લોકતંત્ર એ માત્ર એક પ્રકારની રાજ્યવ્યવસ્થા ‘હોવા’ વિષેની વાત નથી – માત્ર રાષ્ટ્રની કઈ રીતે ગોઠવણ કરવી તેટલું જ નથી. તેમાં રાષ્ટ્ર જેમનાથી બનેલું છે તેમને પ્રત્યે સતત સમાવેશી અને જવાબદાર ‘બનવાની’ પણ વાત છે. લોકતંત્રની જીવંતતાનો એક અગત્યનો માપદંડ એ છે કે તેમાં સમાચાર માધ્યમોને કેટલું સ્વાતંત્ર્ય મળે છે. જીવન માટે જેમ પ્રાણવાયુ આવશ્યક છે, તેમ મીડિયા માટે સ્વાતંત્ર્ય. આમ તો અખબારી જગત રાજ્ય(સ્ટેટ)નું અંગ નથી, પણ પ્રાણવાયુ વિના જેમ શરીર નિર્જીવ થઈ જાય તેવું જ સ્વતંત્ર મીડિયાનું છે. તાજેતરના બે અહેવાલો દર્શાવે છે કે ભારતમાં સમાચાર માધ્યમો માંડમાંડ શ્વાસ લઈ રહ્યાં છે.
‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના વાર્ષિક અભ્યાસ ‘પ્રેસ ફ્રીડમ રિપોર્ટ’માં ભારત 2020માં 180 દેશોમાંથી 142મા સ્થાને છે (2019માં તે 140મા ક્રમે હતું). આ સંસ્થાએ નોંધ્યું છે કે, “દુનિયાભરમાં પત્રકારો પરત્વે આક્રમક વલણ અને ઘૃણા સુધ્ધાં વધી રહી હોવાથી કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે.” બોલ્સોનારોના શાસન હેઠળના બ્રાઝિલને 102 અને ટ્રમ્પ-શાસિત અમેરિકાને 45મા ક્રમે મૂકીને આ અહેવાલ કહે છે કે “આ બે નેતાઓ મીડિયાને બદનામ કરતા આવ્યા છે અને પત્રકારો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપતા રહ્યા છે.” એ રિપોર્ટમાં મીડિયાની વૈશ્વિક સ્થિતિનો ચિતાર મળે છે, જ્યારે ગીતા સેશુ અને ઉર્વિક સરકાર લિખિત ‘ગૅટિંગ અવે વિથ મર્ડર’માં ભારતની વાત છે. તેઓ નોંધે છે કે 2019માં પત્રકારો પર 36 વાર હુમલા થયા હતા, જ્યારે 2014થી 2019 સુધીમાં એવી કુલ 198 ઘટનાઓ બની હતી. પાંચમાંથી એક હુમલામાં હત્યા પણ થઈ હતી. આવી ઘટનાઓ વધી રહી છે તે ચિંતાની વાત છે. લગભગ દરેક કિસ્સામાં ગુનેગારને સજા થઈ નથી. મોટા ભાગના કિસ્સા તો એફ.આઈ.આર.ના તબક્કાથી આગળ જ વધ્યા નથી અને જૂજ કેસ અદાલત સુધી પહોંચ્યા છે. આ અહેવાલ અનુસાર, હુમલાખોરોમાં “સરકારી સંસ્થાઓ, સુરક્ષા દળો, રાજકીય પક્ષોના સભ્યો, ધાર્મિક સંપ્રદાયો, વિદ્યાર્થીજૂથો, ગુનેગારોની ટુકડીઓ અને સ્થાનિક માફિયા”નો સમાવેશ થાય છે.
પત્રકારત્વ હવે આવો જોખમી વ્યવસાય બની ગયો છે. જોખમો વિવિધ પ્રકારનાં છે : હિંસક હુમલા, ધમકીઓ, સોશિયલ મીડિયામાં અત્યંત અભદ્ર ભાષામાં ટ્રોલિંગ, માનસિક પરિતાપ અને પૂરતી કાનૂની રાહતનો અભાવ. આવી પરિસ્થિતિમાં શું આપણો દેશ એવી અપેક્ષા રાખી શકે કે મીડિયા જ્યારે જે કહેવાનું હોય તે કહી બતાવે? બંધારણ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને મૂળભૂત અધિકાર માને છે, પણ તેના પર ‘યથાયોગ્ય મર્યાદાઓ’ છે અને સત્તાધીશો માટે ‘યથાયોગ્ય’ના અર્થઘટનમાં ઘણી મોકળાશ રહે છે. સત્તાપક્ષને પ્રતિકૂળ જણાય એવાં અખબારી ગૃહો, પત્રકારો, વ્યંગચિત્રકારો, લેખકો, ફિલ્મકારો, નાટ્યકારો, કલાકારો, પ્રકાશકો અને માહિતી અધિકારના કર્મશીલોને દબાવવા માટે ત્રાસવાદવિરોધી કાયદો ‘પોટા’, ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટેનો કાયદો યુ.એ.પી.એ. અને સદીપુરાણો સત્તાવાર માહિતીને ખાનગી રાખવાનો કાયદો ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ તો છે જ, એ ઉપરાંત પણ નવાં નિયમનો આવ્યાં છે. આમ તો કાયદો પત્રકારત્વના સ્વાતંત્ર્યની તરફેણમાં હોવો જોઈએ, પણ એનો ઉપયોગ પત્રકારને ચૂપ કરવા માટે વધુ થાય છે. એટલું ઓછું હોય તેમ, કાનૂન બહારનાં, બીજાં પણ કારસ્તાનો અખત્યાર કરવામાં આવે છે. પૂછો, દાખલા તરીકે, આનંદ તેલતુંબડેને કે ગૌતમ નવલખાને. આદર્શ લોકતંત્રમાં તો તેમને તેમનાં લખાણની હિમ્મત અને ઊંડાણ માટે પુલિટ્ઝર જેવું કોઈ પારિતોષિક મળ્યું હોત. તેના બદલે તેમને મળ્યું શું? તો રાષ્ટ્રીય તપાસ સંસ્થા(એન.આઈ.એ.)ના હાથે ધરપકડ થવા મળ્યું.
લેખકો અને સત્તા સમક્ષ પ્રશ્ન ઊઠાવનારાઓને બંધારણીય અને કાનૂની રક્ષણ મળે એવું આપણે ઈચ્છતા, જો ઈચ્છાઓને પાંખો ફૂટતી હોત તો! પરંતુ ઈચ્છાના ઘોડા જમીન પર આવી જાય છે જ્યારે આપણે ગુનાની તપાસ અને કાનૂની પ્રક્રિયામાં સમજ બહારનો વિલંબ થતો જોઈએ છીએ. 2016માં ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના પત્રકાર રાજદેવ રંજનની બિહારમાં હત્યા થઈ એનાં ચાર વર્ષ પછી પણ તેમની વિધવા સી.બી.આઇ.ની અદાલતોનાં ચક્કર કાપ્યા કરે છે. એક અદાલતની કર્મચારી મહિલાએ એક ન્યાયમૂર્તિ સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા, તે પછી તે જ ન્યાયમૂર્તિએ આ કેસ હાથ પર લીધો અને કર્મચારીને નોકરીમાંથી છૂટાં કર્યાં, એ કિસ્સો તો હજુ તાજો જ છે. જે કોઈ પ્રશ્ન ઊઠાવે તેને ચૂપ કરી દેવાનું વલણ ‘ન્યૂ નોર્મલ’ થઈ રહ્યું લાગે છે.
જૂન મહિનામાં ‘સ્ક્રોલ’ વેબસાઈટનાં પત્રકાર સુપ્રિયા શર્માએ અનાજ પુરવઠામાં તંગી વિશે અહેવાલ લખ્યો, તે પત્રકારત્વની દૃષ્ટિએ રાબેતા મુજબનો જ અહેવાલ હતો, પણ ઉત્તર પ્રદેશ સરકારે તેમની સામે પોલીસકેસ કર્યો. સાતેક લાખ ગામડાં છે, જ્યાં લૉકડાઉન દરમિયાન ઘરે આવેલા શ્રમિકો ભૂખ્યા ટટળી રહ્યા છે. સુપ્રિયા શર્માનો અહેવાલ એમાંના ગમ્મે તે ગામનો નહોતો, પણ વડાપ્રધાનના સંસદીય મતવિસ્તારમાં વડાપ્રધાને દત્તક લીધેલા ગામમાં ગરીબો માટે રાહત-કલ્યાણ અર્થેના અનાજના જથ્થાની તંગી વિશે હતો. હવે આ પત્રકારને શિરપાવમાં જેલની સજા મળવાનું લગભગ નક્કી માનો.
પત્રકારો અને પ્રશ્નો ઊઠાવનારાઓની આ હાલત જોતાં, કોઈ આશ્ચર્ય છે કે એક વ્યવસાય તરીકે મીડિયા નિષ્ક્રિય છે? આમ તો, મીડિયા માટે સત્તાધારીઓના જોરજુલમની નવાઈ નથી. નવી વાત એ છે કે, ફેક ન્યૂઝ નામે કપટી હરીફે નવું જોખમ ઊભું કર્યું છે. ફેક ન્યૂઝ પેદા કરવામાં નિષ્ણાત થયેલાઓમાં માત્ર બોલ્સોનારો અને ટ્રમ્પ જ નથી. ભારતના શાસકો પણ તર્કબદ્ધ પરીક્ષણ ખમી ના શકે તેવી ‘હકીકતો’નું સર્જન કરીને ભોળા નાગરિકોને પીરસવામાં બે કદમ આગળ છે. માનવામાં ના આવે તેવા દાવાઓ આવે ત્યારે પ્રણાલિગત સમાચાર માધ્યમો સામાન્ય રીતે સાવધ અને શંકાશીલ હોય છે. માટે સમાંતર ‘સમાચારો’ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે. આદર્શ પરિસ્થિતિમાં પ્રિન્ટ અને ટી.વી. માધ્યમની ઉત્ક્રાન્તિના આગળના પગલા તરીકે સોશિયલ મીડિયા વિકસી શકત, પણ અત્યારે તે જૂનાં માધ્યમોના હરીફ તરીકે વપરાયું છે.
લોકતંત્રનો સ્તંભ ગણીને જેના સ્વાતંત્ર્યને માન આપવું જોઈતું હતું તે પ્રણાલિગત માધ્યમોનો ઉપયોગ શાસકોના પ્રચારયંત્રમાંથી બહાર આવતી ક્ષુલ્લક વાતોનો પ્રસાર કરવા માટે થઈ રહ્યો છે. ટી.વી. ચેનલોના ન્યૂઝરૂમમાં બૂમરાણ મચે છે. કારણ કે એન્કરોએ પોતાનો અવાજ ગુમાવી દીધો છે. દેશ અને નાગરિકને સ્પર્શતા મુદ્દાઓ પર જે ભિન્ન મત વ્યક્ત કરે છે તેને ચૂપ કરવામાં આ એન્કરો વ્યસ્ત છે. સમાચાર માધ્યમોએ ખુમારી ગુમાવી છે તેના માટે પ્રવર્તમાન રાજકીય વાતાવરણનો દોષ હશે. આ વલણોમાં વધુ દુ:ખદ તો છે નાગરિકોની પોતાની સામેલગીરી. પ્રશ્નો ઊઠાવનારને ચુપ કરવાની પ્રક્રિયા પરત્વે ભારતના નાગરિકોનો એક બહોળો વર્ગ ચુપચાપ રહ્યો છે. જ્ઞાન અને માહિતીના તેમ જ આર્થિક આદાનપ્રદાનમાં મીડિયા ઉત્પાદક છે અને નાગરિક ભોક્તા છે, પણ આપણા લોકતંત્રને બચાવવા માટે નાગરિકોએ મીડિયાને લોકતાંત્રિક સંસ્થા તરીકે જોવાનું શીખવું પડશે અને જ્યારે તેના પર હુમલો થાય ત્યારે તેના બચાવમાં આગળ આવવું પડશે. જો શાસકોનો પ્રચાર મીડિયા અને સોશિયલ મીડિયા વચ્ચે ફાંટ પાડે તો લોકશાહીને સમર્પિત નાગરિકોએ એ બેને એકમેકના પૂરક તરીકે જોડવા આગળ આવવું પડશે.
મોટા ભાગના નાગરિકો સમાચાર અને વિશ્લેષણ જાણવા માટે પ્રિન્ટ અને ટી.વી. મીડિયાને છોડીને સોશિયલ મીડિયા ભણી વળ્યા લાગે છે. તેઓ ખુશ છે કે તેઓ હવે માત્ર મીડિયાના ભોક્તા નથી રહ્યા, પણ ઉત્પાદક બની ગયા છે. આ ઉત્સાહમાં અને માધ્યમની પોતાની ઝડપમાં આ લોકોને એ વાત ધ્યાનમાં નથી આવી કે સોશિયલ મીડિયાના વાતાવરણ પર વિચાર વિષાણુઓના સતત હુમલા થતા રહે છે. વળી, જે ટેકનોલોજી સોશિયલ મીડિયાના વપરાશકારને બધી સવલતો આપે છે, તે જ ટેકનોલોજી સરકારને લોકો પર દેખરેખ રાખવાનું તંત્ર પણ ગોઠવી આપે છે. એ તંત્રનો હેતુ પણ એ જ છે, પ્રશ્ન કરનારનું મોં બંધ કરવાનો. એમાં એકાદ-બે સત્ર માટે સત્તામાં હોય તે પક્ષને ફાયદો ભલે થતો હશે, પણ આપણા દેશને અને લોકશાહીને તો નુકસાન જ ભોગવવાનું છે. જો નાગરિકો મીડિયાની અને મનની-વિચારની આઝાદી માટે આગળ નહિ આવે તો આ પરિસ્થિતિ પલટાશે નહિ.
e.mail : ganesh_devy@yahoo.com
(અનુવાદઃ આશિષ મહેતા)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 06-08