લોકમાન્ય તિલક
જન્મ : 23 જુલાઈ, 1856 — મૃત્યુ : 1 ઓગસ્ટ, 1920
એક તો, તિલકથી આગળ જવું (અને વળી ગાંધી–આંબેડકર પછીના ભારતમાં હોવું) તે શું, એની તિલક સમારોહમાં મળી રહેલી આ પ્રતિભાઓને ગમ હશે? ન જાને
પહેલી ઓગસ્ટના લોકમાન્ય તિલક પુણ્ય પર્વે મહારાષ્ટ્ર બલકે દેશ સમસ્ત જોગ એક જોણું સરજાશે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ શ્રેષ્ઠી શરદ પવાર એકમંચ હશે. ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહની પરંપરામાં નરેન્દ્ર મોદી પણ હવે ‘નાગરિકો વચ્ચે દેશભક્તિની ભાવના જાગૃત કરનાર સર્વોચ્ચ નેતૃત્વ’ લેખે પોંખાશે. લોકમાન્ય તિલક પુરસ્કાર તરીકે ઓળખાતા આ સન્માનના કર્તાહર્તાઓ તિલક પરિવારના જ છે. તેમનું કહેવું છે કે ‘લોકમાન્ય તિલકે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું સ્પષ્ટ આવાહન કર્યું એને એક કદમ આગળ વધારી મોદીએ સમાજના સૌથી કમજોર અને બહિષ્કૃત સભ્યોની સાથે સાથે ગરીબ લોકો માટે સુરાજ્ય નિશ્ચિત કરવાનું કામ કર્યું છે.’ (ઉદ્ધવ ઠાકરે જેનું નામ, એમણે સૂચિત અવસર અંગે અદ્દલ લોકમાન્યની ‘કેસરી’ શૈલીમાં ટિપ્પણી કરી છે : હ્યાંચા ડોક ઠિકાવનાર આહે કા? – આમના ભેજાનું ઠેકાણું છે કે નહીં?)
તિલક પરિવારે લોકમાન્યથી આગળ જતી કામગીરીની જે ટિપ્પણી કરી છે એની ચર્ચામાં આ ક્ષણે નહીં જતાં એટલું જ કહીશું કે એમની આ ટિપ્પણીમાંથી લોકમાન્યના બહુપ્રતિભા એટલા જ એકનિષ્ઠ જીવનકાર્યમાં રહેલી મર્યાદા સોડાય છે – મર્યાદા તે પોતે આંકેલ રેખાના સંદર્ભમાં તેમ ઊણપના અર્થમાં પણ.
તિલકના ચાહકો અને ભાવકોની સ્વાભાવિક જ મોટી સંખ્યા રહી છે. કાકા કાલેલકરે ‘બાપુની ઝાંખી’માં સાબરમતી આશ્રમની શરૂઆતનાં વર્ષોનો એક સરસ પ્રસંગ સંભાર્યો છે: મોડી રાતે તારેજડ્યા આકાશ તળે ખાટલો ઢાળી કશીક ચર્ચા કરતાં કરતાં બાપુએ કહ્યું કે અત્યારે કોઈ નહીં તો તિલક મહારાજ તો દેશની ચિંતા કરતા જાગતા હશે.
વસ્તુત: 1920માં ગાંધીજીએ લોકમાન્યની અર્થીને ખભો આપ્યો એમાં કેવળ બાહ્ય વિવેક જ નહોતો, ઇતિહાસનો એ ખભાપલટો પણ હતો. આ પહેલાં પણ હું કદાચ એસ.એમ. જોષીને ટાંકી ચૂક્યો છું. એસ.એમે. વાત વાતમાં કહ્યું કે તિલક અને સાવરકર અમ મહારાષ્ટ્રી તરુણોનું કુલદૈવત હતા. સ્વતંત્રતા સારુ સાહસ ને પરાક્રમ અમારામાં એમણે જગવ્યાં. પણ ગાંધીજી આવ્યા અને અમને સહસા સમજાયું કે સ્વતંત્રતાનો ખરો ને પૂરો માયનો સમતા વગર બે-મતલબ છે.
જરા જુદી રીતે કહીએ તો રાજકીય મુદ્દા પર ભાર મૂકતા લોકમાન્ય સામાજિક સુધારાને બાજુએ રાખીને ચાલતા. જરી વિસ્મયકારકપણે આ લખનારને એ મુદ્દો ગાંધીજીના ચંપારણ દિવસોના સહકારી અવંતિકાબાઈ ગોખલેના ગાંધીચરિત્રની લોકમાન્યે લખેલી પ્રસ્તાવનામાંથી સમજાયો હતો. સામાજિક કામ વગર રાજકીય કામ અધૂરું કહેવાય એમ કહેવામાં આવે છે, પણ મહાત્મા ગાંધીની વિશેષતા જેમ એમના ચારિત્ર્યમાં છે તેમ દક્ષિણ આફ્રિકાના હિંદીજનોને ન્યાય મળે તે માટે રાજકીય લડત આપવામાં અને એ સંદર્ભમાં સત્યાગ્રહનું ઓજાર વિકસાવવામાં છે, એવું પ્રતિપાદન તિલકે આ પ્રસ્તાવનામાં કર્યું છે.
બેશક, ગાંધીજીને વ્યાપકપણે ને વિગતે સમજનારના લક્ષ્યમાં એ વાત આવ્યા વગર ન જ રહે કે સમતાની (અને એ દૃષ્ટિએ સમાજ સુધારાની) લડાઈ ગાંધીના દેશકારણ સાથે અવિનાભાવ સંકળાયેલી હતી.
તિલક પરિવારની હાલની ત્રીજી-ચોથી પેઢીને ખરું જોતાં લોકમાન્યના ખુદના જીવનકાર્યમાંથી આ મર્યાદા સમજાઈ શકે એમ છે. લોકમાન્યના ચાહકોને (કેટલીક વાર એમને અને મહાત્માને સામસામે મૂકનારાઓને) ઇતિહાસવસ્તુ તરીકે બાલ ગંગાધર તિલકના નાના પુત્ર શ્રીધરપંતના નાના જીવનનો મોટો સંદેશ ખબર હોવી જોઈએ. શિવાજી ઉત્સવના યોજક તિલકને ‘શાહુ મહારાજને વેદપઠનનો અધિકાર નથી’ એવો સનાતની નિર્ણય સ્વીકાર્ય હતો. દસ વરસની છોકરી જોડે ધણીપણાનો હક ભોગવાય અને તે મરણશરણ થાય એવી અનવસ્થા ટાળવા જ્યારે સંમતિવયના કાયદાની હિલચાલ થઈ ત્યારે તિલકે સરકારી હસ્તક્ષેપના મુદ્દે એનાથી કિનારો કર્યો હતો. એમના પુત્ર શ્રીધરને આ બધું સોરવાતું નહોતું. આંબેડકરે જ્યારે ઉદારમતિ સવર્ણોને સાંકળીને સમાજ સમતા સંઘની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે શ્રીધરે પરિવારના પરિસરમાં (ગાયકવાડ વાડો જે પછીથી કેસરી વાડા તરીકે પણ ઓળખાતો, એમાં) મહાર સમુદાય – હજી ‘દલિત’ સંજ્ઞા વ્યાપક નહોતી બની – સહિત સર્વજનભોજન યોજ્યું હતું. પિતા નહોતા અને ‘કેસરી’ ધર્મને નામે રૂઢિદાસ્યની ધ્વજા ફરકાવતું, એમાં શ્રીધરને પ્રવેશ નહોતો. અંતે એણે સામે ચાલીને મોત વહોર્યું – કલેક્ટર, પરિવાર અને આંબેડકર જોગ પત્ર પાઠવીને કહ્યું: ‘હું મારા બહિષ્કૃત બાંધવોની ફરિયાદ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણને નિવેદિત કરવા જઉં છું.’ વળી ઉમેર્યું : ‘એકાદ ગરીબ અપરિચિત ખેડુને ત્યાં મારો પુનર્જન્મ થાઓ એવી આશા સેવું છું.’
સંઘ પરિવારના મહારાષ્ટ્રના અગ્રબૌદ્ધિક સરખા રમેશ પતંગેએ લખેલ ‘હું, મનુ અને સંઘ’ ગુજરાતીમાં કિશોર મકવાણાના અનુવાદમાં સુલભ છે. પતંગેની કેફિયત અને રજૂઆતમાં રામ મંદિર યાત્રા છતાં હિંદુત્વ રાજનીતિમાં કંઈક ખૂટે છે એની સહૃદય માંડણી છે. આ ખૂટતી પૂર્તિ વાસ્તે એમણે રામ મંદિર યાત્રાને સમાંતર મહારાષ્ટ્રમાં ફૂલે-આંબેડકર યાત્રા યોજી હતી. એ અલબત્ત એક પ્રશસ્ય ઉપક્રમ હતો. પણ હિંદુત્વ રાજનીતિ અંતર્ગત રાજવટનું દુર્દૈવ વાસ્તવ સમજવું હોય તો પચીસ પચીસ વરસના સળંગ શાસન પછીના ગુજરાતમાં સમઢિયાળા હાજરાહજૂર છે. અને એમ તો, થાનગઢ અને ઉના સરખાં દૂઝતાં જખમ પણ ક્યાં નથી?
તિલકથી આગળ જવું (અને ગાંધી-આંબેડકર પછીના ભારતમાં હોવું) તે શું, એની તિલક સમારોહમાં મંચે મહાલતી આ પ્રતિભાઓને પાધરી ખબર હશે? ન જાને.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 જુલાઈ 2023