નાના હતા ત્યારે માર્ક્વેઝ બનાના-પ્લાન્ટેશનની નજદીકમાં રહેતા હતા. એક વાર પ્લાન્ટેશનના કામદારો હડતાલ પર ઊતરેલા. એમને મશિનગનથી મારી નખાય છે. એમની લાશોને દરિયામાં ફૅંકી દેવાય છે.
માર્ક્વેઝની સૃષ્ટિમાં આ પ્રકારના એમના જાત-અનુભવો અને સ્મરણો ઉપરાન્ત સાથોસાથ એમાં એમની રાજકારણી માન્યતાઓ પણ ગૂંથાયાં છે.
પ્રકરણ : ૧૨
રેલવે અને ટ્રેનને કારણે માકોન્ડોમાં વિદેશી મૂડીપતિઓ અને વેપારીઓ આવ્યા. માકોન્ડો રાતોરાત મહાનગરમાં ફેરવાતું ચાલ્યું. સિનેમા અને ગ્રામોફોન આવ્યાં, મોજશોખ અને વિલાસની અનેક વસ્તુઓની તેમ જ અરે, વેશ્યાઓની પણ વધુ ને વધુ આયાત થવા લાગી. મૂડીપતિઓ સામ્રાજ્યવાદની પેદાશ હતા. દેશની કૉન્ઝર્વેટિવ સરકારે એમને સાથ આપ્યો. એમની કમ્પનીઓએ બનાના-પ્લાન્ટેશન શરૂ કર્યું. જતે દિવસે માકોન્ડોમાં ત્રાસ-સંત્રાસ સરજાયા, દમન અને હિંસાની મૉંકાણ મંડાઈ.
બ્રુનો ક્રૅસ્પી નામના એક શ્રીમન્ત વેપારીએ સિંહના બનાવટી મસ્તકની બારીઓવાળું સિનેમા-થીએટર ઊભું કરેલું. કોઈ પાત્રનું મરણ થયું હોય, અને એને એક ફિલ્મમાં દફનાવી દેવાયું હોય, એના દુર્ભાગ્ય માટે બીજાંઓએ દુ:ખનાં આંસુ પણ સાર્યાં હોય, પણ એ ફરીથી જીવતું થઈ જાય ! એટલું જ નહીં, બીજી ફિલમમાં આરબ બનીને આવે. એવાં ‘જીવન્ત’ ચિત્રો જોઈને દર્શકો ગુસ્સે થઈ ગયેલા. એ પ્રકારની દગલબાજી સહી શકેલા નહીં કેમ કે એમણે ઍક્ટરોની મુશ્કેલીઓ હળવી થાય એ માટે બે સૅન્ટ ખરચેલા ! એમણે સીટો તોડી નાખી !
બ્રુનો ક્રેસ્પીની વિનવણી પછી મેયરે ઘોષણાપૂર્વક સ્પષ્ટ કર્યું કે આ તો સિનેમા છે, ભ્રામક ચિત્રોનું મશિન, એ માટે દર્શકોએ લાગણીના ઉભરા કાઢવા ઠીક નથી. પણ એ સ્પષ્ટીકરણથી ઘણા લોકો હતાશ થયા, એમને લાગ્યું કે તેઓ જિપ્સીઓના એક નવા ભભકાદાર ધંધાનો શિકાર બન્યા છે. એમણે નક્કી કર્યું કે ફિલમ જોવા જવું જ નહીં. વિચાર્યું કે એમની પોતાની મુશ્કેલીઓનો તો પાર નથી, ભ્રમણાઓના દુર્ભાગ્ય પર જેટલું રડીએ એટલું ઓછું છે, ત્યાં !
સમયાન્તરે મિસ્ટર હર્બર્ટ, જેકબ બ્રાઉન વગરે ઘણા વિદેશીઓ આવ્યા.
