માનવ જીવનનું અંતિમ અને સનાતન સત્ય મૃત્યુ …. મૃત્યુ એક એવી ગહન, ગૂઢ અને રહસ્યમય ઘટના છે. જેનો પાર પામવાની, સમજવાની મથામણ માણસ આદિ કાળથી કરતો આવ્યો છે. પણ … પેલી ‘આનંદ’ ફિલ્મના સંવાદની જેમ –
‘હમ સબ તો ઇસ રંગમંચકી કઠપુતલિયાં હૈ,
જિસકી ડોર ઉપરવાલે કે હાથ મેં હૈ,
કૌન કબ ઉઠેગા .. કોઈ નહિ જાનતા.’
બસ એમ જ, પરમતત્ત્વ સિવાય કોઈ મૃત્યુના રહસ્યને જાણી શક્યું નથી ! પ્રત્યેક મિલનનું પૂર્ણવિરામ ક્યાંક ને ક્યાંક હોય છે. એમ આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત હોય છે. એક તુર્કી કહેવત પ્રમાણે 'મૃત્યુનું કાળું ઊંટ એક વાર તો જરૂર દરેકને બારણે આવીને ઊભું રહે છે.' પણ ક્યારે ? એ તો માત્ર ઈશ્વર જાણે છે. ઈશ્વરે જન્મ અને મરણના બે છેડા પોતાની પાસે રાખ્યા છે. જન્મ પછી દેખીતી રીતે આપણે જીવન તરફ ગતિ કરીએ છીએ એમ લાગે છે પણ … હકીકતમાં આપણી ગતિ મૃત્યુ તરફની હોય છે. જન્મ અને મરણનાં બે બિંદુઓ વચ્ચે આપણે આખી રેખા દોરવાની છે. માણસ ગમે તેટલું ઝંખે પરંતુ સીધી રેખા કોઈ દોરી શકતું નથી. દરિયાની ભરતી ઓટની જેમ જીવનના કાર્ડિયોગ્રામની રેખાઓ પણ ઉપર નીચે થતી હોય છે. આપણો જન્મ જેમ આપણી ઈચ્છાનું પરિણામ નથી, એમ આપણું મૃત્યુ પણ હંમેશાં આપણી ઈચ્છાની વાત નથી. સામાન્ય માનવી માટે મૃત્યુ દુ:ખદાયક હોય છે .. કારણ કે -'Parting is always sad, because something is over.'
આપણા જેવા સામાન્ય માણસોને મૃત્યુ ભયાનક લાગે છે, અંધકારરૂપ લાગે છે. પરંતુ ખરેખર તો મૃત્યુ એટલે પ્રકાશ, અનંત પ્રકાશ … વિશ્વના વિદ્વાનોએ મૃત્યુને કઈંક આ રીતે અનુભવ્યું છે. 'સોક્રેટિસ મૃત્યુ પામતી વખતે અમૃતત્વને માણે છે. મહાન જર્મન કવિ ગટેએ મૃત્યુ પામતી વખતે 'વધુ પ્રકાશ વધુ પ્રકાશ' કહ્યું હતું. .. .ભગિની નિવેદિતા નિજધામે સિધાવતી વખતે બોલ્યાં – 'જુઓ ઉષ:કાળ થઇ રહ્યો છે …' દેશબંધુ ચિતરંજન દાસે મૃત્યુ સમયે કહ્યું હતું : 'હું આવ્યો છું પ્રિયતમ, તારા બારણે દીવો પ્રગટાવવા આવ્યો છું.' લોકમાન્ય તિલક – ' यदा यदा हि धर्मस्य ', પંડિત મોતીલાલ નહેરુ ગાયત્રીમંત્ર બોલતાં બોલતાં અને મહાત્મા ગાંધી 'હે રામ ..'ના શબ્દો સાથે મૃત્યુને વર્યા.
