રજનીભાઈને અંતિમ ‘આવજો’
રજનીભાઈ કોઠારીની અંતિમ વિદાય સાથે ભારતના અને વિશ્વના રાજપથ તથા જનપથના મર્મજ્ઞ અને મીમાંસકે વિદાય લીધી. વિદ્યાપુરુષ લેખે વિચારવિશ્વમાં વિહરવાની સાથોસાથે સર્વજન હિતાયની ભાવના સદાય તેઓના હૈયે વસી હતી તથા ભારતની લોકશાહીના કેન્દ્રમાં અદના માણસને સ્થાપવા તેઓ જીવનભર કટિબદ્ધ રહ્યા હતા.
પાલનપુરના જૈન ઝવેરી પરિવારનું એકનું એક સંતાન. પરિવારની ઇચ્છા તો પરંપરા પ્રમાણે વેપાર ધંધામાં જોડાય તેવી જ રહી, પરંતુ રજનીભાઈને નાનપણથી વાંચવા-લખવાની લગની. પરિણામે ઉચ્ચ અભ્યાસ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પૂર્ણ કર્યા પછી તેઓ સન ૧૯૫૭માં વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં જોડાયા અને ત્યારથી શરૂ કરી આજીવન શિક્ષણ સાથે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે જોડાયેલા રહ્યા. વડોદરામાં તેઓએ રાવજીભાઈ ‘મોટા’ દ્વારા પ્રવર્તિત ‘રેનેસાં ક્લબ’ના વિચાર-મંથનને વેગીલું બનાવવામાં ફાળો આપ્યો અને ત્યારે જે નવી પેઢી આ મંથનમાં સામેલ હતી તેની સાથે તેઓનો જીવનભરનો નાતો રહ્યો. આ નાતાને પરિણામે ગુજરાતને સમર્થ સમાજવિજ્ઞાનીઓ સાંપડ્યા એ વિસરી શકાય તેમ નથી.
રજનીભાઈના જીવનમાં નવો અધ્યાય પણ વડોદરામાં હતા ત્યારે શરૂ થયો. આ નવો અધ્યાય એટલે વાસ્તવિક રાજકારણ સાથે સંપર્ક, જે ગહન સંશોધનની દિશા તરફ દોરી ગયો. આ સંપર્ક એટલે સન ૧૯૬૧ના આરંભે ભાવનગરમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે કૉંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો સાથેની અંતરંગ લાંબી વાતચીત. આ પછી રાજકારણના વિવિધ પરિમાણોનું સંશોધન પાંગરતું ગયું અને દશકા પછી ‘પૉલિટિક્સ ઇન ઇન્ડિયા’ લેખે પુસ્તકકારે પ્રગટ થઈ રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં સીમાસ્થંભ બની રહ્યું. પછી આ પુસ્તક માત્ર ભારતના જ નહીં ત્રીજી દુનિયાના રાજકીય પ્રવાહો અંગે તેમ જ વિશ્વશાંતિ તથા સહકારની ભાવના વિકસે તે દિશામાં સંખ્યાબંધ પુસ્તકોનું આલેખન વણથંભ્યું રહ્યું.
પોતાના સંસ્મરણોનું આલેખન કરતાં ‘મેમોયર્સ’ નામના પુસ્તકમાં તેઓએ તેમના જીવનના ત્રણ ઉત્કટ અનુરાગને વર્ણવ્યાં છે – પ્રથમ સ્થાને વિચારવિશ્વ તથા વિચારધારા, બીજા સ્થાને સંસ્થાનિર્માણ તથા ત્રીજા સ્થાને રાજકારણ. આ સંસ્થાનિર્માણનો યશસ્વી આરંભ એટલે ‘સેન્ટર ફોર ધી સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’. સન ૧૯૬૩માં તેઓ દ્વારા સ્થાપિત આ સંસ્થા ઉત્તરોત્તર વિકસતી ગઈ અને સમાજવિદ્યા ક્ષેત્રે સૈદ્ધાંતિક તેમ જ સર્વેક્ષણાત્મક અભ્યાસો દ્વારા નવી દિશાઓ ખોલતી ગઈ. ચૂંટણીઓનો અભ્યાસની પહેલ ઠેઠ સાતમા દાયકાથી શરૂ થયેલી જે સતત ચાલતી રહી. નિયમોની જંજાળ પહેલેથી ઓછી રાખી એટલે સેન્ટરમાં ‘બૌદ્ધિક અડ્ડા’નું વાતાવરણ ધબકતું રહ્યું અને મક્ત વિચારણાનું બીજું નામ આ સંસ્થા બની રહી.
