કુદરતના દેવદૂત સમા રૂબિન ડેવિડે કાંકરિયા પ્રાણીબાગ રૂપે ગુજરાતમાં પ્રાણી-પંખીલોક માટેના પ્રેમનું તીર્થક્ષેત્ર બનાવ્યું છે. એક જમાનામાં અમદાવાદ દેશ અને દુનિયામાં, ગાંધી આશ્રમ તેમ જ ઝૂલતા મિનારાની જેમ આ કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયથી પણ જાણીતું હતું.
રૂબિન(1912-1989)એ ઝૂનું સર્જન રચના કરી પશુપંખી માટેના નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ, તેમનાં માનસની અજબ સમજ અને ગજબ કોઠાસૂઝ, રાતદિવસની મહેનત અને સહુ માનવેતર જીવોને સુખી કરવાની લગનથી. તેમની આ ઉમદાઈ હેતભર્યાં પ્રસંગો અને સંભારણાં થકી વર્ણવતું ‘માય ફાધર્સ ઝૂ’ (રુપા, 2007) નામનું પુસ્તક તેમનાં કલાવિદ દીકરી એસ્થર ડેવિડે લખ્યું છે, તેનાં નોખી ભાતનાં ચિત્રો પણ એસ્થરે જ કર્યાં છે. તેનો ધોરણસરનો ગુજરાતી અનુવાદ ‘મારા ડૅડીનું ઝૂ’ (આર.આર. શેઠ, 2012) નામે ચિરંતના ભટ્ટે કર્યો છે. માધવ રામાનુજની ‘પિંજરની આરપાર’(વોરા,1990) નામની સાદ્યંત રસપ્રદ નવલકથા, રૂબિનનું ગુજરાતના એક અદ્વિતીય પ્રાણીસંવર્ધક અને દિલદાર માણસ તરીકેનું ચરિત્ર ઉપસાવે છે.
‘હું તો ઝૂમાં જ મોટી થઈ છું’ – એવાં પહેલાં જ વાક્યથી શરૂ કરીને એસ્થરબહેન ‘માય ફાધર્સ ઝૂ’ પુસ્તકનાં તેત્રીસ નાનાંમોટાં પ્રકરણોમાં તેમના પિતાની પ્રાણીપંખી માટેની આસ્થાની કથાઓ કહે છે. જેમ કે, મોન્ટુ નામનો સિંહ રૂબિન માટે સંતાન જેવો હતો. એમણે તેને બ્લૅકી નામની કૂતરીના દૂધથી એના ટૉમી સહિતનાં ગલૂડિયાં સાથે ઉછેર્યો હતો. મોન્ટુ ભાઈબંધીમાં ટૉમીનાં તોફાન સહન કરતો. રૂબિન એના પિંજરામાં જઈને એને વહાલ કરતા. એક વખત ભૂલથી એને ફટકાર્યો પણ હતો. પણ જંગલના રાજાએ ઝૂના સર્જનહારના લાકડીના ફટકા ચૂપચાપ સહન કર્યા. મૉન્ટુએ સાહજિક સિંહ-વૃત્તિ ગુમાવી દીધી એનું રૂબિનને દુ:ખ હતું. મૉન્ટુ, ટૉમી, બ્લૅકી અને રાજુ વાઘ ઝૂમાં ક્યારેક સાથે ફરવા નીકળતાં. રાજુ એની સંગિની તારા રૂબિનની ખુરશીની બંને બાજુએ બેસતાં. બ્રાઉની, બ્લૉન્ડિ અને બીજાં રીંછની વચ્ચે બેસીને તેમને મધ ખવડાવતાં હોય એવો ય પ્રસંગ એસ્થરબહેને વર્ણવ્યો છે. ડૅડી સાથે સિગરેટ પીતી ચિમ્પાઝી કોકો પર આખું પ્રકરણ છે. તેમાં એના માણસને મળતા આવતા વર્તનનું વર્ણન છે. વળી પાડોશમાં ઓરાન્ગ-ઓટાન્ગના આગમનથી ડૅડીના પ્રેમ અંગે અસલામતી અનુભવતી કોકોને તેમણે ચિત્ર દોરતી કરીને શાંત પાડી એની વાત પણ છે. ઈજાના કારણે લંગડાતા મગરને ઇંડાં મૂકવાં-સેવવાં માટે ખાડા બનાવવામાં પડતી મુશ્કેલીમાં રૂબિન મદદ કરે છે. અહીં લેખક નોંધે છે : ‘ડૅડીને જૂન એનાં બચ્ચાંની બીજી મા બનવા દેતી.’ કાંકરિયા તળાવમાં સંજોગવશાત માણસખાઉ બનેલી જૂનને રૂબિને પોતાને ત્યાં હળાવી હતી. તે પહેલાં, ચોમાસે છલકાયેલાં તળાવમાંથી રસ્તા પર આવેલાં જૂનનાં બચ્ચાં જિમી અને જેનને પણ તેમણે બચાવીને પોતાને ત્યાં ઊછેર્યાં હતાં. મણિનગર અને વડનગરમાં રસ્તા પર આવી ગયેલાં દીપડાઓને તેમણે ટ્રાન્ક્વિલાઇઝર ગનના ઉપયોગ વિના સિફતથી પકડી લીધા હતા. રૂબિનની સાથે સંતાકૂકડી રમતી બિન્ની અને સિલિ નામની રીંછબિલાડીઓ એક વખત રિસાઈ ગઈ ત્યારે તેમણે પત્ની સારાના હાથની બનાવેલી ચિકન કરી, ફ્રાઇડ ફિશ અને ભાત ખવડાવીને મનાવી લીધી હતી. પગમાં ખીલો ઘૂસ્યા પછી પણ સરકસવાળાના શોષણનો ભોગ બનતી રહેલી હાથણી મોહિનીને છોડાવીને પોતાને ત્યાં નવું જીવન આપ્યું હતું. રૂબિનના શ્વાનબેટ જેવા ઘરના આઠેક જાતનાં કૂતરાંનાં વ્યવહાર-વર્તન પર આખું પ્રકરણ છે. શ્વેત હરણ ચંદ્ર અને સફેદ કાગડા મોતીની વાત ઉપરાંત અનેક સફેદ પશુપંખીઓનો ઉલ્લેખ છે.
પંખીલોકમાં ઘરના ડાઇનિંગ ટેબલ સહિત બધે બેસીને નખરા કરતો કાકાકૌઆ સિલ્વર છે. પોતાના સાથીના શિકારીને પણ ચાહતી સારસી શિખા છે. પ્રેમાળ સૅલી સ્વમાની સાથી પેલિકન સ્ટેફાનના અવસાન પછી ઊડી જાય છે. બગીચામાં આવીને પડેલાં અત્યંત સુંદર દુર્લભ પક્ષી ખડમોરને રૂબિન સાજું કરે છે. પણ એ બીજા પક્ષીઓ સાથે ભળી ન શકવાથી અશક્ત થતું જાય છે તે ધ્યાનમાં આવતાં રૂબિન તેને એક ચાંદની રાત્રે આકાશમાં ઊડાડી મૂકે છે. નળસરોવર વિસ્તારના આદિવાસીઓને પક્ષીઓનો શિકાર કરતાં કુનેહપૂર્વક અટકાવે છે એટલું જ નહીં એમનો આદર પણ પામે છે. સુંદર શહામૃગ પરીના પીંછા સળગાવનાર કે ચંદ્રની જીભે રબ્બરની રિંગ લગાવીને તેના ભૂખમરાથી અવસાનનું કારણ બનનાર નરાધમો પણ છે. એટલે રૂબિન કહેતાં : ‘ખરાં જનાવરો તો પિંજરાની અંદર નહીં બહાર છે.’ પુસ્તકનાં પહેલાં બે પ્રકરણો પ્રાણીપ્રેમથી ભર્યાભર્યા ઘરમાં રૂબિનનાં ઉછેર તેમ જ હંમેશ માટે તેમનો હૃદયપલટો કરનાર શિકારના બે અનુભવો વર્ણવે છે. પુસ્તકમાં મજાની એક બાબત છે તે રૂબિને પાળેલાં પ્રાણીઓ માટે બનાવેલી હર્બલ દવાઓ અને કૉસ્મેટિક્સની માહિતી. તેમાં ટૂથપાઉડર, હેર કન્ડિશનર, આઇવૉશ, મેન્જ ઑઇલ, મસાજ જેલ વગેરે છે. કનેરિની પાંખોના ચળકાટ માટે પીવાના ટૉનિકમાં કેસર નાખેલ નારંગીનો રસ છે ! સહુથી હૃદયસ્પર્શી છે તે દરેક પ્રાણી અને રૂબિન વચ્ચેની ઇન્ટરઍક્શન, જે પુસ્તકમાં વાંચવી એક અનુભવ છે.
એક જમાનાનો સર્વસુલભ કાંકરિયા પ્રાણીબાગ તો, જેમાં પૈસાથી જ પ્રવેશ મળે એવી લેકફ્રન્ટ નામની લોકવિરોધી કિલ્લાબંધીમાં અટવાઈ ગયો છે. કાર્નિવલના ધૂમધડાકામાં ફરિશ્તાઈ રૂબિનનું નામ યાદેય ન આવે તેમાં કોઈ નવાઈ નથી. પણ એક જમાનાની સાચકલી નવાઈની દુનિયામાં લઈ જનાર, માનવેતર સૃષ્ટિ માટેના પ્રેમથી તરબતર આ પુસ્તકના નાયક રૂબિન ડેવિડને, અમદાવાદને ખરેખર ચાહનારાએ આવતી કાલે શહેરના સ્થાપનાદિને યાદ કરવા જોઈએ.
23 ફેબ્રુઆરી 2015
++++++
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : લેખકની ‘કદર અને કિતાબ’ નામક કટાર, “નવગુજરાત સમય”, 25 ફેબ્રુઆરી 2015