મૃત્યુને મંગલ બનાવનાર આ મહાપુરુષોએ મૃત્યુને દિવ્ય ગણ્યું. મરણ માણસના જીવનની પરીક્ષા છે. તમે જીવન કેવી રીતે જીવ્યા એને આધારે જીવનની કિંમત કરવામાં આવે છે. (ભા.સં પૃ. ૨૧૯) મરતી વખતે જે હસતો હશે, એનું જીવન કૃતાર્થ ગણાશે. એનું મૃત્યુ મંગલ બને છે. જીવનના આ રંગમંચ પરથી આપણી Last Exitને ધૂમકેતુ 'જિંદગીના ઝુલાનું અટક સ્થાન’ કહે છે. દુનિયા જેને કોશેટાનો અંત કહે છે ગુરુ એને પતંગિયાનો પ્રારંભ ગણે છે. આ સનાતન સત્યને સમજી, મૃત્યુની ભયાનકતાને બદલે માંગલ્યને સ્વીકારવું રહ્યું. રાજેન્દ્ર શાહ 'શેષ અભિસાર' કાવ્યમાં જીવાત્માને પ્રિયતમા અને પરમાત્માને સનાતન પ્રિયતમ કલ્પી, જીવાત્માની પરમાત્માને મળવાની ઝંખના તરીકે મૃત્યુને વર્ણવે છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક કહે છે કે સમાધિની ક્ષણ ઘડિયાળમાં બાર વાગ્યે ભેગા થતા કાંટા જેવી છે. તેઓ બે ન રહેતા એક થઇ જાય છે. અસ્તિત્વનું દ્વૈત સમાધિની ક્ષણે ખતમ થઇ જાય છે. મૃત્યુમાં પણ આમ જ બને છે. માણસ અસ્તિત્વમાં એકાકાર થઇ જાય છે. જીવનમાં આ સહજ જ્ઞાનને સમજી લેનાર મૃત્યુથી ડરતો નથી પણ તેને ઝિંદાદિલીથી સ્વીકારે છે. કવિ' જીગર 'કહે છે તેમ –
'કાળ આવે ને હું કરગરું એ શક્ય નથી
આજ મજધારથી પાછો ફરું એ શક્ય નથી
આરઝુઓની કબર ને બંને કિનારા પર ?
મોતને એ રીતે સસ્તું કરું એ શક્ય નથી'
મૃત્યુ વિશેની આ સમજ માનવી કેળવી લે તો મૃત્યુ આનંદનો ઉત્સવ બને.
વિશ્વપટ પરથી અનેક સંસ્કૃતિઓએ વિદાય લીધી પરંતુ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. જીવન અને મરણ વિશે ગહન તત્ત્વચિંતન આપનાર આ ઉદ્દાત સંસ્કૃતિની મૃત્યુમીમાંસા – 'जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ' (જન્મેલાનું મૃત્યુ અવશ્ય થાય છે અને મરેલાનો જન્મ પણ નક્કી છે. – ગીતાદર્શન પૃ. ૫૫)ને પાશ્ચાત્ય મૃત્યુમીમાંસા વિશેષ કરીને ખ્રિસ્તીધર્મની મૃત્યુ વિચારણા સાથે મૂકી તુલનાત્મક રીતે જોઈએ તો –
ખ્રિસ્તી ધર્મના, ધર્મપુસ્તક પવિત્ર બાઈબલમાં ગીતશાસ્ત્રના કર્તા રાજા ડેવિડ મૃત્યુ સંદર્ભે કહે છે કે – 'હા, જો કે હું મરણની છાયાની ખીણમાં થઈને ચાલું તો પણ હું કઈ પણ ભૂંડાઈથી બીશ નહિ કેમ કે તું મારી સાથે છે.’ (ગી.શા. ૨૩:૪) બાઈબલમાં મૃત્યુ માટે મરણની છાયાની ખીણ શબ્દ ૧૬ વાર વપરાયો છે. અહીં ઉપરોક્ત અવતરણમાં 'હા 'શબ્દ દ્વારા સંશયાર્થ દર્શાવાયો છે જેનો ખુલાસો યોહાન ૧૧:૨૫-૨૬માં મળે છે. 'ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહિ જ …' અહીં ખાતરીદાયક વચન કહે છે કે જે વિશ્વાસી છે તે, પ્રભુને સમર્પિત છે, તે પ્રભુના પુનરાગમન વખતે મરણ પામ્યા વગર ઊંચકી લેવાશે, મૃત્યુ તેને સ્પર્શ કરશે નહિ.
ઉપરોક્ત વિધાનો કેટલીક બાબતો સ્પષ્ટ કરે છે. (૧) મૃત્યુ મરણ છાયાની ખીણ છે જેમાંથી જીવાત્માએ પસાર થવું પડે છે. મૃત્યુ માર્ગ છે આકાશ તરફ જવાનો. (૨) સત્યને માર્ગે ચાલનાર ધાર્મિક માણસને મૃત્યુનો કે કોઈ ભૂંડાઈનો ડર હોતો નથી. ‘કેમ કે તું મારી સાથે છે' (ગી.શા ૨૩:૪) સત્ય અને સત્વ(goodness)રૂપે ઈશ્વર આપણી સાથે હોય તો મૃત્યુ મંગલ બને, અને (૩) યોહાન ૧૧:૨૫-૨૬ પ્રમાણે સત્યને માર્ગે ચાલનાર વિશ્વાસીને મૃત્યુ સ્પર્શી શકતું નથી અને તે અનંતજીવનનો વારસદાર બને છે. ઉદાહરણ તરીકે હનોખ અને એલિયા મરણને ન જુએ માટે તેમને જીવતે જીવ ઉપર લઇ લેવામાં આવ્યા. તો વળી લાજરસ મૃત્યુ પામ્યો ત્યારે દેવના દૂતો તેને અબ્રાહમની ગોદમાં લઇ ગયા. (લૂક ૧૬:૨૨) યોહાન ૧૪:૩માં ઈશુ કહે છે કે ‘… હું પાછો આવીશ અને તમને મારી સાથે લઇ જઈશ. જેથી જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.’ ગીતશાસ્ત્રના ૨૩માં અધ્યાયની ૬ઠ્ઠી કલમમાં કહેવાયું છે કે – 'પછી હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ'. ખ્રિસ્તી માન્યતા પ્રમાણે મૃત્યુ પછી માનવીનો આત્મા પરમાત્માની સાથે રહે છે. જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું, હાથે બાંધેલું નહિ, એવું અમારું સનાતન ઘર છે. જુઓ પ્રકટીકરણ ૨૧.૩ -૪માં સંત યોહાન નોંધે છે કે – ‘દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોક થશે, અને દેવ પોતે તેઓની સાથે રહી તેઓનો દેવ થશે. તે તેઓની આંખનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી’. ખ્રિસ્તી માન્યતા પ્રમાણે મૃત્યુને પેલે પાર પણ જીવંત હયાતિ છે. મરણ પછીના જીવનમાં પણ સંપૂર્ણ સભાનતા હોય છે.
ભારતીય શાસ્ત્રોએ મૃત્યુને મંગલકારી ગણ્યું છે એમ ક્રિશ્ચિયાનિટીમાં મૃત્યુને કષ્ટરહિત કહ્યું છે. માણસના મૃત્યુ સમયે કોઈ પણ જાતનું દુઃખ કે કષ્ટ હોતું નથી. જેમ ત્રણ ચાર દિવસના ઉજાગરા અને થાક પછી કોઈ સભામાં બેઠા હોઈએ અને આંખ ઉઘાડી રાખવાનો પ્રયત્ન કરવા છતાં ઝોકું આવી જાય છે. આંખ મીંચાઈ જ જાય. વળી ઝોકુ મીઠું પણ લાગે …! આ જગતના લૌકિક કાર્યો કરતાં ઉજાગરા અને થાકથી શરીર આરામ ઈચ્છે અને ઝોકું ખાય લે, એમ મૃત્યુ સહજ અને કષ્ટરહિત આવે છે.
સામાન્યતયા મૃત્યુની ઓળખ આ રીતે અપાય છે, ઈશ્વરે આપેલો આત્મા અથવા શ્વાસ માણસના શરીરમાંથી નીકળી જાય ત્યારે તે મૃત ગણાય છે. ઉત્પત્તિના પુસ્તકમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે – '…યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું; ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું.’ આમ માણસના શરીરમાંથી ઈશ્વરનો શ્વાસ નીકળી જાય ત્યારે તે મરણ પામે. જગતના બધા ધર્મો આ સત્યને ચુસ્ત રીતે માને છે, કે આત્મા જ ચેતનતત્ત્વ છે. ભારતીય અને પાશ્ચાત્ય શાસ્ત્રો તેમ જ ધર્મો આત્માને અવિનાશી માને છે. બાઈબલમાં સભાશિક્ષક ૧૨:૭ પ્રમાણે લખે છે કે – ' … જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.’ હિંદુ માન્યતા મુજબ પણ આત્મા અવિનાશી છે, नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः (આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અને અગ્નિ તેને બાળી શકતો નથી. – પૃ. ૫૧ ગીતા દર્શન). … અહીં બંને માન્યતાઓનું સામ્ય જોઈ શકાય છે.
મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે.
માણસનો આત્મા કદી મરતો નથી, આત્મા અમર છે. પૃથ્વી પરના સર્વ જીવાત્માઓ પાપી હોય કે પુણ્યશાળી સૌ પરમાત્મા પાસે જાય છે. આપણે એવી ભ્રામક માન્યતામાં રહીએ છીએ કે પાપીનો આત્મા શેતાન પાસે જાય છે. પણ શેતાન નર્કનો રાજા નથી, શેતાનને તો અગ્નિ અને ગંધકની ખાઈમાં ફેંકી દેવામાં આવશે. અને સઘળા આત્મા પ્રભુ પાસે જશે. ભારત અને બીજા કેટલાક દેશોમાં એવી માન્યતા છે કે માણસનું અપમૃત્યુ થાય તો તેનો આત્મા અવગતે જાય છે અને તે 'ભૂત' તરીકે પૃથ્વી પર ભટક્યા કરે છે. પોતાના બાકી ભોગ ભોગવવા તે બીજા માણસોના શરીરને વળગે છે. પાશ્ચાત્ય કે ખ્રિસ્તી માન્યતા પ્રમાણે આ હકીકત પણ ખોટી છે. કેમ કે દરેક માણસનો આત્મા ઈશ્વરે આપેલો છે અને તે ઈશ્વર પાસે પાછો જાય છે. બાઈબલ પ્રમાણે એક નાની ચકલી પણ આકાશી પિતાની ઈચ્છા કે જાણ વગર મરતી નથી. બાઈબલમાં 'ભૂત' શબ્દ અનુવાદકે પ્રયોજ્યો છે. ભૂત કે અવગતે ગયેલ જીવ એવું કશું હોતું નથી. ઈશ્વર અગમ દૃષ્ટિથી અગાઉથી સઘળું જાણે છે. એની યોજના પ્રમાણે જ જન્મ અને મૃત્યુ થાય છે. માટે કોઈ અવગતિયો જીવ હોય શકે નહિ. માણસને રંજાડનાર 'ભૂત' એ એનો ભૂતકાળ કે અતીત છે, તેના કાર્યો, તેનો ગિલ્ટ છે.
ખ્રિસ્તીધર્મ, હિંદુધર્મ જેવી ૮૪ લાખ અવતારની માન્યતામાં માનતો નથી. હિંદુ માન્યતા પ્રમાણે, કર્મફળને આધારે જન્મ મેળવી માણસ ગત જન્મના કર્મોનું ફળ ભોગવે છે. એમ ૮૪ લાખ યોનિમાંથી પસાર થયા પછી તેનો ઉદ્ધાર થાય છે અને તે બ્રહ્મમાં મળી જાય છે. પણ … પ્રથમ શંકરાચાર્ય તો 'ભજ ગોવિંદમ'માં કહે છે કે,
'પુનરપિ જન્મમ્ પુનરપિ મરણમ્
પુનરપિ જનની જઠરે શયનમ્
ઇહ સંસારે બહુ દુસ્તારે
કૃપયા અપારે પાહી મુરારે'
માના પેટે ફરી ફરી જન્મ લઇ ફરી ફરી મરવું અને ચોર્યાસી લાખ અવતાર લેવા અને તે દ્વારા મોક્ષ પામવું અશક્ય છે. માટે હે કૃપાળુ તમારી કૃપાથી જ અમારાં પાપો ટાળો.
પારાદૈસ કે સ્વર્ગ વિશેની માન્યતા – દરેક ધર્મે સ્વર્ગ, જન્નત કે પારાદૈસની કલ્પના કરી છે. ભારતીય માન્યતા પ્રમાણે ત્રણ લોક છે :
૧, સ્વર્ગલોક
૨, પૃથ્વીલોક કે મૃત્યુલોક
૩, પાતાળલોક.