મિસ્ટર હર્બર્ટને આવ્યે આઠેક મહિના થયા હશે, પણ એટલા ટૂંકા સમયમાં માકોન્ડોમાં ઘણાં પરિવર્તનો થયાં; આગળના જમાનાના લોકોને તો લાગે જ નહીં કે પોતાનું હતું એ જ આ ગામ છે ! ‘જુઓ, કેવાં ફસાયાં છીએ આ બરબાદીમાં, કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા બોલેલો, ‘કેમ કે એ વિદેશીને (હર્બર્ટને) એક-બે કેળાં ખાવા આપણે જ સામે ચાલીને નૉંતરેલો.’
પણ, ઔરેલિયાનો સેગુન્દો વિદેશીઓના ઘોડાપુર આગમનોથી ખુશ હતો. એટલે તો ઘર એકાએક અજાણ્યા મહેમાનોથી, છૂપા પિયક્કડોથી, ભરાઈ ગયેલું. આંગણામાં બેડરૂમો ઊભા કરવા પડેલા, ડાયનિન્ગ રૂમને લંબાવવો પડેલો, જૂનું ટેબલ બદલીને ચાયના અને સિલ્વરનાં છરી-કાંટા વગેરે સરંજામ સાથેનું સોળ જણા બેસી શકે એવું એક મોટું ટેબલ મૂકવું પડેલું. જમવા માટે તો પણ બધા સાથે ન્હૉતા બેસી શકતા, પંગતો પાડવી પડતી.
રાજવીઓની જેમ જૂતાં પ્હેરીને ભમતા રહેતા મહેમાનો પ્રવેશદ્વારને ગંદું કરતા, બગીચામાં પેશાબે જતા, બપોરની નિદ્રા માટે પોતાની સાદડીઓ ગમે ત્યાં બિછાવતા, સ્ત્રીઓ સાંભળશે તો કેવું લાગશે – વગેરેનો વિચાર કર્યા વિના સજ્જનોને ન શોભે એવા અપશબ્દો બોલતા. એથી ફર્નાન્ડા ગુસ્સે હતી પણ પોતાના વિવેકને એ માંડ અંકુશમાં રાખતી.
એ અભદ્ર આક્રમણથી અમરન્તા એટલી બધી ગભરાઈ ગયેલી કે જમવા માટે પહેલાંની જેમ રસોડાના પાછલા ભાગમાં બેસવા લાગેલી.
કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને સમજાઈ ગયેલું કે એની વર્કશોપે પધારે છે એ બધા અભિનન્દન આપવા નથી આવતા, સહાનુભૂતિ બતાવવા કે આદર આપવા નથી આવતા, કુતૂહલવશ આવે છે. એમને રસ છે, ઐતિહાસિક સ્મૃતિચિહ્નરૂપ ચીજોમાં, ભસ્માવશેષોમાં. કર્નલે નક્કી કર્યું કે – એ લોકોની નજરે જ ન ચડું. એણે બારણાં બંધ કરી દીધાં. શેરીવાળા બારણે કદીક ગયો હોય તો દેખાય.
ઉર્સુલાથી તો એ દિવસોમાં સરખું ચલાતું પણ ન્હૉતું, ભીંતનો ટેકો લેવો પડતો’તો, તો પણ, ટ્રેન આવવાની હોય એ સમયે જુવાનીના જોશમાં આવી જતી, ચાર જે રસોઇયા હતા એમને હુકમ કરતી, ‘તમે કંઈક માંસ-મચ્છી રાંધી નાખો તો.’ સાન્તા સોફિયા દ પિયાદાદે ભારપૂર્વક કહેલું, ‘એકોએક વાનગી તૈયાર રાખવાની, કેમ કે આપણે શી રીતે જાણવાનાં કે એ લોકોને ભાવે છે શું.’ એની ઠાવકી નજર હેઠળ રસોઇયાઓએ બધું ઉતાવળે ઉતાવળે તૈયાર કરી દીધેલું.
