'મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ અાવ્યો અવનિ'
અાજે
અાયુષ્યની અાથમતી સાંજે
તમારી તળેટીમાં પહોંચ્યો છું
− જયન્ત પાઠક
‘સ્વીન્ગીંગ સિક્સટીસ’
સન 1962ના મે માસમાં, મોમ્બાસા બંદરેથી, ‘બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન’ના ‘એસ.એસ. સ્ટેટ અૉવ્ બૉમ્બે’ જહાજ વાટે, મુંબઈ જવા નીકળ્યો, ત્યારે અાતુરતા વીંટ્યા અનેક અરમાનો ખલીતામાં હતા. અઠવાડિયા કેડે સ્ટીમર મુંબઈ બંદરના બૅલાડ પિયરમાં લાંગરી, ત્યારે અા ‘પુચ્છ વિનાની મગરી’ કેવી હશે તેના ચિત્રવિિચત્ર પલાખા મનમાં મંડાતા હતા. કસ્ટમ્સ ઇત્યાદિ પેટે અાખા દિવસના રોકાણ બાદ, દક્ષિણ મુંબઈમાં અાવ્યા ગામદેવીને ઊતારે પહોંચ્યો. તદ્દન અલાયદું વાતાવરણ. પાંચમાં સતત પૂછાતી ને પૂજાતી ગર્ભશ્રીમંતાઈનો એ અાવાસ. અને છતાં, તેની તે જીવનસંધ્યાના જાણે કે દિવસો હતા ! … ખેર !
ગઈ સદીનો છઠ્ઠો દાયકો મનમંદિરિયે અાજે ય સભર સભર ને તાજાતર છે. જુલિયસ ન્યરેરે જેવા ઉચ્ચ મનેખવાળા અાગેવાનના મુલકમાંથી અાવતો હતો ને. તે સમે, અાફ્રિકા ખંડને અોવારે ‘બદલાવનો પવન’ [‘Wind of Change’] વીંઝણો નાખતો હતો. ‘મૂંગુ ઇબરિકી અાફ્રિકા’ના નાદ વચ્ચે, 9 ડિસેમ્બર 1961ના, ટાંગાનિકા સ્વતંત્ર થયું ત્યારે વતન અરૂશામાં મોટી રેલી મળેલી. ‘પ્રૉગ્રેસિવ યૂથ મૂવમેન્ટ’ના ત્રણમાંના એક અાગેવાન તરીકે તે રેલીને સંબોધન કર્યાનું સાંભરણ પણ અકબંધ છે.
વળી, તે દિવસો તો જુઅો : અાથમણી કોરેથી ક્વામે ન્ક્રુમાહની બુલંદી પડઘાતી સંભળાતી હતી. દખણાદા વિસ્તારોમાં અાલ્બર્ટ લુથૂલીની પછીતે યુસૂફ દાદુ, મૉન્ટી નાઈકર, વૉલ્ટર સિસૂલુ, નેલ્સન મંડેલાનાં નામો ગાજતાં સંભળાતાં. એન્થની સેમ્પસનના તંત્રીપદે નીકળતું “ડૃમ” ફેફસે હવા પૂરતું હતું. પડખેના મુલક કેન્યામાંથી, જૉમો કેન્યાટા, અૉગિંગા અૉડિંગા, ટૉમ મ્બોયા, મુઠ્ઠી ઊંચેરા પત્રકાર અને સ્વાતંત્ર્યસૈનિક હારૂન અહમદ ને સાથીદારો, રાજકારણી કાન્તિભાઈ પી. શાહ તેમ જ ‘અૉલ ઇન્ડિયા રેડિયો’, મુંબઈથી અાવેલાં અરવિંદાબહેન દવે અને એમની અાગેવાની હેઠળના ‘વૉઇસ અૉવ્ કેન્યા’ના ગુજરાતી રેડિયોનાં પ્રસારણો જોમ પૂરતાં રહેતાં. અને જગતને ચોક તો એક નવી હવા ફૂંકાતી વર્તાતી હતી. અમેરિકે નવાનકોર યુવાન તેમ જ દૂરંદેશ રાષ્ટૃપ્રમુખ જ્હોન એફ. કેનેડીનો પ્રવેશ હતો, તેમ માર્ટિન લ્યૂથર કિંગની અાગેવાની હેઠળનું નાગરિકી અાંદોલન મજબૂતાઈ લેતું હતું. એક પા, હો ચી મિન્હ ને બીજી પા, ચે ગુવેરા ઉત્સાહ અને ક્રાન્તિના પ્રતીક દેખાતા હતા. બીજી કોરે જવાહરલાલ નેહરુ, જ્હૂ એનલાઈ, ગમાલ અબ્દેલ નાસર, જોસિફ બ્રૉઝ ટીટો ને સૂકર્ણોનો પંચશીલનો નાદ નોબત પીટતો હતો. … એ ‘સ્વીન્ગીંગ સિક્સટીસ’નો સમયગાળો હતો. ટૂંકામાં, ચારેકોર તરુણાઈનું મનોરાજ્ય હતું. ઝવેરચંદ મેઘાણીએ ગાયું છે ને :
ઘટમાં ઘોડા થનગને અાતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે અાંખ
…
અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :
‘ … પુચ્છ વિનાની મગરી !’
અને એ અણદીઠેલી ભોમ કેવી હતી ! ગાંધી યુગીન અનેક મૂલ્યનિષ્ઠ તપેશરીઅો ચોમેર પોતાના ધૂણા ચેતવતા ચેતવતા ઘડતર ને ચણતરનાં પાયાગત કામોમાં મચેલા હતા. જવાહરલાલ, રાજેન્દ્રપ્રસાદ, રાજાજી, અાઝાદ, કૃપાલાણી, બાદશાહખાન, વિનોબાજી, લોહિયા, જયપ્રકાશ, અસફઅલી, પટવર્ધન, સેહગલ, મહારાજ, બબલભાઈ, જીવરાજભાઈ, જેવાં જેવાં અનેકોની હયાતીમાં ભારતવર્ષ શ્વસતો હતો. શિક્ષણ ક્ષેત્રે રાધાકૃષ્ણન્, ઝાકીર હુસૈન, મગનભાઈ દેસાઈ, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, જુગતરામ દવે, કાકાસાહેબ કાલેલકર, અાર્યનાયકમ્ દંપતી, ભાઈકાકા, વગેરે વગેરેની પ્રયોગશાળાઅો વાટે નવી દિશા કંડારી અાપેલી દેખાતી. સમાજજીવન, સાહિત્ય અને સંગીત ક્ષેત્રે એકમેકથી ચડિયાતાં નામો ગૂંજતાં રહેતાં. મુનશી, અોમકારનાથ, રવિશંકર રાવળ, બચુભાઈ રાવત, ચં.ચી., ઉમાશંકર, સ્નેહરશ્મિ, ભોગીલાલ ગાંધી, માણેક, હીરાબહેન, દર્શક, ભાયાણી જેવાં જેવાં સર્જન વાટે સમાજનું સંગોપન કરતાં રહેતાં.
અાવા અા ભારતના, વ્યાપાર વાણિજ્યના મુખ્ય કેન્દ્ર મુંબઈમાં, થાણું જમાવવાનું બનતું હતું. એટલે સ્વાભાવિક કવિ નાટ્યકાર ચંદ્રકાન્ત શાહનું ગીત પછીતે સાંભરતું રહ્યું : ‘એવા મુંબઈમાં … કોઈ એવા મુંબઈમાં … એવા મુંબઈમાં ચાલ જઈએ’. અને તે કેવું મુંબઈ ? કવિ નિરંજન ભગત ગાય છે તેવું :
ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી !
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી !
એકમેકથી ચડિયાતી હિન્દી ફિલ્મો, તેના દિગ્દર્શકો અને કળાકારો, ગાયકોની ત્યાં બોલબાલા હતી. ‘પ્રૉગ્રેસિવ ગૃપ’ જેવી વિચાર ઘડતર કરતી, કરાવતી મંડળી હતી. વિઠ્ઠલભાઈ પટેલ રોડ પરે કૉંગ્રેસ હાઉસ અને તેની પડખે ફાર્બસ ગુજરાતી સભા જેમ ખેંચાણ માટેના કેન્દ્રો હતાં, તેમ ગામદેવી ખાતે ભારતીય વિદ્યા ભવન, બાપાજી, મમ્મીજી અને એમની મુઠ્ઠી ઊંચેરી પ્રવૃત્તિઅો લોહચૂંબક શું કામ કરતી હતી. તે દિવસોમાં વાચ્છાગાંધી રોડ પરે રહેઠાણ હતું, અને પરિણામે, પડખેના લેબરનમ રોડ પરેના ‘મણિભવન’માં અોતપ્રોત થયા વિના રહી શકાય તેમ હતું જ ક્યાં ? ગાંધી સ્મારક નિધિ, મુંબઈ સર્વોદય મંડળ તેમ જ ગાંધી સ્મારક નિધિના તત્કાલીન મહામંત્રી સત્યેન કુમાર ડે તથા એમનો કાર્યવિસ્તાર − અા દરેકે મારું નક્કર પાયાગત ઘડતર કરેલું છે.
અને અાવા અાવા સભર વિસ્તારમાં, ગિરગામ ચૌપાટીના જગપ્રસિદ્ધ દરિયા સામે, દાયકાઅોથી ખડી, જાજરમાન વિલસન કૉલેજની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવ્યો તેને ય હવે પચાસ સાલનું છેટું છે. તે વેળા કૉલેજના અાચાર્યપદે બહુ અોછું બોલતા સજ્જન ને કુશળ વહીવટકાર, કેળવણીકાર તેમ જ મૂળગત સાતારા વિસ્તારના ડૉ. જડસન વિલિયમ અાયરન [Judson William Airan] હતા. એમના અનુગામી પ્રૉ. અૉગસ્ટિન બોરડે અાચાર્યપદે અાવ્યા બાદ, ડૉ. અાયરને સાતારામાં ‘નર્મદા એજ્યુકેશન એકેડમી’ની રચના કરી. હવે એમની સ્મૃિતમાં તે ‘ડૉ. જે.ડબલ્યૂ. અાયરન એકેડમી’ તરીકે જાહેર છે. તે શિક્ષણસંસ્થા ‘ભારતી વિદ્યાપીઠ’ સંકુલ હેઠળ કામ કરે છે. અમારી સાથે અમારા જ વર્ગમાં ભણતી, અાચાર્ય ડૉ. અાયરનની સૌથી નાની દીકરી, કલ્પના અાયરને ય ત્યાં અાચાર્યપદ શોભાવ્યું છે.
વિલસન કૉલેજ એટલે ભારતની એક અતિ જૂની કૉલેજ. તેની સ્થાપના 1832માં સ્કૉટિશ મિશનરી રેવરન્ડ જ્હોન વિલસને કરેલી. તે દિવસોમાં વળી મુંબઈ યુનિવર્સિટીનું ય અસ્તિત્વ નહોતું. સન 1889ના અરસામાં જાણીતા સ્થપતિ જ્હોન અૅડમ્સે વિક્ટોરિયન ગોથિક શૈલીમાં અા મકાનની રચના કરેલી તેમ ઇતિહાસ નોંધે છે. ‘જ્હોન વિલસન એજ્યુકેશન સોસાયટી’ હેઠળની અા મહાશાળાનો મુદ્રાલેખ છે : ‘વિશ્વાસ, અાશા, પ્રેમ’. બાળ ગંગાધર ખેર, મોરારજી દેસાઈ, અશોક મહેતા, નિસિમ એઝેકીલ, બાબુભાઈ જશભાઈ પટેલ, ઉષા મહેતા, સરીખાં સરીખાં અસંખ્ય નામાંકિત અાગેવાનો અહીંથી જ તાલીમબદ્ધ, ઉપાધિબદ્ધ થયેલાં. … ખેર !
અા દરેકના પેંગડામાં પગ ઘાલવો સહેલ હતો નહીં, હરગીઝ છે પણ નહીં.
… અાની પછીતે, મારી પેઠે, અનેક નવોદિતોનો ય તેમાં પ્રવેશ હતો. કૉલેજના પ્રથમ વર્ષમાં, મારી સાથેના અાગંતુકોમાં ગિરીશ નગરશેઠ, ધનસુખ હિંડોચા, પ્રકાશ જ્ઞાની, પ્રવીણ દાંડિયા, યજ્ઞેશ પંડ્યા, હર્ષદ ટોપીવાળા પણ સામેલ. અન્ય અનેક સાંભરે, પરંતુ અા છ જોડે, અા પચાસ વરસને અોવારે ય નિજી પણ મજબૂત સંબંધ બંધાયો છે. અંગત મૈત્રીમાંથી અા સંબંધ હવે પારિવારિક સંબંધ બની ગયો છે.
‘તને સાંભરે રે … મને વીસરે રે !’

26 જુલાઈ 1968. લક્ષ્મી બાગ હૉલ, અવન્તિકાબાઈ ગોખલે સ્ટૃીટ, અૉપેરા હાઉસ, મુંબઈ – 400 004
પાછલી હરોળે ડાબેથી, નાહર, રમેશ મહેતા, યોગેન્દ્ર માંકડ, ગોકુળદાસ વાછાણી, વરઘોડિયાં – વિપુલ કલ્યાણી અને કુંજ પારેખ, પ્રવીણ દાંડિયા, પદ્મકાન્ત પટેલ, યજ્ઞેશ પંડ્યા, વામન જોશી અને રમેશ ટોપીવાળા. પહેલી હરોળે ડાબેથી, ધનસુખ હિન્ડોચા, પ્રકાશ જ્ઞાની, ગિરીશ નગરશેઠ અને હર્ષદ ટોપીવાળા.
– ૧ –
વારુ, દક્ષિણ મુંબઈનો કાલબાદેવી રોડ વિસ્તાર, ત્યારે પણ ધમધમતો રહેતો. જે જગ્યાને અાપણે જૂનું ‘કૉટન અૅક્સેચેન્જ’ કહીએ છીએ, ત્યાં તે દિવસોમાં ય વેપારવણજ તેજીમાં રહેતા. કપાસની લેવેચનું અહીં બડું બજાર છે. તેની ચોપાસ ‘અાર્ય નિવાસ’ નામે જાણીતું ગેસ્ટહાઉસ છે, અને તેને વળી, ‘અાદર્શ હૉટેલ’ પણ છે. તેની સામેના ભાગમાં, રામવાડીમાં, ‘જ્ઞાન બિલ્ડિંગ’ અાજે ય ખડું છે. તે મકાનમાં, 25 નંબરની જગ્યામાં અાજે, કદાચ, મહાવીર કમ્યુિનકેશન સેન્ટર નામે કોઈક ધંધો ચાલે છે. પરંતુ તે દિવસોમાં, વૃજબાળાબહેન વેણીલાલ નગરશેઠ નામનાં એક સન્નારી પોતાનો ઘરસંસાર અા 25, ‘જ્ઞાન બિલ્ડિંગ’માંથી ચલાવતાં. મૂળ વતન વલસાડ અને વ્યવસાયે શિક્ષક વેણીલાલ રાજારામ નગરશેઠના પાછા થયા બાદ, એમણે અહીં અાવી કારોબાર સુપેરે જાળવી રાખેલો. ગિરીશના દાદા, પરદાદા અને વડવાઅો ધરમપુર રાજ્યમાં ખજાનચીનો વહીવટ કરતા તેથી એમની અટક નગરશેઠ પડેલી, તેમ કહેવાય છે. તે દિવસોમાં વૃજબાળાબહેનનાં માતા, પાર્વતીબહેન રણછોડ, મુંબઈમાં વસતાં હતાં. એમને મકાન હતું અને પૈસેટકે સુખી ય હતાં. પોતાની વિધવા દીકરી અને દોહિત્રને અાથીસ્તો એમણે પોતાની હૂંફમાં લીધાં.
વૃજબાળાબહેનના એક માત્ર સંતાન એટલે અાપણા અા ગિરીશ નગરશેઠ. ગિરીશનો જન્મ 2 ડિસેમ્બર 1946ના રોજ થયાનું નોંધાયું છે. ગિરીશ નગરશેઠ પણ, પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અાટોપી, તે અરસે વિલસન કૉલેજમાં જોડાયા. અમે એક જ વિભાગમાં, તેમ જ એક જ વર્ગમાં. હળુ હળુ મળવાહળવાનું વધતું ગયું. સંપર્ક વિકસતો ચાલ્યો અને અમે એક વર્તુળના મિત્રો બની રહ્યા.
વિદ્યાશાખાના પહેલા અને બીજા, એમ બે વરસો કર્યા પછી, જુનિયર સ્તરે, ગિરીશ, પ્રકાશ જ્ઞાની અને હું રાજ્યનીતિશાસ્ત્ર વિભાગમાં જોડાયા હતા. અમારે ઇતિહાસ વધારાનો વિષય હતો. અમે બી.એ.ની ડિગ્રી હાંસલ કરી. પ્રકાશ અને હું ઉચ્ચ અભ્યાસને સારુ એમ.એ.માં દાખલ થયા. ગિરીશે વકીલાત કરવાનો માર્ગ લઈ, લૉ કૉલેજમાં પ્રવેશ લીધો.
પરિસ્થિતિવસાત્ 1968 દરમિયાન, કુંજ અને હું પરિચયને પાટે પાટે પરિણય ખાતે ફંટાઈ ગયાં. અમારા મિત્રવર્તુળ માંહેનું એ પહેલું લગ્ન હતું. તેની પછીતે અાવ્યું ગિરીશનું લગ્ન.
અા અરસામાં, માદીકરાને ઝાટકો લાગે તેવી ઘટના ઘટી. વૃજબાળાબહેનને પક્ષાઘાતની ઉપાધિ નડી. પરિણામે, જામનગરના તત્કાલીન ન્યાયાધીશનાં પુત્રી મધુ સાથે ગિરીશનું લગ્ન કરવાનું ગોઠવાયું. મધુ – ગિરીશ અામ 19 જૂન 1971ના લગ્નગ્રંથિથી જોડાયાં. તેના થોડાક સમયમાં, એટલે કે 1 સપ્ટેમ્બર 1972ના રોજ, બાએ વિદાય લીધી. બહુ અોછું બોલતાં, પણ ભારે હેતાળ મધુભાભીએ સંસાર સુપેરે સાંચવી જાણ્યો. દંપતીને ઋચીરા નામે એક માત્ર સંતાન.
મધુભાભી સરીખાં માણસો જૂજ જ જોવાં મળે. અજબગજબનાં ઘરરખ્ખુ સન્નારી. ગિરીશ અને મધુભાભીનો સંસાર અાશરે ત્રીસેક વરસ ચાલ્યો હશે. ટૂંકી માંદગીમાં, 10 જાન્યુઅારી 2001ના રોજ, મધુભાભી હાથતાળી અાપીને વિદાય થઈ ગયાં. ગિરીશને ભારે અાંચકો લાગેલો. તેની અસરમાંથી સ્વાભાવિક ગિરીશ અાજે ય નીકળી શક્યો જ નથી. અમને સૌને ય હજુ એમની યાદ સતાવ્યાં કરે છે.
અા દરમિયાન, ગિરીશ મુંબઈના કાંદિવલી નામે ઉપનગરનો નિવાસી બને છે. મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. પ્રકાશ જ્ઞાની પણ ત્યાં છે તેથી બન્નેનું હળવુંમળવું સૌથી સુલભ રહ્યું છે.
– ૨ –
મધ્ય અાફ્રિકામાં અાજે માલાવી નામે મુલક છે. ત્યારે તે ન્યાસાલૅન્ડ તરીકે અોળખાતો. ન્યાસા સરોવરની પશ્ચિમે પથરાયેલા અા મુલકની ઉત્તરે ઝામ્બિયા છે, ઈશાન ખૂણે ટાન્ઝાનિયા છે, જ્યારે પૂર્વે, દક્ષિણે તેમ જ પશ્ચિમ બાજુએ વિશાળ મોઝામ્બિક દેશ પથરાયો છે. સન 1953થી અા દેશ ‘સેન્ટૃલ અાફ્રિકન ફેડરેશન’માં સમ્મિલિત હતો અને ત્યારે તે ન્યાસાલૅન્ડ તરીકે અોળખાતો. 1963માં અા સંઘ વિસર્જિત થયો અને 1964ના અરસામાં તેને સ્વતંત્રતા મળી. અને વળી તે માલાવીના નવા નામકરણ સાથે જાહેર થયો. એના અા સંક્રાંતિના સમયમાં, ધનસુખ હિન્ડોચા વધુ અભ્યાસ અર્થે મુંબઈ અાવ્યા અને અમારી જોડાજોડ વિલસન કૉલેજમાં દાખલ થયા. અારંભે 1961ના અરસામાં બાંધવામાં અાવેલી ‘સેન્ટ એન્ડૃુસ હાઉસ’ નામક હૉસ્ટેલમાં તેમનું રહેવાનું થયું.
ગંગાબહેન અને હીરજી કાળિદાસ હિન્ડોચાના એક સંતાન, ધનસુખનો જન્મ ન્યાસાલૅન્ડમાં, ઘણું કરીને, વેપારવણજના મુખ્ય નગર બ્લાન્ટાયરમાં, 24 અૅપ્રિલ 1943ના થયો હતો. અા પરિવાર સાથે લાગણીનો એક તંતુ વરસોથી હતો. 1957માં જામ-ખંભાળિયાથી હું અરૂશા ગયો, તે અરસે, ગામમાં માધવાણી ઉદ્યોગ સંકુલની રચના થતી હતી અને યુગાન્ડાથી પુરુષોત્તમભાઈ કાળિદાસ હિન્ડોચા તેની દેખભાળ સારુ અાવેલા. એમનો પરિવાર પણ અરૂશામાં રહેણાક માટે અાવેલો. એમનાં મોટાં દીકરી, પ્રફુલ્લા, મારા વર્ગમાં ભણે. અા હિન્ડોચા પરિવારને અાથીસ્તો અનેકવાર મળવા જવાનું બનતું રહેતું. નિશાળમાં તેમ જ ગામમાં ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઅો થતી તેમાં ય પ્રફુલ્લાબહેન પણ સામેલ. અામ એ પરિવાર સાથેનો નાતો બંધાયો હતો. અા સિલકની અહીં વટામણી કરવાનો જાણે કે એક જોગ !
વારુ, ગઈ સદીના અારંભે, ક્યારેક, કાઠિયાવાડથી હીરજીભાઈ હિન્ડોચાએ અાફ્રિકાની ખેપ કરી હતી, એમ સમજાય છે. ન્યાસાલૅન્ડના બ્લાન્ટાયરથી ઉત્તરે, ન્યાસા સરોવરને કાંઠે, અાવેલા ચિપોકા ગામે દુકાન માંડેલી અને પછી પોરબંદરથી અાવી, ન્યાસાલૅન્ડમાં ધમધોકાર ધંધોધાપો કરતા જીવણભાઈ એસ. કાનાબારે બ્લાન્ટાયર નગરમાં ઊભી કરેલી બૉર્ડિંગના રખેવાળ તરીકેનાં કારોબારમાં ગોઠવાઈ ગયેલા, તેમ જાણવા મળે છે. તે દિવસોમાં, બ્લાન્ટાયરના પાદરમાં અા બૉર્ડિંગની સ્થાપના કરાઈ હતી. તેમાં ન્યાસાલૅન્ડ ભરમાં વસેલાં દેશી વેપારી કુટુંબોના છોકરાઅોને રાખવામાં અાવતા અને તે શહેરમાં ભણેગણે તેની સોઈસગવડ કાનાબાર શેઠે પૂરી કરેલી. તેની દેખભાળ હીરજીભાઈ તો કરે પણ તેની ગોવાળીમાં ગંગાબહેન પણ પૂરેવચ્ચ સામેલ રહેતાં. એ બન્નેએ ત્યાં જે સેવાચાકરી કરી છે તેની વાતો અાજે ય તે જમાનાના લોકો હોંશે હોંશે માંડે છે.
વારુ, ગંગાબહેન અને હીરજીભાઈને ગોકળદાસ, મણિલાલ, ભૂપત, અને ધનસુખ નામે દીકરાઅો; તેમ જ વિજ્યાબહેન, ઊર્મિલાબહેન તેમ જ નિર્મળાબહેન નામે દીકરીઅો. ધનસુખ અને ભૂપત બન્ને જોડિયા ભાઈઅો. દરમિયાન, મુંબઈના ઉપનગર કાંદિવલીના પશ્ચિમ વિસ્તારમાં અાવેલા મહાત્મા ગાંધી રોડ પરે અાવેલા અમૃતનગરમાં, હિન્ડોચા પરિવારે અાવાસની વ્યવસ્થા કરેલી; અને ત્યાં હીરજીકાકા તેમ જ ગંગામાસી અાવેલાં ત્યારે પરિવારને સહકુટુંબ અવારનવાર મળવાહળવાનું બનતું હતું.
ધનસુખ સાથેના અારંભના બે વરસો એક જ વર્ગમાં પસાર થયા; અને પછી એણે અર્થશાસ્ત્રનો મુખ્ય વિષય પકડ્યો. ધનસુખે અા જ વિષય લઈ એમ.એ. કર્યું, અને પછી પીએચ.ડી.ની ડિગ્રી હાંસલ કરેલી. મહારાષ્ટૃની કોલ્હાપુર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકેની શરૂઅાત કરીને વિભાગના વડા પ્રૉફેસરપદેથી ત્રણેક દાયકાની સેવા બાદ નિવૃત્ત થયેલા. ધનસુખના લગ્ન 1 ડિસેમ્બર 1973ના રોજ ચંદા સૂર્યકાન્ત જટાણિયા સાથે થયા. દંપતી થોડો વખત મુંબઈ રહ્યું અને પછી કોલ્હાપુર સ્થાયી થયું. એમને બે દીકરા, નામે અભય અને અમીત. બંને સંતાનોનો ય પરિવાર હવે હર્યોભર્યો છે.
બહુ જ હૂંફાળું વ્યક્તિત્વ ધરાવતા ધનસુખનો ઊર્મિલ સ્વભાવ. અધ્યાત્મમાંની ઊંડી શ્રદ્ધાને કારણે ધર્મસ્થાનકો તેમ જ ભજનોમાં રમમાણ થવાનું ય દંપતીને ગમે છે. પડછંદી અવાજ ધરાવતા ધનસુખને મુખ અનેકવાર શેક્સપિયરની વિખ્યાત નાટ્યકૃતિ ‘જુલિયસ સિઝર’ માંહેના કેટલાક મુખોદ્દગત ફકરાઅો સાંભળવાનો અમને સૌને અનેરો લહાવો સાંપડેલો છે. બ્રૂટસ તેમ જ એન્ટનીના સંવાદોની એ પેશગી જાણે કે અાજે ય મનને પટ પડઘાય છે, ત્યારે અાનંદની છોળ ઉછળતી જ અનુભવાય.
– ૩ –
જ્ઞાની પરિવારના વડવાઅોનું વતન માતર. ખેડા જિલ્લાનું અા ગામ તાલુકા મથક તરીકે અાજે પ્રખ્યાત. પ્રકાશ જ્ઞાનીના વડવાઅો દાયકાઅો પહેલાં માતરથી, અાજના મધ્ય પ્રદેશમાં અાવ્યા બુરહાનપુર ગામે. રોજગારી સારુ ત્યાં સ્થાયી થયા હતા. તાપી નદીના અોતરાદા કાંઠે, પાટનગર ભોપાળથી વાયવ્ય ખૂણે, અાશરે 340 કિલોમિટર દૂર તે ગામ અાવેલું છે. મોઘલ તથા મરાઠા યુગમાં ય પ્રખ્યાત અા વિસ્તાર હાથસાળના ધંધાને કારણે વિશેષ જાણીતું છે. પ્રકાશ જ્ઞાનીના વડવાઅોની મૂળ અટક, કહેવાય છે તેમ, યાજ્ઞિક. તેમાંથી જાની થઈ. સમયાંતરે અા ‘જાની’નું ‘જ્ઞાની’ થયું, તેમાં અા હિન્દી ભાષી પ્રદેશની ઝાઝેરી અસર અાવી હોય, તેમ પણ બને !
પ્રકાશના પિતા, રણછોડલાલ જ્ઞાની ખુદ વિદ્વાન ઇતિહાસકાર ને સંગ્રહાલયાધ્યક્ષ (ક્યૂરેટર). સન 1928 વેળા એ મુંબઈમાં અાવ્યા, ‘પ્રિન્સ અૉવ્ વેલ્સ મ્યુિઝયમ અૉવ્ વેસ્ટર્ન ઇન્ડિયા’માં, મદદનીશ સંગ્રહાલયાધ્યક્ષ તરીકે નીમાયા. દક્ષિણ મુંબઈમાંના, કોટ માંહેના, કાલા ઘોડા વિસ્તારમાં ખડી અા જગ્યા, અાજે ‘છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય’ તરીકેનું નામ ધરાવે છે. 1930થી 1954 દરમિયાન રણછોડલાલભાઈએ મુખ્ય સંગ્રહાલયાધ્યક્ષની જવાબદારીઅો અહીં નિભાવી હતી. ભારતીય જ શું, અરે, ગુજરાતીના ય, કોઈ જ્ઞાનકોશ/વિશ્વકોશમાં રણછોડલાલ જી. જ્ઞાની અંગેની અાવી કોઈ માહિતી નથી; અરે, નોંધ સુધ્ધાં જોવા સાંપડતી નથી. પરંતુ માનશો, ‘Journal of the Royal Asiatic Society of Great Britain and Ireland’માં એમના નામ અને પદની વિગતો જોવાની સાંપડે છે ! સન 1929ની અા વિગત ખાસ ધ્યાનમાં અાવી છે : ‘Gyani, Ranchhodlal G., Asst. Curator, Archaeological Section, Prince of Wales Museum of W. India, Bombay, India.’
‘શિલ્પસંવાદ’ નામની પોતાની એક કટારમાં, કનુભાઈ સૂચક એકદા જણાવતા હતા તેમ, ‘લોકવાયકા મુજબ વનવાસના કાળ દરમિયાન સીતાની ખોજમાં નીકળેલા રામને માટે લક્ષ્મણ પણ ખારું ખારું ઊસ જેવું જ પાણી મળે તેવી જમીન પર તીર મારી પાતાળમાંથી પાણીનો પ્રવાહ આ સ્થળે પ્રગટ કરે છે એટલે સ્થળનું પાતાળગંગા કે બાણગંગાથી નામાભિધાન થયું છે. વિસ્તારને ત્રણ બાજુથી ઘેરતા અરબી સમુદ્રમાં ભૂશિર રચતો વાલકેશ્વરનો પર્વતીય મલબાર હિલ ભૂખંડ સ્વાભાવિક રીતે જ પથરાળ છે. ક્યારેક બાણગંગાના સ્થળ સુધી રેતીનો પટ હશે અને ત્યાં રેતી-વાળુમાંથી શિવલિંગની સ્થાપના થઈ હશે એટલે શિવમંદિર વાલુકેશ્વર-વાલકેશ્વર નામે પ્રસિદ્ધ થયું અને વિસ્તાર પણ તે જ નામે ઓળખાય છે. લોકવાયકાઓને માનવી ન માનવી તે વ્યક્તિગત પસંદગીનો વિષય છે, પરંતુ આ અને અનેક લોકવાયકાઓ સ્વીકારીને ચાલતો મોટો વર્ગ છે. દરિયાથી દૂર ન હોવા છતાં સદાય મીઠાં રહેતાં બાણગંગાનાં જળની આજે પણ શ્રદ્ધાપૂર્વક અર્ચના થાય છે. નવમી સદીથી 13મી સદી સુધી રાજ્ય કરતા સિલ્હર વંશના રાજાઓએ અહીં બાણગંગા સરોવર અને તેના ઘાટની રચના કરી. આ સ્થાપત્યને સમયનો ઘસારો તો લાગે જ. અઢારમી સદીની શરૂઆતમાં રામ કામથ નામના ધનિકશ્રેષ્ઠીએ આપેલા દાનની રકમમાંથી સરોવર અને મંદિરનો પુનરોદ્ધાર થયો.’
