સામી દિવાલ પર
સૌને દેખાય એમ લટકાવેલું અજન્ટા ઘડિયાળ,
તમને દેખાય છે?
ગઇકાલે મધરાતે જ
કલાકે કલાકે
ટકોરા મારતાં લોલક ને
ફાઈલની વચ્ચે મૂકી
ફાઈલોના ઢગલા વચ્ચે દબાવી
ચાવી-તાળા વગરના કબાટમાં મૂકાવી દેવાયું છે ..
અને આજે સેકન્ડ બતાવતા લાંબા ને સૂકલકડી કાંટાને પોલીસચોકીના લાંબા-જાડા
સળિયાઓ પાછળ ધકેલી દેવાયો છે ..
લાંબા- જાડા મિનિટ કાંટા ને ય પોલીસ ખેંચીને, ફરિયાદી કાગળમાં લપેટીને લઈ ગઈ છે.
સામે સૌને દેખાતી ઘડિયાળમાં દેખાતો નાનો ને તગડો કલાક કાંટો સતત
અવિરત ચાલ્યા કરે છે ..
બેટરી સેલની સાથે મૈત્રીપૂર્ણ ગોષ્ઠિ કરતો કરતો
કલાક પછી કલાક પછી કલાક એમ ફર્યા કરે છે ..
કલાક કાંટો ચાલ્યા કરે છે,
આરામથી અને આરામ સાથે.
(મોરબી માનવસર્જિત કરુણાંતિકા; 31 ઓકટોબર 2022)