જેમ રજનીભાઈએ પોતે જણાવ્યું છે તેમ રાજકારણ સાથેનો તેમનો અમીટ સંબંધ પહેલેથી જોડાયેલો રહ્યો. આઠમા દાયકાના આરંભથી ઇન્દિરા ગાંધીના સલાહકાર તરીકેની ઓળખ ઉપસી જે કટોકટી લાદવામાં આવી ત્યારે દૂર થઈ. તેઓ કટોકટીના મુખર ટીકાકાર બનીને દેશ છોડી અમેરિકામાં રહી નાગરિક અધિકારોના પ્રવક્તા બન્યા. લોકોના મૂળભૂત અધિકારોનું જતન તેમના હૈયે વસ્યું હતું અને એટલે જ ‘પી.યુ.સી.એલ.’ના પ્રમુખ બની નવમા દાયકાના મધ્યમાં તેઓએ નાગરિક અધિકારોનો અવાજ ગુંજતો રાખ્યો.
રાજકારણ સાથેનો અતૂટ સંબંધને કારણે જ્યારે વી.પી. સિંહ વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેઓએ સક્રિય રહીને ‘આયોજન પંચ’ના સભ્ય લેખે પ્રદાન કર્યું. વિશેષમાં વી.પી. સિંહની સરકાર દ્વારા અન્ય પછાત વર્ગો માટે અનામતનો આરંભ થયો તેની પછીતે પણ તેઓની સબળ ભૂમિકા હતી જે બહુ જાણીતી વાત નથી.
લોકશાહીની સુરક્ષા અને સંવર્ધન કેવળ રાજકારણથી નથી થઈ શકતું તેમ જ સમાજવિદ્યા ધરાતલના સંપર્ક અને સંસર્ગ વિના અધૂરી રહે છે તેવી પ્રતીતિ તેમને પહેલેથી હતી એટલે નવમા દાયકાના આરંભે તેઓએ ‘લોકાયન’ની યાત્રા શરૂ કરી. મૂળે આ લોકાયન એટલે કે લોકયાત્રા સી.એસ.ડી.એસ. સંસ્થાનો પ્રકલ્પ હતો. આ પ્રકલ્પમાં બુદ્ધિશીલો સાથે કર્મશીલોનો સંવાદ સાધવાનો સંકલ્પ હતો જે અનેક રીતે સિદ્ધ થયો. પ્રકલ્પ પૂરો થયા પછી પણ લોકાયન સ્વતંત્ર રીતે સક્રિય રહ્યું તથા દેશમાં પદ્દલિતોના પ્રશ્નોને વાચા આપતું રહ્યું.
નવમા દાયકાના મધ્યથી રામજન્મભૂમિ નામે કોમી પરિબળોને હરણફાળ ભરવા માંડી ત્યારે રજનીભાઈએ સાંપ્રદાયિકતા સામે અવાજ બુલંદ કરવા માંડ્યો હતો. તેઓ માનતા હતા કે ભારતીય જનતા સાંપ્રદાયિક્તાને જાકારો આપશે પરંતુ આજે જ્યારે આ પરિબળ રાજપથ ઉપર કૂચકદમ માંડી રહ્યાં છે ત્યારે જનપથ ઉપર કદમ માંડતા સૌની સામે નવો પડકાર ખડો થયો છે. આશા રાખીએ કે રજનીભાઈએ સામાજિક વિદ્યા અને કર્મને સાંકળીને જે માર્ગ પ્રશસ્ત કર્યો તે માર્ગે નવા પડકારોનો સામનો બળવત્તર બનતો રહેશે.
e.mail : setumail@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 10