ટ્રેન તો તાપમાં ભરબપોરે આવેલી. ભોજનસમયે ઘર જાણે શાકમાર્કેટ હોય એવી ધમાચકડી મચી ગઈ, કેમ કે પરસેવે રેબઝેબ મહેમાનો ટેબલ પર સારામાં સારી જગ્યાએ બેસવા મળે એ માટે પડાપડી કરવા લાગેલા, એમને ખબર પણ ન્હૉતી કે યજમાન કોણ છે. સૂપની મોટી મોટી કીટલીઓ, માંસ સજાવેલી ડિશો ને ભાતના ટાટ સાથે રસોઇયા લિમ્બુપાણીના જગ ને તેને પીરસવા માટેના કડછા, નહીં વપરાયેલા કડછા, લઈને આમતેમ ઘૂમતા’તા ને એકબીજા જોડે અથડાઈ જતા’તા.
મિસ્ટર હર્બર્ટને આવ્યાને વરસ વીતી ગયેલું. એક વાત સ્પષ્ટ થઈ ગયેલી કે હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને એના માણસો અવનવી શોધખોળો માટે જે ચમત્કારક ભૂમિમાંથી પસાર થયેલા એમાં જ પરદેશીઓ કેળાંના ઉત્પાદન સારુ કેળનાં વાવેતર કરવા માગે છે. અને એ લોકોએ સીમમાં બનાના પ્લાન્ટેશન – કદલીવન – ઊભું કર્યું; મોટા પાયે કેળની વાવણી અને ઉછેર, કેળાંની મબલખ પેદાશ. એઓએ માકોન્ડોની બાજુમાં જ એમનું પોતાનું વાડાબંધ ટાઉન વિકસાવ્યું. એઓએ પોતાની આગવી પોલીસ પણ ઊભી કરી, પોલીસ-હાકેમો નાનામાં નાની વાત માટે પણ લોકોને દણ્ડતા.
એક રેમેડિયોઝ ધ બ્યુટિને કશી અસર ન્હૉતી. વિકસી રહેલી પોતાની શાનદાર જુવાનીથી એ પ્ર-શાન્ત થઈ ગયેલી, દ્વેષ કે સંદેહ એને અડતાં કે નડતાં નહીં. એ તો બસ પોતાની સાદીસીધી વાસ્તવિકતાઓમાં પ્રસન્ન હતી.
પણ એને એ વાતની સાન ન્હૉતી કે સ્ત્રીઓની જિન્દગી કાંચડી – કોરસેટ – અને ઘાઘરાને કારણે બરબાદ થતી હોય છે. કદાચ એટલે જ એણે પોતાને માટેનો ગળાથી પગની પ્હાની લગીનો એક કાળો ઝભ્ભો – કૅસોએક – જાતે સીવી કાઢ્યો. આખો વખત એ જ પ્હેરી રાખતી, બીજાં વસ્ત્રની પંચાત જ નહીં ! એને એવી પણ ચિન્તા ન થઈ કે એથી અજવાળામાં પોતે નગ્ન લાગશે – ઘરમાં રહેવાનો ઉત્તમ તરીકો !
નિતમ્બ લગી પ્હૉંચી ગયેલા વાળની વર્ષાને રોકવા માટે એણે એ લોકોને બહુ હેરાન કરેલા, ચોટલા ગૂંથીને લાલ રીબન બાંધવાનું કામ અઘરું થઈ પડેલું. એણે માથું મૂંડાવી નાખ્યું ને કપાયેલા વાળ સન્તોની વિગને સારુ સાચવી રાખ્યા.
રેમેડિયોઝ ધ બ્યુટિની સાદીસીધી વૃત્તિ-પ્રવૃત્તિ અંગે વિચિત્રતા એ સરજાયેલી કે સહજ અને સરળ રહેવા માટે ફૅશનો અને રીતરિવાજોથી એ જેટલી દૂર જતી એટલો એની અપ્રતિમ સુન્દરતાનો પ્રભાવ વધતો. અને એટલે પુરુષો માટે એ વધુ ને વધુ ઉત્તેજક પુરવાર થયેલી.
આ ધરતી પર આમરણાન્ત એને એક વાત નહીં સમજાયેલી; તે એ કે એક બરબાદ સ્ત્રીનું દુર્ભાગ્ય તો એની રોજિન્દી આપદાઓ છે. ઉર્સુલાએ મનાઈ કરેલી છતાં વારંવાર એ રસોડામાં જતી અને બહારના લોકો માટે અતિ ઉત્તેજનાનું કારણ બની જતી. બધું બહુ સ્પષ્ટ હતું : એના કામચલાઉ નાઈટશર્ટ નીચે એ કશું જ પ્હૅરતી નહીં, પૂરી નગ્ન હોય. કોઈને પણ સમજાયેલું નહીં કે એનું બોડિયું માથું કશો પડકાર નથી, ઠંડક સારુ જાંઘોને છડેચૉક ઉઘાડી રાખેલી એ કશી ગુનાપ્રેરક ઉશ્કેરણી નથી, કોઈને પણ નહીં સમજાયેલું કે જમ્યા પછી એ આંગળીઓ ચૂસે છે તે કેવાક રસાનન્દને સારું.
રેમેડિયોઝ ધ બ્યુટિ વિશે ચૉકક્સ કહી શકાતું કે ક્યારે એ આંગણાના બેગોનિયા તરફ ગઈ; પાર્લરમાં કે ઘરમાં ક્યાંયે પણ જાય; કહી શકાતું કે એને ગયે કેટલો સમય થયો છે. ઘરના કોઈયે કદ્દીયે જાણેલું નહીં કે રેમેડિયોઝ ધ બ્યુટિ જ્યારે પણ પસાર થાય છે ત્યારે બેચેનીભરી એક હવા છોડતી જાય છે, ત્રાસદ લહર, જે એના ગયા પછી કલાકો લગી ટકી હોય છે. જો કે એની જાણ પેલા અપરિચિત અજાણ્યા જનોને તો તુરન્ત થઈ ગયેલી.
પ્રેમના મામલામાં દખલપંચક ઊભી કરવામાં ઉસ્તાદ અને દુનિયા ખાધેલા પુરુષોએ જણાવ્યું કે – રેમેડિયોઝ ધ બ્યુટિની કુદરતી સુગન્ધથી જાગતી આતુરતા જેવી આતુરતા અમે ક્યારે ય અનુભવી નથી. પણ એ વસ્તુ ય પરિવારમાં કોઈના ય ધ્યાનમાં આવેલી જ નહીં કેમ કે સુગન્ધ તો ઘરની લાંબા ગાળાની રોજિન્દી વાસમાં ભળી ગયેલી. બહારના લોકોને એ પણ સમજાઈ ગયેલું કે એટલે જ ગાર્ડનો એ જુવાન કમાન્ડર પ્રેમનો માર્યો મરી ગયેલો અને દૂરના દેશનો વાસી કોઈ બચારો હતાશાનો ભોગ બનેલો.
બધું બરાબર થવા માંડે એટલે એ ઊંઘતી રહૅ ને અગિયાર વાગ્યે ઊઠે. ઊઠીને બાથરૂમમાં પોતાને બંધ કરી દે, એક પણ વસ્ત્ર વિના, સાવ નગ્ન, તે બે વાગ્યા લગી. ગાઢ અને દીર્ઘ નિદ્રામાંથી જાગી હોય તે વીંછીઓને મારે. પછી, સૂકી દૂધીના ડબલા વડે પોતા ઉપર પાણી રેડ્યે રાખે. એનું એ કાર્ય બધી રીતેભાતે લાંબો સમય ચાલે, એવી તો કાળજીથી ચાલે, કે કર્મકાણ્ડ લાગે. રેમેડિયોઝ ધ બ્યુટિને જાણતા ન હોય એઓને થાય કે કાયા એને સમુચિત પૂજા માટે અપાઈ છે.
