધારણમાં ઇમર્જન્સી લાગુ કરવાની જે જોગવાઈ છે એનો ઇન્દિરા ગાંધીએ અંગત લાભ માટે દુરુપયોગ કર્યો હતો. બીજું, બંધારણ મુજબ રાષ્ટ્રપતિએ કોઈ પણ દસ્તાવેજ પર ત્યારે જ સહી કરવી જોઈએ જ્યારે પ્રસ્તાવને કેન્દ્રની કૅબિનેટે મંજૂરી આપી હોય. ફખરુદ્દીન અલી અહમદે જે જાહેરનામા પર સહી કરી આપી હતી એને હજી કૅબિનેટની મંજૂરી નહોતી મળી. ત્રીજું, બીજા દિવસે સવારે જ્યારે કૅબિનેટની બેઠક મળી ત્યારે એમાં કોઈ પણ પ્રધાને ઇમર્જન્સી લાગુ કરવાની શી જરૂર હતી એવો સવાલ નહોતો કર્યો કે નહોતો એમાંના કોઈએ પ્રશ્ન કર્યો હતો કે પ્રસ્તાવ રાષ્ટ્રપતિભવન મોકલતાં પહેલાં કૅબિનેટની મંજૂરી કેમ લેવામાં ન આવી? ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળના સભ્યો ૨૬ જૂને સવારે જાગ્યા એ પહેલાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી ચૂકી હતી અને જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ તથા બીજા અનેક નેતાઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આનાથી પણ વધારે ગંભીર બાબત એ હતી કે મોટા ભાગના જજોએ, મોટા ભાગનાં અખબારોએ, મોટા ભાગના બુદ્ધિજીવીઓએ (પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ), મોટા ભાગના નેતાઓએ, મોટા ભાગનાં રાજકીય પણ નિર્દલીય સંગઠનોએ અને આજકાલ જેને નાગરિક સમાજ કહેવામાં આવે છે એણે એમ કોઈએ ઇમર્જન્સીનો પ્રતિકાર નહોતો કર્યો.
ઊલટું કેટલાક વિદ્વાનો અને સાહિત્યકારોએ ઇમર્જન્સીનું સમર્થન કર્યું હતું અને કેટલાકોએ તો રેડિયો અને ટીવી પર ભાટાઈ કરી હતી. તાજેતરમાં પ્રકાશિત થયેલું વરિષ્ઠ પત્રકાર કુમી કપૂરનું પુસ્તક ‘ધ ઇમર્જન્સી : અ પર્સનલ ડાયરી’ ચર્ચામાં છે. કુમી કપૂરે પ્રમાણો સાથે બતાવ્યું છે કે કેવી રીતે એ સમયના મોટા અને આદરણીય કહેવાતા નેતાઓ જેલમાંથી છૂટવા માટે રસ્તાઓ શોધતા હતા અને ઇન્દિરા ગાંધીની કૃપા મેળવવાના પ્રયાસો કરતા હતા. અટલ બિહારી વાજપેયી એક કે બીજા બહાને પરોલ પર છૂટીને જેલની બહાર રહેતા હતા. તેઓ કટોકટીના ૨૧ મહિનામાંથી લગભગ ૧૮ મહિના જેલની બહાર પોતાના ઘરમાં નજરકેદ હતા. ચૌધરી ચરણસિંહે જેલમાંથી છૂટવાની તજવીજ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે પોતાને મહાન હિન્દુત્વવાદી સંગઠન તરીકે ઓળખાવે છે અને જે રોજ સવારે શાખાઓમાં બાળકોને લાઠી સાથે બીજાના શૌર્યના પાઠ ભણાવે છે એ ઘૂંટણિયે પડી ગયો હતો.
સંઘના એ સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે ઇન્દિરા ગાંધીના નેતૃત્વનાં વખાણ કરતા પત્રો લખ્યા હતા અને ઇન્દિરા ગાંધીના પ્રજાલક્ષી ૨૦ મુદ્દાના કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા માટે સંઘના સ્વયંસેવકો કામ કરશે એવી ખાતરી આપી હતી. ૧૯૭૬ના ડિસેમ્બર મહિનામાં ઇન્દિરા ગાંધીએ જો રાજકીય ગણતરીમાં થાપ ન ખાધી હોત અને તેમણે લોકસભાની ચૂંટણી જાહેર ન કરી હોત તો ખબર નહીં દેશમાં લોકતંત્ર પુન: સ્થાપિત ક્યારે થયું હોત. ભારતમાં લોકતંત્રને પુન: સ્થાપિત કરવામાં સામાન્ય પ્રજાનો હાથ છે. બાકી રાજકીય પક્ષો, નેતાઓ, સંગઠનો, જજો, પત્રકારો અને બુદ્ધિજીવીઓ તો થોડા અપવાદ બાદ કરતાં ઘૂંટણિયે પડી ગયાં હતાં. આ એ સમયની વાત છે જ્યારે ભારતના જાહેર જીવનમાં દિગ્ગજો હજી હયાત હતા, જેમણે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો અને ભાગ નહોતો લીધો તો લડતને નજીકથી જોઈ હતી. મોટા ભાગના જજો, વરિષ્ઠ પત્રકારો અને બુદ્ધિજીવીઓ ખરા અર્થમાં બહુશ્રુત હતા. હજી નૈતિકતાનું અને મૂલ્યોનું આજે જેટલું ધોવાણ થયું છે એટલું હજી ત્યારે નહોતું થયું. એટલે જ લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે આપણે હજી ઇમર્જન્સી-પ્રૂફ નથી થયા.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 26 જૂન 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-26-6-2015-5