આપણને સૌને ખબર છે, યાદ પણ છે, કે આકાશમાં ઊડતું એક પંખી ‘વિટુઇ વિટ્ વિટુઇ વિટ્’ કરતું જતું હોય છે. એ પક્ષીના સંદર્ભનું રાજેન્દ્રભાઈએ એક કાવ્ય કરેલું, હાઇકુના કદનું, નાનું કાવ્ય; મેં એ નાનકડા કાવ્યનો દીર્ઘ આસ્વાદ લખેલો, વરસો વીતી ગયાં. એ આસ્વાદલેખ કોઈક સામયિકમાં પ્રકાશિત થયેલો, કયા સામયિકમાં, યાદ નથી.
અમે રૂબરૂ મળ્યા ન્હૉતા. કપડવણજ એમનું વતન. ૧૯૬૬-થી ૭૨ દરમ્યાન હું કપડવણજ કૉલેજમાં પ્રૉફેસર હતો. એમના એ વતનના ઘરે મળવાનું થયેલું. મળ્યા ત્યારે કહે, સુમન, હું તમને મળવા કેટલો આતુર હતો, મેં કહેલું કે હું પણ. ત્યારે એ કાવ્યાસ્વાદલેખની પણ ચર્ચા થયેલી. એમની દીકરી મારા ક્લાસમાં ભણતી’તી. મેં રાજેન્દ્રભાઈને હમેશાં સફેદ લૅંઘા-ઝભ્ભામાં જોયા છે. સાહિત્યના રાજકારણથી સદા મુક્ત જોયા છે. હમેશાં મને પ્રેમાળ અને ચિરપરિચિત સજ્જન સમા લાગ્યા છે. મૂળની અને ધરમૂળની જાણવા જેવી ખૂબ વાતો કરે.
મુમ્બઇના ઘરે પણ હું અને જયન્ત પારેખ એક વાર નિરાંતે મળેલા. રાજેન્દ્રભાઈ વાત માંડે પછી તમારે બોલવાનો વારો આવે ખરો પણ સમય એકાદ પ્રશ્ન કરવા જેટલો જ મળે. કહે, કાવ્ય સીધું મારા ચિત્તમાં આવે છે, પછી ઉતારી લેવાનું જ બાકી હોય છે. પ્રાસ, છન્દ કે લય એથી જુદાં નથી હોતાં.
મોરારિ બાપુની કેન્યામાં રામકથા હતી, ત્યારે અમે સાથે ગયેલા – કહે, સુમન, મારી સાથે રહેજો.
એક વાર, સાહિત્ય અકાદમી, દિલ્હીની ઍડવાઇઝરી બૉર્ડની મીટિન્ગમાં, મુમ્બઇમાં, નિરંજન ભગતનાં કાવ્યોના સમ્પાદનનો મુદ્દો આવેલો. નિરંજનભાઈનાં કાવ્યો, એ સમ્પાદનની અમુકથી અમુક સાલની નિયત મર્યાદામાં બેસે એવાં ન્હૉતાં. એટલે અમારા સૌની ના હતી. પણ સમ્પાદકના મિત્ર મોટાભા હતા તે કહે, નિરંજનનાં કાવ્યો કોઈપણ સમ્પાદનમાં લેવાવાં જોઈએ. રાજેન્દ્રભાઈએ ધરાર ના પાડેલી, ઘાંટો પાડીને બોલેલા – મારો મિત્ર છે છતાં કહું છું કે એનાં કાવ્યો એ સમ્પાદનમાં ન હોઈ શકે.
એક વાર પૂનામાં એક કાર્યક્રમમાં, કે. શિવરામ કારન્થ, ગુલાબદાસ બ્રોકર અને રાજેન્દ્ર શાહના સાન્નિધ્યમાં સાહિત્યની વાતો કરવાની મને ખૂબ મજા આવેલી.
એક વાર એમના ‘શાન્ત કોલાહલ’ કાવ્ય વિશે મારા ‘ખેવના’ સામયિકમાં પરિચર્યા પ્રકાશિત કરેલી, છ-સાત મિત્રોએ એ એક જ કાવ્ય વિશે પોતપોતાના દૃષ્ટિબિન્દુથી રસપ્રદ સમીક્ષાઓ લખેલી. (‘ખેવના’ -ના બધા જ અંક હવે “એકત્ર ફાઉન્ડેશન” પર ઑનલાઈન ઉપલબ્ધ છે.)
રાજેન્દ્રભાઈનો જન્મ ૧૯૧૩-માં, અવસાન ૨૦૧૦-માં; ૯૭ વર્ષનું આયુષ્ય. ઍમ.ઍસ. યુનિવર્સિટી, વડોદરાથી ફિલૉસૉફી સાથે બીએ થયેલા. વડોદરામાં બંગાળી ભાષા કોઈ પાડોશી પાસેથી શીખેલા.
