વિપુલભાઈના નિબંધોની ખાસિયત એ છે કે એ લલિત નિબંધની માયામાં ફસાયા નથી. એ વિચારપ્રધાન નિબંધમાં ‘માઇલસ્ટોન’ – માર્ગસૂચક સ્તંભ બની શકે એમ છે
વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધોનું બળવંત જાનીએ કરેલું સંપાદન વાચતાં પ્રશ્ન થાય. વિપુલભાઈ ડાયસ્પોરા લેખનની સીમિત વ્યાખ્યામાં બંધાય એવા છે ખરા? નિરંજન ભગત તો ડાયસ્પોરાને વિસ્થાપિતોનું લેખન કહે છે, જ્યારે બળવંત જાની નોંધે છે. ‘દેશ’ સાથે જેમનો ગહન સંબંધ છે, ‘પરદેશ’ જેમની નિયતિ છે એવો વૈશ્વિક પટ પર પથરાયેલો પ્રજાસમૂહ ‘ડાયસ્પોરા’ની ઓળખ પામ્યો છે. ‘ડાયસ્પોરા’ હકીકતે તો બે પ્રક્રિયા સૂચવે છે. એક વિખૂટા પડવાની વ્યથાની અનુભૂતિનો વિસ્તાર અને બીજું સ્થાયી થવાની જીવનરીતિ (પૃ. 17, વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો)
મારી છાપ એવી છે કે વિપુલભાઈ વિસ્થાપિત મનોદશાના કે ઘર ઝુરાપાના માણસ નથી. એ આયોજન અને સંગઠનના માણસ છે. ‘અમે વિશ્વના ગુજરાતી, આપણો એક થવાનો યોગ’ નામના નિબંધમાં એ સ્વામી સચ્ચિદાનંદનું અવતરણ ટાંકે છે. આપણી પાસે સંખ્યા છે, પણ સરવાળો નથી, જ્ઞાન છે પણ દૃષ્ટિ નથી, પૈસો છે પણ આયોજન નથી. એટલે છતી શક્તિએ શૂન્ય છીએ.’ ગાંધી વિચારની ગળથૂથી પામેલા આ પત્રકાર બ્રિટનની ગુજરાતી લિટરરી એકેડેમીના કર્મઠ અગ્રણી તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓને દિશાનિર્દેશ કરતા પત્રકાર છે. અમેરિકાવાસી મધુસૂદન કાપડિયા જેમ ગુજરાતીના ઉત્તમ વિવેચક છે તેમ વિપુલ કલ્યાણી બ્રિટનમાં રહીને ભાષાસાહિત્યની પ્રવૃત્તિઓ વિકસાવતા અને હવે ટકાવી રાખતા કર્મશીલ સારસ્વત છે.
સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે પ્રદાન કરનાર બે જ વ્યક્તિઓનાં નામ યાદ કરવાં હોય તો એક છે અમેરિકાના ગુર્જરી ડાયજેસ્ટના સંપાદક કિશોર દેસાઈ અને બીજા આ વિપુલ કલ્યાણી. અશોક મેઘાણી ગુજરાતી કૃતિઓના અંગ્રેજી અનુવાદ માટે ખ્યાતિ પામ્યા એ ખરું, પણ રામ ગઢવીના પ્રમુખસ્થાને ચાલતી ત્યાંની અકાદમીના વાર્ષિક મુખપત્રને ઘાટ આપવામાં અશોકભાઈનો નોંધપાત્ર ફાળો છે. ગુજરાતીના લાડીલા સર્જક મધુરાય ત્યાં બેઠા છે. ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનો તરવરાટ છેક સુધી અનુભવાતો. અમેરિકામાં ગુજરાતી ભાષા શિક્ષણનું કામ અક્ષર પુરુષોત્તમ સંસ્થા કરે છે તો બ્રિટનમાં વિપુલભાઈના નેજા નીચે ડો. જગદીશ દવેના સંચાલનમાં ગુજરાતી ભાષાશિક્ષણ અને પરીક્ષણનું વ્યવસ્થિત કામ ઘણાંએ જોયું છે. બ્રિટનમાં લેખન અને વાચનને પોષતાં ગ્રંથાલયો પણ છે. સરકાર બિનશરતી મદદ કરે છે.
ભાષા, સાહિત્ય, સંસ્કૃિત અને ગાંધી મૂલ્યોના આધારે વૈશ્વિક કક્ષાએ લોકશાહી પરિબળોનો અભ્યાસ એ આ નિબંધોની સામગ્રી છે. વિપુલભાઈએ પોતાના વિચારપત્રનું નામ ‘ઓપિનિયન’ રાખ્યું, અેમ કરવાનો એમને હક હતો, આફ્રિકાનું ટાન્ઝાનિયા એમનું જન્મસ્થાન (1940) ત્યાં અને જામનગર-મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ભારત અને બ્રિટનમાં કામ કર્યું. ઘર જેટલું પોતાના માટે એથી વધુ મહેમાનો માટે, કુંજબહેનનો એમાં સવાયો સાથ. ઘસાઈને ઊજળો થયેલો આ પરિવાર ક્યાં ય કશું ય અઘટિત લાગે તો ઊછળી પડે. વિવાદમાં ઉગ્રતા, સંબંધમાં પ્રેમ, ગુજરાતના બધા અગ્રણી લેખકોનું આતિથ્ય કર્યું છે અને ‘દર્શકે’ તો એમનું આતિથ્ય માણવા બીજો અવતાર લેવાનો સંકલ્પ કર્યો હોય તો નવાઈ નહીં.
વિપુલભાઈના નિબંધોની ખાસિયત એ છે કે વિશ્વના ચિંતકોનાં અવતરણ આપીને એ પોતાના મુદ્દાનું સમર્થન કરે છે. એ લલિત નિબંધની માયામાં ફસાયા નથી. એ વિચારપ્રધાન નિબંધમાં ‘માઇલસ્ટોન’ – માર્ગસૂચક સ્તંભ બની શકે એમ છે. ‘મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી’ એ નિબંધના સમાપનમાં એમણે આપેલાં અવતરણો આજેય લાલબત્તી ધરે છે: સને 1921માં ગાંધીજીએ નવજીવનમાં લખેલું:
‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃિતનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’ (પૃ. 68)
સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 22 નવેમ્બર 2015
http://www.divyabhaskar.co.in/news/MAG-sahitya-visesh-by-raghuvir-chaudhri-in-sunday-bhaskar-5175140-NOR.html