જાણીએ છીએ : ‘સરસ્વતીચંદ્ર’કાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ‘વાલકેશ્વર’ની જાહોજલાલી સુપરે વર્ણવી છે. એવા એવા અા વિસ્તારમાં, રાજ્યપાલના વિશાળ મહાલયની તદ્દન અડીને, એક વેળા ‘ગંગા નિવાસ’ નામે સરસ મકાન ખડું હતું. 262, વાલકેશ્વર રોડ પરના અા મકાનમાં રણછોડલાલભાઈ જ્ઞાની અને પરિવારે પોતાનો માળો બાંધ્યો હતો. અાજે જો કે અા મકાનનું અસ્તિત્વ જ નથી. … ખેર ! … ગોકળીબહેન યાને કે ગોપીબહેન ને રણછોડલાલભાઈ જ્ઞાની દંપતીને સુશીલભાઈ, કિશોરભાઈ, ગિરીશભાઈ અને પ્રકાશ નામે દીકરાઅો તેમ જ દામિનીબહેન અને જ્યોતિબહેન નામે બે દીકરીઅો. અાપણા અા પ્રકાશનો જન્મ 30 અૉક્ટોબર 1946ના રોજ મુંબઈમાં થયેલો. સૌ ભાંડુંઅોમાં તે સૌથી નાનેરો.
રણછોડલાલભાઈનું 5 ડિસેમ્બર 1954ના અવસાન થયું ત્યારે, કહે છે કે, ચોમેર સોપો પડી ગયો હતો. એમની સ્મશાનયાત્રામાં અસંખ્ય લોકો ઊમટેલા, રાજ્યપાલના પડોશીને ય રાજવી સન્માન, જાણે કે, અપાઈ રહ્યું હતું. સમયની કેડીએ મોટાભાઈ સુશીલભાઈ અને ત્રીજા ભાઈ ગિરીશભાઈ પણ હવે દિવંગત થયા છે.
મારા વિલયાતનિવાસ વેળા, 17 ડિસેમ્બર 1976ના રોજ પ્રકાશના લગ્ન મૂળ રાજપીપળાનાં રન્ના પંડ્યા સાથે યોજાયેલા. મુંબઈ મહાનગરની ઉત્તરે, થાણે જિલ્લાના મીરાં રોડમાં, હાલ, વસવાટ કરતાં અા દંપતીને બે સંતાન – પ્રાંજલિ નામે દીકરી જે વકીલાતના વ્યવસાયમાં રમમાણ છે; અને સ્વપ્નિલ નામે દીકરો જે ઇન્ફૉરમેશન ટેકનોલોજીમાં પોતાનું કદ વિકસાવી રહ્યો છે. બન્ને ભાઈબહેન મુંબઈમાં પોતીકા હણહણતા ઘોડાને કૂદાવી રહ્યાં છે. પ્રકાશે ખુદ વકીલાતનો વ્યવસાય વિકસાવ્યો છે. વરસોથી ગિરીશે અને પ્રકાશે મુંબઈ હાઇકૉર્ટમાં જ પોતાનું થાણું જમાવી કાઢ્યું છે.
વારુ, ત્રીજા તેમ જ અાખરી ચોથા વર્ષ માટે, પ્રકાશ, ગિરીશ અને મેં, રાજ્યનીતિશાસ્ત્ર મુખ્ય વિષય તરીકે લીધેલા અને ઇતિહાસ ગૌણ વિષય હતો. અાથી અમે ત્રિપુટી સાથે ને સાથે રહ્યા. એ દિવસોમાં, મુંબઈમાં મોટા ભાગની સાંજે, જાહેર વ્યાખ્યાનો થતાં. અાવાં અાવાં ભાષણોમાં અમ ત્રિપુટી સમ્મિલિત જ હોઇએ. ક્યારેક યજ્ઞેશ પણ અમારી અા શ્રોતા ટોળકીમાં હાજરાહજૂર. અને તે વેળાના એ જાહેર વક્તાઅો પણ કેવાં કેવાં − અાચાર્ય કૃપાલાણી, મોરારજી દેસાઈ, નાથ પૈ, વિજ્યાલક્ષ્મી પંડિત, તારકેશ્વરી સિંહા, મધુ લિમયે, મધુ દંડવતે, એસ. નિંજલિંગપ્પા, જયપ્રકાશ નારાયણ, એસ.એમ. જોશી, મુરલી મનોહર જોશી, અટલવિહારી વાજપાઈ, દિનદયાળ ઉપાધ્યાય, દુર્ગા દાસ, બલરાજ મધોક, કનૈયાલાલ મુનશી, ભાઈલાલ પટેલ, સ્વામી રંગનાથન્, સ્વામી ચિન્મયાનંદ, ઈ.એમ.એસ. નામ્બુિદરીપાદ, શ્રીપાદ એ. ડાંગે, રામમનોહર લોહિયા, એમ.સી. ચગલા, એ.ડી. ગોરવાલા, રુસી કરંજિયા, વી.કે. કૃષ્ણમેનન, નાની પાલખીવાલા, મીનુ મસાણી, રફીક ઝકરિયા, સદોબા પાટિલ, રામુ પંડિત, જ્યૉર્જ ફર્નાન્ડિસ, એ.જી. નૂરાની, બાબુરાવ પટેલ, કે.એ. અબ્બાસ, કૈફી અાઝમી − વીણ્યાં વીણાય નહીં, એવાં એવાં એ નામો. બીજી તરફ ચોપાટી મધ્યે ‘ભારતીય વિદ્યા ભવન’ તેમ જ વિઠ્ઠલભાઈ પટેલ રોડ પરેના કૉંગ્રેસ હાઉસ પડખેના, ‘ફાર્બસ ગુજરાતી સભા’ની બેઠકોએ પણ અમારું મજબૂત ઘડતર કરેલું. વળી, મોટા ભાગના શનિવાર અને રવિવારે ય અમે મિત્રો હળતા મળતા.
અમારી વચ્ચે સતત વિચારવિમર્શ થયા કરતો. એક ઉદારમતી વ્યક્તિવાદની કેડીએ; બીજો સિન્ડીકેટી વ્યંજનામાં લપેટ; તો ત્રીજો ઇન્ડીકેટી રસમાં તરબોળ ! અને અાથી, અમારી વાતો ખૂટતી નહીં. દલીલો ઠાઠમાઠ સાથે જમાવટ લેતી. અામ અમે નાગરિક તરીકે સુપેરે ઘડાતા રહ્યા. પ્રકાશ અને હું વળી સાથોસાથ એમ.એ.માં. ‘ડિપાર્ટમેન્ટ અૉવ્ સિવિક્સ અૅન્ડ પોલિટિક્સ’માં અાલુ દસ્તૂર, ઉષા મહેતા, અાર. શ્રીનિવાસન [R. Srinivasan], એસ.પી. અાય્યર [S.P. Aiyer] સરીખા અધ્યાપકો વર્ગમાં ચણતર કરતાં, જ્યારે યુનિવર્સીટી પરિસરમાં, રાજાબાઈ ટાવરની અોથે, અનેક વાર નગીનદાસ સંઘવીની સંગત અમને અમારી ગોઠડીઅોમાં મળ્યા કરતી.
અમારી અા ગોઠડીઅોમાં વામન જોશી, કૃષ્ણકાન્ત જોશી, યોગેન્દ્ર માંકડ, અમીરબાનુ પણ બહુધા સામેલ હોય. એ સૌ એમ.એ.ના વર્ગમાંનાં સહાધ્યાયીઅો. અાવેશાકુલ, વિચારવાન ને ખમીરવંત વામન જોશી અાજે ય મનમંદિરિયે હાજરાહજૂર. એ બહુ વહેલો જતો રહ્યો. એ એક ઉત્તમ પત્રકાર પણ હતો, સોજ્જો મનેખ પણ.
– ૪ –
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.
કવિ નર્મદાશંકર લાલશંકર દવેની ‘અા તે શા તુજ હાલ, સુરત …’ નામે કવિતામાં અામ અાવે છે. ભારતના નવમા ક્રમાંકે અાવતા અા મહાનગરમાં, ચુનીલાલ જે. દાંડિયા નામે એક સજ્જન, એક દા, વસતા હતા. વ્યવસાય એમનો દરજીકામ. એમનાં પરણેતર નામે મણિબહેન. અા દંપતીને ત્રણ સંતાનો : જશુબહેન, કુસુમબહેન અને અાપણા અા પ્રવીણ દાંડિયા. પિતાજીનો દેહવિલય સુરતમાં જ 27 અૉગસ્ટ 1976ના થયેલો અને માતાએ 4 અૉગસ્ટ 2005ના રોજ વિદાય લીધેલી.
ચુનીલાલભાઈ અને મણિબહેનના ત્રીજા સંતાન, અાપણા અા પ્રવીણનો જન્મ 20 અૉક્ટોબર 1941ના દિવસે સુરત શહેરમાં થયેલો. બહુ નાની વયે શીતળાના વાયરામાં પ્રવીણભાઈ પટકાયેલા. અને એમાં જ એમણે અાંખનાં રતન ખોયાં હતાં. તે વખતે પ્રવીણનું વય માંડ પાંચ વરસનું હશે. અંધજન માટેની ખાસ નિશાળમાં એમને દાખલ કરાયા, ત્યાં ભણ્યા, પલોટાયા. સરસ મજેદાર કંઠ. કંઠને અાયામે કાબૂમાં લેવાયો. પેટીવાજુ પર ફક્ત હાથ અજમાવ્યો જ નહીં, તેના ઉસ્તાદ પણ બન્યા. મુંબઈના ‘ગાંધર્વ મહાવિદ્યાલય’માંથી કંઠ્ય તેમ જ વાદ્ય સંગીતમાં ‘સંગીત ઉપાંત્ય’ની ઉપાધિ પણ હાંસલ કરેલી. પરંતુ ભણવામાંથી મન ખસાવાયું નહીં. મેટૃિક થયા કેડે પ્રવીણ પણ વિલસન કૉલેજમાં દાખલ થયો. અને તેની પડેખેની ‘સેન્ટ એન્ડૃુસ હાઉસ’ નામે હૉસ્ટેલમાં ય એને પ્રવેશ મળ્યો.
પ્રવીણનો સંપર્ક થયો વર્ગમાંથી, સંસર્ગ વધ્યો હૉસ્ટેલમાંથી. પ્રવીણની રૂમમાં સાથીદાર હતા રામજીભાઈ. એમને ય અંધત્વ. રામજીભાઈ સરસ તબલા વગાડે. બન્નેની જોડી સાંજવરાત જામતી. એક હાર્મોનિયમ પર, બીજો અાપે તબલાની સંગત. અને પ્રવીણનો કંઠ એમાં સૂર પૂરે. અા મજલિસ જામતી રહી, ઘનિષ્ટતા પાકતી ગઈ. લગભગ રોજ એમની અોરડીમાં હોઉં. એ બન્નેને સાથે રાખી, ભણતરનું સાહિત્ય મોટેથી વાંચતો. અાવા અા વાંચનથી મારો ય પાઠ પાકો બનતો ! બીજા વરસથી અા વાચન શિબિરમાં ગોકુળદાસ વાછાણીનો ય ઊમેરો થયો. એ રાજકોટથી અાવતા હતા. ગોકુળદાસે રાજ્યનીતિશાસ્ત્રના વિષય અાખરે લીધેલા. અા સિલસિલાને કારણે ય પ્રવીણ સાથે બહુ નજીકનો સંબંધ કેળવાયો.
ઇતિહાસના વિષય સાથે પ્રવીણે 1969માં એમ.એ.ની ઉપાધિ ય હાંસલ કરી. તે દરમિયાન, અંધજન નિશાળો માટેના શિક્ષકોને તાલીમ અાપવા માટેનું પ્રમાણપત્ર પણ ભારત સરકાર વતી વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલમાંથી પ્રવીણે મેળવ્યું છે. અને પ્રવીણે ‘નેશનલ અૅસોસિયેશન ફૉર ધ બ્લાઈન્ડ’માં ‘હૉમ’ શિક્ષક તરીકેનો એકડો માંડ્યો. અને પછી, નીસરણીએ, એક પછી એક, પગથિયાં ચડવાનાં જ રાખ્યાં. પ્રવીણ નિવૃત્ત થયો ત્યારે એ અા સંસ્થામાં ‘એક્ઝીક્યૂટિવ ડિરેક્ટર’ પદે હતો.
દરમિયાન, પ્રવીણ મુંબઈના ગોરેગાંવ (પશ્ચિમ) ઉપનગરમાં અાવ્યા, શાસ્ત્રીનગર વિસ્તારમાં ઠરીઠામ થાય છે. અચલાબહેનના પરિચયમાં પ્રવીણ અાવે છે અને હળવે હળવે બન્ને પરિણયમાં ફંટાયાં. પ્રવીણ અને અચલાભાભી 6 જુલાઈ 1980ના રોજ લગ્નગ્રંથિથી જોડાયાં. દંપતીને સંતાનમાં બે દીકરીઅો – હેતલ તથા મીતાલી. એકાદ દાયકાના ઘરસંસાર બાદ, અચલાભાભીનો 14 જાન્યુઅારી 1991ના રોજ દુ:ખદ કારમી દેહાન્ત થયો. અા મૃત્યુ પણ મિત્રોને સારુ ય અસહ્ય બની રહ્યું. અા કારી ઘાને સહન કરતા કરતા પ્રવીણે દીકરીઅોના ઉછેરને પ્રાધાન્ય અાપવાનું જ રાખ્યું. અાજે બન્ને દીકરીઅો પોતપોતાની રીતે ગોઠવાયેલી છે.
નિવૃત્તિ બાદ, પ્રવીણે અંધજન સમાજની વિવિધ પ્રવૃત્તિઅોમાં સક્રિયતા જાળવી છે. મુંબઈની ‘બ્લાઈન્ડ મેન્સ અૅસોસિયેશન’માં એ પ્રમુખસ્થાન શોભાવે છે, તો ભારતની ‘નેશનલ અૅસોસિયેશન ફૉર ધ બ્લાઈન્ડ’ના મંત્રીપદે છે. અાટલું કમ હોય તેમ એ રાજકોટ ખાતેથી પ્રવૃત્ત ‘બ્લાઈન્ડ મેન્સ વેલફેર અૅસોસિયેશન’માં ય ઉપપ્રમુખપદનો હોદ્દો ધરાવે છે.
– ૫ –
‘કરેંગે યા મરેંગે’નો નાદ હજુ ય ઘણાના મનમાં પડઘાતો રહેતો હોય. અૉગસ્ટ 1942 દરમિયાન, દક્ષિણ મુંબઈના અા સુવિખ્યાત ગોવાળિયા ટેન્ક મેદાનમાંથી અા નારો ગૂંજેલો. હવે અા મેદાન ‘અગસ્ત ક્રાન્તિ મેદાન’ તરીકે અોળખાય છે. વિસ્તારમાં, એક પા, ન્યૂ ઇરા સ્કૂલ, તો બીજી પા, ફૅલોશિપ સ્કૂલ અાવેલી છે. પડખેના લેબરનમ રોડ પરે ‘મણિભવન ગાંધી સંગ્રહાલય’ પણ અાવેલું છે. તો પડોશમાં તેજપાળ અૉડિટોરિયમ છે. તેની ચોપાસ, હ્યૂસ રોડની સમાન્તરે, તેજપાળ રોડ છે.
પપનસ વાડી વિસ્તારના અા તેજપાળ રોડ પર, અગાઉના વખતમાં, ‘હરિ ભવન’ નામે એક મકાન હતું. અા મકાનમાં ડૉ. નિપૂણ ઇન્દ્રવદન પંડ્યા નામે અાપણી અાલમના એક જાણીતા ગ્રંથપાલ વસતા હતા. દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં અાવ્યા પંડિતા રમાબાઈ માર્ગ અને કે.એમ. મુનશી રોડના નાકા પર દાયકાઅોથી ‘ભારતીય વિદ્યા ભવન‘ ખડું છે. અા ભવનના બીજા માળે ‘મુનશી સરસ્વતી મંદિર ગ્રંથાગાર’ છે. અા ગ્રંથાગારમાં એ દિવસોમાં નિપૂણભાઈ મુખ્ય ગ્રંથપાલનો હોદ્દો સાંચવતા હતા. નિપૂણભાઈનાં પત્ની અાશાબહેન શિક્ષિકા હતાં. અને દંપતીને ત્રણ સંતાનો : મયંક, યજ્ઞેશ અને તૃપ્તિ. મયંકભાઈ સુરતમાં રહે છે અને બાકીનાં બન્ને ભાઈબહેન મુંબઈમાં.
મુંબઈના પશ્ચિમી ઉપનગર અંધેરીમાં સ્વામી સમર્થ નગર નામક વિસ્તાર છે. તેમાં હાલ વસતા યજ્ઞેશ પંડ્યાનો જન્મ 19 અૉક્ટોબર 1947ના રોજ સુરત શહેરમાં થયો. માધ્યમિક સુધીનો અભ્યાસ પતાવ્યા કેડે યજ્ઞેશ પણ અમારી જોડે કૉલેજમાં અમારા વર્ગમાં, અને એ ય અમારા વર્તુળમાં સામેલ. પહેલાં બે વરસ તો અમે એક જ જૂથ વર્ગમાં, પણ ત્રીજા વરસથી એ ફંટાયા ધનસુખની જેમ અર્થશાસ્ત્ર ભણી. જો કે ગૌણ વિષય તરીકે યજ્ઞેશે રાજ્યનીતિશાસ્ત્ર લીધેલું. અાથી મળવાહળવાનું વર્ગમાં ય ચાલુ ને ચાલુ. બી.એ.ની ઉપાધિ મેળવ્યા કેડે એ લાઇબ્રેરી સાયન્સ ભણી દોરવાયા. પિતાની પેઠે ગ્રંથપાલ બનવાના અોરતા હશે. ભણતર પછી, સ્ટેટ બેન્કની ‘ઇકોનોમિક્સ રિસર્ચ લાઇબ્રેરી’માં યજ્ઞેશે ગ્રંથપાલ પદે 18 વરસ અાપ્યા.
અા દરમિયાન, 7 ડિસેમ્બર 1975ના રોજ અમદાવાદનાં વંદિતા દવે જોડે યજ્ઞેશ લગ્નગ્રંથિથી જોડાય છે; અને દંપતીને પાર્થ નામે એક સંતાન. પાર્થ અને પત્ની વર્ષા સપરિવાર અમેરિકામાં સ્થાયી છે. માઇક્રોસોફ્ટ પેઢીમાં પાર્થ સેવાઅો અાપી રહ્યો છે.
ધારદાર વિચારશક્તિ તથા સ્પષ્ટ રજૂઅાતનો યજ્ઞેશનો કસબ તે દિવસોમાં પણ અદ્દભુત હતો. અઠવાડિયાની મોટા ભાગની સાંજ, ચૌપાટીની રેતી પરે, અમારી ગુફતગૂમાં વીતી જ સમજો. અને શનિવારે અડખેપડખેની અમારા બરની હૉટેલ, રેસ્ટોરાઁમાં. ‘સાંઈનાથ’ નામની જગ્યાના તો બાંકડા પણ તેથી પૂરા ઘસાયા જાણવા ! અમારી વાતોમાં રાજકારણ, અર્થકારણ, સમાજકારણ, ધર્મકારણ હોય જ અને લટકામાં સાહિત્યકારણ પણ હોય. અા બેઠકો અમારું ઘડતર ચણતર કરતા રહ્યા. ‘ખામોશી’ ફિલ્મમાં કવિ ગુલઝારની ગઝલ છે ને : ‘વો શામ કુછ અજિબ થી … ’ અલબત્ત, અા સાંજ અાજે ય અચૂક સાંભરે.
પારિવારિક સંજોગો અનુસાર, પહેલાં વરળી અને પછી વિલે પારલે અમારો નિવાસ ફેરવાયો. માંદગી, ટ્યૂશનો, વ્યવસાયને કારણે અાવું અાવું હળવાનું ઘટતું ચાલ્યું અને પછી સપ્તાહઅંતે એકાદ વાર હળાતું મળાતું. પ્રકાશ, ગિરીશ, યજ્ઞેશ અને હું કોટ વિસ્તારમાં વ્યવસાય કરતા હોવાથી ક્યારેક તે વિસ્તારમાં ય મળાતું.
– ૬ –
દેશના દાદા દાદાભાઈ નવરોજી અને ભારતીય ઉદ્યોગના પિતા જમશેદજી તાતા, ‘ગોવિંદાગ્રજ’ ઉપનામ હેઠળ કાવ્યો અાપનાર, ‘બાળકરામ’ નામે વિનોદ સાહિત્ય અાપનાર તેમ જ ખુદ પોતીકા, રામ ગણેશ ગડકરી નામે, નાટકો અાપનાર મરાઠીના અા પ્રખ્યાત સાહિત્યકાર જેવા જેવા તપસ્વીઅોનું વતન એટલે પૂર્ણા નદીને કાંઠે વસ્યું નવસારી. કહે છે કે અાશરે બે’ક હજાર વરસ જૂનું અા નગર, એક વેળા, અનેકવિધ નામો તરીકે પંકાતું. ઈરાનના ‘સારી’ નામક શહેરની યાદમાં, જાણે કે, નવાસવા અાવેલા પારસીઅોએ નગરને ‘નવસારી’ નામ અાપ્યું હોવાની એક વાયકા છે. … ખેર ! … અાવા અા વિસ્તારમાં, ઘણું કરીને પડખેના અામાદપોર ગામે ઉછરેલાં એક મનેખ એટલે બુદ્ધદેવ ઝીણાભાઈ ટોપીવાળા. ઉંમરલાયક થતા એ કમળાબહેન અંબાલાલ ટેલરને પરણ્યા અને બન્નેએ ટાન્ગાનિકાના પાટનગર દારેસલ્લામમાં ઘરસંસાર માંડ્યો. 18 જાન્યુઅારી 1946ના રોજ દંપતીને પહેલું સંતાન પ્રાપ્ત થયું. નામ રાખ્યું હર્ષદ. એ પછી બહેન, ભગવતી તથા ભાઈ, રમેશ. માતાપિતા અને ભાઈ બહેન, અબીહાલ, પરિવાર સમેત દારેસલ્લામમાં વસે છે.
દક્ષિણ ટાંગાનિકાના રૂંગવે જિલ્લાના ટુકુયુ ગામે પ્રાથમિક અને દારેસલ્લામમાં માધ્યમિક શિક્ષણ અાટોપ્યા કેડે, ધનસુખની પેઠે, મારી જેમ, હર્ષદે પણ વધુ અભ્યાસ માટે અાફ્રિકાથી ભારતની વાટ પકડેલી. મુંબઈ અાવી એ પણ અમારી પેઠે વિલસન કૉલેજમાં દાખલ થાય છે. અમે સૌએ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવેલો, જ્યારે હર્ષદે વિજ્ઞાનશાખા ભણી નજર માંડી. પરંતુ રહેણાક માટે તો એની પસંદગી ‘સેન્ટ એન્ડૃુસ હાઉસ’ની હૉસ્ટેલની જ હતી. હર્ષદ સારું ગાય. મહમ્મદ રફીનાં ગીતોની સારી નકલ કરી શકે. અને વળી, તે મજેદાર હાર્મોનિકા (મોં વાજુ – mouth organ) બજાવે. નાટકચેટકમાં ય ઊતરે. એક જ હૉસ્ટેલમાં હોવાને નાતે પ્રવીણ, રામજીભાઈ, હર્ષદ મળે અને મજલિસ માંડે. અામ, અમારી સહ્યારી દોસ્તી જામતી રહી.
હર્ષદે કૉલેજમાંથી પદાર્થ વિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર લઈને બી.એસસી. કર્યું અને પછી પૂણે જઈ ‘સિવીલ એન્જિનિયરિંગ’ની ડિગ્રી એ મેળવે છે. દરમિયાન ખર્ચને પહોંચી વળવા, સાંતાક્રુઝમાં વિજ્ઞાન અને ગણિત ભણાવવાનું કામ પણ કરે છે. અનુસ્તાનક થયા બાદ, હર્ષદને સુરત જિલ્લા પંચાયતમાં નાયબ ઈજનેરની જગ્યા મળે તેમ હતું. ત્યાંથી અમદાવાદ સ્થાયી થઈ શકવાની ય ક્ષમતા હતી. પરંતુ તેમાં ટાન્ઝાનિયાનું નાગરિકપદ છોડી ભારતનું નાગરિકપદ સ્વીકારવાની શરત હતી. પારિવારિક સંજોગોને કારણે તે ક્યાં અનુકૂળ થાય તેમ હતું ? તેથી, વચ્ચે મુંબઈમાં ખાનગી ક્ષેત્રે ઈજનેરની ફરજ પણ એ બજાવી લે છે. પરંતુ, છેવટે, માતાપિતા અને ભાંડું પરિવારની જવાબદારી પ્રધાનપદે હોઈ, ભારોભાર ઊર્મિલ સ્વભાવના હર્ષદે વતનની વાટ લીધી.
દરમિયાન, મૂળ મુંબઈનાં દેવયાની ઉત્તમરામ શેઢાવાળા જોડે હર્ષદ 27 મે 1973ના દિવસે નવસારી મુકામે લગ્નગ્રંથિથી જોડાય છે. મુંબઈ માંહેના દિવસો વેળા દંપતીને પ્રીતેશ નામે પુત્ર તેમ જ જ્યોતિકા નામે પુત્રી જન્મે છે. ટાન્ઝાનિયાના વસવાટ વેળા સંજીવ જન્મે છે.
ટાન્ઝાનિયાના ફેર વસવાટ દરમિયાન અાંતરરાષ્ટૃીય સ્તરની ઈજનેરી પેઢીમાં જોડાઈ, ટાન્ઝાનિયા ભરમાં ઈજનેરી કામોમાં હર્ષદ વ્યસ્ત રહ્યો. મુંબઈગરાં દેવયાની માટે તદ્દન અજાણ્યા મુલકમાં સ્થાયી થવાનું હતું. વિસ્તારે વિસ્તારે હરતાં ફરતાં દેવયાનીએ સુપેરે ઘરસંસાર જાળવ્યો. ત્રણ સંતાનોને ઉછેર્યાં. સાસુસસરાને તેમ જ પરિવારને સાંચવી જાણ્યો. નોકરી ન કરી કરી, હર્ષદ ‘એચ. ટોપીવાળા ડેવલપર્સ લિ.’ નામે વેપારવણજને ક્ષેત્રે પગલાં ય માંડે છે. ત્રણેય સંતાનોએ ઉચ્ચસ્તરીય શિક્ષણ મેળવ્યું હોઈ, દરમિયાન, પરિસ્થિતિવસાત્ અમેરિકામાં સ્થાયી થવાનું રાખ્યું.
સમયગાળે દેવયાની તથા હર્ષદને, બન્નેને, માંદગીનો સામનો કરવાનો થાય છે. અને સારવાર કેડે, બન્ને, સંતાનો પડખે અમેરિકા જઈ વસવાટ કરે છે. સૌથી નાનેરા સંજય જોડે, હાલ, કોલોરાડો રાજ્યના પાર્કર નામક ગામે, દેવયાની અને હર્ષદ હવે નિવૃત્ત થયાં છે. શાસ્ત્રી પાંડુરંગ અાઠવલેની વિચારધારા અનુસાર ચાલતી ‘સ્વાધ્યાય પરિવાર’ની વિવિધ પ્રવૃત્તિઅોમાં ટોપીવાળા પરિવાર સક્રિય બની રહ્યું છે.
*
‘ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં !’
‘ચૈતર ચંપો મ્હોરિયો’ કાવ્યમાં કવિ બાળમુકુન્દ દવે કહે જ છે ને :
સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ !
વારુ, અોગણીસમી સદીએ અાપ્યા અમેિરકાના સુખ્યાત વિચારક, સાહિત્યસ્વામી રાલ્ફ વાલ્ડૉ ઇમરસને ક્યાંક કહ્યું છે : ‘I awoke this morning with devout thanksgiving for my friends, the old and new.’ અા મિત્રોને ય અામ નત મસ્તકે, હરરોજ, સાભાર, સહૃદય, સંભારતો રહ્યો છું.
કવિ ‘કાન્ત’ પોતાનો કાવ્યસંગ્રહ, ‘પૂર્વાલાપ’, અંગત મિત્ર બ.ક. ઠાકોરને અર્પણ કરે છે. અને અર્પણ રૂપે આ નીચે અાપ્યું સોનેટ લખે છે. કુદરતને ખોળે આ બે યુવાનોએ યુવાનીના શ્રેષ્ઠ વર્ષો સાથે ગાળ્યાં. શૈલશિખરે નવા પડકારોને ઊગતા જોયા. સરિતા જળમાં થતી તરંગલીલાને કવિજળનું સ્વપ્નસ્મિત કલ્પે છે. સૌંદર્યોને પ્રતિબિંબવા જે સર્જનો કર્યાં, તેમાંનાં ઘણાં તો કાળની લહરમાં વહી ગયાં, જે થોડા સંગ્રહાયાં તેની ભેટ કવિ ધરે છે, મિત્રના ચરણમાં.
… અા લખાણ પણ, અા છ મિત્રોને, ઉપહાર નામે, હવે સહૃદય સાદર :
ઉપહાર
ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે ! સૌમ્યવનનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !
તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની !
ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્દગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે ! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું !
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં !
— મણિશંકર રતનજી ભટ્ટ ‘કાન્ત
પાનબીડું :
પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે
હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે ?
− પ્રેમાનંદ
(ડિસેમ્બર 2013 – 01 અૅપ્રિલ 2014)
ઋણસ્વીકાર :-
લાંબે અરસે તૈયાર થયા અા લેખને સારુ ઋચીરા નગરશેઠ, મીતાલી દાંડિયા, પરાગ જ્ઞાની, ધનસુખ હિન્ડોચા તેમ જ હર્ષદ ટોપીવાળાએ પ્રાથમિક માહિતીવિગતો મેળવી અાપી છે. જ્યારે ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, પંચમ શુક્લ તથા કુંજ કલ્યાણીએ માર્ગદર્શક સહાયતા અાપી છે. એમની સહાય વિના અા ચરિત્રનિબંધ નબળોપાતળો રહેવા પામત. સહૃદય અાભાર.