‘કટોકટી’ ગઈ છતાં "કટોકટી’ જારી છે, સવાલ જેમ વિધિસર "ઈમરજન્સી’નો તેમ કાયમ જારી "ક્રાઈસિસ’નો પણ છે
ભાજપે અડવાણીને કટોકટીના પ્રતિકાર સેનાનીઓના સન્માનમાંથી બાકાત રાખ્યા
કહી તો શકાય કે 25મી જૂન આવી અને ગઈ. પણ એમ કહેવું કદાચ એક રસમી રાબેતો પણ બની રહે; કેમ કે ઓણ 25મીનું મહાત્મ્ય અને મહિમા એ વાતે તો હતાં અને છે જ કે ઇન્દિરા ગાંધીએ વિિધવત્ એકાધિકાર ઘોષિત કર્યાની ચાળીસીનો આ દિવસ છે. ઉપરાંત, હજુ પોતે આ દેશમાં કટોકટી નહીં જ આવે એ મુદ્દે આશ્વસ્ત નથી એવું કટોકટીના ઘોર વિરોધમાં પોતાને કોંગ્રેસના વિકલ્પરૂપે આગળ ધરનાર ભા.જ.પ.ના ખુદના નેતા અડવાણીનું કહેવું છે.
ભા.જ.પે. એમને કટોકટીના પ્રતિકાર સેનાનીઓના સન્માનમાંથી બાકાત રાખીને અડવાણીના આ મૂલ્યાંકન બાબતે (એમાંથી મોદીની રાજવટ વિશે સોડાતા અભિગમ બાબતે) પોતાની નારાજગી અને નાપસંદગી પણ પ્રગટપણે દર્જ કરી છે. અડવાણીની વાતમાં દમ નથી એવું જો કહી શકાતું નથી તો પક્ષે એમને જે રીતે વડાપ્રધાનપદની પસંદગીમાંથી બાદ અને બાકાત રાખ્યા તે પછી એમની વાતમાં વૈચારિક અને વ્યક્તિગત પરિબળોની સેળભેળ હશે એવા અનુમાન નથી એમ પણ કહી શકાતું નથી.
અડવાણીએ પહેલી મુલાકાતમાં ઇન્દિરા અને નમો બેઉને ઝપટમાં લીધા હતા. તે પછી એમણે, જો કે, ઇન્દિરાકેન્દ્રી જ રહેવું પસંદ કર્યું હતું. કદાચ, નાભિનાતાવશ એ લંગર છોડી શકતા નથી. ખરું જોતાં, કટોકટીકાળમાં જેને લડવાનો (અને એથી મહોરવાનો) મોકો મળ્યો એવા એક જેપી સૈનિકને નાતે આ લખનાર જેવા સંખ્યાબંધ લોકોને મતે ઇન્દિરા-મોદી-અડવાણીમાં સીમિત આ વિમર્શ ઊણોઅલૂણો અને બેહદ એટલે કે બેહદ અપૂરતો છે. આમ કહેવાનો આશય એ નથી કે ઇન્દિરા ગાંધી અને નમોની ટીકાને અવકાશ નથી. માત્ર, આ ટીકામાં સમગ્ર દર્શન નથી એટલું તો કોઈકે કહેવું જ જોઈશે.
1977ના માર્ચમાં જેપી-કૃપાલાનીની સંનિધિમાં મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા રાજ્યારોહણ થયું અને લોકશાહીની પુન:સ્થાપના થઈ તે ગાળાને અંગે ડેવિડ સેલબોર્નનું એક વિધાન વખતોવખત સંભારાતું રહ્યું છે : ‘કટોકટી’ ગઈ, ‘કટોકટી’ જારી છે. વસ્તુત: સેલબોર્ને કરેલો પહેલો પ્રયોગ ‘ઈમરજન્સી’ છે અને બીજો પ્રયોગ ‘ક્રાઈસિસ’ છે. આ ક્રાઈસિસ અગર કટોકટી સંક્ષેપમાં કહું તો એ વાતે છે કે લોકશાહીની પુન:સ્થાપના જરૂર મોટી અને બુનિયાદી વાત છે, પણ આર્થિક અને સામાજિક વાત છે, પણ આર્થિક અને સામાજિક વિષમતા બરકરાર છે એ અર્થમાં કટોકટી જારી છે.
પણ ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટીનો જે અર્થ આપણને સમજાય છે કે મૂળભૂત અધિકારો સ્થગિત જેવા છે અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી, નાગરિકનું જીવન કાયદાથી સ્થાપિત તંત્ર દ્વારા જોખમમાં હોઈ શકે છે તે અર્થનું શું, કોઈ પણ પૂછી શકે. આ ત્રિપુરામાં માણિક સરકારે જેની રવાનગીનો અપવાદરૂપ દાખલો બેસાડ્યો તે આફ્સ્પા (આર્મ્ડ ફોર્સિઝ સ્પેિશયલ પાવર્સ એકટ) હજુ સંખ્યાબંધ રાજ્યોમાં જારી છે. ઈશાન ભારત આફ્સ્પા અને ડિસ્ટર્બ્ડ એરિયા એકટ પ્રકારની જોગવાઈઓથી સંત્રસ્ત જ સંત્રસ્ત છે. ત્યાં ચૂંટણીઓ યોજાય છે, સરકારો આવે છે અને જાય છે, પણ સામાન્ય નાગરિકની જિંદગીમાં એ યત્કિંચિત્ પણ મોકળાશ નથી. જે કોંગ્રેસ-જનતા-ભા.જ.પ. આદિને બેસાડવા ઉઠાડવામાં ખરીખોટી પણ તમે અને હું અનુભવીએ છીએ. અલબત્ત, યુ.પી.એ.ની ભેટરૂપ માહિતી-અધિકાર છતાં આજે પણ આપણી કેટલી બધી પૃચ્છા ‘જાહેર હિત’માં અનુત્તર રહે છે એનો કોઈકે હિસાબ મૂકવા જેવો છે. હેન્ડરસન-બ્રુક્સ રિપોર્ટ કે નેતાજી વિષયક ફાઈલો વિશે યુ.પી.એ. જેટલું ‘પઝેસિવ’ હતું એટલું જ અત્યારનું ભા.જ.પ.-એન.ડી.એ. શાસન છે, એ વળી એક જુદો જ મુદ્દો થયો.
મુદ્દાની વાત એ છે કે જેમ ઇન્દિરા તેમ મોદી રાજવટ પણ એકાધિકારની કસોટીએ ટીકાપાત્ર હોઈ શકે છે. પણ આ બે દૃષ્ટાંતોથી આગળ જઈને, સરકાર માત્રની પ્રકૃતિમાં પડેલા સત્તાવાદ અને અધિકારવાદ તો હર કોઈ લોકશાહી રાજવટમાં પણ ઢેકો કાઢતા જ રહેવાના છે. લોકશાહીની અને શાસકોનું એટલું જ નાગરિકોનું હિત આ દૃષ્ટિએ સ્વાયત્ત સંસ્થાઓની ખિલવણીમાં રહેણું છે. કારોબારી સત્તા, ધારાસભા અને ન્યાયતંત્રની ભૂમિકા બેલાશક છે, પણ લોકશાહી સંસ્કાર ક્ષેત્રે ક્ષેત્રે સ્વાયત્તતા ઝંખે છે. બંધારણીય અને સ્વાયત્ત સંસ્થાઓ પરત્વે છેલ્લાં દસબાર વરસમાં કથિત ‘ગુજરાત મોડલ’નો જે રવૈયો રહ્યો છે અને નમોના પ્રધાનમંત્રીકાળના પહેલા વરસમાં જે લક્ષણ પ્રગટ થતું રહ્યું છે તે આ કસોટીએ બેલાશક ચિંતાપ્રેરક છે. એકાધિકારી માનસિકતાથી જાગતી આ ચિંતા બીજાં બે કારણવશ ઓર ગંભીર અને ઘેરી બને છે.
એક તો, કોર્પોરેટીકરણના વિશ્વવાયરામાં મોદી શાસન પણ બાકાત નથી. બલકે, દોડતાને ઢાળ મળ્યા જેવો ઘાટ છે. બીજું, ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’માં નિહિત માનસિકતા એધકાધિકારવાદને વ્યક્તિગત સત્તાવાદથી આગળ જઈ ‘આદર્શ’ અને ‘વિચારધારા’નો ઢોળ ચડાવી પેલી ભીંસને ઓર આકરી બનાવી શકે છે. આ સંજોગોમાં ઉત્તરોત્તર હાંસિયે હડસેલાતા જવું એ અદના આદમીની ને નાગરિક માત્રની દુર્નિવાર નિયતિ બની રહે છે. વિધિવત્ કટોકટી જાહેર થઈ તોપણ શું, ન થઈ તોપણ શું.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 27 જૂન 2015