તેમ છતાં, એ સમગ્ર એકાન્તવિધિમાં કશી કામુકતા ન્હૉતી. એ તો સમય પસાર કરવા માટેનો એક તરીકો હતો – અને એને ભૂખ ન લાગે ત્યાં લગીનો.
છાપરે અજાણ્યો પરદેશી અને વીંછી મારતી રેમેડિયોઝ ધ બ્યુટિ.
Pic courtesy : Google Images
એક દિવસ, એ ન્હાવાનું શરૂ કરતી’તી એટલામાં છાપરાનાં નળિયાં ખસેડીને કોઈ અજાણ્યો એની નગ્ન કાયાના અદ્ભુત દૃશ્યને જોતામાં જ અધ્ધરશ્વાસ થઈ ગયેલો. ખસેડાયેલાં નળિયે રેમેડિયોઝ ધ બ્યુટિએ પેલાની ઉજ્જડ આંખો ભાળીને શરમ તો ન દાખવી, બલકે એ એક ચેતવણી હતી :
‘સાવધાન’, એણે કહ્યું, ‘તું પડી જઈશ.’
‘હું તો તમોને માત્ર જોવા માગું છું’, પરદેશી બબડ્યો.
‘ઓ સરસ,’ એણે કહ્યું, ‘પણ ધ્યાન રાખજે, નળિયાં મજબૂત નથી, તૂટી જશે.’
એ અજાણ્યા જનના ચ્હૅરા પર જડતાની દર્દનાક અભિવ્યક્તિ હતી અને એવું લાગતું હતું કે જાગેલી મૃગતૃષ્ણા વિલાઈ ન જાય એ માટે એ પોતાની પ્રાથમિક વૃત્તિઓ સાથે ચૂપચાપ લડી રહ્યો છે.
નળિયાં તૂટવાની પેલાની બીક ભાગે એ વિચારથી રેમેડિયોઝ ધ બ્યુટિએ ઝટપટ ન્હાવા માંડ્યું. ટાંકીમાંથી પાણી લેતાં એણે પેલાને જણાવ્યું કે છાપરું ઠીક નથી કેમ કે એ પરનાં પાંદડાં વરસાદમાં ક્હૉવાઈ ગયેલાં છે ને એને લીધે બાથરૂમમાં વીંછી થયા છે. એ એટલું બોલી એ પરથી પેલાએ એમ ધારી લીધું કે એ પોતાના વિનયને છાવરે છે. એટલે, સાબુ લગાવતી એને જોઈને એ લોભાઈ ગયો ને એક ડગ આગળ વધ્યો :
‘લાવો, હું સાબુ લગાવી આપું’, એ બબડ્યો.
‘શુભાશય માટે આભાર’, એ બોલી, ‘મારા બે હાથ પૂરતા છે’.
‘ભલે ને, માત્ર તમારી પીઠે’, પરદેશીએ ભીખ માગી.
‘મૂર્ખામી ગણાશે’, એ બોલી, ‘લોકો પીઠ પર સાબુ નથી લગાડતા.’
રેમેડિયોઝ ધ બ્યુટિ ડીલ લૂછતી’તી ત્યારે એ અજાણ્યાએ આંખમાં આંસુ લાવીને ફરીથી ભીખ માંગી – ‘હું તમને પરણવા માગું છું’. રેમેડિયિઝ ધ બ્યુટિએ નિખાલસપણે જણાવ્યું કે કોઈ સ્ત્રીને સ્નાન કરતી જોવા લન્ચ કર્યા વિના ભોટની જેમ કલાક બગાડનારાને પોતે કદી યે પરણવાની નથી.
છેલ્લે, ગળાથી પગની પ્હાની લગીનો એનો એ કાળો ઝભ્ભો – કૅસોએક – ચડાવતી’તી ત્યારે પેલાએ જોયું કે નીચે કશું પ્હૅરતી જ નથી એવી લોકોની જે ધારણા છે તે ખોટી નથી. અને એને લાગ્યું કે એ રહસ્યનો અતિ ઉષ્ણ ડામ પોતે હમેશાં સ્હૅવાનો છે.
