પ્રતીતિ 2015 : ‘ઘનઘોર અંધકાર હોય ત્યારે જ ઉષા પ્રગટ થાય છે અને કૂકડો નવપ્રભાતની આહલેક જગાવે છે’
જોઉં છું કે નવી દિલ્હી બેઠા ગ્રામીણ વિકાસ મંત્રી બીરેન્દ્રસિંહ ચીપિયો પછાડે છે કે કિસાનોના સવાલો અણ્ણાજી કરતાં હું વધારે સમજું છું ! દેખીતી રીતે જ, આવતે અઠવાડિયે નવી દિલ્હીમાં મોદી સરકારના જમીન અધિગ્રહણ વટહુકમ સામે છેડાઈ રહેલ લોકલડાઈના સંદર્ભમાં આ ઉદ્દગારો આવી પડ્યા છે. આ વટહુકમ કોર્પોરેટ સેક્ટર માટે વેપારી હિતોની દૃષ્ટિએ ખુલ્લી થતી જમીનોની દિશામાં છે; અને કથિત ગુજરાત મોડેલ હો કે હાલનું દિલ્હી ગાણું, બેઉ છેવટે તો નરસિંહ રાવ- મનમોહનના વારાથી શરૂ થયેલી નવી આર્થિક નીતિના અગ્રચરણરૂપે આમ જનતાવિરોધી પગલાં બાબતે બેહિચક માલૂમ પડે છે.
ગુજરાત મોડેલ વિશે મોદી એસ્ટાબ્લિશમેન્ટના છેડેથી નહીં પણ કંઈક પ્રતિલોમ – કંઈક પ્રજાસૂય છેડેથી વિચારીએ ત્યારે સમજાઈ રહેતું વાનું એ છે કે હરેક સિદ્ધિ, હરેક નવપરિવર્તનમાં લોકચળવળ અને લોકહિસ્સેદારીનો ખાસો હિસ્સો હોય છે. સ્વરાજ સરકારને મેદ અને કાટ ન ચડે તે જોવામાં સ્વાતંત્ર્યસંગ્રામના મોટા ગજાના લડવૈયાઓએ – જેમ કે રાજાજી અને કૃપાલાણીએ કે જયપ્રકાશ અથવા લોહિયાએ – લોકમોઝાર રહી વિરોધ અને અસંમતિનો અવાજ ઉઠાવવામાં સાર્થકતાનો અનુભવ કીધો હતો. પણ વાત આપણે પ્રતિલોમ પ્રજાસૂય છેડેથી ગુજરાત મોડેલની કરતા હતા. અને એ સંદર્ભમાં થઈ આવતું ઉત્કટ સ્મરણ સ્વાભાવિક જ ઇન્દુલાલ યાજ્ઞિકનું છે, જેમને કૃપાલાણી ‘મુક્કા-ભુક્કા યાજ્ઞિકજી’ કહેતા.
ગુજરાત ઇન્દુલાલ યાજ્ઞિકની રવિવવારે એક ઓર જન્મજયંતી ઉજવશે. આ જન્મજયંતી છેક જ લુખ્ખી નહીં હોય. ખરું જોતાં ગુજરાત રાજ્યની પચાસીએ, સ્વર્ણિમ શાનશૌકત સાથે અને કૃતજ્ઞતા તેમ જ કદરબૂજભેર સત્તાવાર પહેલથી થવું જોઈતું હતું તે બિનસરકારી રાહે જરી મોડેથી પણ ધોરણસર થઈ રહ્યું છે : સાબરમતીથી કલોલ જતા હાઈવે અને મોટેરા સ્ટેિડયમ જતા રસ્તાના ક્રોસિંગ પર, મહાગુજરાત આંદોલનના ઝંડાધારી ઇન્દુચાચાની નવ ફીટની કાંસ્ય પ્રતિમા ખુલ્લી મુકાઈ રહી છે.
સ્વર્ણિમ પ્રતિમા સમિતિ અને સનત મહેતા સરખા વરિષ્ઠ જનની જહેમતથી બની આવેલું આ સ્મારક માત્ર એક ઉજવણીની રીતે જ નહીં પરંતુ ચોક્કસ સંદેશ બલકે જાહેર જનવિધાન (સ્ટેટમેન્ટ) તરીકે ય વિપળવાર પણ વહેલું નથી. જરા જુદે ખૂણેથી જો એક પેરેલલ પાછે પગલે સંભારું તો ‘ગરીબી હટાઓ’ની મધ્યસત્ર ચૂંટણી ઇન્દિરા ગાંધી 1971માં લઈ આવ્યાં ત્યારે અપક્ષ ઇન્દુલાલ કોંગ્રેસના સમર્થનથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
આ ઇન્દુલાલે તરુણ વયે શરૂ કરેલંુ “નવજીવન અને સત્ય” સામયિક, પછીથી, ગાંધીજીને હાથે “નવજીવન”રૂપે કોળવાનું હતું. રોલેટ એકટ જેવા સાંસ્થાનિક કાળના કાળા કાયદા સામે ગાંધીજીએ આરંભેલા સંગ્રામના અઢાર સહીકારોમાં એક ઇન્દુલાલ પણ હતા. મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે એ લોકસભામાં બેસતા થયા, એ તો ઘણે મોડેથી બન્યું. એમની કારકિર્દી અને કામગીરી આજીવન એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ રહી. ઇન્દિરાજી કંઈક નવું કરશે એ ઉમેદથી ખેંચાયેલાઓ પૈકી એક એ પણ હતા. (અને ત્યારે કોંગ્રેસમાં આવા અપક્ષ ઉમેદવારનું સમર્થન કરવાની નમનતાઈ પણ હતી.) પણ માર્ચ 1972માં લોકસભામાંનું એમનું છેલ્લું ભાષણ ‘ગરીબી હટાઓ’ના નારા તળે વધતી મોંઘવારી અને ભ્રષ્ટાચાર સબબ આક્રોશપૂર્વકના વિદાયસંદેશ જેવું હતું. કિરણ બેદી જેવી અપક્ષ પ્રતિભાને પક્ષીય રાહે લડાવી શકતા ભા.જ.પ. કને આવા અવાજો છે કે કેમ તે આપણે અલબત્ત જાણતા નથી. ગમે તેમ પણ, હર પળ, હર સરકારમાં એન્ટિ-એસ્ટબ્લિશમેન્ટ અવાજોની જરૂરત હતી, છે અને રહેશે.
વાતનો બંધ વાળતાં 2015ના ગુજરાત જોગ થોડુંક ઇન્દુલાલ યાજ્ઞિકનાં ષષ્ટિપૂર્તિ વચનોમાંથી : ’મારી વાત કેમ કેટલાક મિત્રો સમજી શકતા નથી? – મેં એ ઉપર વિચાર કર્યો છે. તેઓ દરિદ્રનારાયણની વાત કરે છે, પણ તેઓ મહેલમાંથી ઝૂંપડાં તરફ જુએ છે. ઝૂંપડાંમાંથી મહેલને જોવો અને મહેલમાંથી ઝૂંપડાંને જોવાં, એ બંનેમાં ભારે ફરક છે. હું તો ઝૂંપડીનો માનવી છું, પગથી પર જીવતો આદમી છું, ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબ કિસાનોની વચ્ચે બેસવું, એમની ઝૂંપડીઓમાં જવું અને એમની વિચારધારા ઝીલવી, એ મારું કાર્ય છે. એ શ્રમજીવીઓના શ્રમ અને આદર્શો તથા મારી સેવાનો સમન્વય સધાશે તો હું જે ક્રાંતિ કરવા ધારું છું એ કરી શકીશ. મારા ટીકાકારો યાદ રાખે કે ઘનઘોર અંધકાર હોય ત્યારે જ ઉષા પ્રગટ થાય છે અને કૂકડો નવપ્રભાતની આહલેક જગાવે છે. મારી એવી પ્રતીતિ છે કે આજે જો ઘનઘોર અંધકાર ફેલાયો છે તો શ્રમજીવીઓના ભવિષ્યના મંગળ પ્રભાતનો દિવસ નજીક આવી રહ્યો છે. આમાં મારી સફળતા નહિ હોય, એ તો વિરાટ શ્રમજીવી સમાજની હશે. હું તો એ શ્રમજીવી વિરાટનો હાથ પકડી આગળ વધીશ, એની સાચી ઉન્નતિ અને શાંતિ માટે જીવીશ અને મરીશ તો પણ એ કાર્ય કરતાં જ.’
1960ના સુરાજ્ય સંકલ્પ અને 1975-77ના ‘આઝાદી અને રોટી બંને સાથે’ એ જનતા જનાદેશથી ભટકી ગયેલા ગુજરાતને નાતજાતકોમથી ઉફરો આ છે ઇન્દુચાચાએ દીધેલો જાહેર, જનવાદી જાસો !
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 21 ફેબ્રુઆરી 2015