અશ્વેત અમેરિકન-આફ્રિકન જ્યોર્જ ફ્લોયડની હત્યા પછી, અમેરિકા અને યુરોપનાં અન્ય શહેરોમાં ફાટી નીકળેલા રંગભેદ વિરોધી ‘બ્લેક લાઈફ મેટર્સ’ (અશ્વેતો પણ માણસ છે) અંદોલનનાં પગલે, કન્ઝ્યુમર, મેડિકલ અને ફાર્માસ્યુટિકલ ચીજવસ્તુઓની માંધાતા કંપની જોહ્ન્સન એન્ડ જોહ્ન્સને ત્વચાને ગોરી બનાવતી તેની ધ ન્યુટ્રોજીન અને ક્લીન એન્ડ ક્લિયર પ્રોડક્ટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેનાં પગલે ભારતમાં હિન્દુસ્તાન યુનિલીવરે તેની ૫૦ વર્ષ જૂની સૌથી લોકપ્રિય ક્રીમ ‘ફેયર એન્ડ લવલી’માંથી ‘ફેયર’ શબ્દ હટાવવાનો નિર્ણય કયો છે. કંપનીએ કહ્યું છે કે, “ફેયર, વ્હાઈટ અને લાઈટ જેવા શબ્દો એક જ પ્રકારની ખૂબસૂરતીની ગ્રંથિ પેદા કરે છે અને એ બરાબર નથી, અમે તેને સુધારી રહ્યા છીએ.
આમ તો આ નામ-ફેરનો પ્રતિકાત્મક બદલાવ જ છે, પરંતુ ભારત જેવા સમાજમાં, જ્યાં કાળી ત્વચા પ્રત્યે ભારોભાર પૂર્વગ્રહ પડેલા છે, ત્યાં આટલો ફેરફાર પણ સ્વાગતને પાત્ર છે. ભારતમાં ત્વચાના રંગના આધારે થતા ભેદભાવ સામે ૨૦૦૯માં શરૂ થયેલી ‘ડાર્ક ઇસ બ્યુટીફૂલ’ ઝુંબેશમાં ભાગ લેનારી એક્ટ્રેસ નંદિતા દાસ કહે છે, “ભારતમાં કોસ્મેટિક ઉદ્યોગ પણ વહેલાં કે મોડાં રંગભેદને પ્રોત્સાહન આપવા સામે સાવધ થવું પડશે. જો કે આ ભેદભાવ માટે ચીજવસ્તુઓ વેચતી કંપનીઓ જવાબદાર નથી. એ તો સમાજમાં પડેલા સદીઓ જૂના પૂર્વગ્રહનો લાભ લઈને પૈસા કમાવા માટે ક્રીમ વેચે છે. ગોરી ત્વચા માટે આપણામાં જે ભૂત સવાર છે, તેનો ઉપાય તો લોકોએ જ કરવો પડશે.”
‘ડાર્ક ઇસ બ્યુટીફૂલ’ની ઝુંબેશ શરૂ કરનાર કવિતા એમાન્યુઅલ કહે છે, “અમારા માટે તો આ મોટી સિદ્ધિ છે. લાગે છે કે લોકોનો સૂર બદલાયો છે. એ કેવો આકાર ધારણ કરે છે, તે તો હજુ ભવિષ્યમાં ખબર પડશે. ‘ફેયર’ શબ્દને પડતો મુકવો પૂરતો છે?” ના, નથી. ભારતીય સમાજમાં કાળી ત્વચા સામેની ઘૃણા અને ગોરી ત્વચા પ્રત્યેનો પ્રેમ બહુ ઊંડો છે, અને ભારતીય પરિવારોમાં ખુલ્લેઆમ તેનું પાલન થાય છે. ચાહે લગ્ન હોય કે વ્યવસાય, સિનેમા હોય કે ટી.વી., સુંદરતા, બૌદ્ધિકતા, પ્રતિભા અને ઉમદા હોવાના સર્વે ગુણો ‘ગોરા’ રંગ સાથે જોડાયેલા છે. જેનો રંગ શ્યામ છે, તે વ્યક્તિ બધી રીતે ઊતરતી છે.
