.1.
ઇચ્છાનું રાજ છે
મન કંઈ નથી વિચારના વાઘાનું રાજ છે,
કહો ચોતરફ કબીરના ધાગાનું રાજ છે.
હંમેશ ફૂલ જેવું સ્મિત બહેલાવતો રહું,
જિગરમાં ચાંદની સમી ધારાનું રાજ છે.
શબ્દો વળી પરાણે પોપટિયા સુહાવું છું,
કારણ કે આસપાસમાં શ્લાઘાનું રાજ છે.
અભિમાન ને અહમ્ નથી, રાખી દો જુદાપણું,
સંઘર્ષનું નહીં, અહીં સમતાનું રાજ છે.
‘કિશોર’ જિન્દગીમાં એમ ગણો તો કંઈ નથી,
સંબંધ–લાગણી બધું ઇચ્છાનું રાજ છે.
(‘એક લીલી પળ અતીતની’, પૃ.29)
.2.
જન્મજાત મનમાં ઘણુંય છે,
આપણા સમયમાં ઘણુંય છે.
લ્યો, બધું સમયથી વિચારજો,
આસપાસ સુખમાં ઘણુંય છે.
આજકાલ સુખનું કહેવું છે,
પંડ્યના હરખમાં ઘણુંય છે.
રોજની હરખતી સવારમાં,
મંદ મંદ લ્હરમાં ઘણુંય છે.
લ્હેરથી નીત ‘કિશોર’ જીવીને,
મુઠ્ઠી જીવતરમાં ઘણુંય છે.
('આસ્વાદ.કોમ' વેબસાઇટ)
.3.
અંધશ્રદ્ધાતૃપ્ત સ્ત્રી છે તૂંબડી કે,
ઝોળીમાં નકરા ભરમની ભૂરકી છે ?
કુંવરી વ્યવહારમાં છે કૂંજરી કે,
ખાલી મોઢામોઢ વટની ચૂસકી છે ?
છોભીલા સમયે ગળી છે કૂથલી કે,
ચાડીચૂગલીની પરાણે ચૂપકી છે ?
બુદ્ધિનું બસ, બારમું છે ધુમ્મસી કે,
ખોટી અક્કલની ભરેલી ગુજરી છે ?
ખુદ ધરમની ઊલટી છે ફૂદડી કે,
ગોંધતી ‘કિશોર' ભવની ઘૂમરી છે ?
('વેબ ગુર્જરી' વેબસાઇટ)
.4.
જીવું છું આંજણ શી ભીનાશે ભીનાશે,
જીવું છું પાંપણ શી ભીનાશે ભીનાશે.
ટોડલે લીલપ પ્રતીક્ષાની મહેકતી,
જીવું છું તોરણ શી ભીનાશે ભીનાશે.
હા, ડુમાવશ યાદપૂર્તિને સુહાવી,
જીવું છું પારણ શી ભીનાશે ભીનાશે.
પાદરે વાતાસની સ્ફૂિર્ત શ્વસીને,
જીવું છું માંડણ* શી ભીનાશે ભીનાશે.
લાભશુભના કંકુથી વરસોને સ્મરતાં,
જીવું છું તારણ શી ભીનાશે ભીનાશે.
ત્રસ્ત છે એકલપણું એવું કે ‘કિશોર’,
જીવું છું ખાંજણ શી ભીનાશે, ભીનાશે.
(* ગામના પાદરનો પાણીથી ભરાયેલો ખાડો)
(અપ્રકાશ્ય)
.5.
હું ઓમકાર કે અહમનો સ્વર છું, બોલ તું,
સાગરનો નાદ કે નદીથી તર છું, બોલ તું.
મારે અતિક્રમીને જાવું તો છે આરપાર,
નિજ મનની હું બહાર કે અંદર છું, બોલ તું.
જળ જેમ રહે કમળ ઉપર, તું તેમ પર છે પણ,
માયાનો હર જનમ કાં મુસાફર છું ? બોલ તું.
દુનિયામાં કોકિલા સમાણો કંઠ છું છતાં;
પામરપણાનો શીદને શાયર છું ? બોલ તું.
સાદર પ્રતીત થાય તુજ સંપૂર્ણતા મને,
કઈ ખુશીમાં ઝુમતો ચામર છું ? બોલ તું.
આ જિન્દગીનો જાદુગર અણમોલ છે તું ,
કેવો હુંયે ગહનનો ઉજાગર છું ! બોલ તું .
ઔદાર્યની અખૂટ ગાગર હોઉં છું ‘કિશોર’,
કયા પોતની પરમ ઝલક ભીતર છું ? બોલ તું.
('આસ્વાદ.કોમ' વેબસાઇટ)
.6.
ભુલવા સમું બધું ભૂલી જાઉં,
એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં.
મોગરે મઘમઘી જઈ પાછો,
ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં.
આમ તો તક અપાર મળી છે,
થાય કે વિહગ થૈ ઊડી જાઉં.
