કોમાગાટા મારુ. − કૅનેડાના પશ્ચિમ કિનારે, ઇંગ્લિશ ઉપસાગરમાં, બ્રિટિશ કોલમ્બીઅા પ્રાંતના, વૅનકૂવર નામે બંદરી નગરની ગોદીમાં, નાંગરેલા જહાજનું અા એક દૃશ્ય. એ સાલ હતી 1914. ઠીક એક સૈકા પહેલાંનું અા ચિત્ર ચાડી ખાય છે તેમ, અહીં, સૌ કોઈ પાઘડીધારી હિન્દવી જમાતની જ નસ્સલ છે.
એક જપાની વહાણવટા પેઢીનું જ અા જહાજ. હૉન્ગ કૉન્ગથી ચીનમાં સાંઘાઈ થઈ, જપાનના યોકોહામા વાટે, તે વૅનકૂવર જવા રવાના થયેલું. અા કોમાગાટા મારુ જહાજમાં પંજાબથી ગયેલા 376 ઊતારુઅો હતા. તેમાંના 20 જ ઊતારુઅોને કૅનેડામાં પ્રવેશવા પરવાનગી અપાયેલી અને બાકીના 356 લોકોને ઊતરવા દેવાયા નહોતા અને હિંદ ભણી જહાજને હંકારી જવાનું દબાણ કરવામાં અાવેલું. તે ઊતારુઅોમાં 340 શીખ, 24 મુસ્લિમ અને 12 હિન્દુઅો હતા.
‘અાપ્રવાસ’, ‘દેશાંતર’, ‘અધિવાસ’ [immigration] — અા શબ્દને સૈકાથી ગંદો, ભદ્દો તેમ જ ઉપેક્ષિત ચિતરવામાં અાવી રહ્યો છે. પૂર્વગ્રંથિઅો અને અધકચરી વિગતમાહિતીઅો દેશાંતર તો શું, પરંતુ પ્રાંતાંતર પણ મુશ્કેલી સર્જે છે. દૂર ક્યાં જઈએ, ભારતનો દાખલો લઈએ તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયેલા લોકોને કેવા કેવા હડસેલા લેવા પડે છે તેની સિલસિલાભરી વિગતો સમૂહમાધ્યમોમાં ભરી પડી છે. … ખેર !
હિન્દુસ્તાનમાંથી લોકો દેશાંતર કરીને કૅનેડામાં પ્રવેશે નહીં તેને સારુ 1908ના અરસામાં પ્રતિબંધ મૂકવામાં અાવેલો. … તે દિવસોમાં સિંગાપોરમાં સરહાલીના ગુરદીતસિંહ ઢીલોન વસતા હતા. તે સિંગાપોરના જાણીતા માછીમાર હતા. તે કહેતા : ‘પ્રવાસ વાટે માણસોની દૃષ્ટિ વિશાળ બને છે. અાઝાદ મુલકોના નાગરિકો સાથેના અાદાનપ્રદાનને કારણે તેમનામાં સ્વતંત્રતાની લાગણીઅો ઊતરી અાવે છે. અને વળી, પરદેશી શાસકોને કારણે કમજોર બનેલી પ્રજાના માનસમાં અાવા પ્રવાસને લીધે અાઝાદીની હવા ફૂંકાવી શરૂ થાય છે.’ કૅનેડાએ દાખલ કરેલા અંકુશોનો તાગ તેમને અાગોતરો મળી ગયેલો. કૅનેડા-પ્રવેશ માટે પંજાબીઅોને જે હાલાકી નડતી તેની તેમને સમજણ પણ હતી. અાથી, વાડમાં છીંડા શોધવાનું તેણે રાખ્યું. અાવી છટકબારી હાથ લાગતા તેમણે જ અા કોમાગાટા મારુ જહાજ ભાડે કરવા મનસૂબો કર્યો. અામ, ગુરદીતસિંહે સાહસનો અા કેડો લીધેલો.
તે દિવસોમાં કૅનેડામાં એક બીજા ગુરદીતસિંહ હતા, જે ગુરદીતસિંહ જવાન્ડા તરીકે જાણીતા હતા. મૂળ હરિપુર ખાલસાના રહેવાસી અા પંજાબી સજ્જન 1906માં કૅનેડામાં સ્થાયી થયેલા પંજાબીઅોમાંના સૌ પ્રથમ પૂરોગામી હતા, તેમ ઇતિહાસ નોંધે છે.
બીજી તરફ, કહે છે કે, ગુરદીતસિંહ ઢીલોને હૉન્ગ કૉન્ગમાંથી, અા જ અરસે, એટલે કે જાન્યુઅારી 1914 વેળા, ‘ગદ્દર’ અાંદોલનનો પરચમ લહેરાવી જાણ્યો. કૅનેડા તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમી વિસ્તારોમાં જૂન 1913ના અરસામાં ‘ગદ્દર’ અાંદોલનનો બૂંગ્યો ફૂંકવામાં અાવેલો. હિંદમાં અંગ્રેજી શાસકોને તગેડી મૂકવાનો મૂળ અાશય અા અાંદોલનનો હતો.
કોમાગાટુ મારુ ઘટનાને નામે તે દિવસોમાં સંઘર્ષ પણ થયાનું કહેવાય છે. હસ્સન રહીમ તથા સોહનલાલ પાઠક સરીખા અાગેવાનોએ ઠેર ઠેર સભા ભરી લોકો પાસેથી સહાય પેઠે ભંડોળ પણ એકઠું કરેલું. બરકતુલ્લા, તારકનાથ દાસ તેમ જ સોહન સિંહ જેવા ગદ્દર અાગેવાનો ય પોતાના અાંદોલનને સારુ જોમવંત પ્રચાર કર્યો અને લોકોને ગદ્દર તરફી કર્યાના હેવાલ મળે છે.
ભારત સ્વતંત્ર થયું, તે પછી, 1989ના અરસામાં વૅનકૂવરના શીખ ગુરુદ્વારામાં કોમાગાટા મારુ ઘટનાની યાદમાં એક સ્મારક તક્તિ જડવામાં અાવી હતી. તે પછી,સન 1994 દરમિયાન, વૅનકૂવર બંદરના વિસ્તારમાં ય એક અધિકૃત સ્મારક તક્તિ જડવામાં અાવી છે.