ખ્રિસ્તી ધર્મ સ્વર્ગ સંદર્ભે બાઈબલમાં ત્રણ આકાશની નોંધ લે છે. :
૧, વાયુ મંડળ – આ સહુથી નીચલું આકાશ છે. જ્યાં શેતાન અને તેના અપદૂતોનો વાસ છે, ત્યાંથી તે પૃથ્વી પર ભટકે છે અને માણસોને હેરાન કરે છે અને ભમાવે છે. એફેસી ૨:૨ પ્રમાણે 'તમે આ જગતના ધોરણો પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરામાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલા ચાલતા …. દેહની વાસના પ્રમાણે …. દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા …'
૨, સૂર્ય, તારા અને નક્ષત્રમંડળ – અહીં સૂર્યમંડળ અને ગ્રહો નક્ષત્રો અસ્તિત્વ ધરાવે છે. અને
૩, આકાશોનું આકાશ – આ આકાશ જ્યાં પ્રભુ અને તેમના દૂતગણો આવેલા છે. પ્રભુને સમર્પિત આત્માઓ મૃત્યુ પછી ત્યાં જાય છે.
આ જ પારાદૈસ છે. (પૃ. ૨૪,૨૫ માણસના મૃત્યુ …) સ્વર્ગ કે પારદૈસ વિશે બાઈબલ નોંધે છે કે – 'સ્વર્ગમાં સૂર્ય ચંદ્રના અજવાળાની જરૂર નથી’ (પ્રકટીકરણ ૨૧:૨૩) કેમ કે સ્વર્ગ દેવના મહિમાથી પ્રકાશિત છે. સૃષ્ટિના સર્જન સમયે જ ઈશ્વરે અજવાળું બનાવ્યું હતું. સૂર્ય તો ચોથે દિવસે ઉત્પન્ન થયો હતો, તેમ છતાં સૂર્ય વિના પણ અજવાળું હતું. કારણ કે ઈશ્વર સ્વયં અજવાળું છે. જુઓ – 'તેનાથી સઘળું ઉત્પન્ન થયું …. તેનામાં જીવન હતું : તે જીવન માણસોનું અજવાળું હતું’, (યોહાન ૧: ૩,૪) સ્વર્ગમાં માનવરૂપમાં ઈસુ આપણી સાથે હશે. તેમણે માનવદેહ ત્યજી દીધો નથી. પ્રભુ ઈસુના પુનરુત્થાનમાં માનવદેહનું પણ પુનરુત્થાન થયું અને એ જ માનવદેહ સાથે તેમનું સ્વર્ગારોહણ પણ થયું. સ્વર્ગમાં પ્રભુ આપણી સાથે વાસો કરશે. પ્રકટીકરણના પુસ્તક પ્રમાણે – 'જુઓ દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે … ‘(પ્રકટી.. ૨૧:૩) જૂના કરારમાં એક શબ્દ વારંવાર આવે છે. 'તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો' (ઉત્પત્તિ ૨૫:૮) માણસનું શરીર સ્થૂળ અર્થમાં મૃત્યુ પામે છે પણ તેનો આત્મા પારાદૈસમાં પૂર્વજોની સાથે વસવા પ્રયાણ આદરે છે. સ્વર્ગમાં માણસ સંપૂર્ણપણે જ્ઞાની થશે. સંત પાઉલ કહે છે તેમ પુનરુત્થાન પછીના જીવનમાં આપણે એકબીજાને પૂર્ણ રીતે ઓળખી શકીશું. 'હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ હું પોતે જણાયેલો છું તેમ (પૂર્ણ રીતે) જાણીશ.' (૧ કોરન્થી ૧૩:૧૨) સ્વર્ગમાં સ્મૃતિલોપ થતો નથી. ઉદાહરણ તરીકે લૂક ૧૬:૧૯-૩૧ પ્રમાણે શ્રીમંત માણસ દેવના રાજ્યમાં અબ્રાહમની ગોદમાં બેઠેલા લાજરસને જોઈ ઓળખી કાઢે છે, અને પોતાને બચાવવા વિનંતી કરે છે. માત્થીના પ્રથમ અધ્યાયની ૧થી ૮ કલમ મુજબ એલિયાને જીવતો ઉપાડી લેવામાં આવ્યો જયારે મૂસા (Moses) મરણ પામ્યો હતો પણ રૂપાંતરના પહાડ પર તેઓ બંને સદેહે હાજર દેખાય છે. જેમને આ પૃથ્વીના પિતર, યાકુબ અને યોહાન જુએ અને ઓળખે છે. અર્થાત્ પૃથ્વી પરનો માનવદેહ પણ ટકી રહેશે. સ્વર્ગમાં પ્રેમ સદા ટકી રહેશે અને પૂર્ણ અને વિશુદ્ધ પ્રેમથી માણસ અનંતકાલીન જીવનની શાંતિનો અનુભવ કરશે. મૃત્યુની પેલે પાર જીવંત હયાતિ છે અને મરણ પછીના જીવનમાં સંપૂર્ણ સભાનતા હોય છે.
ખ્રિસ્તીધર્મ અને પાશ્ચાત્ય વિચારણાના સંદર્ભે મૃત્યુમીમાંસા જોયા પછી હવે હિંદુધર્મ અને ભારતીય મૃત્યુ મીમાંસા તરફ નજર કરીએ તો ભારતીય શાસ્ત્રો મૃત્યુને મંગલકારી ગણે છે. ભારતીય વિદ્વાન મીમાંસકો મૃત્યુને મહાયાત્રા કે મહાપ્રસ્થાન કહે છે, કોઈક એને મહાનિંદ્રા કહે છે તો કોઈ એને વિશ્રામ કહે છે, કોઈ વળી એને વિસ્મરણ કહે છે. ભારતીય સંસ્કૃતિ મૃત્યુને ભીષણ નહિ પણ સુંદર ગણે છે. પાશ્ચાત્ય વિચારણાની જેમ જ ભારતીય મીમાંસા મૃત્યુને અંધકારરૂપ નહિ પરંતુ પ્રકાશરૂપ ગણે છે. મૃત્યુ ઈશ્વરનું જ એક સ્વરૂપ છે. જીવન અને મૃત્યુ બંને એકરૂપ છે. જીવનને મૃત્યુનું ફળ આવે છે, ને મરણને જીવનનું ફળ આવે છે. બાઈબલના પ્રથમ પુસ્તક ઉત્પત્તિમાં પણ જીવનવૃક્ષ અને ભલું ભૂંડું જાણવાના વૃક્ષનો સંદર્ભ મળે છે.
મરણ માનવજાત અને આ દુનિયા માટે ઉપકારક છે, જીવનથી જે નથી થતું તે મૃત્યુથી થાય છે. ઇસુના મૃત્યુની અસરને દુનિયા સારી રીતે જાણે છે. મરણથી જ દુનિયા સુંદર છે, મરણ ન હોત તો આ દુનિયા ભયાનક હોત .. માણસ અમર હોત તો કોઈ ને કોઈની દરકાર ન હોત પથ્થરની જેમ બધા દૂર દૂર પડ્યા હોત પણ મૃત્યુના વિચારે સૌ પ્રેમથી વર્તે છે. મૃત્યુથી જ જીવ શિવ સાથે અદ્વૈત સાધે છે. ઊંચા શિખરે આવેલા શિવ મંદિરમાં જવા માટે પગથિયાં હોય છે એમ જીવ પરિપૂર્ણતાના શિખર તરફ જન્મ-મૃત્યુનાં પગલાં માંડતો જાય છે. મરણ એટલે એક પગલું ભગવાન તરફ આગળ વધવાનું, વૈતરણી પાર કરવા કરાતી યાત્રા. મરણથી જીવાત્મા અને પરમાત્મા એકરૂપ બને છે. અહીં ખ્રિસ્તી ધર્મની માન્યતા મરણ દ્વારા જીવ આકાશ તરફ જવાનો માર્ગ શોધે છે. સાથે હિંદુ માન્યતાનું સામ્ય જોઈ શકાય છે.
