વિશ્વરંગભૂમિ દિવસ 2015 : લંડનનું થિયેટર વિશ્વરંગભૂમિને જીવંત રાખે છે અને નવી દિશાઓ ખોલે છે
27મી માર્ચે, ગયા સપ્તાહમાં વિશ્વરંગભૂમિ દિવસ ગયો – ગુજરાતમાં પણ ક્યાંક ઉજવાયો. ગુજરાતી રંગભૂમિ કાયમ એક પ્રશ્ન અનાદિકાળથી ઉઠાવે છે કે, મુંબઈમાં ગુજરાતી નાટકોને જે પ્રમાણમાં પ્રેક્ષકોનો સહકાર અને પેટ્રોનેજ મળે એ ગુજરાતના અમદાવાદ, વડોદરા કે સુરતમાં કેમ મળતો નથી! જોકે સ્વ. ચં.ચી. મહેતાને મેં એવું કહેતા સાંભળ્યા છે કે, “ગુજરાત પાસે વેપાર છે. પૈસા છે, પછી રંગભૂમિની શું જરૂરત છે? પણ ગુજરાતમાં રંગભૂમિને પ્રેક્ષકો – પ્રેટ્રોનેજ સાવ મળતા નથી એવું પણ નથી. સરિતાના “સંતુ રંગીલી” અને ઉપેન્દ્ર ત્રિવેદીના એક બે નાટકોને ઘણો સાથ સહકાર ગુજરાતમાં જ મળ્યો છે. ભારતમાં બંગાળ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોને પોતાની રંગભૂમિ છે. બીજા રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મોટાગજાના નિર્માતા અને અભિનેતાઓ છે, પણ એમને પ્રજાકીય સંગાથ મોળો મળે છે.
વિશ્વની રંગભૂમિની કેટલીક બાબતો જાણવા જેવી છે. 1960ના ગાળામાં હું અમેરિકાના કેમ્બ્રિજમાં હતો. ત્યાંના લોકો ગર્વથી એવું કહેતા કે, લંડનમાં ‘હિટ’ ગયેલું નાટક બીજે ક્યાં ય નહીં પણ લંડન બહાર સૌથી પહેલાં અહીં કેમ્બ્રિજમાં જ આવે છે. નાટકના તંતુના જોડાણની કથનીઓ જાણવા સમજવા જેવી છે. અત્યારે વિશ્વમાં થિયેટરના બે મોટા કેન્દ્રો છે. લંડન અને ન્યૂયોર્ક. ન્યૂયોર્ક ઘણો સમય શીખર પર રહ્યું, પણ 2012-13માં લંડને ન્યૂયોર્કને પાછળ ધકેલી દીધું છે. લંડનના દૈનિકોમાં રંગભૂમિ વિષે જે દૈનિક માહિતી રોજ પ્રસિદ્ધ થાય છે એ જોઈએ તો આપણને ખબર પડે છે કેટલાક નાટક વરસથી પણ વધુ સમય સુધી કે વધારે ભજવાતા રહ્યા હોય છે. એવું આપણે ત્યાં તો ક્યારેક જ જોવા મળે છે.
લંડનના નાટક અને થિયેટર વિષે એક વિસ્તૃત અહેવાલ ‘સ્ટેજ’ સામયિકના તંત્રી એલિસ્ટર સ્મિથે ઘણી જહેમત પછી પ્રસિદ્ધ કર્યો. વિશ્વ રંગભૂમિનો એક અગત્યનો દસ્તાવેજ સહુ કોઈ જાણે એ હેતુથી એની કેટલીક વિગતો આપી છે. લંડન એકલામાં વ્યાવસાયિક થિયેટરો જ્યાં માત્ર નાટક-ઓપેરા જ ભજવાય છે તેની કુલ પ્રેક્ષક બેઠકની સંખ્યા 1,10,000 છે. 2012-13ના વર્ષમાં 220 લાખ પ્રેક્ષકોએ લંડનના થિયેટરમાં નાટક નિહાળ્યા અને આ વર્ષમાં બોકસ ઓફિસે કુલ કમાણી 61.85 કરોડ પાઉન્ડની કરી. 2012-13માં લંડનના ટિકટનો સરેરાશ દર 27.66 પાઉન્ડ રહ્યો, જે 2011-12ની તુલનામાં 3.7 ટકા ઘટવા પામ્યો હતો. અઠવાડિયાના સાતે સાત દિવસ નાટક ભજવાતા હોય એમ માનીએ તો રોજના 60,000 પ્રેક્ષકો નાટક કે ઓપેરા જુએ છે. તમે પ્રવાસીની ઋતુ સમયે લંડનમાં હો તો પ્રવાસે આવેલા પ્રવાસીઓ થિયેટરોમાં ઉભરાતા જોવા મળે! લાગે છે, શેકસપિયરનો જન્મ ઈંગ્લેન્ડમાં એટલે જ થયો હશે!
