રિયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી ઃ
આ કાર્ટૂન મારી ૫૦ વર્ષ જૂની મેમરી લેનમાં લઈ જાય છે ! …
નાનપણથી જ ડ્રૉઈંગનો શોખ, અને એ શોખના લીધે સ્કૂલમાં રેસિડન્ટ આર્ટીસ્ટનું બિરુદ મળ્યું ! સ્કૂલના કોઈ પણ આર્ટ પ્રોજેક્ટ, મેળાવડાની સાઈનો, ડેકોરેશન વગેરે વગેરેની જવાબદારી અમારા ડ્રૉઈંગ શિક્ષકની આગેવાની હેઠળ મારી રહેતી, બદલામાં મને વ્યાયામ ક્લાસમાંથી હંમેશની છુટ્ટી ! એ વખતે તો આ ડીલ ..," Deal of the century !' જેવું ઘણું સરસ લાગેલું, પણ એના લીધે સ્પોર્ટસમાં રુચિ નહીં કેળવ્યાનો વસવસો પાછળનાં વર્ષો દરમ્યાન હંમેશાં રહ્યા કર્યો. મૂળ વાત પર .., સ્કૂલેથી ઘરે જતાં મને ડાફેળાં મારવાની ટેવ. ખાસ તો રસ્તા પરની દુકાનોનાં સાઈન બૉર્ડઝ, લેટરીંગઝ, ટ્રક, રિક્સા પાછળની સાઈનો, સિનેમાનાં પોસ્ટરો વગેરે જોવાનો, માણવાનો બહુ શોખ. સિનેમાનાં પોસ્ટરો પેઇન્ટ કરતા, નાટકોના પોસ્ટર્સ બનાવતા પેઇન્ટર્સને જ્યારે, જ્યાં તક મળે ત્યાં જોયા જ કરું !
એક દિવસ આમ જ સ્કૂલેથી ઘરે જતાં રસ્તામાં સ્ટોર ફ્રન્ટની સાઈનો, સિનેમાનાં પોસ્ટરો જોતાં જોતાં પસાર થઈ રહ્યો હતો. એકલવ્યની માફક મને એ સાઈનો, પોસ્ટરો સિવાય કંઈ જ દેખાતું હતું નહીં .., અને એ ધ્યાનને ડિસ્ટર્બ કરતો એકાએક ધડામ કરતો અવાજ, કંઈક ઢળવાનો, કંઈક ફૂટવાનો ને કંઈક દાઝવાનો બધી જ ક્રિયાઓનો એક સાથે આવ્યો. ચાની કીટલી અને કપરકાબી સાથે કોઈ દુકાનમાં ચા ડિલિવર કરવા જતા ચાવાળા છોકરા સાથે હું અથડાયો ! એની બધી ચા મારાં કપડાં પર, કીટલી છટકીને કપ રકાબી સાથે રોડ પર પડી ગઈ, કપ રકાબીઓ ફૂટી ગઈ ! દાઝવાનું દુ:ખ, પેઈન તો એક બાજુ રહ્યું .., ચાવાળા છોકરાએ બૂમાબૂમમ કરી દીધી, ખેંચીને મને સામે ચાની દુકાન પર એના શેઠ પાસે લઈ ગયો. "You break it .., you buy it!" દુકાનની પોલિસી ! છોકરાના શેઠે એને મારી સાથે ફૂટેલા કપરકાબીના ટુકડાઓ સાથે મારા ઘરે મોકલી, ચા તથા કપરકાબીના પૈસા વસૂલ કર્યા !
વૉટ્સ અપ ચેક કરતાં કરતાં બત્તીના થાંભલા જોડે, કોઈ લારીવાળા જોડે અગર કોઈ બે’ન જોડે અથડાઈ જવું, એ નવું નથી !
− મહેન્દ્ર શાહ
e.mail : mahendraaruna1@gmail.com