રાજેન્દ્રભાઈ ૧૯૩૦-માં, ૧૭ વર્ષની વયે, મૅટ્રિકનું ભણવાનું છોડીને દાંડીકૂચમાં જોડાયેલા! બહુ ઓછાઓને ખબર છે કે આઝાદી પૂર્વે, રાષ્ટ્રધ્વજ ફરકાવવા કપડવણજના ટાવરે ચડી ગયેલા અને જુલમી પોલીસ સામે ત્યાંથી ભૂસકો મારેલો! તેઓ સ્વાતન્ત્ર્ય સૈનિક પણ હતા, કારાવાસ પણ ભોગવેલો.
વેપારધંધામાં ખાસ ફાવટ નહીં આવેલી. અમદાવાદમાં કરિયાણાની દુકાન કરી. પછી મુમ્બઈ ગયા. ત્યાં લાકડાંનો વેપાર કરનારાને ત્યાં નોકરી કરી, ત્યારે થાણાનાં વનવિસ્તારમાં જવા-આવવાનું બહુ બનેલું. એ પછી મુમ્બઇમાં પ્રિન્ટિન્ગ પ્રેસ શરૂ કર્યું -‘લિપિની પ્રિન્ટરી’. ત્યાં દર રવિવારે કવિમિત્રો મળતા ને સાહિત્યકલાની વાતો થતી. એમના જાણીતા સામયિક ‘કવિલોક’-નો પ્રારમ્ભ ત્યાંથી થયેલો. એક દિવસ એ પ્રેસમાં આગ લાગેલી …
૨
જ્ઞાનપીઠ
૨૦૦૧-માં એમને દેશનો સર્વોચ્ચ સાહિત્યિક ઍવૉર્ડ ‘જ્ઞાનપીઠ’- અપાયો હતો. ત્યારે, હિન્દી ‘સહારા સમય’-ના ખબરપત્રીએ એમની મુલાકાત લીધેલી. એ મુલાકાત પછી બકવાસ જેવી ચર્ચા ચાલેલી, એટલે લગી વાત ચગેલી કે – આ ઍવૉર્ડ ખોટી વ્યક્તિને અપાયો છે. કારણ? કારણ એ કે ગોધરા-કાણ્ડ વિશે કવિ તટસ્થ રહેલા. ‘સહારા સમયે’ ઇન્ટ્રો બાંધીને લખેલું -“આખું ગુજરાત જ્યારે કોમી દાવાનળની આગમાં સળગતું હતું ત્યારે કવિ રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ પુરસ્કારની પ્રતીક્ષામાં પ્રેમની કવિતાઓ રચતા હતા.” — આથી હલકટ અને મૂર્ખતાભર્યું પત્રકારત્વ મેં આજ દિન લગી જોયું નથી. દુખદાયી આશ્ચર્યની વાત એ છે કે દેશના નામી-અનામી અનેક સાહિત્યકારો એમાં જોડાયેલા, મહાશ્વેતા દેવી પણ. ‘સમકાલીન’ દૈનિક અને ‘નિરીક્ષક’ પખવાડિક એ બકવાસની વીગતવાર માહિતી આપણે ત્યાં લાવેલા, જેથી આપણ સૌ ગુજરાતીઓને એની ખબર પડેલી.
એવું સનસનીખેજ પત્રકારત્વ બાલિશ રાષ્ટ્રભક્તિ દાખવતું હોય છે અને કિન્નાખોરીથી લખતાં ખંચકાતું નથી. એવા સાહિત્યકારો પણ જાગ્રત પ્રજાજન હોવાનો દાવો કરતા હોય છે. પણ એ દાવો જેટલો વાચામાં હોય છે એટલો કદી કર્મમાં હોતો નથી. રેલો નીચે આવે ત્યારે ઉંદરડાની જેમ દરમાં પૅસી જતા હોય છે.
સર્જકની સમ્પ્રજ્ઞતા, પ્રતિબદ્ધતા કે સમાજાભિમુખતાનાં લેખાંજોખાં અમુક જાતના ખબરપત્રીઓનાં ગંદાં કાટલાંથી ન જોખાય. કાટલાં ગંદાં એટલા માટે કે મોટાભાગનાં છાપાં સરકારોની કુરનિશ બજાવતાં હોય છે.
એ ‘સહારા સમય’ સંદર્ભે ૨૦૦૩-માં ‘રાજેન્દ્રભાઈની એ મુલાકાત નિમિત્તે’ શીર્ષકથી મેં લેખ કરેલો. એ વર્ષમાં, ‘મૂર્ધન્ય ગુજરાતી-ભારતીય કવિ રાજેન્દ્ર શાહ’ શીર્ષકથી ૧૯ પાનનો બીજો લેખ કરેલો. બન્ને લેખ મારા “નિસબતપૂર્વક” (૨૦૧૧) પુસ્તકમાં સંઘરાયા છે.
(ક્રમશ:)
(16 Sep 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર