આનંદો ભારતવાસીઓ
હવે અર્ધનગ્ન પોતડી નથી કરતી પ્રતિનિધિત્વ ભારતવર્ષનું
હમે તો ઝગમગે છે નવલખો કોટ !
કોકે પેલી પોતડીને
‘રાજકારણીઓમાં સંત’ કહેલી, તો શું થયું ?
કોટના ઓવરકોટમાં તો
નામચીન સંતો, મહંતો, જોગી, સાધ્વી થોકબંધ છે !
પોતડીએ રાષ્ટ્રસેવા માટે
રામે ‘કર્યોતો એમ કર્યો’તો સીતાનો ત્યાગ ?
મારો રાષ્ટ્રભક્ત કોટ
એ બાબતે પોતડીથી આગળ છે.
પોતડીને ઉપવાસ, સત્યાગ્રહ અને ઝાડુ કાઢવા સિવાય
બીજું આવડતું’તું શું ?’
ફોટું પડાવ્યા વિના ઝાડુ કઢાય ? એ ય પાછું પાછું રોજરોજ ?
કંપની સરકાર સામે બાથડી પડાય ? એ ય પાછું રોજરોજ ?
પણ હવે તો પ્રૉબ્લેમ જ નથી, બૉસ
કોટ તો કંપનીનો જ ડ્રેસ ગણાય.
હવે તો કંપની જ કંપની સરકાર છે !
હા, ભાઈ હા, તમારી વાત સાચી છે કે
કોટની સાથે પાટલૂન નથી.
આંધળા છો ? દેખાતી નથી આવડી મોટી ચડ્ડી ?
આ અમારી ખાસ ખાસિયત છે … કોટ અને શૉટ્ર્સ !
મૂરખના સરદારો જરા સમજો તો ખરા
આને ગ્લોકલાઇઝેશન કહેવાય !
શું કહ્યું ?
એ પોતડી પર કવિતાની કવિતાઓ લખાતી એમ ?
એ બધી જૂની વાતો છે, સાહેબ
હવે તો કોટ ખુદ જ કવિતા લખે છે
અને કવિગણ ગણગણે છે !
સમજ્યા હવે,
તમારી પેલી પોતડી ‘રાષ્ટ્રપિતા’ ગણાય છે તે
સાહેબ, આ બજારનો યુગ છે.
રાષ્ટ્રપિતાના પાશેર ચણા ય ન આવે.
જ્યારે મારો કોટ તો ‘રાષ્ટ્રવેપારી’ છે ! ‘રાષ્ટ્રવેપારી’ !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 18