એ પછી, બાથરૂમમાં પડવા એણે બીજાં બે નળિયાં ખસેડ્યાં :
‘બહુ ઊંચું છે’, એ પડતો’તો એ દરમ્યાન રેમેડિયોઝ ધ બ્યુટિએ એને ચેતવ્યો, ‘મરી જઈશ’.
છાપરાનાં બગડેલાં નળિયાં આફતના અવાજ સાથે તૂટ્યાં ત્યારે અજાણ્યા જણ પાસે રડવા જેટલો ય સમય ન્હૉતો કેમ કે એ પોતાની ખોપરી ફાડી બેઠેલો અને સિમેન્ટની ભૉંય પર બિલકુલ જ મરી ગયેલો.
કહેવું જોઈશે કે માકોન્ડોમાં આવેલા તમામ વારાફેરાથી કોઈ અવિચળ રહ્યું હોય તો તે હતી અતિ કોમળ નિર્વ્યાજ અપાર્થિવ એવી આ રેમેડિયોઝ ધ બ્યુટિ. એના માટે એ આશીર્વાદ હતા કે આસપાસમાં શું ચાલી રહ્યું છે એથી એ સાવ અણજાણ હતી. એને એની પણ જાણ ન્હૉતી કે પોતાનું સૌન્દર્ય કેટલું ઘાતક છે અને એને એની પણ જાણ ન્હૉતી કે એના પ્રેમમાં પડવાનું પાપ વ્હૉરી લેનારા પુરુષો મરણશરણ થાય છે. નિરન્તર એ પ્રેમ અને પુરુષોથી નિરીહ રહી અને અ-લૌકિક ભાસી. એક દિવસ આ ધરા છોડીને એ હવામાં તરતી સ્વર્ગમાં પ્હૉંચી જાય છે – હમ્મેશને માટે અદૃશ્ય.
મિસ્ટર હર્બટ કૅપ્ટિવ બલૂન – જમીન જોડે બાંધી રાખેલાં બલૂન – અને રંગીન પતંગિયાંનો વેપાર લઈને આવેલો, તો જેકબ બ્રાઉન પૈંડાંવાળા મકબરા અને ડરાવી મૂકે એવા જર્મન શેફર્ડ કૂતરા લઇને આવેલો. એ તો વળી, ચોફેર સિલ્વર પ્લેટવાળી, બિશપો માટેના વેલ્વેટની સીટોવાળી, પીળા રંગની ટ્રેનમાં આવેલો, વિશિષ્ટ કૉચમાં. ટ્રેનનું છાપરું પાછું ભૂરા કાચનું ! અને એના રસાલામાં હતા, કાળા કોટધારી પણ શાણા દીસતા વકીલો, અગાઉ જે બધો વખત કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની તહેનાતમાં રહૅતા’તા. જેકબની સાથે હતા, કૃષિવિદો, જળવિજ્ઞાનીઓ, સ્થળાલેખનશાસ્ત્રીઓ, અને મોજણી કરનારાઓ. એ બધું જોઈને લોકો એમ વિચારવાને પ્રેરાયા કે મામલો જરૂર કશા યુદ્ધના બારામાં હોવો જોઈએ.
