તેરમી જૂને બે અક્ષર પાડી રહ્યો છું ત્યારે છાપાં વધામણી આપે છે કે ગિરિધર ગોમંગ ભા.જ.પ.માં જોડાઈ ગયા છે. આ એ જ ગોમંગ છે જેમના એક મતે વાજપેયી સરકારને રાજીનામાની ફરજ પાડી હતી. જૂન ૧૯૭૫માં કટોકટી જાહેર થયા પછી જેઓ ‘કૉંગ્રેસવાસી’ થવા લાગ્યા – આચાર્ય અત્રેએ એક જમાનામાં આ પ્રયોગ મરાઠીમાં ચલણી બનાવ્યો હતો, જેમ ‘કૈલાસવાસી’ તેમ ‘કૉંગ્રેસવાસી’એ ન્યાયે – ત્યારે કહેવાતું કે તેઓ ‘રાષ્ટ્રીય પ્રવાહ’મા જોડાઈ ગયા છે. બને કે આજકાલ સૌ અવસરઅભિલાષીઓ માટે ભા.જ.પ.માં જોડાવું એ ‘રાષ્ટ્રીય પ્રવાહ’ હોય.
ગમે તેમ પણ, સંસદીય લોકશાહીમાં રાજકીય પક્ષોની ચોક્કસ ભૂમિકા છે તો પક્ષમાં ને પક્ષ બહાર અસંમતિનો અવાજ ઉઠાવી શકતી વ્યક્તિઓ અને નાનામોટાં સ્વૈચ્છિક નાગરિક જૂથોની ભૂમિકા પણ એવી જ અનિવાર્ય છે. અસંમતિથી માંડીને સંભવિત વિકલ્પ સુધીની ભૂમિકાએ જ્યારે આવી પ્રતિભાઓ અને પરિબળો પહોંચે છે ત્યારે પણ, એમને અંગે કદાચ સવિશેષ, અસંમતિનો અવાજ ઉઠાવી શકનારાઓની ભૂમિકા જરૂરી રહે છે. આ અર્થમાં અરવિંદ કેજરીવાલ નિઃશંક નસીબદાર છે કે એમને યોગેન્દ્ર યાદવ કે પ્રશાન્ત ભૂષણ મળી રહ્યા, અને કેવળ કમનસીબ પણ છે કે આજે ‘આપ’ સોમનાથ ભારતી જેવાઓ અને યોગેન્દ્ર યાદવ વચ્ચે વિવેક કરી શકવાની સ્વસ્થ મનઃસ્થિતિમાં નથી.
સત્તા-પ્રતિષ્ઠાન અને સત્તારૂઢોની પ્રકૃતિમાં જ કદાચ આ એક મુશ્કેલી હશે કે તેઓ બધો વખત જુદા અવાજને બૂજી તો શું સાંખીયે શકતા નથી. જયપ્રકાશે આંદોલનના આરંભતબક્કે સંવાદચેષ્ટા કીધી ત્યારે ઇન્દિરા ગાંધી વિધાયક પ્રતિસાદ અપી શક્યાં હોત તો બાંગલા ફતેહના સાતત્યમાં એમની એક સ્વીકૃતિ જારી રહી હોત.
પણ સત્તા-પ્રતિષ્ઠાનમાત્રને સારુ એક અભિશપ્ત વરદાન એ હોય છે કે એમને ચાટુકારો મળી રહે છે. આ ચાટુકારોને પાછો પોતે સ્વતંત્ર બૌદ્ધિક હોવાનો વહેમ હોય છે અને પ્રતિષ્ઠાન પણ એ વહેમને પોષતું હોય છે.
આ સંદર્ભમાં ગુજરાતનું અકાદમી પ્રકરણ જોવાતપાસવા જેવું છે. અકાદમી સરકારી નહીં પણ સ્વાયત્ત જોઈએ એ ઉમાશંકરનો આ દિવસોમાં ખાસો ગાજેલો (જો કે, કમનસીબે, પૂરતો નહીં સ્પર્શી શકેલો) પત્ર તો છેક ૧૯૮૬માં લખાયો હતો, પણ જાહેર જીવનના આ કવિએ સત્તા-પ્રતિષ્ઠાન પરત્વે સમીક્ષાત્મક અભિગમ કદી છાંડ્યો નહોતો. તમે જુઓ કે અવિભક્ત ગુજરાત કૉંગ્રેસ અને મોરારજી દેસાઈની નીતિરીતિ સબબ ઉમાશંકર જોશી, પુરુષોત્તમ માવળંકર, યશવંત શુક્લ આ સૌ સળંગ એક ટીકાત્મક ભૂમિકાએ લાંબો સમય હતા. પણ ઇંદિરા ગાંધીએ કટોકટી જાહેર કરી ત્યારે એમણે મોરારજીભાઈ અંગેના પોતાના ટીકાત્મક અભિગમને, કટોકટીનો વિરોધ કરવા આડે આવવા દીધો ન હતો. દર્શક જેવા સ્વાતંત્ર્યસૈનિક કૉંગ્રેસમેને શિક્ષણમાં સત્તાકારણ અને રાજકારણને અવકાશ ન હોય તે મુદ્દે મોરારજી દેસાઈ અને કૉંગ્રેસ સમર્થિત મગનભાઈ પ્ર. દેસાઈ સામે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદની ચૂંટણીમાં ઉમાશંકર જોશીનું પ્રગટ સમર્થન કરવામાં ધર્મ જોયો હતો. આ જ દર્શક પછીથી કટોકટીકાળે તામ્રપત્ર પાછું વાળે અગર તો સરકારી અકાદમીને બદલે સ્વાયત્ત અકાદમીનો ઝંડો ઉપાડે એમાં શું આશ્ચર્ય.
એકંદરે, મોરારજી દેસાઈ અને ઇંદિરા ગાંધી બેઉને ગુજરાતની સ્વતંત્ર બૌદ્ધિક પ્રતિભાનો ‘અનુભવ’ મળતો રહ્યો છે. એટલે સાહિત્યરસિક મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ૧૯૦૫થી કાર્યરત ગુજરાતી સાહિત્ય પરિષદની સક્રિયતા છતાં અલગ અકાદમી ઊભી કરવાનો રવૈયો ખાસ રસથી અપનાવ્યો હશે એમ માનવાને કારણ છે. સ્વતંત્ર બૌદ્ધિક પ્રવૃત્તિ અને પ્રતિભા પરત્વે, પોતે ગ્રંથસ્થ કવિ છતાં, નરેન્દ્ર મોદીને પણ એવું જ અસુખ હશે તે માધવસિંહની સરકારી અકાદમીએથી હટીને ગુજરાતે હાંસલ કરેલ સ્વાયત્ત અકાદમીને એમણે સુષુપ્ત કે મૂર્છિત જેવી કરી નાખી તેના પરથી સમજાઈ રહે છે. આ પ્રક્રિયા, ખરું જોતાં વિક્રિયા, આનંદીબહેનના કાર્યકાળમાં આગળ ચાલીને હાલના દિવસોમાં સ્વાયત્ત બંધારણ રફેદફે કરતી રચનાનું રૂપ લઈ રહી છે. નકરી નિયુક્તિઓનો દોર ‘સ્વાયત્ત’ એવા વિશેષણ તળે ચાલે છે એ ઓરવેલે આલેખેલ ‘ડબલસ્પીક’નું ક્લાસિક એટલું જ કલેશકર દૃષ્ટાંત છે; અને ક્લેશ કરતાં પણ વધુ તો નર્યો નિર્વેદ જગવતી બાબત કદાચ એ છે કે એને લેજિટિમસી આપતા લેખકો પણ સરળતાથી મળી રહે છે.
‘સફેદ જૂઠ’ અને ‘ઝગારા મારતો અંધકાર’ સરખા ઓરવેલીય પ્રયોગોની પ્રસ્તુતતા પુરવાર કરતો આ માહોલ છે : સ્વાયત્તતાના સમર્થન અને સરકારી અકાદમીના પદસ્વીકાર વચ્ચેનો મૂલ્યવિવેક ન કરી શકીએ એનો અર્થ એ થયો કે કટોકટીરાજના ચાર દાયકે પણ, સંઘર્ષ અને સિદ્ધિના એક દોર પછી પણ, અક્ષરકર્મીઓનો આતશ પૂરતો જલતો નથી. ઇચ્છીએ કે આ કોઈ પ્રજ્ઞાઅપરાધ ન હોય.
ભાઈ, ખરું જુઓ તો છેવટે તો આ મારા ને તમારા નાગરિક વજૂદનો મુદ્દો છે. સ્વતંત્ર વિચાર અને લોકતંત્રને સ્થાને સોફિસ્ટ્રી ને ડેમેગોગી ક્યાં સુધી ચાલવા દઈશું ? પહેલાબીજા સ્વરાજની લડતો આ માટે તો લડ્યા નહોતા.
સોક્રેટિસ બગાઈ, ક્યાં છો તું.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2015; પૃ. 01-02