ડિયર ડાયરી !
હું રોજ ડાયરી લખતો નથી. ખરેખર કદી લખી નથી. પણ આજે એક ગંભીર સમસ્યાએ મારા મગજનું તૂતક ફેરવી દીધું છે, અને મારે ડાયરી લખવાની નોબત આવી છે. ડીયર ડાયરી! હું અને ગીજુ માઉન્ટ પ્લેઝન્ટમાં નોકરી લેવા ગયા હતા ત્યારે અમારી પ્રથમ મુલાકાત થઈ હતી. એ વખતે મારી ઉંમર પાંત્રીસેક વર્ષની. હું ટાંઝાનિયાથી અને ગીજુ મુંબઈથી લંડનમાં આવી સૂટેબલ નોકરી માટે ‘માઉન્ટ પ્લેઝન્ટ’માં ટેસ્ટ આપવા માટે હાજર થયા હતા. ત્રીસેક જેટલા ઉમેદવારોમાંથી માત્ર ત્રણ પાસ થયા હતા. એમાં મારો અને ગીજુનો પણ નંબર લાગી ગયો હતો. ત્યાર પછી કિંગ ક્રોસ સ્ટેશન પાસે ટ્રેનિંગ સેન્ટરમાં બે અઠવાડિયાં ટ્રેનિંગ ચાલી, એમાં પાસ થઈ જતાં સીધા માઉન્ટ પ્લેઝન્ટ સોર્ટિગ ઓફિસમાં ફૂલ ટાઇમ પોસ્ટલ વર્કર તરીકે અમે સાથે જ જોડાઈ ગયા હતા.
શરૂઆતના દિવસોમાં અમે ખૂબ પરસેવો પાડેલો. વેનમાંથી ટપાલના કોથળા ઊંચકી પ્લેટ્ફોર્મ પર ખડકવાના, તો ક્યારેક પ્લેટફોર્મ પર પડેલા કોથળાના ખડકલામાંથી એક એક કોથળો ખભે ચઢાવી, વેનમાં ગોઠવવાનો; આ પ્રકારનાં કામ અમને થકવી નાખતાં. પણ આસ્તે આસ્તે આ કામ પણ અમને ગોઠી ગયું. આ જૉબમાં થોડા મિત્રો મેળવ્યા, અને અમારા સુપરવાઈઝરોનાં દિલ પણ જીતી શક્યા.
સમય તાર રફતારે દોડવા લાગ્યો. પાંચેક વર્ષનો ગાળો જાણે પાંચ દિવસોમાં પસાર થઈ ગયો લાગ્યો. પ્રમોશન મળતાં રહ્યાં, હું પ્રથમ પી.એચ.જી., અને બીજાં બે વર્ષમાં સેક્શન મેનેજર બન્યો. પણ ગીજુ તો પોસ્ટ્મેનનો પોસ્ટ્મેન જ રહ્યો. એનો પગાર પણ કંઈ બહુ મોટો નહોતો, પરંતુ તે કામ સ્ફૂિર્ત ને ઇમાનદારીથી કરતો. આઠ કલાકની ડ્યૂટી દરમ્યાન તેના બંને હાથ સહેજે પોરો લેવાનું નામ ન લેતા. કામ પર પહોંચવામાં તેણે ક્યારેય લેટ્બૂક સાઇન કરી નથી, કે સમય પહેલાં પોતાની જગ્યા છોડવાની કદી ઉતાવળ કરી નથી. કાયમ સ્વચ્છ, ઇસ્ત્રીબંધ ગણવેશમાં ફરજ પર હાજર થઈ જતો. ચાની કેન્ટિનમાં અમે ક્યારેક એક ટેબલ પર બેસતા, ત્યારે અધિકારી અને નોકર નહીં પણ મિત્રો જેવા બની સેલસપાટા મારતા. એ મારે ત્યાં આવતો, ત્યારે અમારી વચ્ચે વિવિધ વિષયો પર કલાકો સુધી રસભરી ચર્ચાઓ ચાલતી. ત્યારે તેનામાં દફતરના કોઈ પણ વિભાગનું ઉપરીપણું સંભાળી શકે એવી ક્ષમતા મને જણાતી. પરંતુ નસીબ તેને ક્યાં લઈ આવ્યું હતું? સોનાની લગડી જાણે પિત્તળની ખાણમાં રગદોળાઈ રહી હતી !
હું સેકશન મેનેજર બન્યો તેને પણ હવે દસ વર્ષ થવા આવ્યાં હતાં. આ દરમિયાન કેટલી ય પ્રોમોશનલ જ્ગ્યાઓ ખાલી પડી અને ભરાઈ ગઈ. ‘માઉન્ટ પ્લેઝન્ટ’ ચોવીસ કલાક પંચરંગી પોસ્ટલ વર્કર્સથી ધમધમતી રહે. ત્રણ હજારનો વર્કફોર્સ ધરાવતી આ સોર્ટિંગ ઑફિસ દુનિયામાં અવલ્લ નંબરે હતી. માઉન્ટ પ્લેઝન્ટમાં જાતપાતના વાડા નડતા નહોતા. ઇન્ડિયન, એશિયન, ફિલિપીન્સ, જાપાની, ચીની, આફ્રો-કેરેબિયન, તેમ જ શીખો, મુસ્લિમો અને ગોરા, પંજાબીઓ તથા ગુજરાતીઓ પણ કામ સાથે કરે ! કેટલાક જુનિયર સોર્ટરો સ્પેિશયલ જૉબ જાહેર થતાં તે પર ગોઠવાઈ ગયા હતા. પણ ગીજુએ એ જગ્યા મેળવવા માટે પ્રયત્ન કર્યા જ નહિ. તેણે એક વાર પણ મને કહ્યું નહોતું કે બોસ, મારે લાયક કોઈ જગ્યા ખાલી પડે તો મારું ધ્યાન રાખજો. પણ આખરે મેં નક્કી કર્યું કે કોઈ સારી તક આવશે તો ગીજુને ત્યાં ગોઠવી દઈશ.
વર્ષે બે વર્ષે આમાંના મોટા ભાગના સોર્ટરો હોલિડે માણવા પોતાના વતનમાં કે યુરોપ-અમેરિકાની ટૂર પર ઉપડી જતા. કેટલાક અઠવાડિયાનો પગાર દારૂ સિગારેટ અને ઐયાશીમાં વેડફી મારતા. અને હોલિડે માટે એક પાઉન્ડ સુધ્ધાં બકાવી ના શકતા.
માઉન્ટનો સ્ટાફ હોલીડે કરવા માટે થોડા પૈસા બચાવી શકે એ માટે ‘માઉન્ટના સતાધીશોને એક હોલિડે ક્લબ’ એટલે કે એક જાતની બેંક શરૂ કરવાનો વિચારી સ્ફૂર્યો અને એ વિચારને મૂર્ત સ્વરૂપ આપ્યું. આ ક્લબમાં પોસ્ટ ઑફિસનો કોઈ પણ કર્મચારી કોઈ પણ સમયે આવીને પોતાની શક્તિ મુજબ પૈસા જમા કરાવી શકે તેમ જ ઉપાડી પણ શકે એવી જોગવાઈ હતી. રકમ જમા કરાવનાર ખાતેદારને પોસ્ટ ઑફિસના લોગોવાળી પાસબુક તેમાં જમા કરાવેલી બચતની રકમની એન્ટ્રી સાથે ઇસ્યુ થવાની હતી.
નોટિસબોર્ડ પર એ માટે વૅકેન્સીની જાહેરાત થતાં, અરજીઓનો ઢગલો થઈ ગયો. સિનિયોરિટી અને સ્વચ્છ રેકોર્ડ્ના ધોરણે ‘હોલિડે ક્લબ’ ચલાવવા માટે બે વ્યક્તિની વેકન્સીની જાહેરાત નોટિસબોર્ડ પર ચીટકાવવમાં આવી હતી. આ જગ્યા ગીજુને લાયક હતી. પણ ગીજુના પેટનું તો આ વખતે ય મુદ્દ્લ પાણી હલ્યું નહિ. સાંજે એ મારે ત્યાં આવ્યો ત્યારે મેં તેને કહ્યું : ‘ગીજુ, નોટિસબોર્ડ પર પ્રમોશનલ જાહેરાત આવી છે. આપણી ઑફિસમાં હવે બેંકિંગ સુવિધા શરૂ થાય છે.’
‘હા, મેં એ જાહેરાત જોઈ.’
‘એ જગ્યા માટે ઘણા સોર્ટરોએ અરજીઓ ભરી છે.’
‘જી.’
‘તેં અરજી મૂકી છે ને?’
‘ના.’
‘તું પોસ્ટ્મેનના જોબમાં પડ્યો રહીશ તો આગળ શી રીતે વધીશ? કંઈક કર, મારા ભાઈ, કંઈક કર; નહિતર પ્રગતિની આ તક તારા હાથમાંથી છટકી જશે.’
‘સર, મને પ્રોમોશનનો મોહ નથી. મારા ભાગ્ય્માં હશે તો સામેથી આવી મળશે.’
‘ગીજુ, આ જગ્યા માટે એક તું જ સુટેબલ કેન્ડિડેટ છે. આ પોઝિશન તને જ મળવી જોઇએ.’
‘સર, મેં કહ્યું ને – હું મારા કામથી ખુશ છું. હાઇ પોઝિશન મેળવીને હું શું કરીશ?’
* *
છ માસ બાદ –
‘હોલીડે ક્લબ’ ચલાવવા માટે ગીજુ અને બીજા એક ઇમાનદાર સ્ટાફની નિમણૂક થઈ ગઈ. પહેલા જ અઠવાડિયામાં ચારસો પોસ્ટલ ઑફિસરોએ ખાતાં ખોલાવ્યાં. અને આજે એક જ વર્ષ પછી હોલિડે ક્લબ’નું કામ એટલું વધી ગયું કે આ ક્લબ ચલાવવા માટે હવે બે માણસ પણ પૂરા પડતા નહોતા. પરિણામે મેનેજમેંટને બીજા બે રિઝર્વ સ્ટાફ્ની ભરતી કરવી પડી. ગીજુ અને તેનો જોડીદાર આ કામ બરાબર સંભાળી રહ્યા હતા. પોસ્ટલ વર્કર્સ પૈસા જમા કરાવવા આવતા, ઉપાડ કરવા આવતા. બે પેન્સ જમા કરાવ્યાનો સંતોષ લઈને જતા. બધું સમુસૂતરું ચાલતું હતું.
એક દિવસ હું મારી ચેમ્બરમાં ફાઇલોમાં માથું ખોસીને બેઠો હતો, એવામાં ડોર પર ધીમો ટકોરો પડયો. ‘કમ ઇન.’ મેં ફાઇલોમાં મોં ખૂંતેલું રાખીને જવાબ આપ્યો. ગીજુએ મારી ચેમ્બર્સમાં લડખડતી ચાલે દાખલ થતાં જણાવ્યું, ‘સર, તમને એક પર્સનલ વાત કરવા આવ્યો છું. મને થોડો સમય આપી શકશો?’’
મેં ફાઈલોના ગંજમાંથી માથું બહાર કાઢી, તેની સામે જોઈને કહ્યું, ‘હા, હા. વ્હાય નોટ? આવ બેસ અહીં, શું કહેવું છે?’
હંમેશાં પ્રફુલ્લિત રહેતા ગીજુના ચહેરા પર મેં આજે પહેલીવાર ઉદાસી અને ભયની રેખાઓ જોઈ. ‘બોલ, શું કહેવું છે તારે?’
‘સાહેબ, મારાથી એક ગુનો થઈ ગયો છે.’ કહેતાં ગીજુની આંખોમાં આંસુ આવી ગયાં.
‘વ્હોટ?’
‘હા, સર, ટપાલખાતાનો હું ગુનેગાર છું.’ કહેતાં ગીજુના ગળામાંથી ડૂસકું નીકળી આવ્યું. ગીજુ આટલો બધો કેમ રડતો હશે? ક્યા ગુનાની કબૂલાત કરવા તે મારી પાસે આવ્યો હશે?
‘સર, મેં દસ હાજાર પાઉન્ડની, ક્લબના હિસાબમાંથી, ઊઠાંતરી કરી છે.’ છેલ્લા શબ્દો એ ધ્રૂજતા સ્વરે બોલ્યો અને બીજી પળે ઠૂંઠવો મૂકી પોક પોક રોવા લાગ્યો. પળભર મને એમ લાગ્યું જાણે કોઈએ મારી છાતી પર ધગધગતા અંગારા દાબી દીધા છે. મારી ચેરમાંથી ઉછળી પડતાં હું બોલ્યો : ‘આઈ કાન્ટ બીલિવ ધિસ !’
એને વધુ શું પૂછું ? જે માણસની ખાનદાની પર આખી ઓફિસ ગૌરવ લેતી હતી, તે ચોરી કરે ? ‘શું આ સાચું છે?’
‘હા.’
મેં તેની આંખોમાં આંખો મેળવી પૂછ્યું : ‘હું માની શકતો નથી. તું સાચું કહે છે?’
‘યસ. ક્રાઇમ કર્યો હોય તો ના શી રીતે કહી શકું. હવે તમારે મને જે સજા કરવી હોય તે કરી શકો છો. ઓફેન્સ તો થઈ જ ગયો છે. હવે મને પનિશમેન્ટ આપવું કે મુક્તિ આપવી એ તમારા ડિસિસન પર નિર્ભર છે.’
ગીજુએ આટલાં વર્ષોમાં જે અપરાધ નહોતો કર્યો તે અપરાધ આજે કર્યો હતો. કોઈ બીજી વ્યક્તિએ આવો ગુનો કર્યો હોત, તો મેં તેને સીધો સસ્પેન્ડ કરી નાખ્યો હોત, પરંતુ, આ તો ગીજુ હતો, જેના પર હું આજ સુધી વિશ્વાસ મૂકતો આવ્યો છું. પણ ગીજુના મોંએથી ચોરીની કબૂલાત સાંભળ્યા પછી, અત્યારે મને તેના પર અપાર ગુસ્સો આવી રહ્યો હતો. એક ઊંડો શ્વાસ ભરી હું બોલ્યો : ‘ગીજુ, મેં તારી પાસે આવી આશા રાખી નહોતી. હું તને પોલીસને સોંપી દઉં તે પહેલાં બતાવ, એવી તારી કઈ મજબૂરી હતી કે તારે ચોરી કરવી પડી ?’
ગીજુએ ફરી ઠૂઠવો મૂક્યો. પરંતુ જીભ ઝલાઈ જતી હતી.
‘ગીજુ, હું તને કંઈક પૂછી રહ્યો છું?’ મારો ગુસ્સો ફાટ ફાટ થઈ રહ્યો હતો.
ગીજુના હોઠ સહેજ ફફડ્યા. જાણે ગુફામાંથી આવતા હોય તેવા શબ્દો મોંમાંથી બહાર પડ્યા : ‘બોસ, ચોરી ન કરું તો બીજું શું કરું? મારો એકનો એક દીકરો, વિની કુસંગતે ચડી ગયો. ખરાબ દોસ્તોની સંગતે તે દારૂ ને જુગારની લતે ચડી ગયો. પગાર આખો જુગારમાં વેરી દેતો. આછીપાતળી નોકરી હતી તે પણ આ લતને લીધે છૂટી ગઈ હતી . હું તેને ખરાબ મિત્રો અને કુટેવોની આદત છોડાવવા ખૂબ મથ્યો. આ વ્યાન છોડવા માટે તેને સમજાવતો રહ્યો. પણ એ તો વ્યસનના કળણમાં ઊંડો ઊતરી ગયો હતો. હવે આ આદતો છોડાવવી મારા હાથની વાત રહી નહોતી. છેવટે મેં તેને ઘરમાંથી કાઢી મૂક્યો.
આ ઘટનાને બે-એક દિવસ થયા હશે. એક સાંજે હું જમવા બેસવાની તૈયારી કરતો હતો ત્યાં ડોરબેલ વાગી. પત્ની કિચનમાં હતી, એટલે મેં બારણું ખોલ્યું તો સામે ગુંડા જેવા લાગતા બે તગડા આદમી ઊભા હતા.
‘તમે જ વિનીના ફાધર છો ને?’
‘હા. પણ તમે કોણ છો, અને તમારે વિનીનું શું કામ પડ્યું છે?’
‘વિનીએ બીજે દિવસે આપવાનું પ્રોમીસ કરીને અમારી પાસેથી દસ હજાર પાઉન્ડ બોરો કર્યા છે. જો આ પૈસા કાલ સાંજ સુધીમાં અમને નહીં મળે તો અમે તેને ફિનિશ કરી નાખશું. તમને આ વોર્નિંગ આપવા માટે આવ્યા છીએ.’
‘આવી ધમકી આપીને એ ગુંડાઓ તો ચાલ્યા ગયા પણ આખી રાત હું અને મારી પત્ની આ ધમકીના વિચારોથી ફફડતાં રહ્યાં. ખૂબ વિચારોના ચકરાવામાં ઘેરાયેલા રહ્યા પછી એક કલુષિત વિચારે મારા મનનો કબજો લઈ લીધો. ‘હોલિડે ક્લબ’ના મારા કબજાની પેટીમાં પંદરેક હજાર પાઉન્ડની નોટો મારી સામે આંખમીંચામણાં કરી રહી હતી. તેના પ્રચંડ તેજમાં મારી ઇમાનદારી ઊણી ઊતરી. પૈસાનો હિસાબ તો મારે એક અઠવાડિયા પછી મોટા સાહેબને દેવાનો હતો. બેચાર દિવસમાં ગમેતેમ પૈસાનો જોગ કરી પાછા મારા હિસાબમાં જમા કરાવી દઈશ એમ વિચારી, વિનીનો જીવ બચાવવા એમાંથી પૈસા ઉઠાવી મેં ગુંડાઓને આપી દીધા. પછી બીજે દિવસે હું બેંકમાં લોન લેવા ગયો તો લોન મળી નહિ, મિત્રો પાસે હાથ ફેલાવ્યા પણ એ લોકો મોં ફેરવી ગયા. સર, આ મારા ગુનાનો એકરાર કરવા માટે જ તમારી પાસે આવ્યો છું. હવે તમે જે ફેંસલો કરશો તે મને મંજૂર છે.’ ગીજુએ ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંખો લૂછી.
ગીજુની વાત સાંભળતો હતો, ને મારા મનમાં વર્ષો પહેલાં બનીને ભંડારાઈ ગયેલી એક ઘટના ઉપરથી રાખ ઊડી. એ વખતે ટાંગાનિકાની હાઇ સ્કૂલમાં હું શિક્ષક હતો. શાળા ઉઘડતી અને વિદ્યાર્થીઓ પુસ્તકો ખરીદવાં પડાપડી કરતાં. પુસ્તક વિતરણ વિભાગનો હું ઈનચાર્જ હતો. એક વાર મારી પત્ની બીમાર પડી. તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ હતું. ટૂંકા પગારની આવકમાંથી ખાનગી દવાખાનમાં તેને દાખલ કરું તો ચારેક હજાર શિલિંગનો ખર્ચ હતો. ત્યારે મેં પણ પુસ્તકોના હિસાબમાંથી તફડંચી કીધેલી. મારો ઇરાદો પણ લોન લઈને પૈસા પાછા જમા કરાવવાનો હતો. પણ તે વખતની ટાંગાનિકાની રાજકીય પરિસ્થિતિ એવી હતી કે લોન મળી નહીં, કિન્તુ એ રાજકીય આંધાધૂધીના કારણે પુસ્તકોના હિસાબનો મારો ગોટાળો પકડાય તે પહેલાં તો આંધાધૂધીમાં અમારે સૌને આફ્રિકા છોડી લંડન ભાગી આવવાની નોબત આવેલી. એ પૈસા હજી ભરાયા નહોતા, અને ધીમે ધીમે મેં પણ મારી જાત સાથે ઢોંગ કરી દીધો હતો કે મેં કદી પૈસા લીધા જ નહોતા, ને હું પ્રામાણિક શિક્ષક જ હતો ને આજે પ્રામાણિક અધિકારી બનેલો છું ! પણ સાચેસાચ તો હું હજી ચોર હતો. મારો ગુનો જાહેર થયો હોત, તો મારી દશા પણ અત્યારે ગીજુની છે તેવી જ હોત ! અમારા બંનેમાં ફરક એ હતો કે તે સાલસ માણસ હતો ને મારી પાસે કબૂલાત કરવા આવ્યો હતો. હું મીંઢો અધિકારી હતો ને અત્યારે ગીજુનો ન્યાય કરવા બેઠો હતો.
મારું દિલ રહી રહીને કહી રહ્યું હતું, ગીજુ સંજોગોનો શિકાર બન્યો હતો. તેણે પુત્ર તરફની આસક્તિને કારણે આ પગલું ભર્યું હતું. જો હું તેને હમણાં નોકરીમાંથી છૂટો કરી નાંખું અને કાલ સવારે તેને જેલમાં જવાનું થાય તો એની પત્નીની કેવી દશા થાય?
‘સર, મને એક મોકો આપો તો ટપાલખાતાનો પેન્સ પેન્સ દૂધે ધોઈને પરત કરીશ. સર, આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું.’ કહેતાં ગીજુ મારા પગમાં પડી ગયો.
માણસના મનનું કેવું હોય છે! મને થયું હું ગીજુને કહું કે હાલ પૂરતી હું તને લોન અપાવું છું, ને ધીમે ધીમે તારે પૈસા પાછા ભરી દેવાના છે. આ વાત આપણી વચ્ચે જ રહેશે. તો ગીજુ કાયમનો મારો ગુલામ બનીને રહે. પણ હું એમ કરું તો જાણે હું મારો ગુનો કબૂલતો હતો.
‘મિસ્ટર ગજેન્દ્ર ડાભી!’ મારા ગળામાંથી અધિકારીનો આકરો અવાજ બહાર આવે છે, જાણે મારો પોતાનો કોઈ કાબૂ નથી. મારું મગજ મારી સત્તાના મદમાં ડોલતું ડોલતું મારા મિત્રની નામોશીનો લહાવો લે છે! તેને ધમકાવતાં હું જાણે મારા મનના ચોરને ડારો આપું છું. ‘તમે જાતે રાજીનામું લખી આપો, નહીંતર પોલીસ કાર્યવાહી કરવાની અમને ફરજ પડશે. તમે સમસ્ત પોસ્ટલ ડિપાર્ટમેન્ટ માટે લાંચ્છનરૂપ છો. સમસ્ત ઇન્ડિયન લોકોને તમે બદનામ કરો છો. હાલ ને હાલ તમારી ચીજ વસ્તુઓ ઊઠાવી ઘરે જાઓ!’
મને વિશ્વાસ નથી આવતો કે આ હું બોલી રહ્યો છું. કેમ કે એ હું નથી બોલતો પણ મારી અંદરનો ચોર બોલે છે, જે પોતાની ચોરી કબૂલ કરવા માગતો નથી. અને જે કબૂલ કરે છે તેને સજા કરી જાણે પોતાને સજા થયાનો સંતોષ માણે છે.
અરે ! મારી ડાયરી મને અજાયબીથી જોઈ રહે છે. તેની આંખમાં હું આંખ મિલાવી શકતો નથી. ગીજુ મને આંખો ફાડીને જુએ છે. ‘પણ પૈસાનું શું, સર ?’
ડાયરી મારી સામે તાકી રહે છે. હું આડું જોઈ જાઉં છું. ‘તમે ઉઠાવેલા પૈસા હું ભરી દઉં છું. આજ પછી કદી તમે મને મોં બતાવશો નહીં. તમને જોઈને મને ઘૃણા છૂટે છે. ગેટ આઉટ!’
ડાયરીની નજરમાં અજાયબીની જગ્યાએ પરાણે પ્રશંસાનો ભાવ દેખાય છે. મારી ડાયરીની નજરમાં હું સાવ હલકો ઊતરતો નથી તેવું લાગે છે.
ડાયરી ડાયરીનું કામ કરે છે. હું મારું. અને ડાયરીના પછીનાં પાનાં કદી લખી શકાયાં નથી જ. મનમાં પ્રબળ ઇચ્છા છે જ કે આગળ કાંઈક લખું, પણ ….
— સમાપ્ત —
e.mail : vallabh324@aol.com