“અોપિનિયન” પુરસ્કૃત
મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મૃિત વ્યાખ્યાનમાળા
એને ય હવે તેર સાલ થયા.
એ 2002ની સાલ હતી. મનુભાઈ પંચોળી મોટે ગામતરે સિધાવ્યા તેને ય માંડ ચારેક મહિના થયા હતા. 11-12 જાન્યુઆરીએ, સણોસરા ખાતે, લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં, 40મા નાનાભાઈ ભટ્ટ સ્મૃિત પ્રવચનમાળાનો અવસર હતો. અતિથિ વક્તા રઘુવીર ચૌધરી હતા. સદ્દનસીબે એમની સંગાથે જ મારો ય ઊતારો હતો. વળતે દિવસે સવારે ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાથી અનિલભાઈ ભટ્ટ રઘુવીરભાઈને મળવા પધારેલા. બન્ને વડેરી વ્યક્તિઓ વચ્ચેની વાતચીત ચાલતી હતી. શ્રોતા તરીકે નિરાંતવા બન્નેને સાંભળતો હતો. એમાં અનિલભાઈએ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના સ્મરણમાં, કાયમી ધોરણે, એક વ્યાખ્યાનમાળા ઊભી કરવાનુ સૂચન કરેલું તે સ્પષ્ટ સાંભરે છે. તેમાં ચર્ચવાને સારુ વિવિધ વિષયો સમેતનો એક આછેરો નકશો ય એમણે દર્શાવી અાપેલો. બન્નેએ, એ વિચારોની આપ-લે જોડાજોડ, આ બાબતમાં સહમતી દર્શાવેલી.
અનિલભાઈ વિદાય થયા, અને રઘુવીરભાઈ સમક્ષ મન ખોલ્યું. જણાવ્યું કે ભારત બહારના ગુજરાતીઓ કનેથી, મનુભાઈ પંચોળી પ્રેમીજનો પાસેથી, આવું ભંડોળ ઊભું કરવાનું મુનાસિબ છે.
વિશ્વ ફલકે વિસ્તરી ગયેલા આ પ્રજાપુરુષ સાહિત્યકારે પરદેશે વસી ગુજરાતી વસતીને મબલખ વહાલ કર્યું છે અને ફાંટું ભરીને સમજણવાળું માર્ગદર્શન આપ્યું છે. જગતભરમાં પથરાયેલી ગુજરાતી આલમની એક અદકેરી ટૂંક એટલે પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’. એ ટૂંકેથી ‘દર્શકે’ ગુજરાતી ડાયસ્પોરાને ઘડવાનું સુપેરે કામ કરેલું છે. વિલાયત માંહેના એમના વિવિધ પ્રવાસો વેળા ય, એમણે અહીંતહીં આપેલાં વ્યાખ્યાનો આની સબળ સાહેદી પૂરે છે. એમના આવાઆવા અનેક નરવા જગપ્રવાસો દરમિયાન, મનુભાઈ પંચોળીએ લોકકેળવણીનું પણ ચોમેર સુપેરે કામ કર્યું છે.
આપણા એક વરિષ્ટ વિચારક, અને કર્મશીલ લેખક દિવંગત કાન્તિભાઈ શાહને નામ આ અવતરણ હાલે ક્યાંક વાંચ્યું : ‘સાહિત્યરસથી જેટલી રસતરબોળ એમની (મનુભાઈ પંચોળી ‘દર્શક’ની) કલમ એટલી જ તરબોળ એમની જીભ. એમને બોલતા સાંભળવા એ એક અનેરો લહાવો હતો.’
સુરેશ દલાલે, એક દા, કહેલું, ‘ગોવર્ધનરામ, મુનશી, પન્નાલાલ પટેલ પછી તરત જ કોઈનું નામ લેવાતું હોય તો તે નવલકથાકાર ‘દર્શક’નું. ‘દર્શક’ પાસે કાળવેધી ઇતિહાસદૃષ્ટિ છે. ગાંધીજીના આદર્શો તથા લોકભારતી જેવી શિક્ષણસંસ્થાના અનુભવે સર્જકને માતબર ભાથું જ હશે. ‘દર્શક’ નાટ્યકાર, ચિંતક અને વિચારક છે. એ જે કંઈ બોલે કે લખે તે અનુભવના નિચોડ રૂપે જ પ્રકટે. જીવનલક્ષી આ સાહિત્યકારનું ઉપનામ અત્યંત સૂચક છે. એમની કથા-કલાકૃતિમાં પ્રચારશૂન્ય ધન્યતાની સઘન અને ગહન અનુભૂિત થાય છે. … ‘દર્શક કવિતાના ચાહક છે અને લોકસાહિત્યના ભાવક છે.’
આમ આ અંગે, આ મુઠ્ઠી ઊંચેરા ગુજરાતી લોકપુરુષ, સાહિત્યકાર, કેળવણીકાર, કર્મશીલ તેમ જ વિચારકની સ્મૃિતમાં, વિલાયતમાંના સાથીસહોદરો અને તેમાં ય ખાસ કરી વડીલ મિત્ર હીરજીભાઈ ધરમશી શાહ સાથે મસલત કરી નક્કર કરવાની વાત છેડી. મનુભાઈના એક વેળાના વિદ્યાર્થી તથા આજીવન મિત્ર દિવંગત હીરજીભાઈ શાહના સહયોગમાં, બહાર પાડેલી સહિયારી ટહેલને પરિણામે, ‘પરિવાર કમ્યુિનકેશન્સ’ હેઠળ પ્રગટ થતા, તથા મારા તંત્રીપદે નીકળતા “અોપિનિયન” સામિયકના વાચકોએ અત્રતત્રથી એકઠું કરેલું આ ભંડોળ છે.
આ પ્રકલ્પ માટે દિવંગત હીરજીભાઈનો ઉત્સાહ પૂરો વિધેયક થયો. એક અરસા સુધી ચાલેલી વાટાઘાટ કેડે, અમે બન્નેએ 02 ફેબ્રુઆરી 2004ના રોજ, ‘ગુજરાતી ડાયસ્પોરાનાં દરેક ભાંડુંનાં માંહ્યલાંને વિનવણી’ કરતું નિવેદન તૈયાર કર્યું. રસિકજનો તેમ જ અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને માહિતગાર કર્યાં. હૂંફટેકોનો સરવાળો પોરસાવતો ગયો; અને અમે “ઓપિનિયન” સામિયકમાં જાહેર અપીલ મુકવા તેમ જ જગત ભરે અન્યત્ર લગી ટહેલની અપીલ પહોંચાડવાનું નક્કી કર્યું.
સમય લાગ્યો. 13 અૉગસ્ટ 2004થી 26 સપ્ટેમ્બર 2006 સુધીમાં તો રકમનો આંક £8,900.17 સુધી પહોંચી ગયો. ચોમેરથી નાનીમોટી રકમ આવતી હતી. તેની રજેરજની વિગતો “અોપિનિયન”નાં પાને અંકિત થતી રહેલી. એક પાઉન્ડ સમેતની દરેક નાનીમોટી રકમની અધિકૃત પાવતીઓ પણ ફાટેલી.
દરમિયાન, એક તરફે ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ના અગ્રેસરો અને બીજી તરફે આ ભંડોળના યોજકો વચ્ચે આરોહઅવરોહ સમેતના વાટાઘાટ, પત્રવ્યવહાર થતાં રહ્યાં. તે વચ્ચાળે હીરજીભાઈ મોટે ગામતરે સિધાવી ગયા. જવાબદારી એકને શિરે રહી. અને પરિસ્થિતિ બાબત હીરજીભાઈનાં શેષ વારસદારો – મણિબહેન તેમ જ નીલેશભાઈને માહિતગાર પણ રાખતો થયો.
અને હવે મેનેજિંગ ટૃસ્ટી અરુણભાઈ દવે સાથેની ડિસેમ્બર 2014 દરમિયાનની આખરી રૂબરૂ મુલાકાતને અંતે, બનતી ત્વરાએ, આ ભંડોળ મોકલી આપવાનું તથા ઉચિત વ્યાખ્યાન-શ્રેણી માટેની વ્યવસ્થા કરવાનું ગોઠવાઈ રહ્યું.
આ મે માસ દરમિયાન જ, મૂળ રકમમાં £ 1,099.83 જેવડું નિજી ઉમેરણ કરી, કુલ £ 10,000, અંકે દશ હજાર પાઉન્ડ, ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ને મોકલી અપાયા છે. તે લોકભારતીના ‘ફોરિન એઇડ’ ખાતામાં જમા થયા છે. રૂપિયામાં વિનિમયે ફેરવાતા, સંસ્થાના ખાતામાં રૂ. 9,89,200/- જમા થયા છે. આ દાનની રકમ ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠે’ કોર્પસ [corpus] તરીકે અનામત રાખવાની છે અને તેના વ્યાજમાંથી આ અંગેનો ખર્ચા કરવાનો છે. મૂળ રકમ વાપરવાની નથી.
દરમિયાન, 2016થી આ વ્યાખ્યાનમાળા આરંભી શકીએ. પહેલું વ્યાખ્યાન, અલબત્ત, સણોસરા ખાતે મનુભાઈ પંચોળીની પ્રાણપ્રિય પ્રયોગશાળા − લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં જ હોય.
આ વ્યાખ્યાનમાળા સંપૂર્ણતયા સર્વલક્ષી હોય અને તંતોતંત સર્વાંગી હોય. ગુજરાતમાં, ભારતમાં સઘળે તેમ જ જગતભરમાં કંઈ કેટલા ય દેશોમાં દાયકાઓથી અહીંતહીં વસતા તમામ ગુજરાતીઓને કેન્દ્રમાં રાખીને આ વ્યાખ્યાનમાળાનું આયોજન હોય. મનુભાઈ પંચોળી ‘દર્શક’ને કેન્દ્રસ્થ કરતી કોઈ પણ પ્રવૃત્તિ કે પછી અક્ષરસૃષ્ટિને આવરતી તેને ક્ષિતિજ વિસ્તરતી હોય. ગુજરાત, ભારત અને વળી જગતને ચોક ધૂણી ધખાવીને પડ્યા તપસ્વી વ્યાખ્યાતાને વ્યાખ્યાન આપવાનું ઈજન હોય. મનુદાદાના જન્મદિવસ આસપાસ કે પછી અવસાનદિવસ ચોપાસ, ઓચ્છવ મનાવવા, આ વ્યાખ્યાનમાળા ગોઠવી શકાય.
અા વ્યાખ્યાનમાળા તેમ જ તેના સંચાલન અંગે અમે અારંભથી કેટલીક લક્ષ્મણરેખા દોરી છે, જે અા પ્રમાણે છે :
• શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ને જે મુખ્ય પાંચ વિષયોમાં (નાગરિકધર્મ, પાયાની કેળવણી, સાહિત્ય, ઇતિહાસ તથા ગ્રામસુધાર અને વિકાસ) ઊંડો રસ હતો, તેને કેન્દ્રગામી ગણીને વ્યાખ્યાન-વિષયનું અાયોજન કરવું.
• વિશ્વ ફલકે વિસ્તરી ગયેલા અા પ્રજાપુરુષની, અા સ્મૃિત વ્યાખ્યાનમાળાને સારુ ગુજરાત, ભારત અને જગતમાંથી, અનુક્રમે, ફરતા ફરતા વિદ્વાન, અભ્યાસુ વ્યાખ્યાતાને શોધી, પસંદ કરી નિમંત્રવા. ઉદાહરણ તરીકે, એક વરસ ગુજરાતમાંથી લેવાયા હોય તો બીજે વરસે ભારત વિસ્તારમાંથી નિમંત્રાયા હોય. તો ત્રીજી સાલ, જગત ભરમાંથી જે તે વિષયના નિષ્ણાત વ્યાખ્યાન માટે પધારે.
• અા સ્મૃિત – વ્યાખ્યાનમાળા માટે ગુજરાતી માધ્યમ રહે તે સ્વાભાવિક હોવા છતાં, હિન્દી તથા અંગ્રેજી માધ્યમનો પણ બાધ રહેવો જરૂરી નથી. જે તે વિષયના અભ્યાસુ વ્યાખ્યાતા એમનું વ્યાખ્યાન ઠીક ઠીક અાગોતરું લખીને મોકલે કે જેથી તેનો ગુજરાતી અનુવાદ, વેળાસર વ્યાખ્યાન પહેલાં, તૈયાર કરવામાં અાવે. અાથી, બહુ જ અાગોતરા, જે તે વ્યાખ્યાતાની પસંદગી કરવામાં અાવે તેમ ગોઠવવું.
• વ્યાખ્યાતાને વાટખર્ચી અને પુરસ્કારની સંતોષકારી જોગવાઈ અા ભંડોળનાં વ્યાજમાંથી કરી શકાય તેમ છે.
• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાની સમૂળી રકમ, ‘એન્ડાવમેન્ટ’ જેવા કોઈક નામ હેઠળ બેન્કખાતામાં જમે રાખવી. તેનાં વ્યાજમાંથી જ અા સ્મૃિત વ્યાખ્યાનમાળાનો સર્વાંગી ખર્ચ કાઢવો રહે. અા મૂળ રકમને તેમ જ તેના વ્યાજને અા સ્મૃિત વ્યાખ્યાનમાળા સિવાયની બીજી કોઈ પણ બાબત પેટે ઉપયોગમાં લેવામાં ન જ અાવે.
• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાને સારુ છ જણની વ્યવસ્થાપક સમિતિ હોય, જે તેનો સમૂળો કારોબાર ચલાવે. સર્વશ્રી પ્રકાશ ન. શાહ, વિપુલ કલ્યાણી, પ્રફુલ્લ બા. દવે, અરુણ દવે, સંજય શ્રીપાદ ભાવે તેમ જ ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ના નિયામક એમ અા વ્યવસ્થાપક સમિતિના છ સભાસદો રહે.
• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાનું સુપેરે સંચાલન, અન્યથા, ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ હેઠળ જ હોય.
• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનોને સંચયરૂપે તેમ જ અન્યથા પ્રકાશિત કરી, લોકો સુધી પહોંચાડવાની તજવીજ કરવી.
• અા સૂચિત વ્યાખ્યાનને, એકાંતરા વરસે, લોકભારતી, સણોસરાના તેમ જ અાંબલાના પરિસરની બહાર, ગુજરાતના અન્ય મુખ્ય મુખ્ય નગરોમાં, પાટનગર ગાંધીનગર અને અમદાવાદ ઉપરાંત મુંબઈમાં ય લઈ જવાનો મનસૂબો રાખવો. અામ થતાં અાપણે મનુભાઈ પંચોળી ‘દર્શક’ની વાતને અાવાં અાવાં વ્યાખ્યાન વાટે દૂરસુદૂર પણ લઈ જઈ શકીશું.
અા વ્યાખ્યાનમાળા, વખત જતા, ચોક્કસપણે ભારે અગત્યની સાબિત થઈ શકે છે અને તેનું સ્થાન અને માન અાપણી ઉત્તમ વ્યાખ્યાનશ્રેણીમાં, અાગલી હરોળે હોઈ શકે છે, એવી શ્રદ્ધા છે.
પાનબીડું :
“મનુભાઈનું હૃદય સાહિત્યકારનું છે, હાથપગ રચનાત્મક કાર્યકરના છે અને માથું વિચારક – ચિંતકનું તથા રાજકારણીનું છે. મનુભાઈના જીવન અને કાર્યમાં એમના નીખરેલા વ્યક્તિત્વનાં આ ત્રણેય પાસાં જોવાં મળે છે.”
− આચાર્ય દાદા ધર્માધિકારી
હેરો, 28 મે 2015
e.mail : vipoolkalyani.opinion@btinternet.com