ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બિલ(ગુજસીટૉક)ની જોગવાઈઓ તમે જોશો તો આ મિટિંગ પણ ગેરકાયદેસરની ગણાશે, હું અને તમે આસિસ્ટન્સ ટુ ટૅરરિઝમના નામે અટકાયતમાં આવી જઈશું.
આ પ્રકારનો કાયદો લાવવાની ૨૦૦૩માં કેન્દ્રમાં એન.ડી.એ.ની સરકાર હતી, ત્યારે કોશિશ થઈ હતી. ત્યાર પછી બીજી બે વખત ગુજરાતની ધારાસભાએ પ્રયત્નો કર્યા, પણ સેન્ટરમાં યુ.પી.એ.ની સરકાર હતી. આ કાયદો ૨૦૦૩થી ૨૦૧૫ દરમિયાન ન બની શક્યો હોય, તેના વિના પ્રૉબ્લેમ ન થયો હોય, તો હવે ધારાસભાના છેલ્લા દિવસે કોઈ પણ જાતની ચર્ચા વિના તે શા માટે પસાર કરવામાં આવ્યો તે સવાલ છે. વિરોધપક્ષોએ વૉકઆઉટ કર્યો. આ કાયદાને કન્સેન્ટ મળી જશે એમ મને લાગે છે. આ કાયદાનાં વિવિધ પાસાં ગંભીર ચર્ચા માગી લે છે. આ પહેલાં ઍડ્વોકેટ મુકુલ સિન્હાએ પણ આ પ્રકારના કાયદાઓ અંગે અનેક પ્રવચનો કર્યાં છે.
સહુ પહેલાં આપણે આપણી પોઝિશન ક્લિયર કરવી જોઈએ. કોઈ પણ જગ્યાએથી ઊભો થતો આતંકવાદ માનવતા સામેનો અપરાધ છે. એને માફ ન કરી શકાય, પણ એને સમજવાની કોશિશ કરી શકાય. અને આમ છતાં આપણે બધા પ્રકારના આતંકવાદ વિરોધી કાયદાનો વિરોધ કરીએ છીએ, પછી એ પાકિસ્તાનમાં હોય, અમેરિકામાં હોય કે ભારતમાં. આવા પ્રકારના કાયદા સ્ટેટ ટેરરિઝમ – રાજ્યનો આતંકવાદ ઊભો કરે છે. આટલી પોઝિશન ક્લિયર કર્યા પછી હવે આ કાયદાની સમજ આપણે મેળવીએ.
પહેલી વાત તો એ કે આપણે આ કાયદાનો વિરોધ શા માટે કરવો જોઈએ. એક જમાનામાં ક્રિમિનલ લૉ બહુ જ અમાનુષ અને ક્રૂર હતો. સમય જતાં તે વધુ ને વધુ હ્યુમનાઇઝ થતો ગયો, માનવીય બનતો ગયો. આજે આપણે જેને મૉડર્ન ક્રિમિનલ લૉ કહીએ છીએ તે હ્યુમનાઇઝ્ડ છે. તે રાજ્ય, વ્યક્તિ અને આરોપી ત્રણેયના અધિકારોને સંતુલિત કરે છે. દરેક આરોપીને માનવી ગણવો જરૂરી છે. આરોપી ગુનેગાર છે એ પુરવાર કરવાની જવાબદારી રાજ્યની છે. આરોપીને મોં ખોલવાની ફરજ પાડી શકાય નહીં. યોગ્ય મુકદ્દમો, બચાવ, ઊલટતપાસ, તટસ્થ અદાલત અને સપ્રમાણ (પ્રપોર્શનેટ) સજા એવી પ્રક્રિયા હોવી જોઈએ.
આપણે આ કાયદાનો વિરોધ એટલા માટે કરીએ છીએ, કારણ કે એ ક્રિમિનલ લૉના પાયાના સિદ્ધાન્તોનો વિરોધ કરનાર કાયદો છે. ક્રિમિનલ લૉનો સિદ્ધાન્ત છે કે અપરાધ અંગે અસ્પષ્ટતા ના હોવી જોઈએ. તમને ખબર ન હોય કે તમે ગુનો કરી રહ્યા છો એવું ન ચાલે. આતંકવાદી સંગઠનનું સાદું સભ્યપદ ગુનો નથી. આતંકવાદી સંગઠન સાથે કમ્યુિનકેશન કરવું, મૅસેજ કરવો એમાં પણ આ નવા કાયદા મુજબ પોલીસ તમને પકડી શકે.
આતંકવાદ વિરોધી કાયદાઓની કેટલીક ગંભીર ખામીઓ છે. પોલીસની હાજરીમાં કરેલ કન્ફેશન – કબૂલાત તેમાં પુરાવા તરીકે વપરાય છે. તે ન વપરાય એવો ઇન્ડિયન પીનલ કોડ(આઇ.પી.સી.)નો મૂળભૂત સિદ્ધાન્ત છે. એ ટૉર્ચરની સામેનો સેઇફગાર્ડ છે જે બહુ ઉપયોગી નથી. સોમાંથી નવ્વાણું કેસેસમાં ન્યાયાધીશની સામે ટૉર્ચર કબૂલ કરવામાં આવતું હોતું નથી. બીજો મુદ્દો એ કે આઇ.પી.સી. પ્રમાણે ડિટેન્શન પાવર એટલે કે આરોપીને અટકાયતમાં વધુમાં વધુ ચોવીસ કલાક રાખવાની સત્તા છે. આ કાયદા હેઠળ કોઈ પણ પ્રક્રિયા વગર આરોપીને એકસો એંશી દિવસ અટકાયત થઈ શકે છે. વળી એન્ટિસિપેટરી બેઇલ પણ લાગુ પડતો નથી. સર્વોચ્ચ અદાલત તો કહે છે કે ‘બેઇલ ઇઝ ધ રૂલ, જેઇલ ઇઝ ધ એક્સેપ્શન’. આ કાયદામાં બેઇલ મેળવવા માટે તમારે નિર્દોષતા પુરવાર કરવાની છે. એટલે સાબિતીનું ભારણ રાજ્ય પરથી આરોપી પર ફેરવી દેવામાં આવ્યું છે. આવી અનેક જોગવાઈઓ છે. ટાડા ઍક્સ્પાયર થયો, પોટા રિપિલ થયો. તો પછી આ ઍક્ટ શા માટે ? ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિ નથી, ઑર્ગનાઇઝ્ડ ક્રાઇમ દેખાતો નથી. તો પછી સરકાર શા માટે આવા કાયદામાં પડે છે ? તે આવા કાયદાની સ્પર્ધામાં છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને આન્ધ્રમાં આવા કાયદા બનેલા છે. પણ આવો કાયદો બનાવવો નહીં એવું નક્કી કર્યું તે પહેલાંના આ કાયદા છે. પણ હવે એક એવું મંતવ્ય ઊભું થયું છે કે જે રાજ્યમાં ઍન્ટિ-ટૅરરિસ્ટ લૉ ન હોય તે મૉડર્ન રાજ્ય ન કહેવાય.
કોઈ પણ કાયદાની બાબતમાં પાંચ બાબતો જોવાની હોય છે : તેની જરૂરિયાત છે કે નહીં, તેનું વાજબીપણું (જસ્ટિફાયેબિલિટી) છે કે નહીં, તેની નૈતિકતા-મૉરાલિટી છે કે નહીં, તે અમલમાં મૂકી શકાય તેમ છે કે નહીં, તેનાં પરિણામો શું આવી શકે. આ કાયદાની બાબતમાં પણ પૂછી શકાય કે તેની જરૂર છે કે કેમ. આતંકવાદ વિરોધી કાયદાઓની બાબતમાં હ્યુમન રાઇટ્સ કમિશને પણ આ પ્રશ્ન પૂછ્યો છે. ખરેખર તો અત્યારના આઇ.પી.સી.ની બધી જોગવાઈઓ પૂરતી છે, પણ એ અમલમાં મૂકી શકાતી નથી. તેનાં કારણો આ મુજબ છે : રાજ્ય સ્પાઇનલેસ અને કરપ્ટ છે, અદાલતો નબળી છે, અત્યારના કાયદા અમલમાં મૂકવાની ઇચ્છાશક્તિ નથી. રાજ્યો વિચારે છે કે બીજું કંઈ ન થઈ શકે, તો કાયદો બનાવો. દરેક કાયદો ભ્રષ્ટાચાર માટેની તક પૂરી પાડે છે.
ટાડા, પોટા, યુ.એ.પી.એ. જેવા અત્યાર સુધીના આતંકવિરોધી કાયદા કેટલા સફળ છે એ એક સવાલ છે, કારણકે એ કાયદા હોવા છતાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ જ છે. એનો અર્થ એ થયો કે એ કાયદાની બાબતમાં પાયાની ખામીઓ છે. આ લૉ-લેસ કાયદો છે એવું આ લૉના કન્ટેન્ટને જસ્ટિસની દૃષ્ટિએ તપાસતાં જણાય છે. આ કાયદામાં પોલીસને બધી સત્તા આપવામાં આવી છે, એટલે કે ક્રિમિનલ લૉનું પોલીસીકરણ કરવામાં આવ્યું છે. પોલીસની પાસે ઇન્ટરસેપ્શન, એંશી દિવસની અટકાયત જેવી સત્તાઓ છે. વળી, આ કાયદો પ્રિઝમ્શન ઑફ ગિલ્ટ એટલે કે નાગરિક ગુનેગાર છે, એવી ધારણા પર રચાયેલો છે. તેના આ સ્વરૂપને કારણે તે નાગરિકને કબૂલાત કરવાની ફરજ પાડે છે. આ કાયદો બંધારણના પાયાના સિદ્ધાન્તોનો ભંગ કરે છે. એ પૅરલલ ક્રિમિનલ લૉ બનતો જાય છે. અત્યારના જે કાયદા છે, જે વર્ષોથી પ્રૂવન એટલે કે યોગ્ય સાબિત થયેલા છે, તેને આ કાયદો હાનિ પહોંચાડી રહ્યો છે. સવાલ એ છે કે કાયદો પોતે જ અબ્યુઝ હોય તો શું કરવાનું ? આ સવાલ ૬૬એ કલમની બાબતમાં પણ આવ્યો હતો. તે વખતે ન્યાયાધીશોએ કહ્યું હતું : ‘ગવર્નમેન્ટ્સ મે કમ ઍન્ડ ગો …’ એ જ વાત બધા કાયદાને લાગુ પડે છે. કેટલાક આંકડા જોઈએ. ‘ટાડા’હેઠળ ૧૯૯૪માં આતંકગ્રસ્ત પંજાબમાં ૧૪,૪૫૭ કેસેસ થયા હતા, અને જ્યાં આતંકવાદી પ્રવૃત્તિ ન હતી, તે ગુજરાતમાં પંજાબ કરતાં વધારે એટલે કે ૧૭,૫૪૬ કેસેસ થયા હતા. એક વર્ષે આખા દેશમાં ટાડા હેઠળ ૭૬,૦૦૦ કેસેસ થયા હતા તેમાંથી ૩૫% પડતા મુકાયા હતા. જે ૩૫% પર સુનાવણી થઈ હતી, તેમાંથી ૯૫% નિર્દોષ જાહેર થયા હતા. એક તબક્કે ૫૦,૦૦૦ કેસેસનો રિવ્યૂ કરવામાં આવ્યો, ત્યારે કન્વિક્શન રેઇટ ૦.૮% હતો. જો આમ હોય તો કાયદાનો આશય શું રહ્યો એવો સવાલ થાય છે.
દરેક કાયદાના બે હેતુઓ હોય છે. એક, રિઅલ પર્પઝ અને બીજો લેટન્ટ પર્પઝ. જ્યાં પુરાવા પુરતા ન મળતા હોય અને છતાં સજા કરવી હોય, તો આ કાયદો વપરાશમાં લઈ શકાશે. એમાં માણસને જામીન ન આપીને વર્ષો સુધી ગોંધી રાખી શકાય છે. ગુજરાતમાં ૧૯૮૬માં ટાડા હેઠળ પકડાયેલા પાંચ મુસ્લિમોને ૧૯૯૬માં નિર્દોષ તરીકે છોડી મૂકવામાં આવ્યા હતા. અક્ષરધામ કેસમાં આરોપીઓ બાર વર્ષ પછી નિર્દોષ છૂટ્યા હતા. તેમની જિંદગીનાં મૂલ્યવાન વર્ષો બરબાદ થયાં હતાં.
આ કાયદો મૂળભૂત રીતે જ ખામીયુક્ત છે. તેમાં ટૅરરિઝમ અને ઑર્ગનાઇઝ્ડ ક્રાઇમને એક ગણવામાં આવ્યાં છે. ખરેખર તો એ અલગ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીના કાયદામાં ટૅરરિઝમ શબ્દ નથી, આપણે ત્યાં એ મૂકવામાં આવ્યો છે. એટલે આ કાયદો આતંકવાદ વિશેની સમજનો અભાવ બતાવે છે. ટેરરિસ્ટ મોતથી ડરતો નથી. ઑર્ગનાઇઝ્ડ ક્રાઇમવાળો મરવા માગતો નથી, તે વધુ પૈસો મેળવીને જીવવા માગે છે.
આતંકવાદ શા માટે એ આપણે સમજવું જોઈએ. જ્યારે વ્યક્તિ હડધૂત થાય છે, તેની નાગરિકતા અને ઓળખની સામે સવાલ ઉઠાવવામાં આવે છે, ત્યારે એ એલિયેનેશન એટલે કે અલગાવ અનુભવે છે અને તેમાંથી ટૅરરિઝમ જન્મે છે. આતંકવાદી પ્રવૃત્તિ માટે ક્રાઇમ કન્ટ્રોલનો અભિગમ લાગુ પાડી શકાય નહીં. ટૅરરિઝમની વ્યાખ્યા કરવી અઘરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કોઈ પણ વ્યાખ્યા કરો, તો એ અમેરિકાને લાગુ પડે છે. કૅનેડામાં ટૅરરિઝમ વિશેની એક કૉન્ફરન્સમાં ઠરાવ કરવામાં આવ્યો કે કમ્યુિનટી સિક્યૉરિટીના વિચાર અને નીતિ પર કામ કરવું. કમ્યુિનટી એટલે કે લોકો પાસે જવું, તેમને સામેલ કરવા, ઇન્કલુઝિવ ડેવલપમેન્ટ, ઇક્લુઝિવ સિટિઝનશિપ વિકસાવવી. આ કન્સેપ્ટનો જ્યાં ઇન્કાર કરવામાં આવે છે ત્યાં ટૅરરિઝમ વિકસે છે. ટૅરરિસ્ટ વિરુદ્ધ સરકાર એમ નહીં પણ ટૅરરિસ્ટ વિરુદ્ધ કમ્યુિનટી એવી પરિસ્થિતિ ઊભી કરવાની જરૂર છે. આ કાયદાથી આપણે વિકરાળ ફ્રૅન્કેસ્ટાઇન ઊભું કરી રહ્યા છીએ. જેમજેમ લોકોમાં અસંતોષ ઊભો થાય, વિકાસ સામેના પ્રશ્નો ઊભા થતા જાય તેમતેમ રાજ્યસત્તા વધુ હાર્ડ બને છે. હવે ડિસેન્ટ એટલે કે વિરોધ ટૅરરિઝમ લેખાશે. વિરોધનો અવાજ ઊભો થતો રોકવા માટે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવશે.
આ કાયદો આવતો અટકે તે માટે રાજ્યપાલ કે રાષ્ટ્રપ્રમુખ પર દબાણ લાવવા જેવા પ્રિવેન્ટિવ સ્ટેપ્સ મુશ્કેલ છે. હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટમાં ચૅલેન્જ કરી શકાય, પણ કોર્ટો પણ ટૅરરિઝમથી ઘેરાયેલી છે. આપણો કાયદો લગભગ આખો મહારાષ્ટ્રના કાયદા પરથી લીધો છે, અને મહારાષ્ટ્રનો એ કાયદો સુપ્રીમે જ મંજૂર રાખ્યો છે. ગુજરાતમાં જે જનઆંદોલનો ચાલે છે, તેમની સામે આ કાયદાનો ઉપયોગ થશે. એટલે આ કાયદો અમલમાં આવ્યા પછી હો-હા કરવી, આંદોલન કરવું, પકડાઈ જવું અથવા લડવું.
(પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ અને મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીના નેજા હેઠળ ગુજસીટૉકના વિરોધ માટે ૯ એપ્રિલે મહેંદી નવાઝ જંગ હૉલમાં યોજવામાં આવેલી બેઠકમાં વરિષ્ઠ કર્મશીલ ધારાશાસ્ત્રી ગિરીશ પટેલે આપેલા વક્તવ્યનું સંજય શ્રીપાદ ભાવેએ કરેલું શબ્દાંકન)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 01-03