એ સમય એ વિશે વધારે વિચારવાનો હતો નહીં, છતાં, વ્હૅમીલા માકોન્ડોવાસીઓને મૂંઝારો થવા માંડેલો કે વતન પર શી યે આફત ઊતરી છે. કેમ કે નગર ગ્રિન્ગોઝના – પરદેશીઓના – નિવાસ માટે જસતનાં છાપરાંવાળાં લાકડાંનાં ઘરોની છાવણી તો થઈ જ ગયેલું, પણ જાણે અરધી દુનિયાના પરદેશીઓ ટ્રેનના છાપરે બેસીને ય આવ્યા કરતા’તા. પાછળથી ગ્રિન્ગોઝ પોતાની બેતમા પત્નીઓને પણ લાવેલા – પત્નીઓએ મલમલના પોશાક પ્હૅર્યા હોય, માથે ઘૂંઘટવાળા ટોપા ચડાવ્યા હોય. એ લોકોએ રેલવેના પાટાની સામે અલાયદું ટાઉન વિકસાવ્યું, જેમાં પામનાં વૃક્ષોની સામસામી હરોળવાળી શેરીઓ હતી, જેમાં ઘરોને પરદાવાળી બારીઓ હતી, ધાબે નાનાં સફેદ ટેબલ હતાં, છતે પંખા લટકતા’તા. લટકામાં, વિશાળ લૉન હતી જેમાં મોર ને તીતર રમતાં’તાં.
આગળના જમાનામાં બધું સર્વનિયન્તાના ઐશ્વર્ય સારુ આરક્ષિત સાધનોથી સમ્પન્ન હતું, પણ એ લોકોએ બધું બદલી નાખ્યું – ઘેટાંની પૅટર્ન બદલી નાખી, ફસલો ઝડપી કરી નાખી, નદીને એની મૂળ જગ્યાએથી હટાવી દીધી, એની શ્વેત શિલાઓ અને ઠંડકભર્યા પ્રવાહોને, નગરની બીજી તરફ વાળી દીધાં – કબ્રસ્તાનની પાછળ. બરાબર એ જ દિવસોમાં એમણે હોસે આર્કાદિયોની પડુ પડુ કબર પર કૉન્ક્રિટનો નાનો કિલ્લો ચણી દીધો જેથી શબોની દુર્ગન્ધ પાણીને દૂષિત ન કરે. એ લોકોએ બધું ઘણું બદલ્યું.
માત્ર એક જ પ્રશાન્ત ખૂણો બચેલો જ્યાં શાન્તિપ્રેમી વેસ્ટ ઈન્ડિયન નીગ્રો લોકોએ એક છેડે, હાંસિયામાં, શેરી વિકસાવેલી – જેમાં જમીન પર એ લોકોએ લાકડાનાં ઘર ઊભાં કરેલાં, જેમાં સાંજના સમયે બારણે બેસીને તેઓ પોતાનાં અવસાદભર્યાં જેવાંતેવાં ભજન ગણગણતા’તા.
મિસ્ટર હર્બર્ટને આવ્યાને વરસ વીતી ગયેલું. એક વાત સ્પષ્ટ થઈ ગયેલી કે હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને એનાં માણસો અવનવી શોધખોળો માટે જે ચમત્કારક ભૂમિમાંથી પસાર થયેલા એમાં જ પરદેશીઓ કેળ, કેળનાં વાવેતર, કરવા માગે છે.
માકોન્ડોમાં મોટા પાયે વિકસી રહેલા મૂડીવાદને જોઈને કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને પશ્ચાત્તાપ થતો’તો કે કૉન્ઝર્વેટિવ્ઝ જોડે યુદ્ધસમાપ્તિનો પોતે નિર્ણય લીધેલો તે ખોટો હતો કેમ કે એ લોકો જ વિદેશી સામ્રાજ્યવાદીઓને સત્તાસ્થાપન માટે સહાય કરતા’તા.
આ તરફ, બનાના-પ્લાન્ટેશનના માલિકો લોકોને જાતભાતની રીતે રંજાડવા લાગેલા.
કર્નલ બ્વેન્દ્યાએ પોતાના સત્તર પુત્રોની સેના લઈને યુદ્ધ કરવાની ઘોષણા તો કરેલી પણ કરુણતા સરજાઈ : એકને બાકી રાખીને એ તમામ પુત્રોને અનામી ખૂનીઓએ ખૉળી કાઢ્યા ને ઠાર માર્યા. પુત્રોના કપાળે નિશાન ખાલી ન જાય એવાં ક્રૉસનાં અકાટ્ય તિલક તો હતાં જ !
= = =
(October 31, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર