આજે બુધવારે આ લેખ લખી રહ્યો છું ત્યારે જગતમાં કુલ મળીને ૧,૧૯,૪૨,૧૧૮ કોરોનાકેસ નોંધાયા છે જેમાંથી ૫,૪૫,૬૫૫ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૪૫,૫૧,૪૮૬ એક્ટીવ કેસ છે. મંગળવારે ૨,૦૮,૦૮૭ ઉમેરાયા હતા અને રોજ સરેરાશ એક લાખ ૯૦ હજાર નવા કેસ ઉમેરાય છે. દુનિયામાં કુલ જેટલા કેસ છે, એની સામે સાજા થનારા દરદીઓનું પ્રમાણ ૬૦ ટકા છે. જગતની દર દસ લાખની વસ્તીએ ૧,૫૩૨ જણ કોરોનાગ્રસ્ત છે અને દર દસ લાખે ૭૦ કોરોનાગ્રસ્ત દરદીઓ મરે છે. યુનોમાં નોંધાયેલા અને નહીં નોંધયેલા જગતના ૧૨૫ દેશો અને ટાપુઓમાં એવો એક પણ દેશ કે ટાપુ નથી જ્યાં કોરોનાનો દરદી ન હોય.
ભારતની વાત કરીએ તો ભારતે રશિયાને પાછળ છોડીને કોરોનાના કેસોમાં ત્રીજો ક્રમાંક મેળવી લીધો છે. મંગળવારે ૨૩,૧૩૫ નવા કેસ ઉમેરાયા હતા અને ૪૭૯ મૃત્યુ થયા હતા. ભારતમાં કુલ ૭,૪૩,૪૮૧ કેસ છે, ૨,૬૫,૭૭૦ એક્ટીવ કેસ છે અને કુલ ૨૦,૬૫૩ મૃત્યુ થયાં છે. ભારતમાં દર દસ લાખ લોકોએ કોરોનાગ્રસ્તોનું પ્રમાણ ૫૩૯નું છે. જગતની સરેરાશ કરતાં એમ કહી શકાય કે ત્રીજા ભાગના. ભારતમાં મૃત્યુનું પ્રમાણ દસ લાખે ૧૫નું છે. વિશ્વની સરેરાશ કરતાં ઘણું ઓછું.
આં ઉપરાંત કોવીડ-૧૯એ જગતના અર્થતંત્રની કમર તોડી નાખી છે અને આટલું ઓછું હોય એમ વિશ્વમાં લશ્કરી યુદ્ધ અને સુરક્ષાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. ચીન જગતની કોરોના મજબૂરીનો લાભ લઈ રહ્યું છે. કોરોનાને કારણે ચીન સામે યુદ્ધ કે વિશ્વયુદ્ધ થાય તો પણ આશ્ચર્ય નહીં. એટલે તો ‘ધ લેન્સિટ’ નામના વિશ્વપ્રસિદ્ધ આરોગ્ય સામયિકે તંત્રીલેખમાં ભલામણ કરી છે કે આવા પ્રચંડ અને અભૂતપૂર્વ જાગતિક સંકટ વેળાએ યુનોએ સભ્ય રાષ્ટ્રોનું ખાસ અધિવેશન બોલાવવું જોઈએ. યુનોએ ૧૯૪૮થી અત્યાર સુધીમાં જે તે સંકટને પહોંચી વળવા દસ વખત ખાસ બેઠક બોલાવી છે, જેમાં ૧૯૫૬ની સુએઝ નહેરનું સંકટ, ૧૯૬૭નું છ દિવસીય યુદ્ધ, ૧૯૭૯માં સોવિયેત રશિયાનું અફઘાનિસ્તાન પરનું આક્રમણ વગેરે.
એ દરેક સંકટ લશ્કરી હતાં અને મોટા ભાગે બે દેશ વચ્ચેનાં અથવા પશ્ચિમ એશિયા પૂરતાં પ્રાદેશિક હતાં. એ સંકટનો અંત લાવવા દબાવ પેદા કરીને કે બીજા ઈલાજ શોધીને સૈનિકોને સરહદેથી પાછા ખેંચી શકાતા હતા અને એમ બન્યું પણ હતું. આ આરોગ્યનું સંકટ છે જે જાગતિક છે અને પાછો કોરોના વાઈરસ સીમાડાઓને કે માણસની જાત-ધર્મ-વંશને ઓળખતો નથી. અત્યાર સુધી તો તેના પર કોઈનો અંકુશ નથી અને કેટલાક દેશો અંકુશરહિત કોરોનાનો આર્થિક અને લશ્કરી લાભ લઈ રહ્યા છે અને બીજા લેવાની તાકમાં છે. કોનું ગ્રહણ પહેલાં છૂટે એના પર બધો આધાર છે. ટૂંકમાં કોરોનાસંકટે દુનિયાભરના દેશોમાં વહીવટીતંત્રને અને અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી નાખ્યાં છે જેનો કેટલાક દેશો લાભ ઊઠાવી રહ્યા છે. માટે ‘લેન્સિટ’ કહે છે કે દુનિયામાં અનેકવિધ અરાજકતા સર્જાય એ પહેલાં યુનોએ સામાન્ય સભાની બેઠક બેલાવીને દરેક દેશ માટે આચારસંહિતા બનાવવી જોઈએ. યુનોના ઠરાવનું જે નૈતિક દબાણ આવે તે!
હવે કલ્પના કરો કે કોરોનાનું સંકટ જ્યારે જાગતિક હોય, તેના પર કોઈનો અંકુશ ન હોય અને તે એક સાથે આરોગ્યસંકટ, આર્થિકસંકટ અને લશ્કરીસંકટ પેદા કરવા જેટલી ક્ષમતા ધરાવતું હોય, દુનિયા ભયગ્રસ્ત હોય ત્યારે જગત આખું કોરોનાને અટકાવવા માટેની રસીની અને તેને મટાડવા માટેની દવાની કેવી રાહ જોતું હશે! જગત ઈલાજ માટે તરફડિયાં મારે છે અને રસી તેમ જ દવા વિકસાવનારાઓ પર સહરાની તરસથી જોઈ રહ્યા છે. આ સિવાય ફાર્મા કંપનીઓ પણ સંકટનો લાભ લઈને પૈસા કમાવા માગે છે. રસી અને દવા વિકસાવનારી મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટસ્ અને ફાર્મા કંપનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને તેની ઉપર જગત ચાંપતી નજર રાખી રહ્યું છે.
છઠ્ઠી જુલાઈના ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’માં રસીના મોરચે થઈ રહેલા સંશોધનની રજેરજ વિગત આપવામાં આવી છે. અખબારના કહેવા મુજબ લગભગ દોઢસો કંપનીઓ અને સંસ્થાઓ રસી વિકસાવવા માટે કામ કરી છે. એમાંથી ૧૨૫ કંપનીઓ કે સંસ્થાઓ પ્રિ-ક્લિનીકલ ફેઝમાં છે. આનો અર્થ એ થયો કે તે હજુ માનવદરદી ઉપર ચકાસણી કરવાની સ્થિતિમાં નથી. ૧૪ કંપનીઓ કે સંસ્થાઓ ફેઝ વનમાં છે જેમાં સુરક્ષિત ડોઝ નક્કી કરવામાં આવે છે અને ઉંદર કે એવાં પ્રાણીઓને આપવામાં આવે છે. ૧૦ કંપનીઓ ફેઝ ટુમાં છે જેમાં ડોઝ નક્કી થઈ ગયો છે અને એકદમ પ્રાથમિક સ્તરે ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ચાર કંપનીઓ કે સંસ્થાઓ ફેઝ થ્રીમાં છે જેને પ્રમાણમાં મોટી સંખ્યામાં લોકો પર ચકાસણી કરવાની રજા આપવામાં આવી છે. માત્ર એક કંપનીની રસીને મર્યાદિત પ્રમાણમાં વાપરવાની મંજૂરી આપવામાં આવી છે.
‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ના જણાવવા મુજબ કુલ ૧૫૪ કંપનીઓ કે સંસ્થાઓ રસી બનાવવાના કામમાં લાગેલી છે અને એમાંથી ૨૧ કંપનીઓ કે સંસ્થાઓ ફેઝ ટુ અને થ્રીમાં છે જે માનવી ઉપર ચકાસણી કરી રહી છે. આ ૨૧ દાવેદારો ઉપર આખી દુનિયાની નજર છે. અત્યારે કેન-સીનો બાયોલોજિક નામની ચીની કંપનીએ બનાવેલી રસીને ચીનની સરકારે ફક્ત લશ્કરી જવાનો માટે વાપરવાની મંજૂરી આપી છે અને એ પણ ડોકટરોની ચાંપતી નજર હેઠળ. ઓક્સફર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રા ઝેનેકા ફેઝ થ્રીમાં અગ્રેસર છે અને એ તે કદાચ ઓક્ટોબર મહિનામાં મંજૂરી મેળવશે અને વરસના અંતમાં બજારમાં આવશે. ભારતની ઝાયડસ અને ભારત બાયોટેક હજુ અનુક્રમે પહેલા અને બીજા ફેઝમાં છે. અત્યારે એમ માનવામાં આવે છે કે ઓક્સફર્ડ કદાચ મેદાન મારી જશે.
હવે અહીં સવાલ થવો જોઈએ કે જ્યારે કેન-સીનો બાયોલોજિક અને ઓક્સફર્ડ ઓગસ્ટમાં બજારમાં આવવાનો દાવો નથી કરતી તો જેનું સ્થાન પંદરમાં ક્રમે પાછળ છે એ ભારતની બે કંપનીઓ કઈ રીતે ઓગસ્ટ મહિનામાં રસી બજારમાં મૂકી શકે? એક ફેઝમાંથી બીજા ફેઝમાં જતા બબ્બે મહિના લાગતા હોય છે. મંજૂરી મળ્યા પછી મહિનાઓ સુધી ટ્રાયલ ચાલતી હોય છે અને એમાં ઘણીવાર રસી નાપાસ પણ થાય છે. તો પછી આપણે ત્યાં કયા આધારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ભારત બાયોટેકને ૧૫મી ઓગસ્ટ સુધીમાં રસી તૈયાર કરી આપવાની ડેડલાઈન આપી હશે?
કારણ દેખીતું છે. ૧૫મી ઓગસ્ટે, આઝાદી દિને આપણા વડા પ્રધાન ભારતે રસી વિકસાવી છે એવી જાહેરાત કરીને ઇવેન્ટ યોજવા માગે છે. એ પછી ગોદી મીડિયા અને ભક્તો ઝાલર અને કાંસા લઈને નીકળી પડશે. માટે મેડિકલ કાઉન્સિલને કહેવામાં આવ્યું હશે કે ઝાયડસ અને ભારત બાયોટેકને જણાવી દો કે ૧૫મી ઓગસ્ટ સુધીમાં રિઝલ્ટ બતાવે. તેમને શું એ વાતની જાણ નથી કે ઝાયડસ અને ભારત બાયોટેક કરતાં ક્યાં ય આગળ છે એ કંપનીઓ અને સંસ્થાઓ ૨૦૨૦ની સાલ સુધીમાં રસી મુકવાની ખાતરી નથી ધરાવતા ત્યાં એ બે કંપનીઓ કઈ રીતે ઓગસ્ટમાં રસી આપી શકે?
આપણે બધા જ ઈચ્છીએ છીએ કે કોરોનાની રસી બનાવવાનો શ્રેય કોઈ ભારતીયને મળે. એમાં પણ જો કોઈ દલિત સ્ત્રી, આદિવાસી સ્ત્રી કે મુસ્લિમ સ્ત્રી વિજ્ઞાનીને શ્રેય મળે તો ગાંધીજીની ભાષામાં હું નાચું. વડા પ્રધાને પણ નાચવું જોઈએ. પણ ટકોરાબંધ યોગ્ય પરીક્ષણ પછી. કાચી જાહેરાત કરો અને પછી ચાર-છ મહિને જગત એ રસીને રિજેક્ટ કરે અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા માન્યતા ન આપે તો શું આબરૂ રહે? વડા પ્રધાનની ભૂતકાળની અનેક જાહેરાતોને આજે લોકો ભૂલી ગયા છે અથવા યાદ કરીને હાંસી ઉડાવે છે. એવું તે કેવું ઇવેન્ટોનું અને હેડલાઈનોમાં કે પ્રાઈમ-ટાઈમમાં છવાઈ જવાનું વળગણ કે સરવાળે થતા નુકસાનનું પણ ધ્યાન ન રહે!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 જુલાઈ 2020