ક્રિકેટના વર્લ્ડ કપની મેચ રમતી ટીમ ભારતની નથી, ધંધાદારી ખાનગી સંસ્થા બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઈન ઇન્ડિયા(BCCI)ની છે. રમતો સંસ્કૃતિ કરતાં ધંધો વધારે બની ગઈ છે. એમાં રમતવીરોની કમાણી, જાહેરખબરોની કમાણી અને બોર્ડનો નફો વગેરે મહત્ત્વનાં બની ગયાં છે. BCCI એ નફો કરનારી કોઈ પણ મહાકાય કંપની જેવી સંસ્થા છે. પણ લોકોના દિમાગમાં BCCI = India એવું પર્યાયવાચી સમીકરણ બેસી ગયું છે. BCCIની ટીમ જીતે કે હારે તો ઇન્ડિયા જીત્યું કે હાર્યું એમ સમજી લેવામાં આવે છે. ભારત સરકાર પણ એમ સ્વીકારી લે છે. પણ યાદ રહે કે, 2004માં એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે એમ કહ્યું છે કે BCCI ભારતના રાષ્ટ્રધ્વજ કે ભારતના રાષ્ટ્રગીતનો ઉપયોગ ન કરી શકે.
BCCI જે IPLનો ધંધો કરે છે તેમાં તો ક્રિકેટરો વેચાય છે. જીવતો માણસ બોલીમાં વેચાય છે, બોલો. આ સંસ્કૃતિ કહેવાય કે બજાર? જેનો ભાવ વધારે એની રમત બહુ સારી એવી ધારણા એમાં કામ કરે છે. જે બહુ ભાવે બોલીમાં વેચાય તેનું પાછું ગૌરવ થાય છે! માણસો બજારમાં વેચાતા હતા અને ખરીદાતા હતા ઇતિહાસમાં. માણસોનું બજાર વર્તમાનમાં આવું ગૌરવપૂર્ણ રૂપ પણ ધારણ કરી શકે છે એની કલ્પના ભાગ્યે જ થોડી સદીઓ પહેલાં કોઈએ કરી હશે.
ખેલાડી રમે છે કમાણી માટે, બોર્ડ યોજે છે મેચ નફા માટે અને લોકો સમજે છે કે આ બધું તો દેશના ગૌરવ માટે છે. આ સામૂહિક સંમોહન સિવાય કશું નથી. મીડિયા એક પ્રકારનું વશીકરણ સર્જે છે લોકોમાં.
મહાન જર્મન દાર્શનિક થિયોડોર એડોર્નો (1903-1969) દ્વારા ભારત આઝાદ થયું તે વર્ષે એક પુસ્તક લખવામાં આવ્યું હતું: ‘કલ્ચર ઇન્ડસ્ટ્રી.’ તેમાં તેમણે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં માનવ સંસ્કૃતિનું એકેએક પાસું કેવી રીતે બજારમાં નફાનું માધ્યમ બને છે તેનું અદ્ભુત દર્શન કરાવ્યું છે. ક્રિકેટ હોય કે ફૂટબોલ કે પછી બીજી કોઈ પણ રમત; એનું મોટા પાયા પરનું આયોજન કે સંગઠન ધંધો બની ગયાં છે અને નફાનું સર્જન કરનાર બજાર.
થિયોડોર એડોર્નો કહે છે કે સંસ્કૃતિને બજાર બનાવવામાં સૌથી મોટી ભૂમિકા હોય છે મીડિયાની. જુઓ તમે, ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં એટલે કે ટી.વી. ચેનલો અને છાપાંમાં કેવી રીતે ક્રિકેટનો ટાઈફોઈડ ઊભો થયો છે, જાણે કે દેશમાં ચિંતાનો બીજો કોઈ વિષય જ ન હોય. મીડિયા પોતે પણ બજારની એક ચીજ છે કારણ કે તેને આ વર્લ્ડ કપ જાહેરખબરો આપે છે! લોકોમાં આ ક્રિકેટ મેચનો જે નશો ઊભો થયો છે તેમાં આ નફાખોર મીડિયાની ભૂમિકા કંઈ ઓછી નથી.
એડોર્નોના મતે મીડિયા આવા કાર્યક્રમો દ્વારા લોકોને આજ્ઞાંકિત, કહ્યાગરા અને સંતુષ્ટ બનાવી દે છે, પછી ભલે ને તેમની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય. શું ભારતમાં આવું બની રહ્યું નથી?
મૂડીવાદી અર્થતંત્રની ખાસિયત જ એ છે કે તે માનવ જીવનની તમામ બાબતોને બજારમાં લઈ આવે, મનુષ્યને પણ નફાનું એક સાધન બનાવી દે. કોઈક મેદાન કે ગલીમાં ક્રિકેટ રમતા અને આનંદ માણતાં યુવાનો અને બાળકો એ સંસ્કૃતિ છે, પણ વર્લ્ડ કપ કે એવી બીજી બધી ક્રિકેટ મેચમાં નફાકેન્દ્રી બજાર જ બજાર છે. લગભગ બધી રમતો માટે આમ જ બની ગયું છે. આ બજારુ રાષ્ટ્રવાદ છે!
તા.19-11-2023
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર