વડા પ્રધાને UNI પત્રકારને કહ્યું હતું કે આપણું બંધારણ દરેક નાગરિકને ધર્મના આચરણનો મૂળભૂત અધિકાર આપે છે ત્યારે એમાં બાંધછોડ કરવાની ન હોય. તેમણે કબૂલ કર્યું હતું કે કોમી નિવેદનો કરવાની કેટલીક કમનસીબ ઘટનાઓ બની છે, પરંતુ એને ચલાવી લેવામાં નહીં આવે
મોઢું ખોલતા વડા પ્રધાનને બરાબર એક વરસ લાગ્યું. કદાચ આનું કારણ બંગલા દેશની મુલાકાત છે. અત્યાર સુધી કોઈ મુસ્લિમ બહુમતી દેશમાં જવાનું બન્યું નહોતું એટલે ચિંતા નહોતી. બંગલા દેશ મુસ્લિમ બહુમતી દેશ છે અને ત્યાં હિન્દુત્વવાદીઓના ઉધામા અને બેફામ વક્તવ્યો વિશે કોઈ લસરકો મારી જાય તો ભૂંડા લાગવા જેવું થાય એ વાતનો ડર છે. વિદેશી ભૂમિમાં બચાવ કરવો પડે અને સેક્યુલરિઝમના સોગંદ લેવા પડે એના કરતાં ઘરના તોફાનીઓને ચૂપ રહેવાની તાકીદ કરવામાં, થોડા ઠપકારવામાં અને સેક્યુલરિઝમના સોગંદ ખાઈ લેવામાં વધારે સલામતી છે. આમ છતાં ભારતની મુલાકાતે આવેલા અમેરિકન પ્રમુખ બરાક ઓબામા તો ઘા મારી જ ગયા હતા.
તેમણે દિલ્હીની એક શાળામાં વિદ્યાર્થીઓને સંબોધતાં ભારતના શાસકોને સેક્યુલરિઝમની અને ગાંધીજીના વારસાની યાદ અપાવી હતી. આટલું ઓછું હતું તે તેમણે એ જ નિવેદન વધારે મુખર રીતે અમેરિકામાં દોહરાવ્યું હતું.
નરેન્દ્ર મોદી પત્રકારોને મળતા નથી કે મુલાકાતો આપતા નથી. તેમણે વડા પ્રધાન તરીકે એક વરસ પૂરું કર્યું છે ત્યારે તેઓ પસંદગીની ન્યુઝ-એજન્સીઓને મુલાકાત આપી રહ્યા છે જેમાં પ્રશ્નો આગોતરા મોકલી આપવાના હોય છે અને વળતો પ્રશ્ન પૂછવાની મનાઈ હોય છે. યુનાઇટેડ ન્યુઝ ઑફ ઇન્ડિયા(UNI)ને આપેલી મુલાકાતમાં હિન્દુત્વવાદીઓના કોમવાદી ઉધામાઓ વિશેના પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો હતો એનો અર્થ એ કે વડા પ્રધાન એ વિશે ખુલાસો કરવા માગતા હતા અને ખાસ આ પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાને UNI પત્રકારને કહ્યું હતું કે તેમની સરકાર બંધારણને વરેલી છે અને આપણું બંધારણ જ્યારે ભારતના દરેક નાગરિકને ધર્મના આચરણનો મૂળભૂત અધિકાર આપે છે ત્યારે એમાં કોઈ બાંધછોડ કરવાની હોય નહીં. તેમના શબ્દોમાં- Any discrimination or violence against any community will mot be tolerated.
તેમણે કહ્યું હતું કે તેમના શાસનના કેન્દ્રમાં દેશનો સર્વાગીણ અને સર્વસમાવેશક વિકાસ છે. સબકા સાથ, સબકા વિકાસ. તેમણે કબૂલ કર્યું હતું કે કોમી નિવેદનો કરવાની કેટલીક કમનસીબ ઘટનાઓ બની છે, પરંતુ એને ચલાવી લેવામાં નહીં આવે. વડા પ્રધાને આટલું બોલવા માટે આટલો બધો સમય લેવાની જરૂર નહોતી.