લંડનના થિયેટરની સૌથી મોટી ખૂબી એ છે કે, આ થિયેટરોમાં વ્યાપારિક અને પ્રયોગાત્મક નાટકોનું અદ્દભુત મિશ્રણ જોવા મળે છે. પ્રયોગાત્મક રંગભૂમિ એ નફો કમાવાની નથી. આવું સમન્વય વિશ્વમાં લંડન સિવાય ક્યાં ય જોવા મળતું નથી. 2013માં જ્યારે લંડનના નાટકના પ્રેક્ષકોની સંખ્યા ન્યૂયોર્કને વટાવી ગઈ ત્યારના સમયગાળાને લંડન એનો સુવર્ણયુગ માને છે. કારણ આ સંખ્યા બતાવે છે કે, લંડનમાં નાટકો જોનાર પ્રેક્ષકો સિનેમા જોનાર કરતાં વધુ છે. આ અહેવાલે એ હકીકતને બહાર આણી છે કે, વિશ્વભરમાં પારિતોષિક મેળવનાર નાટકો લંડને વધુ આપ્યા છે. લંડનના થિયેટરની ખૂબી એ છે કે, આ થિયેટરોમાં 30 બેઠકોના પબ થિયેટરથી માંડી ‘વેસ્ટ એન્ડ’ જેવા ઐતિહાસિક થિયેટરનો સમાવેશ થાય છે. ખામી એક જ છે કે, ઘણા થિયેટરો એટલા જૂના થઈ ગયા છે કે, હવે મોટા રોકાણની રાહમાં છે. 2013માં એપોલો થિયેટરની છત તૂટી પડ્યા પછી આ વાત વધુ મહત્ત્વની બની છે. થિયેટર પ્રેમીને પણ અકસ્માતનો ભય તો હોય જ ને? લંડનના કેટલાક મોટા અને જાણીતા થિયેટરો પણ જર્જરીત થયા છે. મોટાભાગના એટલા જૂના છે કે, અસંખ્ય પગથિયા ચડી ગેલેરીમાં પહોંચવું પડે. એવા જૂના અને એવી મોખરાની જગાએ આજે પણ લિફટ બેસાડવી લગભગ અશક્ય છે.
આ નાટયઘરો 3000 કલાકાર અને 6000 અન્યને થિયેટરને લગતી કામગીરીમાં પૂરો સમય પોષે છે. આમાં મોટા નાટયગૃહો અને મોટા મ્યુિઝકલ થિયેટર છે, પણ બે ઓપેરા હાઉસીઝ અને શેકસપિયરનું ગ્લોબ થિયેટર અસામાન્ય મહત્ત્વ ધરાવે છે. આ બે ડઝન નાટયગૃહો 900 કલાકારો અને કુલ આવકના 35 ટકા કમાય છે. આટલા બધા વૈવિધ્ય અને પ્રેક્ષકો મળવા છતાં કોઈ પણ નાટકને એક વાર એક નાટકગૃહમાં રજૂ કર્યા પછી એ નાટયગૃહ સિવાય બીજે લઈ જવાનું જરૂરી અને લાભદાયી હોવા છતાં લંડનમાં નિર્માતાઓ માટે શકય નથી બનતું. કારણ કે બીજું નાટયગૃહ મળવું લગભગ અશક્ય છે. 241 થિયેટરોમાંથી 85 ટકા લંડનના મધ્યમાં છે. જ્યારે એકલા વેસ્ટ મિન્સ્ટર વિસ્તારમાં 39 ટકા બેઠકોવાળા 53 થિયેટરો આવેલા છે. લંડનના થિયેટરોમાં રોજ ભજવાતા નાટકો વિશ્વના નામી નાટય લેખકોના લખેલા અને નાટકના ઇતિહાસમાં વિશ્વરંગભૂમિનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે. ટૂંકમાં, લંડનનું થિયેટર વિશ્વરંગભૂમિને જીવંત રાખે છે અને નવી દિશાઓ ખોલે છે. શેકસપિયરને એણે અમરત્વ અર્પ્યું છે.
લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 02 અૅપ્રિલ 2015