હમણાં જ એક વાર મુંબઈથી પુણે આવતી વખતે મેં અને મારી પત્ની સુનીતાએ નક્કી કરેલું કે આ વખતે તો જે થાય તે પણ ઇરાવતીબાઈને મળવું જ છે. મહાભારત વાંચતી વખતે સુનીતાને કેટલીક શંકાઓ ઊભી થઈ હતી, એ દૂર કરવા માટે ઇરાવતીબાઈને મળવું હતું. હકીકતે તો આ કેવું, ત્રીજામાં ભણતા છોકરાએ ‘અમારો દાખલો કરી આપો ને’ કહેતાં આઇન્સ્ટાઈનના ઘરે જવા જેવું હતું. પણ મહાભારતના એ મહાસાગરમાં અમારા જેવી નાનકડી હોડીઓ પણ ઇરાવતીબાઈને લીધે જ ધકેલાઈ હતી. કર્ણના કવચકુંડળ વિષે એક શંકા હતી, જો કે એ તો બીજા કોઈએ પણ દૂર કરી હોત પણ એ બહાને ઇરાવતીબાઈ સાથે કલાકેક વાત કરવાની જે તક મળી તે; ના, ના, એમની વાત સાંભળવા મળે એ ય સ્વાર્થ ખરો. અમારા પ્રત્યેના એમના આજ સુધીના સૌજન્ય પરથી એવો વિશ્વાસ હતો કે એમના કલાક પર આપણો હક્ક છે જ. પણ એવામાં જ સુનીતાને કોઈ કામ અંગે મુંબઈ જવાનું થયું, બે દિવસમાં જ એ પાછી આવવાની હતી. જતી વખતે મને ખાસ કહી ગયેલી કે મારે સ્વાર્થી થઈને એકલાએ ત્યાં જવું નહીં, એ પાછી આવે પછી અમારે બન્નેએ સાથે જ એમને મળવા જવાનું છે.
અને કુદરતે કાંઈ એવો પાસો ફેંક્યો કે ઇરાવતીબાઈને ત્યાં મારે એકલાએ જ જવું પડ્યું. આમ જવું પડશે એવું તો સપનામાં પણ વિચાર્યું નહોતું. મેં જ નહીં, એમના ઘરમાં પણ કોઈએ વિચાર્યું નહીં હોય કે કાલે સવારે બાઈનાં દર્શન કરવા આટલા બધા લોકો ભરાયેલી આંખે આવવાના છે. ખુદ મોત પણ જાગતાં ઇરાવતીબાઈ સામે આવવાની હિંમત કરી શક્યું નહીં. ‘ચાલો, હવે બધાં સૂઈ જાઓ તો’ એમ કહીને રાતના દસ સુધી બધાં સાથે સરસ વાતો કરીને, રોજની જેમ આખાયે દિવસનાં કામ પરવારીને થાક્યાંપાક્યાં સૂતેલાં ઇરાવતીબાઈ જાણે બધાંને થાપ આપીને જતાં રહ્યાં. આમ તો ક્યાંયે જતી વખતે બધાંને મળીને જનારાં અને યુરોપ-અમેરિકાથી કે પંઢરપુરથી પાછા આવીને જ્યાં ગયા હોય ત્યાંથી મેળવેલી નવી વિદ્વત્તા જ નહીં પણ ત્યાંની વખણાતી વાનગીઓનું પોટલું ખોલીને બધાંને મોટા મનથી વહેંચનારા ઇરાવતીબાઈ આવડી મોટી જાત્રાએ જતી વખતે ‘આવજો’ કહેવા પણ રોકાયાં નહીં. હું આમ અનાયાસે જઈ શકું એવી તેમની મારી માગણીને મોતે આટલી શબ્દશઃ પાળવાની શી જરૂર હતી !
‘ઇરાવતીબાઈ ગયાં!’ આટલા બે જ શબ્દો પ્રકાશક રા.જ. દેશમુખે ફોન પર કહ્યા. મને થયું કે ક્યાંક બહારગામ ગયાં હશે તેથી મેં સહેજે પૂછ્યું, ‘ક્યાં ગયાં?’ મને થયું કે શ્રાવણ મહિનો છે, મોટેભાગે તો પંઢરપુર ગયાં હશે, ત્યાં તેમનો અંતરંગ પ્રાણ વસતો હતો. ‘વિઠ્ઠલ’ એમનું વ્યસન હતું. થયું કે અષાઢ-શ્રાવણે તેમને બેચેન કરી મૂક્યાં હશે, છલકાતી ચંદ્રભાગા એમને પોકારતી હશે. આ વખતે જાત્રા (वारी) ભરનારાઓ સાથે બે ડગલાં ચાલવાનો મેળ ખાધો નહીં હોય, આમે ય તબિયત સારી નહોતી. તેથી અષાઢની ભીડ ઓસર્યા પછી ગયાં હશે. પણ મારા ‘ક્યાં ગયાં?’ સવાલનો દેશમુખે આપેલો જવાબ સાંભળીને હું સૂનમૂન થઈ ગયો.
ઇરાવતીબાઈ ગયાં! જેના બારણે ‘ૐ ભિક્ષાન્દેિહ’ કહીને માધુકરી માગવા જઈએ અને ઝોળીમાં પકવાન્ન લઈને આવીએ એવી માવડી ગઈ? કોઈ પણ જાતની ફી આપ્યાં વગર અમારાં જેવાં અનેક જણને મળેલાં શિક્ષિકા, જાણ્યા-અજાણ્યા કોઈના પણ નાનાશા પરાક્રમનાં વખાણ કરનારાં સહૃદયા, એક બાજુ માણસની ખોપરીનું માપ લઈને વિસ્તરિત માનવવંશનાં કેટલાંયે ગૂઢ રહસ્યો ઉકેલનારાં વિદુષી તો બીજી બાજુ અત્યંત કુશળતાથી પોતે રાંધેલી દેશીવિદેશી વિવિધ વાનગીઓ જમાડનારાં એક પાકકુશળ ગૃહિણી; ગજબના સંવેદનક્ષમ મને ટપકાવેલા અનુભવો અને ઊંડા વ્યાસંગની કુલડીમાંથી સાહિત્યનાં વિવિધ આભૂષણો ઘડનારાં ઇરાવતીબાઈ ગયાં? એ પુણેમાં હવે ઇરાવતીબાઈ નહીં જોવા મળે. ગણપતિ સાથે પધારેલાં ગૌરી(રિદ્ધિસિદ્ધિ)ના વિસર્જન પછી પૂજાઘરનો પેલો પાટલો કેવો સૂનો લાગે, તેવું થયું.
