મહિના પહેલાં ગાંધીજી દ્વારા સ્થાપિત પ્રકાશન સંસ્થા ‘નવજીવને’ એક નવતર પ્રયોગને લઈને પત્રકાર પરિષદ બોલાવી હતી. નવતર પ્રયોગ હતો નવજીવનના પરિસરમાં મુખ્યમંત્રીના હસ્તે 'કર્મ' કાફે ખોલવાનો. ગાંધીવાદી સંસ્થામાં આવતા લોકોનો ખચકાટ દૂર થાય અને ગાંધીવાદી સંસ્થા ફરી વાર લોકજીવનમાં કેન્દ્રનું સ્થાન લે એ માટેના આ પ્રયત્નો છે, જો કે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કઇંક જુદું બયાન કરે છે.
નવજીવનના નવા વિચારો અને જાહેરાતો આવકારદાયક હતાં. એમાં ય એક જાહેરાત તો મનને પ્રફુલ્લિત કરે તેવી હતી, જેમ કે કર્મ કાફેના વાચકોના રિફ્રેશમેન્ટ માટે કાફેમાં નાસ્તા અને ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા. સ્વૈચ્છિક રીતે કોઈને કંઈ રકમ આપવી હોય તો કાઉન્ટર ઉપર રાખેલા ડ્રોપ બોક્સમાં નાખી શકે. સોમથી શુક્રવાર કાફેમાં નાસ્તો અને શનિ-રવિ ગાંધીથાળી બનાવવામાં આવશે. રસોઈ ઓર્ગેનિક અને પૌષ્ટિક હશે.
અહીં નવજીવનની જાહેરાત અને હાલની વાસ્તવિકતા વચ્ચે દેખાઈ રહેલા અંતરની વાત કરવી છે. સામાન્ય રીતે આપણા સંસ્કાર અને ગાંધીજી પ્રત્યેના આદરના કારણે ગાંધી સંસ્થામાં કોઈ મફતમાં ચા-નાસ્તો કરીને ચાલતી પકડે એવું નહીં બનતું હોય, પણ 'નિઃશુલ્ક મળશે'ની જાહેરાત પછી જોવું રહ્યું કે ડ્રોપ બોક્સમાં કશી રકમ નાખ્યા વગર કોઈ નીકળી જાય તો? એવું કરતાં શોક લાગ્યો જ્યારે નવજીવનના દરવાજા બહાર આવીને કર્મ કાફેના કર્મચારીઓએ, 'બિલ ભરતા જાવ'ની બૂમ મારી! જે ચીજ નિઃશુલ્ક જાહેર થઈ હતી એનું બિલ શાનું? અને આમ જાહેરમાં બૂમો? સવાલનો જવાબ હતો, 'ખાવાનું નિઃશુલ્ક છે, પણ તમારે ડ્રોપ બોક્સમાં પૈસા નાખવા ફરજિયાત છે! ૬ મૂઠિયાંના પતીકાવાળી આ નાસ્તાની ડિશની પડતર ૨૫ રૂપિયા છે, તે પ્રમાણે સમજીને ડ્રોપ બોક્સમાં રકમ નાખવી. '
તમે બિલની મંગણી કરશો તો કહેવાશે કે કિંમત નક્કી નથી કરી. તમે બોક્સમાં નાખવા માટે પડતર કિંમતનો અંદાજ લેવા માગતા હો તો રસોઈયા નાનુભાઈના અંદાજ મુજબ કોફીના ૨૦ અને ચાના ૧૫ રૂપિયા પડતર થાય છે. તેમજ બટાકાપૌંઆ, મૂઠિયા, ઉપમા વગેરે નાસ્તાની ડિશના ૨૫ રૂપિયા પડતર થાય છે. અલબત્ત, જોઈને ભલે તમને એમ થાય કે ૧૫-૨૦ ગ્રામ ઉપમા કે લખોટી જેવડાં ૮-૧૦ નાનકડા મૂઠિયાંની ડિશની પડતર કિંમત ૨૫ રૂપિયા તે કંઈ હોતી હશે!