નરેન્દ્ર મોદી સંઘપરિવારના પહેલા એવા માણસ છે જેમણે એકલા હાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ને લોકસભામાં સંપૂર્ણ બહુમતી અપાવી છે. આવું કોઈએ ધાર્યું નહોતું અને સંઘપરિવારમાં પણ કોઈને આવી આશા નહોતી. તેમને લોકોએ ભારતના વિકાસ માટે મત આપ્યા હતા અને મત આપનારાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની વિચારધારા સાથે સંમત નહીં થનારાઓનો પણ સમાવેશ થતો હતો. ગયા વર્ષની લોકસભાની ચૂંટણીમાં મુસલમાનો અને ખ્રિસ્તીઓના મત પણ ભા.જ.પ.ને મળ્યા હતા એનું કારણ વિકાસનો વાયદો હતું. નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચાર દરમ્યાન વિકાસ સિવાય બીજા કોઈ મુદ્દાને હાથ લગાડતા નહોતા અને હિન્દુત્વની વિચારધારાને તો BJPના ચૂંટણીઢંઢેરામાં પણ પ્રાથમિકતા નહોતી આપવામાં આવી. પરંતુ સત્તામાં આવ્યા પછી સંઘપરિવારનો સૂર બદલાવા લાગ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના કેટલાક સભ્યો પણ જોડાયા હતા.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણી જીતવા યોગી આદિત્યનાથને આગળ કરવામાં આવ્યા હતા, જેમણે ત્રાસવાદી નિવેદનો અને ધમકીઓનો મારો ચલાવ્યો હતો. બેફામ નિવેદનો કરવામાં આર.એસ.એસ.ના સરસંઘચાલક મોહન ભાગવત પણ અગ્રેસર છે. ઘરવાપસી અને લવ જેહાદનો ઉપાડો લેવામાં આવ્યો હતો અને ખાસ કરીને ચર્ચો પર હુમલાઓ થતા હતા. આ બધું જ ગણતરીપૂર્વક થતું હતું અને નરેન્દ્ર મોદી ગણતરીપૂર્વક મૂંગા રહેતા હતા. એટલે તો અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ભારતની ભૂમિમાં શાસકપરિવારની પ્રવૃત્તિઓની નિંદા કરવી પડી હતી. સરકારે એક વર્ષ પૂરું કર્યું ત્યારે સરકારની કામગીરીનું જે આકલન કરવામાં આવ્યું છે એમાં જે કેટલાક મુખ્ય મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા એમાં એક મુદ્દો વડા પ્રધાનની ચુપકીદી હતો. આમ વારેતહેવારે ખૂબ બોલનારા વડા પ્રધાન આ મહત્વના મુદ્દે કેમ કંઈ બોલતા નથી એવો પ્રશ્ન પૂછવામાં આવતો હતો. તેમની ચુપકીદીનો અર્થ તેમની સંમતિ છે એમ માનવામાં આવતું હતું. હવે વડા પ્રધાને જે નિવેદન કર્યું છે એને આવકારવું જોઈએ, પરંતુ વાસ્તવિક પરિણામ શું આવે છે એ તો સમય જ કહેશે. આવા સમયે-સમયે અનુકૂળ આવતાં અને વિરોધાભાસી નિવેદનો કરવા માટે રાજકારણીઓ જાણીતા છે અને સંઘપરિવાર તો અનેક મોઢે બોલવા માટે કુખ્યાત છે. અત્યારે વડા પ્રધાને બંગલા દેશ જવાનું છે એટલે જરૂરિયાતના ભાગરૂપે સેક્યુલરિઝમના સોગંદ ખાધા હોય એ શક્ય છે.
તેમનાં શિક્ષણપ્રધાન સ્મૃિત ઈરાનીએ તો તેમનું આખું મંત્રાલય નાગપુરના હવાલે કરી દીધું છે. યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારમાં સોનિયા ગાંધી જો બંધારણબાહ્ય સત્તા ધરાવતાં હતાં તો અત્યારની સરકારમાં સંઘ એ સત્તા ધરાવે છે. કમસે કમ શિક્ષણ ખાતામાં તો એ ધરાવે જ છે અને સંઘને એમાં જ રસ છે. નરેન્દ્ર મોદી માત્ર નિવેદન કરે એ પૂરતું નથી. ખાસ કરીને શિક્ષામંત્રાલયમાં સંઘની દખલગીરીનો અંત લાવવો જોઈએ. એ તો જ્યારે કેળવણી સાથે સ્નાનસૂતકનો સંબંધ નહીં ધરાવનારાં સ્મૃિત ઈરાની જેવાં અલ્પશિક્ષિત મહિલાને માનવ વિકાસ ખાતું આપવામાં આવ્યું ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આની પાછળનો ઇરાદો મંત્રાલય નાગપુરને હવાલે કરવાનો છે. આજે શિક્ષણમંત્રાલય દરેક અર્થમાં અક્ષરશ: નાગપુર સંભાળે છે. મદ્રાસની ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી(IIT)માં આંબેડકર-પેરિયાર સ્ટડી ગ્રુપ પરનો પ્રતિબંધ આનું તાજું ઉદાહરણ છે. નરેન્દ્ર મોદી માટે આ વર્ષ નિર્ણાયક છે એ તેમણે ન ભૂલવું જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જૂન 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-3-6-2015-5