એમના ઘરે ગયો, બહાર મોટરોની હાર લાગેલી. ગુલટેકરીના વળાંકો પસાર કરતી હજી ય ગાડીઓ આવી રહી હતી. સ્કૂટર પરથી લોકો આવી રહ્યા હતા. ચાલતા આવતા હતા. પહેલાં કેટલીયે વાર એ બધા ઇરાવતીબાઈને સાંભળવા આવી ગયા છે, આત્મીયજનો. પણ ઇરાવતીબાઈ આજે કાંઈ સંભળાવવાના નહોતાં. હું મનમાં જ કહી રહ્યો હતો, ‘બાઈ, કેટલી વાતો કરવાની હતી, કેટકેટલું પૂછવાનું હતું?’ કોકની વાડીમાં લઈ જવાનાં હતાં તમે અને મેં જિંદગીમાં ક્યારે ય ન ખાધેલી તેવી દ્રાક્ષ ખવડાવવાના હતા.’ કહેતાં હતાં કે એવી દ્રાક્ષ તો એમણે કૅલિફોર્નિયામાં પણ જોઈ નહોતી. ‘એ દ્રાક્ષની વાડીમાં ક્યારે લઈ જાઓ છો?’ એ પૂછવાનું હતું. એમની અદ્દ-ભુત કરુણાસભર વાતો ગાનની જેમ સાંભળવાની હતી. મહાભારત, રામાયણ, રઘુવંશ, ઋતુસંહારમાંનો કોઈ સંદર્ભ યાદ આવતાં એ જ્ઞાનકિરણોથી સૂર્યમુખીની જેમ ઉઘડતા જનારા તેમના મુખ સામે જોતાંજોતાં હૈયાની ભીનાશમાં ભિંજાયેલાં એ ભાષ્યો સાંભળવાનાં હતાં. જ્ઞાન શુભ્ર હોય છે. મોટેભાગે આ શુભ્રતા શ્વેત વસ્ત્રોની જેમ કોરી લાગે છે. ઇરાવતીબાઈની શુભ્રતા તો શ્વેતકમળ જેવી— શ્વેત, સૌમ્ય, મૃદુસુગંધી, આહ્લાદક. મનમાં કહેતો હતો કે એવાં તે કયાં મોટાં કામ આવી પડેલાં તે એમને મળવા ‘જઈશું, જઈશું’ કહેતાં જ રહ્યાં અને જેટલી વાર જવાનું હતું તેનાથી સો-માં ભાગનું પણ જવાયું નહીં. હવે ફક્ત જીવ બાળવાનું રહ્યું.
ગુલટેકરી પરનું એમનું નવું ઘર જોવા આવવા તેમણે ખૂબ આગ્રહપૂર્વક તેડાવેલાં. પહેલાંના વખતમાં બાઈબહેનો એકબીજીને ત્યાં મળવા જતી. પોતાનાં સુખદુઃખની બેચાર વાતોની આપલે થઈ શકે તેટલો જ એમાં હેતુ. ઇરાવતીબાઈ દેશમુખ(પ્રકાશક)ને ત્યાં એવી રીતે જ જતાં. ત્યાં મળવાનું થતું. એમણે પોતાનું નવું ઘર બતાવવાની શરૂઆત એટલા ઉત્સાહથી શરૂ કરી કે એમને પહેલી વાર મળનારને તો એમ જ થાય કે આ બહેનને રસોડા અને છોકરાં (चूल आणि मूल) સિવાય જિંદગીમાં બીજામાંયે કાંઈ રસ છે કે નહીં? ‘આ જાંભા પથ્થર (રાતો) જોયો કે?’ મહાબળેશ્વરના પરિસરમાં મળનારો કોંકણનો ખાસ પથ્થર ભીંતે ખાસ બેસાડેલો. એના પર વહાલથી હાથ પસવારતાં એના ગુણગાન કરતાં હતાં. કોક નાનીમા એના નાનકા દોહિત્રના અછોવાના કરે તેમ. આ પથ્થર તો હીરાના મૂલનો. એમના પિયેરનો પથ્થર. એમનું પિયેર કોંકણમાં. આમ તો સાસરિયા કર્વે પણ કોંકણના જ. માનવવંશશાસ્ત્રનાં આ મહાન વિદુષીએ પોતાના લોહીમાં રક્તકણો કેટલાં છે તે ગણ્યું હતું કે નહીં એની ખબર ન હતી પણ એ રાતા પથ્થરો એમના નાતાને કોંકણમાં લઈ જઈને એમના પિયેરના લોહી સાથે જોડતા હતા. અને સાસરીના સંબંધે એકબીજા સાથે જોડતા હતા. એ બેસાડતી વખતે એમણે એ પથ્થરોને ચોક્કસ કહ્યું હશે, ‘ભઈલા, તું મારા પિયેરનો અને તું મારા સાસરીનો.’ એ રાતા પથ્થરોનાં છિદ્રોમાંથી એમને કોંકણના એમનાં તાડ-સોપારીની વાડીઓ દેખાતી હશે.
પછી અમે ઓસરીમાં આવ્યા. પશ્ચિમ ક્ષિતિજે સહ્યાદ્રીની પર્વતમાળા. આકાશમાં ઊડતા ભૂરાજાંબલી, ગુલાબીસોનેરી રંગો. ગુલટેકરીની તળેટીથી માંડીને ઠેઠ દૂરના ડુંગરો સુધીની હરિયાળી, ડુંગરોની નીલિમા. ઇરાવતીબાઈ એમાંના દરેક ડુંગરની મને ઓળખ કરાવ્યે જતાં હતાં અને હું એ ડુંગરોને બદલે પ્રકૃતિનાં એ વિરાટ દર્શનથી એમના ચહેરા પર ફેલાયેલા ઊજાસ સામે જોતો હતો. આમ તો એમને થનારાં આ રોજનાં જ દર્શન પણ રોજની સાંજ કેવાં નિરનિરાળા સાજશણગાર કરીને આવે છે એનું અચરજ જોનારાં બાઈની આંખમાં ‘તેનું તે જ’નો કંટાળો નહોતો. એ દૃશ્ય ફક્ત એમની આંખ જ જોતી ન હતી પણ એમના શરીરની સમગ્ર તપઃપૂત ચેતના એ આંખમાં સમેટાઈ હતી. એ ડુંગરોનાં નામ કહેતાં, એ પથ્થરની જાત કહેતાં, એ વનસ્પતિવૈભવ જણાવતાં એ પર્વત, પથ્થર અને વનસ્પતિ એટલે કોક અજ્ઞાત ક્રોધી ઋષિના શાપથી શિલારૂપ કે વૃક્ષરૂપ થઈને સ્થિર થયેલા અતિ પ્રાચીન માનવવંશો જ હોય એવી અંતર્દાઝથી બોલતાં હતાં.