ગાંધીજીના કાળમાં વિદ્યાપીઠમાં રસોઈ બનાવતા હતા તેમના જ પુત્ર નાનુભાઈને કર્મ કાફેમાં રસોઈયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાનુભાઈ ઓર્ગેનિક વસ્તુઓનો હવાલો આપીને નાસ્તાની ડિશની પડતર કિંમત પચીસ રૂપિયાને વાજબી ઠરાવવાનો પ્રયત્ન કરે છે. વળી, નાનુભાઈ ઉમેરે છે કે તમને જે ડિશમાં નાસ્તો આપવામાં આવે છે તે એક પેપર ડિશની કિંમત જ પાંચ રૂપિયા જેટલી થાય છે. અહીં પણ ઉદ્દભવતા એ સવાલને દાબી રાખવો પડે છે કે નાસ્તા કરતાં તેની પેપર ડિશની કિંમત વધી જતી હોય તો ગાંધીજીએ સૂચવેલી સાદગીનું શું?
રખે નાનુભાઈને એમ પૂછતા કે નિઃશુલ્ક સેવાની જાહેરાત કર્યા પછી ડ્રોપ બોક્સમાં ચા-નાસ્તાના પૂરતા પૈસા નાખીને નવજીવનનું ઋણ ઉતારતાં જવું કે કશું જ નાખ્યા વગર ચાલી નીકળવું તે મુલાકાતીઓની મુનસફી ઉપર કેમ નથી છોડતા? કેમ કે આ પ્રશ્નના જવાબમાં નાનુભાઈનો વધુ આઘાત આપતો જવાબ હતો, 'તો તો આખું અમદાવાદ અહીં ખાવા ઊમટી પડે!'
કરણી અને કથનીમાં અંતર કેમ છે? નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ કહે છે કે 'મેં તે દિવસે ક્યાં ય ફ્રી શબ્દ નહોતો વાપર્યો. કહ્યું હતું કે મૂલ્ય રાખવામાં નહીં આવે, ડ્રોપ બોક્સ મૂકવામાં આવશે. એક માણસ દર શનિ-રવિવારે ગાંધીથાળી જમીને ૨૦ રૂપિયા નાખતો હતો. અમે ત્રણ અઠવાડિયાં જોયું પછી કહ્યું થાળીની કિંમત પ્રમાણે તમે બોક્સમાં જે રકમ નાખો છો તે વાજબી રકમ નથી. તમે બહાર જમવા જાવ ત્યારે તમે ૨૦ રૂપિયા આપીને જમો છો ક્યારે ય?'
મતલબ કે ડ્રોપ બોક્સમાં કોણ કેટલા પૈસા નાખે છે તેના ઉપર પણ ઝીણી નજર રાખવામાં આવે છે. ગાંધીથાળી જમ્યા પછી કોઈ ખુશ થઈને ડ્રોપ બોક્સમાં ૫૦૦-૧૦૦૦ રૂપિયા નાખી દે તેનો વાંધો નથી પણ કોઈ ઓછી રકમ નાખે તો ટકોર પણ કરવામાં આવે છે. વિવેકભાઈને આ કોઈ વાતે અવિવેક જણાતો નથી.
રકમ નાખવાની ફરજિયાત કરવાથી ડ્રોપ બોક્સ મૂકવા પાછળનું હાર્દ મરી નથી જતું? આ પ્રશ્નના જવાબમાં વિવેકભાઈ કહે છે કે 'ના, ડ્રોપ બોક્સમાં પૈસા નાખ્યા વગર નીકળી જવાનો તમે એવો પ્રયત્ન કર્યો હોય તો વાંક તો તમારો છે. સમજીને બોક્સમાં રકમ નાખવાની તમારી ફરજ છે.'
આખરે કર્મ કાફેમાં ચાલતો આ ક્રમ લોકોને ગાંધી સાહિત્યથી રૂબરૂ કરાવવાના કાફેના મૂળ ઉદ્દેશને પણ ફટકો પહોંચાડે છે અને ઊલટાની નવજીવન પ્રત્યે મનમાં નકારાત્મક છબી સાથે મુલાકાતી નિરાશ થઈને પાછા જાય એવું પણ ન બને? વિવેકભાઈ પણ આ સમગ્ર પ્રશ્નને સમજણનો સવાલ ગણાવે છે. આમે ય કોઈ સારું કરવાનો પ્રયત્ન કરે ત્યારે લોકો લંગસિયાં નાખતા જ હોય છે.'
ફરી ફરીને નવજીવનને કહેવાનું મન થાય કે લોકોને નવજીવનના ઉંબરે લાવવા માટે તમે ભવ્ય કર્મ કાફે ખોલ્યું તો ખરું, હવે મુલાકાતીઓ માટે દિલનાં કપાટ પણ ખોલો. દિલની ભોગળો ભીડીને, કોણ ડ્રોપ બોક્સમાં શું નાખે છે તેના પર ઝીણી નજર રાખીને, ડ્રોપ બોક્સમાં કશું નાખ્યા વગર નીકળી ગયેલા મુલાકાતી સાથે તે અપમાનિત થાય તે હદે સંભાષણ કરીને તમે કશું હાંસલ કરી શકવાના નથી, ઊલટાનું ગુમાવશો.
—————————————————————–
વિવેક દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ, સાથે વાતચીત
અભિયાન ઃ કિંમત તમે લખેલી નથી. મુલાકાતીએ ફરજિયાત પૈસા આપવાના છે. એવામાં મુલાકાતી પડતર કિંમત અંગે પૂછે તો?
વિવેકભાઈ ઃ પડતર કિંમત કોઈ દિવસ ન પુછાય. અમારી પડતર કિંમત જાણીને તમારે શું કરવાનું છે.
સવાલ ઃ કાં રેટ ફિક્સ હોય અને કાં નાખવું ન નાખવું મરજિયાત હોય. તમે ડ્રોપ બોક્સમાં રકમ ફરજિયાતપણે નાખવાનું કેમ કહો છો?
જવાબ : તમારે સ્વેચ્છાએ જે કંઈ પણ નાખવું હોય તે પેટીમાં નાખવું જોઈએ.
સવાલ ઃ સ્વેચ્છાની વાત આવે ત્યાં ફરજિયાત ન હોય.
જવાબ : આટલા દિવસોમાં કોઈ પૈસા નાખ્યા વગર ગયું નથી. પૈસા નાખીને જવું એ મુલાકાતીઓની ફરજ છે. તમે કોઈ હોટલમાં ખાવા જાવ છો ત્યારે ભાવ અંગે રકઝક કરો છો? અહીં કેમ કરો છો?
સવાલ ઃ કારણ કે હોટલોમાં કિંમતો નક્કી હોય છે, અહીં કિંમતો નિર્ધારિત કરવામાં આવી નથી. કાં તમે નાસ્તા અને જમણની ડિશની ચોક્કસ રકમ નક્કી કરો અને કાં રકમ આપવી ફરજિયાત ન રાખો.
જવાબ : અમારી પડતર કિંમત જાણીને તમે શું કરશો? અમે કદી રેટ ફિક્સ કરવાના નથી. ગાંધીથાળીમાં ઘણાબધાને બોક્સમાં કેટલા પૈસા નાખવા એ બાબતે પ્રશ્નો થતા હતા એટલે અમે પડતર કિંમત ૯૯ રૂપિયા લખી. વાસ્તવમાં હજુ અમે પડતર કિંમત કાઢી નથી.
સવાલ ઃ અમે કાફેમાં પૂછ્યું તો કહેવામાં આવ્યું કે ચાલુ દિવસોમાં રોજના ૩૫-૪૦ મુલાકાતીઓ આવે છે. આટલી ઓછી સંખ્યા આવા વલણને કારણે હોય એવું ન માની શકાય.
જવાબ : ના, માત્ર દસ જ મુલાકાતીઓ ભલેને આવે. એની અમને પરવા નથી. એક પણ મુલાકાતી ન આવે તો એની પણ અમને પરવા નથી. અમારો મૂળ હેતુ સંખ્યાનો નથી. લોકો ગાંધી સાહિત્યના સંપર્કમાં આવે તે છે.
સૌજન્ય : “અભિયાન”, 04 અૅપ્રિલ 2015; પૃ. 20-21
http://www.abhiyaanmagazine.com/index.php/sambhaavmetro/85-slide/58968-કર્મ-કાફે-ની-કેફિયત