“હલ્લો, કોણ? કૈલાસભાઈ!”
“બોલ દોસ્ત! શું હુક્કમ છે!”
“આ વરસે મારે મારી કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળનું ઉદ્ઘાટન આપણા પ્રિય કવિ માઘવ દવે પાસે કરાવવું છે.”
આ માઘવ દવે છે કોણ? અને એનાથી કૈલાસ પંડિત અપરિચિત! કવિ હરીન્દ્ર દવેને હું વહાલમાં માઘવ દવે કહું છું. હરીન્દ્રભાઈને શા માટે માઘવ દવે કહું છું તે મારે ફોડ પાડીને કૈલાસભાઈને સમજાવવું ન પડ્યું.
“આ વરસે તું તારી કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળનું ઉદ્ઘાટન હરીન્દ્રભાઈ પાસે કરાવે એ બહુ જ ખુશીની વાત છે! પણ આમાં તને મારી ક્યાં જરૂર પડી!”
“કૈલાસભાઈ, વ્યક્તિગત રીતે હરીન્દ્રભાઈને હું ઓળખતો નથી. એટલા મોટા ગજાના સર્જકને કઈ રીતે મળી શકું? જો તમે મારી સાથે આવો અને હરીન્દ્રભાઈને મારા વતી વિનંતી કરો તો કદાચ કામ પળવારમાં પતી જશે!
“અરે! સાંભળ, તારે કોઈ ઓળખાણની જરૂર નથી. હરીન્દ્રભાઈ એક પ્રેમની મૂર્તિ છે અને તેનું કાર્યાલય એક મંદિર છે. તેમને મળવા તારે કોઈ પૂજારી કે વચ્ચેના દલાલની જરૂર નથી કદાચ હું સાથે હોઉં કે ન હોંઉં તને કશો ફરક પડવાનો નથી. જેટલું વહાલ હરીન્દ્રભાઈ મને કરશે એટલો જ પ્રેમ એ તને કરશે.”
“કૈલાસભાઈને સાથે આવવા માટે ફોન પર મેં જીદ ચાલુ રાખી એટલે તેમણે મને કહ્યું, સારું આપણે કાલે સાંજે જવાનું નક્કી રાખીએ.”
બીજે દિવસે ઝરમર વરસતી સાંજે અમે તેમના ‘જનશક્તિ’ કાર્યાલયમાં જઈ ચઢ્યા. હરીન્દ્રભાઈ ચોપડાનાં થોથાં તેમ જ ફાઈલોના ઢગલાં વચ્ચે કામમાં પરોવાયેલાં હતા.
કૈલાસભાઈએ ટેબલ પર ટકોરો માર્યો. હરીન્દ્રભાઈએ ફાઈલમાંથી નજર ઊંચી કરી.
“અરે! કૈલાસ …. તું … આવ દોસ્ત!
આવ … અને જાણે હું તેમને કોઈ અંગત પરિચિત મિત્ર ન હોઉં એટલા જ આદરભાવથી કેમ છો? એમ મને પૂછતા તેમણે કહ્યું, ‘જો તમને જરા વાંઘો ન હોય તો પેલી ખુરસીને જરા નજદીક ખેંચી લ્યો.”
થોડીક હળવી વાતચીત બાદ મેં હરીન્દ્રભાઈને કહ્યું, “ખાસ આજ તમને મળવા આવવાનું કારણ આ વરસે મારી કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળનું ઉદ્ઘાટન તમારા હસ્તક કરાવવાની અમારી ઈચ્છા છે!”
“બે હાથ જોડતા તેઓ નમ્ર ભાવે બોલ્યા, “આપણ મહામુંબઇમાં ઘણા વિદ્વાન સાહિત્યકારો છે. આમ કારણ વિના અમથા તમે મને ક્યાં ચણાના ઝાડે ચઢાવો છે!?”
…. અને એ જ વખતે કૈલાસ પંડિતે માઘવ દવે વાળી વાત છેડી!
નાના બાળકની જેમ ખિલખિલાટ હસતા હરીન્દ્રભાઈ બોલ્યા, માઘવને પામવા કરતાં તો તેને શોઘવામાં વઘારે મજા છે. એ જો આપણને એક વાર મળી જાય તો પછી માઘવ પ્રત્યે જે એક પ્રેમનું અદ્ભુત રહસ્ય છે તે પૂર્ણ થઈ જાય મારી દૃષ્ટિએ માઘવના મિલન કરતાં તેના વિરહમાં ઝઝૂમવામાં જ આનંદ છે.” આમ કહી, મેજ પર પડેલ ડાયરીમાં નજર નાખતાં મારું ભાવભીનું આમંત્રણ સ્વીકારતાં એમણે નક્કી કરેલ તારીખમાં સમય સ્થળની વિગત ટપકાવી લીઘી.
૧૯૯૩માં હું અમેરિકાથી સાતઆઠ અઠવાડિયાં માટે મુંબઈ ગયો હતો. એપ્રિલ મહિનાની એક ઘોમઘખતી બપોરે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આંટાફેરા કરતા હું અને કૈલાસ પંડિત કવિ હરીન્દ્ર દવેના ‘જન્મભૂમિ’ કાર્યાલયમાં જઇ ચઢ્યા. ચાપાણી અને વાતોના ગપાટા મારતા કૈલાસભાઈને અચાનક કંઈક યાદ આવી ગયું. વાતને વચ્ચેથી અટકાવીને પૂછી નાખ્યું, “તમને સુખનવર શ્રેણીના બે સેટ મળી ગયાને?”
“હા, મળી ગયા. લગભગ છએક મહિના થયા હશે!” પણ કૈલાસ તને ખોટું ન લાગે તો એક વાત કહું, મને સુખનવર શ્રેણી અઘૂરી લાગી!”
“તમે કઈ રીતે તેને અઘૂરી ગણો છો? બહુ જ મહેનત મુશ્કેલીથી અમે વીસ ઉત્તમ કક્ષાના ગઝલકારોને તારવીને પ્રગટ કર્યા છે!”
“કૈલાસ, તું આ વાત અંગત તારા મન પર ન લઈશ … આ તો મારો ખુદનો અભિપ્રાય છે! કદાચ હું સાચો ન પણ હોઉં. જ્યાં લગી આ શ્રેણીમાં રાજેન્દ્ર શુકલ, મુકુલ ચોકસી, રઈશ મનીઆર કે પછી, જયેન્દ્ર શેખડીવાલા, જેવા યુવાન ગઝલકારોનો સમાવેશ ન થયો હોય ત્યાં સુઘી મારી દૃષ્ટિએ આ સુખનવર શ્રેણી અઘૂરી જ ગણાય”.
“હરીન્દ્રભાઈ, તમારી આ વાતને હું માનું છું પણ અમારે સમયની ગણતરી કરીને પ્રગટ કરવાના ફકત આંગળીના વેઢે ગણી શકાય એટલા ઉત્તમ ગઝલકારો! એટલે અમે આ શ્રેણીમાં દરેક ગઝલકારને સ્થાન નથી આપી શક્યા!”
“કૈલાસ, જો તમારે આ શ્રેણીમાં ફકત ગણતરી કરીને જ ગઝલકારોને સ્થાન આપવાનું હતું તો પછી તમારે મને આ શ્રેણીમાંથી બાકાત રાખવો હતો. મારા બદલે રાજેન્દ્ર શુકલ કે બીજા કોઈ સારા યુવાન કવિમિત્રને સ્થાન આપવું હતું.”
કૈલાસભાઈએ પોતાના અસલ તોફાની મિજાજ પ્રમાણે વળતો જવાબ આપતાં જણાવ્યું, “હરીન્દ્રભાઈ, તમારી જેમ બીજા કોઈ કવિમિત્ર અચૂક ટકોર કરત કે આ સુખનવર શ્રેણી હરીન્દ્ર દવે વિના અઘૂરી છે!”
હરીન્દ્રભાઈએ પોતાના સ્વભાવ પ્રમાણે હસતાં હસતાં પરાજય સ્વીકારતાં કહ્યું કે “આ જગતને કૈલાસ, આપણે કોઈ પણ રીતે ન પહોંચી શકીએ! ચાલ દોસ્ત! આ ઘડીયે બઘું ભૂલી જઈએ અને ચા પીએ. હવે તો તું ખુશને!”
e.mail : preetam.lakhlani@gmail.com