એમની સાથેની ઓળખાણ હજી હમણાંહમણાંની. જો કે ઓળખાણ થવાને કોઈ કારણ હતુંયે નહીં. સોશ્યૉલૉજી, એંથ્રપૉલૉજી જેવા વિષયો મારી સમજ બહારના તો હતા જ પણ આ શબ્દો હું એકી શ્વાસે બોલી જાઉં કે કેમ તેનીયે શંકા. મેં એમને પહેલવહેલાં જોયાં તે તેંતાલીસની સાલમાં, હું ફર્ગ્યુસન કૉલેજનો વિદ્યાર્થી હતો ત્યારે. રઁગ્લર મહાજની ત્યારે જ નિવૃત્ત થયેલા અને તેમની જગ્યાએ ડી.ડી. કર્વે આચાર્ય થયેલા. એમની તો ફડક જ પેઠેલી. અમારું માનવું કે એમના શબ્દકોશમાં ‘શિસ્ત’ નામનો એક જ શબ્દ હોવો જોઈએ. અતિશય કડવી શિસ્ત. એક તો કર્વે (મહર્ષિ ધોંડો કેશવ કર્વે) ઘરનાં સર્વેએ શિસ્ત સંબંધિત તેમ જ નિર્ધારિત અસામાન્ય કાર્યો કોઈ પણ વિરોધને ગણકાર્યા વગર કર્યે જવાની વાતો અમે સાંભળી હતી, વાંચી હતી. બીજું અમે જોઈ રહ્યા હતા કે ર.ધો. કર્વે (બીજા ભાઈ) પણ કેવા આકરા વિરોધનો સામનો કરી રહ્યા હતા તે. તેથી મૂળે તો એમની અટક ‘કડવે’ જ હોવી જોઈએ પણ ‘સાહેબો’ની ‘ડ’નો ‘ર’ કરવાની ટેવને લીધે એમણે ‘કડવે’નું ‘કરવે-કર્વે’ કર્યું હશે.
મેં એમને પહેલીવાર કૉલેજના અૅમ્ફી-થિયેટરમાં જોયાં, કોઈ સમારંભમાં. એમનું વ્યક્તિત્વ મરાઠી સ્ત્રીઓ કરતાં એટલું તો નિરાળું હતું કે એક વાર એમને જોયાં પછી એ દર્શનની છાપ ભૂંસાવી અશક્ય હતી. મરાઠી સ્ત્રીઓમાં સહસા જોવા ન મળતી ઊંચાઈ, તકતકતો ગોરો રંગ, મોટો કોરો ચાંલ્લો, કચકચાવેલો ગાંઠિયો અબોડો, આંખે ઊડીને વળગતા રંગની રેશમી પાલવવાળી સાડી — એવા ઠાઠમાં એ જ્યારે ડી.ડી. કર્વેની સાથે આવ્યાં ત્યારે કોક પરદેશી બાઈ ભારતીય પહેરવેશમાં આવી હોય એવું મને લાગ્યું. એ ફક્ત એમની ઊંચાઈ કે એમના ગોરા રંગને લીધે નહીં પણ બારણામાંથી ખુરશી સુધીની તેમની ચાલ પણ ‘નમયતીવ ગતિર્ધરિત્રીમ્’ જેવી સુંદર રુઆબદાર અને મરાઠી સ્ત્રીઓમાં જરાયે જોવા ન મળે તેવી હતી, તેના લીધે પણ. તેમની અસાધારણ ઊંચાઈને લીધે એમનાં સાસુમા ‘આ તો દીપમાલા’ કહીને એમની મજાક કરતાં. એ દર્શન યાદ આવતાં જ થાય કે ઉત્સવ માટે અનેક દિવેટથી પ્રજ્વલિત દીપમાલા ચાલી આવતી હોય તેમ એ આવેલાં. દીપમાલા. ઊંચી, સુંદર, તેજસ્વી અને સૌમ્ય પણ, મંગલ, સ્નેહાળ અને સરળ. વાતાવારણને ઉજાળી મૂકનારી. એ પ્રકાશથી આંખને આંજી નાંખવા કરતાં શાતા આપનારી. એ શીતળ તેજમાં નહાઈ લેવા માટે ઘડીભર જઈને બેસીએ, એવો સ્વજનનો આશરો આપનારા ચોતરા જેવી. એમનાં સાસુએ મજાકમાં આપેલી ઉપમા દિવ્ય ઉપમા જેવી મનમાં જઈને જડબેસલાક બેઠી હતી. ‘આંખડીનો કર્યો દીવો, હથેળીનું પારણું.’ જેવી ચિરંજીવી ઉપમા. એમને જ્યારેજ્યારે જોતો ત્યારે આ ઉપમા જ મને યાદ આવતી.
તે દિવસે અમ વિદ્યાર્થીઓનો કાંઈ મનોરંજન કાર્યક્રમ હતો. મધ્યાંતરમાં અમે કેટલાક મિત્રો ઊભા હતા. એક ટોળામાં ઇરાવતીબાઈ ઊભાં હતાં. ત્યાં જ ડી.ડી. કર્વે પણ આવ્યા. ઇરાવતીબાઈએ તેમને સાદ પાડીને કહ્યું, ‘દિનુ, હું જાઉં છું.’
પતિને તુંકારો કરનારી પત્નીની આજે પણ ટીકા પણ થાય છે, એમના પતિદેવો તો પતિશાહી કોને કહેવાય, એ પણ જાણે નહીં એવું કહેવાય છે. આટલાં વર્ષો પહેલાં પતિને ‘ઓ દિનુ’ કહેનારા ઇરાવતીબાઈ એટલે ભળતો જ મામલો લાગ્યો. એમાંય જે ડી.ડી. કર્વેના નામોચ્ચારથી જ અમ વિદ્યાર્થીઓના પગ થથરવા લાગતા તેવા અમારા સરને એમની પત્ની ભર કૉલેજમાં ‘દિનુ’ કહે છે એ સાંભળીને ‘ઘરેથી એ આવ્યા’ના સંસ્કારમાં ઊછરેલા અમ વિદ્યાર્થીઓને એક આંચકો જ બેઠો. સર પાસે જ ઊભા હતા, તેથી અમારાથી હસી પણ ન શકાય. પણ એકંદરે એમનાં એ દર્શન, એમણે પાડેલી એ દિનુ હાક, અમને જે શબ્દની સ્પેિલંગ પણ આવડતી નહોતી એવા કોઈ વિષયના, ફર્ગ્યુસન-એસ.પી. જેવી દેશી નહીં પણ ડેક્કન કૉલેજ જેવી મહાપંડિતોની કૉલેજમાં પ્રાધ્યાપિકા અને બ્રહ્મદેશની એક નદીનું જાણીતું નામ ઇરાવતી— આ બધાંને લીધે મને ડી.ડી. કર્વે જેટલી જ એમની પણ ધાક બેઠી હતી.