મૃત્યુ અંગેની ભારતીય વિચારણા – 'મૃત્યુ એટલે વિસ્મરણ' એમ કહેવાયું છે પરંતુ 'ધીરે ધીરે જીવ પૂર્વેનુ જ્ઞાન પ્રાપ્ત કરે છે. બીજું અન્ય જ્ઞાન તે ભૂલી જાય છે જ્યારે જ્ઞાનનો નિચોડ યાદ રહે છે’. (ભા.સં. પૃ. ૨૧૭) આ પાશ્ચાત્ય વિચારણાથી થોડી જુદી પડતી માન્યતા છે. ખ્રિસ્તીધર્મની માન્યતા અનુસાર જીવ સંપૂર્ણ જ્ઞાની થશે સંત લૂક અને કરન્થીઓને પત્રમાં એના સંદર્ભો જોઈ શકાય છે. સ્વર્ગમાં સ્મૃતિલોપ થતો નથી. બંને ધર્મ બીજી એક માન્યતા(સ્વર્ગમાં સર્વ જીવ સમાન છે પણ કર્મ પ્રમાણે ફળ પ્રાપ્ત કરશે)માં પણ સમાનતા જોવા મળે છે.
ભારતીય સંસ્કૃતિમાં મરણને અમર આશાવાદ કહેવામાં આવ્યો છે. જીવને આશા આપવામાં આવે છે કે મૃત્યુ પછી તું ફરી પાછો રમવા આવીશ. ખ્રિસ્તી ધર્મ પુનરુત્થાન પછીના જીવનમાં વિશ્વાસ ધરાવે છે અને એટલે જ પ્રકટીકરણ ૨.૧૧ કહે છે કે, – ‘જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ.’ અણદીઠ વસ્તુઓની ખાતરી એટલે વિશ્વાસ, જે પુનરુત્થાનમાં નજરોનજર જોવા મળશે, પુનરુત્થાન જીવની બધી આશાઓની પૂર્તિ કરે છે. જીવન સંપૂર્ણ બનતા આશાની પણ જરૂર રહેતી નથી. પ્રેમ જરૂર આપણી સાથે રહેશે અને પ્રેમ કરતાં આપણે અનંત જીવન જીવીશું.
પોતાના પરમ પિતા પરમાત્મા સાથે અદ્વૈત સાધવાનો માર્ગ છે મૃત્યુ. કશાક ઉન્નત સાથે જીવ જોડવો હોય તો આસપાસના બંધનો તોડવા પડે. પોતે મર્યા વિના આ અવકાશમાં વ્યાપી રહેલ પરમેશ્વરના દર્શન થશે નહિ. માટે જિંદગીની રંગભૂમિ પરથી આખરી exit લો તે પહેલાં સદ્કાર્યોનો સંચય કરો જેથી આ પૃથ્વી નામના ગ્રહના લોકો તમારા પાત્રને યાદ કરે, સ્વર્ગમાં તો એનો બદલો મોટો છે જ . પણ … ગાલીબ કહે છે તેમ 'મર્યા પછી જ મારું ખરું મૂલ્યાંકન થવાનું છે.' તો પછી મૃત્યુનો ઝિંદાદિલીથી સ્વીકાર કરો.
'મોતની તાકાત શી મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ,
જેટલું ઊંચે જવું હો માનવીને, એટલા ઉન્નત વિચારો જોઈએ’. (ગની દહીંવાલા)
ઉપનિષદની આ પ્રાર્થના સાથે આ વિચારને વિરામ આપીશું ….
'અસતો મા સદ્ગ્મય;
તમસો મા જ્યોતિર્ગમય,
મૃત્યોર્માં અમૃતં ગમય. (બૃહદારણ્યક ઉપનિષદ)
હે પ્રભુ અસત્યમાંથી મને સત્યમાં લઇ જાઓ, અંધકારમાંથી મને પ્રકાશમાં લઇ જાઓ, મૃત્યુમાંથી મને અમરતા તરફ લઇ જાઓ.
સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧
સંદર્ભગ્રંથ –
૧. બાઈબલ – પ્રકાશક : બાઈબલ સોસાયટી ઓફ ઇન્ડિયા – બેંગ્લોર
૨. નવો કરાર – એજન
૩. માણસના મૃત્યુ પછી તેના શરીર અને આત્માનું શું થાય છે ? – રેવ. જયાનંદ ચૌહાણ; પ્રકાશક : ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી – અમદાવાદ
૪. ગીતાદર્શન – સ્વામી વિદિત્માનંદ
૫ ભારતીય સંસ્કૃતિ – સાને ગુરુજી અનુવાદ – સંજય ભાવે
૫. ઝલક – સુરેશ દલાલ
૬ . ખુમારી – આતશ