૨૦૧૪માં, એડ્વર્ટાઇજ઼િંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ શ્યામ રંગને ઊતરતો બતાવતી જાહેર ખબરો પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, પણ આ પ્રશ્ન પ્રોડકટ પૂરતો સીમિત નથી. તેનાં મૂળિયાં ભારતની ઊંચનીચની સમાજ વ્યવસ્થામાં છે. ૨૦૧૫માં ભા.જ.પ.ના કેન્દ્રીય મંત્રી ગિરિરાજ કિશોરે કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમની ત્વચાના રંગ માટે નિશાન બનાવ્યા હતા, એમાં નાઈઝીરિયન સરકાર નારાજ થઇ ગઈ હતી. ભારતીય સમાજ ત્વચાના રંગને કેટલું મહત્ત્વ આપે છે, તેની સાબિતી આપતા હોય તેમ, ગિરિરાજે ત્યારે ‘પ્રશ્ન’ પૂછ્યો હતો કે, “જો રાજીવ ગાંધીએ કોઈ નાઈઝીરિયન મહિલા સાથે લગ્ન કર્યા હોત, અને તેની ચામડી ગોરી ના હોત, તો શું કૉન્ગ્રેસ પાર્ટીએ તેનું નેતૃત્વ સ્વીકાર્યું હોત?”
ભારતમાં બેડરૂમથી લઇને બોર્ડરૂમ સુધી કાળી ચામડી પ્રત્યે ભેદભાવ એકદમ સ્પષ્ટ છે. શ્યામ રંગી છોકરીને લગ્ન માટે પસંદ નથી કરવામાં આવતી અને નોકરીમાં તેને ‘હોંશિયાર’ ગણવામાં નથી આવતી. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના બ્રાહ્મણવાદમાં પણ ગોરા-કાળાનો ભેદ સંપૂર્ણ છે. નંદિતા દાસ કહે છે, ‘આપણે ત્યાં કાળા રંગને લઇને હીણ ભાવના છે. હું પોતે શ્યામ છું અને બચપણથી જ મને એ અહેસાસ કરાવવામાં આવતો હતો કે મારા રંગમાં કંઇક કમી છે.'
આપણે ત્યાં ગોરો રંગ સુંદરતાનો પર્યાય છે. તમે સવારે છાપાં ખોલો, બ્યૂટી મેગેઝિન ઉથલાવો, ટી.વી .સિરિયલ જુઓ કે સિનેમા જોવા જાવ, એ લોકો કોઇ ને કોઇ રીતે સતત એનો અહેસાસ કરાવતા રહે છે કે તમે જેવા દેખાવ છો, તે પૂરતું નથી. બોલિવૂડની સચ્ચાઇ એ છે કે મિથુન ચક્રવર્તી હોય કે રેખા, કલાકારોને ગોરા બનાવીને પરદા પર પેશ કરવામાં આવે છે. માઇકલ જેક્શનની શોહરત જ બ્લેક મ્યુઝિકની દુનિયામાંથી આવી હતી, પણ એની પાસે સાંબેલાધાર પૈસા આવી ગયા એટલે એ દવાઓના સહારે ગોરો થઇ ગયો.
ભારતમાં કાળી ચામડીને ગોરી બનાવતી ફેરનેસ ક્રીમનો કારોબાર 2,200 કરોડનો છે. એક્ટર શાહરરૂખ ખાને પુરુષો માટેની ફેરનેસ ક્રીમ પણ લોન્ચ કરી હતી. એની પાછળ એ હકીકત છે કે સ્ત્રીઓ માટેની પ્રખ્યાત ક્રીમ ફેર એન્ડ લવલીના કુલ વેચાણમાંથી 30 પ્રતિશત પુરુષ ખરીદદાર છે. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનું પૂરું જોર સંસારની દરેક છોકરીને ગોરી અને સેક્સી બનાવવા ઉપર છે. તમે કોઇ એવી ક્રીમ જોઇ છે, જે ગોરી ચામડીને કાળી બનાવે અને એની જબ્બર ડિમાન્ડ હોય? એ એન્ડ એમ નામની પત્રિકાએ વર્ષો પહેલાં એક સર્વેમાં કહેલું કે ગોરી ક્રીમોની સૌથી વધુ ડિમાન્ડ દક્ષિણ ભારતમાં છે. થોડાં વર્ષ પહેલાં બજારમાં સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટને ગોરા બનાવવા માટેની ક્રીમ પણ આવી હતી.
દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રી જાનકી અબ્રાહમ કહે છે કે, ‘પારંપરિક જાતિવાદમાં ગોરી ત્વચાને ઊંચો દરજ્જો મળ્યો તેનું કારણ એ કે બ્રાહ્મણો ગોરા રંગના હતા. બ્રિટિશરો ભારતમાં આવ્યા, એટલે ગોરો રંગ સત્તા અને તાકાત સાથે જોડાઇ ગયો.’ સમાજવાદી રામમનોહર લોહિયા કહેતા હતા કે સૌંદર્યની વ્યાખ્યા વિકૃત રાજનીતિમાંથી આવી છે. ગોરી ચામડીવાળા યુરોપિયનો પાસે દુનિયાની જેટલી સત્તા અને સમૃદ્ધિ હતી એટલી શ્યામ રંગી પ્રજા પાસે રહી નથી. લોહિયા લખે છે, ‘અગર આફ્રિકાની નિગ્રો જાતિએ ગોરાઓની જેમ દુનિયા પર રાજ કર્યું હોત, તો સ્ત્રીઓની સુંદરતાની પરખ જુદી રીતે થઇ હોત.’
આપણે કૃષ્ણના શ્યામ રંગમાં ય બ્લૂ રંગ જોઇએ છીએ (કારણ કે ભૂરો રંગ દિવ્યતાનો, આકાશનો રંગ છે) તે શ્યામ રંગ પ્રત્યેનો આપણો ભેદભાવ છે. ઓરિસ્સાની પટ્ટાચિત્ર પેઇન્ટિંગ કળામાં કૃષ્ણ અને વિષ્ણુનો રંગ કાળો છે, પરંતુ બળરામ અને શિવને દોરતી વખતે સફેદ રંગ વપરાય છે. કૃષ્ણને શ્યામ રંગના કારણે હીણતાની ભાવના છે. રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં હિન્દી ભાષાના પ્રખર કવિ પંડિત નરેન્દ્ર શર્મા લખે છે, ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી, મૈં ક્યો કાલા?’ એ ગીતમાં મા યશોમતી કંઇ કેટલા ય ખુલાસા કરે છે પણ પેલાને ગળે નથી ઊતરતા. આવા સંજોગોમાં ફેયર અને લવલી ક્રીમનો પહેલો ખરીદદાર કદાચ કૃષ્ણ હોત!
કૃષ્ણ અને શ્યામનો સંજ્ઞા અને વ્યક્તિવાચી સંજ્ઞા તરીકે એક જ અર્થ થાય છે : કાળો. પરંતુ આપણે શ્યામને અપનાવવા માટે એમાં બ્લૂ કલર ઉમેરી દીધો અને કાળાને તિલાંજલિ આપી. આ કારણથી જ હિન્દુઓમાં વ્યક્તિવાચી સંજ્ઞા તરીકે શ્યામભાઇ (દાખલા તરીકે શ્યામ બેનેગલ) સ્વીકાર્ય છે પણ કાળુભાઇ નહીં. ‘શોલે’ ફિલ્મમાં ‘તેરા ક્યા હોગા, કાલિયા?’વાળો ડાકુ માત્ર નાકામ અને નાલાયક જ નહીં, ચામડીથી પણ કાળો છે. કોઇને વિચાર આવે ખરો કે ગબ્બર, જે સરદાર છે, સત્તામાં છે, તે ઊજળો છે અને ક્ષત્રિય છે?’
શ્યામવર્ણી શાબાના આઝમી નાની હતી ત્યારે એનામાંથી શ્યામ રંગની હીણતા દૂર કરવા પિતા કૈફી આઝમીએ તેને સોનેરી વાળ અને બ્લૂ આંખોવાળી ગુડિયાને બદલે કાળી ત્વચા અને આંખોવાળી ઢીંગલી સાથે રમતાં શીખવ્યું હતું. કૈફીએ ત્યારે શબાનાને કહેલું, ‘શ્યામ હોવું એ સારી વાત છે અને કાળા હોવું એ તો સુંદરતાની નિશાની છે.’
આવાં મા-બાપ ક્યાં મળે?
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 જુલાઈ 2020