પછી હું ‘અભિરુચિ’ (વડોદરાથી નીકળતા) માસિકમાં થોડુંઘણું લખવા લાગ્યો. એમાં ‘ક’ નામના ઉપનામથી લખાયેલી ‘પરિપૂર્તિ’ નામની વાર્તા આવી, અમારા નાનકડા માસિકનાં બેત્રણ પાનાં ભરાય તેટલી. સુંદર નર્મમર્મવાળી અને ગજબના હૃદયંગમ મર્મવાળી. એ વાર્તાની ‘હું’ એક સ્ત્રી હતી. સમગ્ર વિગતમાંથી કર્વે કુટુંબ નજર સામે ઊભું રહેતું હતું : એક સભામાં એક સ્ત્રીની વિદ્વત્તાનો, એના પતિ અને સસરાની મોટાઈનો પરિચય આપવામાં આવે છે તોયે એ સ્ત્રીને એમાં અધૂરપ લાગે છે. એકાદી દેવીની મૂર્તિ એને આંખો લગાડ્યા સિવાય પૂજાપાત્ર ગણાતી નથી તેમ એ સ્ત્રી પોતાની મૂર્તિનો અફસોસ કરતી સભાસ્થાનેથી પાછી ફરે છે તો ઘર પાસે રમતાં બાળકોનો વાર્તાલાપ એના કાને પડે છે, ‘એ ય, ચૂપ. આપણાં વર્ગમાં પેલા બધાં કર્વે – છોકરાં ભણે છે ને, તેમની એ મા છે.’ અહીં પેલી મૂર્તિને ‘દૃષ્ટિ’ મળે છે, એને પહેલાંની પ્રતિષ્ઠા તો હતી જ પણ ‘કર્વે છોકરાંની મા’ એ મંત્રથી એની પ્રાણપ્રતિષ્ઠા થઈ. ધોયેલા ચોખા જેવું ચોખ્ખું ગદ્ય, મોહક મજાક જેવી નિવેદનશૈલી. ‘કોણ છે લેખિકા?’ મેં ચિત્રેને પૂછ્યું. ‘અભિરુચિ’ના રસોડાના પાણીવાળા તરીકેનો મારો નાતો હોવાથી એમણે નામ ફોડ્યું : ઇરાવતી કર્વે, કર્વેનો ‘ક’. પારિજાતનાં ફૂલ જેવી આટલી નાજુક વાર્તા ઇરાવતીબાઈએ લખી? પતિને ‘દિનુ’ નામથી બોલાવનારી આ સ્ત્રી આટલું ઘાટીલું લખી શકે? અમેરિકામાં જેમનાં અંગ્રેજી પુસ્તકો વંચાય છે તે ઇરાવતીબાઈએ મરાઠીનું આ રૂપ આટલું બધું આત્મસાત કર્યું છે? અમારા સાવ ઝીણકા ‘અભિરુચિ’ માસિક તરફ આટલાં મોટાં વિદ્વાન મહોદયાનું ધ્યાન જાય અને એક શિખાઉ લેખિકાની જેમ ગભરાતાંઅચકાતાં પોતાનું નામ છુપાવીને એ લખે? બધું જ કાંઈ અજબગજબ હતું. એ જમાનામાં પાશ્ચાત્યવિદ્યાવિભૂષિત મહિલા માટેનો ખ્યાલ એટલે ઇબ્સેનની નોરા જેવી બૅગ ભરીને ‘આ હું ચાલી.’ કહીને ઘરની બહાર નીકળવા સજ્જ નારી. તો ઘરમાં પેસતાં જ ‘કર્વે – છોકરાંની મા’ સાંભળતાં જ પોતાના વ્યક્તિત્વની પરિપૂર્તિ થઈ કહેનારાં ઇરાવતીબાઈ. પોતે ધાર્યા પ્રમાણે બેસાડેલા જિગ્-સૉ પઝલમાં ચોકઠાં ખોટાં બેસાડ્યાં છે, એ ભૂલમાં હાથમાં આવી ગયેલું કોઈ જુદા જ આકાર અને રંગનું ચોકઠું બતાવી આપે તેવું મારું થયું. પાંચ જણની વચ્ચે કૉલેજના આચાર્ય એવા પોતાના પતિને એ દિનુ કહીને બોલાવનારી, કાબૂલ કંદહાર માર્ગે મહારાષ્ટ્રમાં ઊતરી આવી હોય તેવી દેખાતી સ્ત્રી પોતાના બાળકોએ મા કહ્યા વિના પોતાની પરિપૂર્તિ થતી નથી એમ કહે છે. આ પરિપૂર્તિ વાર્તાનું ચોકઠું મારા પેલા પહેલાંનાં ઇરાવતીબાઈના ચિત્રના જિગ્-સૉ પઝલમાં ક્યાંયે બેસતું ન હતું. કેમ કે એમના સંશોધનકાર્યમાં એક સ્ત્રી જેવી સ્ત્રી હાડપિંજર ખોદી કાઢીને એની ખોપરીનું માપ લેતી ફરે છે એવી ભીષણ કથાઓ અમે સાંભળી હતી.
સીઝર માટે કહેવાય છે : ‘આવ્યો, જોયું અને જીત્યો.’ ‘ક’ મૂળાક્ષર આમ જ મરાઠી વાર્તાસાહિત્યના ક્ષેત્રમાં આવ્યો અને એણે ક્ષેત્રને જ જીતી લીધું. એના પહેલાંની લાંબીલચક, બિનજરૂરી ગળચટ્ટી અને લીસીલપટી વિગતથી ભરેલી અનેક પોકળ લઘુકથાનું પલ્લું આ રુક્મિણીએ એક તુલસીપત્રથી તોલ્યું હતું. તે પહેલાં લઘુતમકથા નામના એક વાચાળ સાહિત્યપ્રકારે મરાઠી સાહિત્યમાં કૂદકા મારેલા. આ વાર્તા આકારમાં તત્કાલીન લઘુકથા જેવી ફેલાયેલી ન હતી. પહેલાંના વખતમાં ખણ(પોલકાનું કપડું)ને ત્રિકોણાકારે વાળતા તેમ માપસર વાળેલી હતી પણ તોયે સ્ત્રીજીવનની આખી કહાણી કહી ગઈ. ‘પરિપૂર્તિ’ મરાઠી સાહિત્યનું ન કરમાનારું ફૂલ. ઇરાવતીબાઈએ જ્ઞાનક્ષેત્રમાં મહાપરાક્રમો કર્યાં છે. સામાન્યજનો ક્યાંથી સમજી શકે? એ કર્તૃત્વ જાણવા જેટલી અમારી ઊંચાઈ નથી. પણ ‘પરિપૂર્તિ’ને લીધે બધાંની નજરમાં વસેલી ઇરાવતીબાઈ મહારાષ્ટ્રની બધી રીતે સૌથી ઊંચી સ્ત્રી ગણાઈ તે ‘અભિરુચિ’ની તેમણે ભરેલી એક ‘જાત્રા’(વારી)ને લીધે.
એક નિરીશ્વરવાદી, બુદ્ધિપ્રામાણ્યવાદી, એકથી એક ચઢિયાતી યુરોપીય ભાષા જાણનારી, કર્હાડ-ચિપળૂણ(પાસેનાં ગામ)ની વાત કરીએ તેટલી સહજતાથી લંડન-બર્લિનનો ઉલ્લેખ કરનારી, ઉપરાંત સંસ્કૃત ભાષાની પંડિતા અને એનાથીયે વધીને ખાસ્સું ભણેલીગણેલી બ્રાહ્મણ મહિલા. બોલો, પંઢરપુરની જાત્રામાં એ ભોળાભાળા, દીનઅભણ, વંચિતોના માનવપ્રવાહમાં એક ટીપું થઈને ભળી જાય છે, દરેક અનુભવ બુદ્ધિની કસોટીએ ચડાવી જોનારી આ બુદ્ધિમતી એ ભક્તિગંગામાં વહેતીવહેતી વિઠુરાયના મહેલ સુધી પહોંચે છે, એ જોઈને ઘણાને આંચકો લાગ્યો. બાઈએ પોતાનો સઘળો બુદ્ધિવૈભવ, પદવીઓ, નામના, જ્ઞાનનાં બિરુદો પોતાની અભ્યાસિકામાં ઉતારીને મૂકી દીધાં અને ‘વિઠ્ઠલ’ ‘વિઠ્ઠલ’ ‘વિઠ્ઠલ’ના તાલમાં પગલાં મેળવતાં જનાબાઈ, મુક્તાબાઈ થઈને જાત્રા કરી. આ સંઘ સાથે ચાલવાનું ભાગ્ય મળ્યું તેની કૃતાર્થતા માનીને પંઢરીના અબીરબુક્કા (ધોળીકાળી પવિત્ર ભૂકી) વહેંચીએ તેમ વારી(જાત્રા)ના લેખનો આ પ્રસાદ પણ વહેંચ્યો. ઇરાવતીબાઈનો વિઠ્ઠલ સાથેનો નાતો અજબ હતો. વિઠ્ઠલ એમનું વ્યસન હતું એવું મેં કહ્યું ખરું પણ વિઠ્ઠલ એમનો બૉયફ્રેન્ડ હતો. ડેક્કન કૉલેજનાં મહાપંડિતા ડૉ. ઇરાવતી કર્વે કે એક જવાબદાર સંસારી સ્ત્રીએ અટળપણે ઉઠાવવા પડતા બોજા વહ્યે જનારી અ. સૌ. ઇરાવતી કર્વે, નંદુ-ગૌરી-જાઈની મા, આચાર્ય દિનકર ધોંડો કર્વેની પત્ની એવી અનેક ભૂમિકાનો ભાર વહ્યે જનારાં પૂત્રવધૂ ઇરાવતીબાઈને ચણિયાચોળી પહેરીને ભમવાનું મન થાય ત્યારે લાગે કે પિયેરનો વિઠોબા એમને બોલાવતો હશે. એ ઘણી વાર પંઢરપુર જતાં. પિયેર જવા નીકળેલી દીકરીના ઉમંગથી વિઠ્ઠલ-રખુમાઈને ગમતાં વસ્ત્રાભૂષણો પહેરીઓઢીને, ચાંલ્લો સહેજ મોટો કરીને, નવો ચૂડો (લીલી બંગડીઓ) પહેરીને જતાં. આમ જ એક વાર પંઢરપુરથી પાછા આવીને બીજે-ત્રીજે દિવસે મને દેશમુખને ત્યાં મળેલાં, બેત્રણ વર્ષ પહેલાંની વાત છે. પિયેરની રેલમછેલની વાત કરતાં હોય તેવી રીતે પંઢરપુરની બધી વાતો કરતાં હતાં. ‘મારું મહિયર તે પંઢરપુર રે પંઢરપુર’ જેવાં ગીતો ગાતી કન્યાની ટોળકીમાં પિયેરવાસ કરવા ગયેલી સ્ત્રીના મોં પર જે આનંદ દેખાય તેવો, નિશાળે જતી બાળા જેવો આનંદ એમના મોં પર હતો. એમનો અવાજ એમના હાડેતા બાંધા સાથે મેળ ન ખાય એટલી હદે મીઠો હતો. અદ્દ-ભુત કોમળ સ્વર. માયાળુ. એવા હેતાળ અવાજમાં એ પંઢરી વિશે વાત કરતાં હતાં. પંઢરી સાંભરી આવે કે મૂળે એમનું મન જ ચણિયાચોળી પહેરીને નાચવા લાગતું. ત્યાં તો એમનો ભિલ્લુ હતો. હું ખાતરીપૂર્વક કહું છું કે ત્યાં મંદિરમાં બેસીને વિઠુ સાથે એ મનોમન ખૂબ વાત કરતાં હશે અને સાસરીની વાટે હૈયાને ખૂંચનારા પેલા કાયમી કાંટા એમના વિઠુરાય હળવેકથી કાઢી પણ આપતા હશે. કૌટુંબિક દુઃખોથી કોણ દૂર રહી શક્યું છે? ધર્મ, રૂઢિ, અંધશ્રદ્ધા, દેવતાઓની ઉપાસના આ બધાંના જ્ઞાનાગ્નિની ભઠ્ઠીમાં તવાઈને એમાંથી સોનું કયું અને કથીર કયું એ તપાસી જોનારી એક બુદ્ધિનિષ્ઠ ડૉ. ઇરાવતી કર્વે હતી, તો સામે ભોળા મરાઠી ભાવિકોનો પેલો વિઠુરાય મળતાં છલકાતી ચંદ્રભાગામાં તરતી હોડી જેવી ડોલતી એક ઇરાવતી કર્વે હતી. વિઠ્ઠલ મરાઠીપણાનો કુળદેવતા ખરો પણ મૂળે મરાઠીપણું એ જ ઇરાવતીબાઈનો કુળદેવતા.
માનવવંશ કે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે તરછોડાયેલા, ત્યજાયેલા, વિજનવાસીઓ એવી અનેક જાતજમાત સાથે એમનો નાતો બંધાયો. માનવવંશની પ્રાચીન નિશાનીઓ શોધવા માટે એમણે જંગલો, ડુંગરો, ખીણો અને રેતીના દરિયા ખૂંદી નાંખ્યા. અરબી સમુદ્રથી તે વૈણગંગાની પેલે પાર પથરાયેલા મહાર (અંત્યજ) જાતિનો મહારાષ્ટ્ર એ એમને ખૂબ વહાલો. જ્યાં સુધી મહાર પહોંચ્યા એ મહારાષ્ટ્ર એવી માહિતી એમને એક મહાર પટવાએ આપેલી. આ મહાપંડિતાને જંગલોમાં અનેક ગુરુ, આપ્તજનો મળ્યા. ગુજરાતના રણપ્રદેશમાંથી પસાર થતાં, પગનાં છોતરાં ઉખાડી કાઢનારી રેતીને પણ, ‘માડી રે, તેં તો તારા હેતની પછેડી નીચે દસપંદર હજાર વર્ષ પહેલાંની સંસ્કૃિત જાળવી રાખી છે,’ કહીને કૃતજ્ઞતાથી ધન્યવાદ આપનારા ઇરાવતીબાઈ! ‘વૃક્ષવેલી ને વનચરો અમ નાતીલા’(તુકારામનો અભંગ)ના પંથના. જીવંત ચરસૃષ્ટિ કે સુંદર પ્રકૃતિનો નાતો તો જવા દો પણ ખોદકામમાં મળી આવેલી ખોપરી સાથે પણ એ વાત કરી શકતાં. આવા એક ઉત્ખનનમાં મળી આવેલી એક યુવતીની ખોપરી યુવતીની હતી એવો અંદાજ આવતાં એમના મનમાં જુદી જ બેચેની ઊભરી આવી : ‘એ આંખોના ખાંચામાં મને કીકી હલ્યા જેવી લાગી, એ ચમકતા દાંત જૂની ઓળખાણથી હસ્યા જેવા લાગ્યા. મારી આંગળીઓ એની સાંકડી શંકુ આકારની હડપચીમાં ગૂંથાયેલી હતી, પણ હૃદય આર્તતાથી એ હાડપિંજરને પૂછી રહ્યું હતું, ‘તું એ હું જ કે? તું એ હું જ કે?’
પોતાના અસ્તિત્વને સ્થળકાલાતીત કરી નાંખતી અલૌકિક બુદ્ધિની છલાંગ ભરેલી હોવાથી લૌકિક ઝગમગતાં ચીંથરાંની એમને શી કિંમત? સમાજના કહેવાતા પંડિતોએ નીચલા સ્તરના કહીને હડધૂત કરેલા જીવતાજાગતા માણસોમાં રહેલી માણસાઈ જોઈને મિથ્યા ભેદભાવની પેલે પાર એ પહોંચી જતાં, ત્યારે પોતાને વળગેલાં પ્રતિષ્ઠાનાં વણજોઈતાં અલંકારો કે જન્મજાત શ્રેષ્ઠતાની નકામી નિશાનીઓના મરજાદીપણાનો એમને ભાર લાગતો. સ્નાન માટે વસ્ત્રો ઊતારીએ એમ મનથી વસ્ત્રહીન થઈને તેઓ જાત્રાની ભક્તિગંગામાં ઝંપલાવતાં કે દરિદ્રોની વસ્તીમાં જઈને ભળી જતાં. આશ્ચર્ય તો જુઓ ! આમ નિઃસંગ થઈને ગમે તેવી ભૌતિક, આધિભૌતિક અને માનવનિર્મિત આપત્તિનો સામનો કરતાં, સમાજના સડેલા અને ફૂગાયેલા મનમાંથી ઊઠતા ફુંફાડા સહેતાં, એ આદિવાસીઓ કે સમાજે તરછોડેલાઓની જમાતમાં અનાસક્ત થઈને ભટકનારા કે એમની સાથે રહેનારા મરાઠીઓમાં અગ્રપૂજાનું માન મેળવ્યું તે મરાઠી પુરુષોએ નહીં પણ મહારાષ્ટ્રની પાંચ સુકન્યાઓએ. ઇરાવતીબાઈ તો ટચલી આંગળીએ બિરાજમાન, આદિવાસીઓનાં જીવનની શોધમાં પોતાનું જીવન હોમી દેવાનું જોખમ વહોરનારાં દુર્ગાબાઈ ભાગવત, ડાંગની વારલી જમાત માટે પોતાનું જીવન લખી આપનારાં ગોદાવરી પરુળેકર, ચંબલની ભૂમિમાં ડાકુઓમાં માણસાઈનાં ઝરણાં શોધતાં ફરનારાં ગીતા સાને અને ગુનેગારોની વસ્તીમાં સૌ પહેલી વાર પગ મૂકનારાં માલતીબાઈ બેડેકર. પોતાનાં જીવનની કઠિનતમ મુસાફરીમાંનું નવનીત કેટલી અલિપ્તતાથી એમણે સમાજ સામે મૂક્યું. કુશળ ગૃહિણીએ ઉત્તમ રાંધવું અને જમણવારના ઝગમગાટમાં જરાયે ન ડોકાતાં, કોઈના હાથે પક્વાનો મોકલી આપવાં એવું આ. સાહિત્યસંમેલનો, કે સત્કારસમારંભોમાં ક્યાંયે રૉફથી ફર્યાં વગર મરાઠી સાહિત્યમાં અસામાન્ય અનુભવો ઠાલવનારી આ પંચકન્યા. આટલેથી પણ પુરુષોને પોતાની ઊણપ ન દેખાતી હોય તો તેમણે લક્ષ્મીબાઈ ટિળક (અશિક્ષિત લેખિકા) અને બહિણાબાઈ ચૌધરી(અશિક્ષિત કવયિત્રી)નાં નામ સામે રાખવાં તો રહ્યોસહ્યો પુરુષી અહંકાર પણ કપૂરની જેમ બળી જશે.
ઇરાવતીબાઈની ભાવનાઓ ધરમકાંટે ઊતરેલી હતી, શબ્દનું એકેય નાણું બનાવટી ન હતું. શબ્દોની જાત, ગુણધર્મ, ઇતિહાસ બધું જ વ્યવસ્થિત. તેઓ સ્વતંત્રતાના ભોક્તા હતાં નહીં કે ઉચ્છૃંખલપણાના. સ્પષ્ટ હતા અશિષ્ટ નહોતાં. આમજનતા માટે તેમને જે દાઝ હતી તે જીવદયાને લીધે નીકળનારા ‘ઓ મા રે, બિચારા!’માંની નહોતી. કેમ કે કર્વે કુટુંબનો ભાર પ્રખર બુદ્ધિનિષ્ઠા પર હતો. ર.ધો. કર્વે ગુજરી ગયા ત્યારે સો-ની આસપાસના અણ્ણા (મહર્ષિ) પાસે ખરખરો કરવા ગયેલા એક ભાઈને અણ્ણા પાસેથી એક વૃદ્ધનો વિલાપ સાંભળવા મળ્યો નહીં. અણ્ણાએ કહ્યું કે એની (દીકરાની) ઉંમર થઈ હતી અને એની તબિયત પણ સારી રહેતી ન હતી, દરેકે એક દિવસ જવાનું તો છે જ. ‘ઢોરઢાંખર જ્યમ બેઠાં ઝાડ તળે.’ એવી એમની વૃત્તિ. આવી વૃત્તિથી પરિવાર તરફ જોનારા અણ્ણાની પૂત્રવધુ હોવું કાંઈ સહેલું ન હતું. અણ્ણાસાહેબ પર પોતે લખેલા ‘આજોબા’ (દાદાજી) નામના મરાઠી ભાષાના અપૂર્વ વ્યક્તિચિત્રમાં ઇરાવતીબાઈએ કહ્યું છે, ‘મારું કેવું મોટું ભાગ્ય કે હું એમની પૂત્રવધુ થઈ, તેથીયે મોટું ભાગ્ય કે હું આવા માણસની પત્ની ન થઈ!’
આવાં વહુરાણી થઈને સંસારનાં કર્તવ્યો પાર પાડ્યે જનારાં ઇરાવતીબાઈ પોતાના ગૃહસંસાર પ્રત્યે નિર્લેપતાથી જોઈ શકતાં, પોતાના પરિવારજનોના ગુણદોષની ચર્ચા કેટલી તટસ્થ વિવેચકની ભૂમિકા પરથી કરી શકતાં અને પોતાની અંદર ચાલતાં અસંખ્ય યુદ્ધોની કથા પણ કેવી રમ્ય કરીને મૂકી શકતાં! કેવું નિતર્યું લખાણ, વિચારયંત્ર પણ ઊંજીને કેવું ખામીરહિત રાખેલું! એ તાણાવાણાનું વણાટકામ બસ, જોતાં જ રહીએ. લખાણ પણ રસોડાં જેવું જ ચોખ્ખુંચણાક. મારા નસીબમાં એમના હાથની કેક ખાવાનું પણ લખાયેલું હતું. એ સાંજે અમારી ચર્ચાનો મુખ્ય વિષય ‘કેક’ જ હતો. તે દિવસે થયું કે ઇરાવતીબાઈને કેટલા મોડા મળવાનું થયું! મરાઠીના એક લેખક કરતાં અન્નબ્રહ્મના ઉપાસક તરીકે જરી વહેલા મળવાનું થયું હોત તો કેટલું સારું થાત! ‘યુગાન્ત’ના લેખ વાંચ્યા પછી થયું કે કેટલા મોડા શરૂ થયા આ લેખ! અમારી આંગળી પકડીને એ મહાભારતમાંથી હજી થોડા વહેલા એમણે કેમ ન ફેરવી આણ્યા? વસ્ત્રાહરણ વખતની દ્રૌપદીએ નાંખેલી ધા કથાકીર્તનકારોના મુખેથી સાંભળીને કે નાટકમાં જોતી વખતે આંખો ભીની થઈ આવી હતી પણ ‘યુગાન્ત’માં છેલ્લો નિસાસો નાંખતી દ્રૌપદીનું વાક્ય જે ઘડીએ વાંચ્યું એ ઘડી, એ સ્થળ આજે ય મારા મનમાં જીવંત થઈને વસી રહ્યાં છે. ભીમનું મોં પોતાના મોં પાસે લાવીને પોતાના છેલ્લા શ્વાસ લેતાં તેણે કહ્યું, ‘ભીમ, આવતા જન્મે પાંચેયમાં મોટો તું થજે. તારા આશરા નીચે અમે બધા નિર્ભયતાથી રાજીખુશીથી રહીશું.’ આ વાક્યના ભાષાદેહને ‘દ્રૌપદીનું જ સત્ત્વ’ પ્રાપ્ત થયું છે.
સાવ અજાણી સ્ત્રીની ખોપરી સાથે પણ વાત કરી જાણનારાં ઇરાવતીબાઈને વ્યાસપ્રતિભામાંથી અવતરેલી દ્રૌપદીએ તો કંઈ કેટલુંયે કહ્યું હશે! ઇરાવતીબાઈ બોલવા બેસે એટલે સવાલ થતો કે આજે —એમના અંતઃસૌંદર્યનાં વિવિધ રૂપોથી સજેલાં — કયાં ઇરાવતીબાઈ સાથે વાત કરવાની છે? બધાં જ રૂપો આકર્ષક. હાલમાં એ થોડી ત્રસ્તતાથી વાત કરતાં. જ્ઞાનક્ષેત્રમાં વ્યાપેલા અધર્મથી ત્રસ્ત ઇરાવતીબાઈ સર્વે જ્ઞાનોપાસકોની વેદનાની વેદી થઈને પ્રજ્વળવા માંડતાં. દુર્ગાનાં અનેક સ્વરૂપોમાંથી અસુરોના હનન માટે ક્રોધિત થઈ ઊઠેલું એમનું આ સ્વરૂપ! એ પ્રકોપ પણ દર્શનીય. એ પ્રકોપમાં ને પ્રકોપમાં એ કહી ઊઠેલાં કે વૃદ્ધોએ પચાસમું વર્ષ બેસતાં મરી જવું જોઈએ; એ લેખ મારું પચાસમું બેસવાની આસપાસ જ મારા વાંચવામાં આવ્યો હોવાથી હું હેબતાઈ ગયેલો. પણ ઇરાવતીબાઈએ લગભગ પાંસઠે પહોંચતાં વ્યાસ તરફથી વાલ્મીકિના કાવ્યતારામંડળમાં પ્રવેશ કરેલો જોઈને થયું કે મારે પોતાનું લખવા માટે નહીં પણ ઇરાવતીબાઈના આ લેખો વાંચવા માટે તો જીવવું જ જોઈશે. મહાભારત-રામાયણનાં તેમણે કરેલાં વ્યક્તિચિત્રો માટે ખાસ્સો ઉહાપોહ થયો. આ માટે એક વાર કોઈએ એમને છંછેડ્યા તો એમણે કરગરતા કહ્યું, ‘અરે, મને જેવું દેખાયું તેવું મેં લખ્યું. તમને જેવું દેખાય તેવું તમે લખો.’ વાત તો સાચી. તુકારામ-જ્ઞાનેશ્વરને દેખાયો તેવો ‘વિઠ્ઠલ’ એમને ય ક્યાં દેખાયો? એ સમચરણો પર મસ્તક ઝુકાવ્યા પછી કપાળે અનુભવાયેલી શીતળતા તેમણે ચંદનલેપ શી નભાવી જાણી.
આવી શાંતિ, આવી શીતળતાનું ખેંચાણ અનુભવનારાં ઇરાવતીબાઈ એમનું એ ઇટાલિયન સ્કૂટર બેફામ વેગે હંકારતાં. મારું માનવું છે કે આટલું ભણેલાંગણેલાં હોવાં છતાંયે જેમ પંઢરપુરની જાત્રાએ જનારાં એ પહેલાં વિદુષી તેમ તેટલા જ વેગે ઇટાલિયન સ્કૂટર હાંકનારાં પણ એ પહેલાં જ વિદુષી હશે.
એક વાર મૌજ(પ્રકાશન)વાળા શ્રી.પુ. ભાગવતને પાછલી સીટ પર બેસાડીને ભરતડકામાં મૂકવા નીકળ્યા. શ્રી.પુ. માટે આવા જલદ વેગે વાહન હાંકવાની કે તેમાંયે બેસવાની વાત તો જવા દો પણ એ ક્યારે ય જલદ બોલ્યા પણ નથી. ઉપરથી ઇરાવતીબાઈ કહે છે, ‘બીક તો નથી લાગતી ને?’ કોઈ પણ બાબતે ફટાક દેતોક પોતાનો અભિપ્રાય ન આપનારા શ્રી.પુ.એ તોયે કહ્યું, ‘થોડીક લાગે છે.’
‘તો પછી મારા ખભાને જોરથી પકડી રાખો,’ બાઈએ કહ્યું.
‘હકીકતે તો પુરુષોએ જ સ્ત્રીને લિફ્ટ આપવાની હોય.’ – શ્રી.પુ.
‘છટ્, આખરે તો પુરુષ જ ને!’ કહેતાં ઇરાવતીબાઈએ વેગ વધાર્યો.
જીવનમાં સર્વાંગે સમૃદ્ધ થનારા પુરુષને આપણી સંસ્કૃિતમાં પુરુષોત્તમ કહેવાય છે. શ્રીકૃષ્ણ આવા પૂર્ણપુરુષ, પુરુષોત્તમ કહેવાય છે. આવી સર્વાંગે સમૃદ્ધ વ્યક્તિત્વવાળી ‘સ્ત્રી’ હોઈ જ ન શકે એવો પ્રાચીન ઋષિમુનિઓનો ખ્યાલ હતો કે શું? વૈશ્વિક કીર્તિની વિદ્વત્તા અને કર્વે-સંતાનોની માતા એવી બન્ને ભૂમિકા સહજતાથી નિભાવી જાણનારાં ઇરાવતીબાઈ. વરસાદનું સંગીત સાંભળતાં બેસી રહેનારું કવિમન અને હાડપિંજર તપાસતાં બેસી રહેવું — ‘આવાં વિસંવાદી કાર્યો કરનારી સ્ત્રી’ એવી તો આ પહેલાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય? નહીં જ કરી હોય, નહીં તો પુરુષોત્તમ જેવી સ્ત્રીમાં રહેલાં પૂર્ણાવતાર માટે ય કોઈ એક પદવી પેલા ત્રિકાળજ્ઞાની કહેવાતા ઋષિમુનિઓએ શોધી રાખી હોત.
માનસન્માનથી સમજીવિચારીને દૂર રહેલાં ઇરાવતીબાઈનું ‘યુગાન્ત’ માટે જ્યારે સાહિત્ય અકાદેમીએ ગૌરવ કર્યું ત્યારે દિલ્હીમાં યોજાયેલા સત્કાર સમારંભમાં તેમને જવું પડ્યું તો તેમણે પાંચ મિનિટમાં જ પોતાનું ભાષણ પતાવી લીધું. મને ખ્યાલ આવી ગયો કે એ વાતાવરણમાં ચોક્કસ એમનો જીવ ગૂંગળાયો હશે. કેમ કે ઇરાવતીબાઈએ મને લખેલ એક પત્ર, જેને પ્રમાણપત્રની જેમ જાળવી રાખેલો, એ પત્ર આજે પણ મારી પાસે છે. હું ‘પદ્મશ્રી’ થયા પછી મારા પર અભિનંદનના ઘણા પત્રો આવ્યા, ઘણા પત્રો સંસ્થાઓ તરફથી હતા જેમાં તે લોકોએ મારા સત્કારસમારંભની ઇચ્છા વ્યક્ત કરી હતી. મેં તરત જ છાપામાં જાહેર કરી દીધું કે મને પદ્મશ્રી મળ્યો એ જ મારો મોટો સત્કાર છે. મારા કોઈ પણ સાર્વજનિક સત્કાર-સમારંભ માટે મારી મંજૂરી નથી.
બીજે દિવસે એક ટપાલ મળી. એમાં ઇરાવતીબાઈએ મને ‘પદ્મશ્રી’ મળ્યા માટે નહીં પણ ‘હું સાર્વજનિક સત્કાર-સમારંભ કરાવી નહીં લઉં‘ — મારા એ નિર્ણય માટે તેમણે મારી ખૂબ પ્રશંસા કરેલી અને અભિનંદન આપેલા. જે આત્મીયતાથી એમણે મારા હાસ્યવિનોદી લખાણને વધાવ્યું એ સ્વજનને મારા ગૌરવનો આનંદ તો હતો જ પણ ફક્ત અંદરની દાઝે જ જણાઈ આવતી—‘આ છોકરો માનસન્માનથી છકી તો નહીં જાય ને?’— એવી એમની જે બીક હતી તે દૂર થઈ હતી.
વૃક્ષોની જેમ આપણી જાણબહાર છાંયો ધરનારા આ લોકો. ઇરાવતીબાઈને કઈ પદવીનું ભૂષણ આપવું? શુભ્ર વસ્ત્રથી ઢાંકેલું, કૃતજ્ઞતાભેર એમને ચડાવેલાં પુષ્પોથી શોભતું એમનું અંત્યદર્શન કરતી વખતે જણાતું હતું કે મૃત્યુનો હાથ પણ એમના દેહ પર અતિ સૌમ્યતાથી ફર્યો છે. એમને હૃદયરોગ હતો પણ રોગી થઈને પડી રહેવું એ તેજસ્વિનીને મંજૂર નહોતું. આખર સુધી તેમણે પોતાની ઉપાસનનાને સુદૃઢતાથી જાળવી રાખી હતી. નિત્યનિયમ પ્રમાણે કરેલાં કામનાં નિદ્રાદામ વસૂલ કરતાં જ એ ચિરનિદ્રામાં પોઢી ગયાં હતાં. મહારાષ્ટ્ર પૂરતું કહેવું હોય તો ફૂલે, આગરકર અને કર્વે એ લોકો પોતપોતાની તપસ્યાનાં મધુર રસાળ ફળ સમાન હતા. પણ જગતના જ્ઞાનીજનો અને જીવન-ભક્તોને તો આપણે એ જ કહીશું કે જ્ઞાન, વિજ્ઞાન, કલા, સુ-સંસ્કાર જેવા અનેક દીપોથી પ્રકાશતી ઇરાવતી એ અસલ ભારતીય સંસ્કૃિત-શિલ્પથી ઘડાયેલી, ગાર્ગી-મૈત્રેયીના કુળમાંની, જીવનમંદિર સામેની એક સાક્ષાત્ દીપમાલા હતી.
ઇરાવતીબાઈ ગયાં. આમ જવા માટે જ આપણે બધાં પણ અહીં આવીએ છીએ. તેથી જ અંતને સ્વીકારી લેવો રહ્યો. પુણ્યસ્મૃિત માટે વર્ષગણના પ્રમાણે આપણે નિર્વાણદિન પાળીએ છીએ. હવે પછીની જાત્રા(પંઢરપુરની)માં સામાન્યજનો સાથે વિદ્વાન લેખકો અને સાહિત્યકારોએ પણ બે ડગલાં ચાલવું. ચિત્રગુપ્તના હિસાબે જે પુણ્ય જમા થયું તે. પણ ઇરાવતીબાઈના આત્માને તો ચોક્કસ થવાનું કે ‘વિદ્વાનોએ સામાન્યજનોની સાથે બે ડગલાં માંડવા’ એ માટેની પોતે જે જહેમત લીધી હતી તેને ફળ બેસવાં લાગ્યાં છે. અનંતમાં રહેલો એ આત્મા ઉત્સવની દીપમાલાની જેમ ફરી એક વાર ધન્યતાથી પ્રગટી ઊઠશે. કદાચ આ દૃશ્ય જોઈને ઇરાવતીબાઈનો પેલો બૉયફ્રેન્ડ પોતાની કેડ પરના હાથ છોડીને ફટ દઈને ભીની આંખના ખૂણા પરથી એનું ઉપરણું ફેરવશે ય ખરો!
***
[गुण गाईन आवडीने—(હોંશેહોંશે ગુણ ગાઈશ)—પુસ્તકમાંથી./ લેખ તા. 14-8-70)]
એ-1 સરગમ ફ્લૅટ્સ, ઈશ્વરભુવન રોડ, નવરંગપુરા, અમદાવાદ – 380 014
e.mail : arunataijadeja@gmail.com