આયખું અમૃતભર્યું મળ્યું છે,
એ સ્મરી સ્મરી હુંયે ઝૂમી જાઉં.
બ્હાર નીકળવું છે, પૂછું તેથી;
બિંબથી કઈ રીતે કૂદી જાઉં ?
તારી યાદ લઈ ઘૂમું ‘કિશોર’,
નામને હરપળે ચૂમી જાઉં.
('આસ્વાદ.કોમ' વેબસાઇટ)
.7.
એક પળ જેવું આવ્યું કોઈ,
કંઈ પલક જેવું આવ્યું કોઈ.
હોઠ વિસ્મયથી મરમરી ઊભા,
આ હરફ જેવું આવ્યું છે કોઈ.
ઓરડે દૃશ્ય મઘમઘી ઊઠ્યાં,
જ્યાં કમળ જેવું આવ્યું છે કોઈ.
ટેરવે કૈંક સળવળી ઊઠ્યું,
અહીં ગઝલ જેવું આવ્યું છે કોઈ.
સાંજને મેં તરસથી ચીતરી છે,
ને સ્મરણ જેવું આવ્યું છે કોઈ.
ફૂલ માફક ઝૂલી જઉં ‘કિશોર’
બસ, પવન જેવું આવ્યું છે કોઈ.
('એક લીલી પળ અતીત'માંથી)
.8.
કોઈ નવો વિષય મળે, તો હું ગઝલ લખું,
નવરાશનો સમય મળે, તો હું ગઝલ લખું.
હું મોકળા મને સૂરજને એવું કહી દઉં,
તારા સમી ઝલક મળે, તો હું ગઝલ લખું.
સામેથી ચાલીને તું એકાએક ભેટી જાય,
પણ દૃષ્ટિનાં કમળ મળે, તો હું ગઝલ લખું.
આઠે પ્રહર આ વાવ સ્મરણની ઊલેચતાં,
સાંન્નિધ્યની પરબ મળે, તો હું ગઝલ લખું.
હું ક્યાં સુધી વિચારની આ હેલ લઈ ફરું ?
ભાષાભવન સકળ મળે તો હું ગઝલ લખું.
('એક લીલી પળ અતીત'માંથી)
.9.
માંડીને હર વાત, ઘર કહેતું મને,
ગામની પંચાત, ઘર કહેતું મને.
હર અજંપાથી ખરેખર છૂટવા,
કર તું મનને મ્હાત, ઘર કહેતું મને.
જ્યાં ઉંમર તારી થવા આવી પછી,
છોડ ચંચુપાત, ઘર કહેતું મને.
જોતજોતામાં અવસ્થા આવી ગઈ,
હોય ના આઘાત, ઘર કહેતું મને.
આદમી અદનો પ્રથમથી છું કિશોર,
શી છે મુજ વિસાત? ઘર કહેતું મને.
આમ મનમાની બહુ કરી તેં ‘કિશોર’
ને હવે થઈ રાત, ઘર કહેતું મને.
('એક લીલી પળ અતીત'માંથી)
.10.
ક્ષુબ્ધ કાં તું ? પીપળાનું, પૂછવું છે,
એ જ પાછું ઓરડાનું, પૂછવું છે.
આટલો ગંભીર ક્યારે થઈ ગયો તું ?
બાળપણના ચોતરાનું, પૂછવું છે.
રિક્તતાની પીડ મૂંઝવતી તનેયે !
સ્મિત ક્યાં છે આપવાનું, પૂછવું છે.
કોઈ કલરવ આજ પીમળાતો નથી અહીં,
ક્યાં ગયાં સૌ ચાડિયાનું, પૂછવું છે.
ધ્યેય વિનાનું જીવન દેખાતું ‘કિશોર’,
ક્યાં છે જુસ્સો પાળિયાનું, પૂછવું છે.
('એક લીલી પળ અતીત'માંથી)
કવિનું સર્જન :- વિજ્ઞાનની વિભૂતિઓ (જીવનચરિત્રો) : ૧૯૭૬; જલજ (ગઝલસંગ્રહ) : ૧૯૮૩; વિરાટ વિજ્ઞાનીઓ (જીવનચરિત્રો) : ૧૯૯૧, ૨૦૧૧; મધુમાલિકા (ગઝલસંગ્રહ): ૧૯૯૫; મોહિની (ગઝલસંગ્રહ): ૨૦૦૫; એઈ વીહલા ! (ગામઠી કાવ્યસંગ્રહ): ૨૦૦૮; ‘એક લીલી પળ અતીતની’ ૨૦૧૨; ‘અંઈ વખતની લીલીહૂકી વાત છે …' (ગામઠી ગઝલ-સંગ્રહ); (બીજી આવૃત્તિ ૨૦૧૩); ‘નામ મારું ટહુકાતું જાય છે' (વૃત્ત ગઝલ-સંગ્રહ) – પ્રકાશ્ય
e.mail: kishoremodi@gmail.com
સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ : દસમું – અંક : 316 – February 22, 2015