ગુજરાતીના એક અવ્વલ સાહિત્યકાર ઉમાશંકર જોશીની એક કવિતા હમણાં હમણાં સતત સાંભર્યા કરે છે :
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
તેં શું કર્યું ?
અમારે ત્યાં 31 જાન્યુઆરી 2020ના મધરાત પહેલાં, છેવટે, બ્રેક્સિટની અધિકૃતતા સ્થપાઈને રહી. એટલે જ પૂછવાનું મન થાય : ‘દેશ તો યુરોપીય સંઘ મુક્ત થઈ ગયો, … તેં શું કર્યું ?’ કવિ જનતાને, નાગરિકને સવાલે છે; એમ યુનાઇટેડ કિંગ્ડમની રૈયતની સામે ય અહીં સવાલ ખડો છે : ‘ભલા, તેં આ શું કર્યું ?’
courtesy : Paresh Nath, The Khaleej Times, UAE, October 2019
વારુ, સન 1951માં ‘ટૃીટી ઑવ્ રોમ’ થઈ. બીજા વિશ્વયુદ્ધ બાદ, અસ્તવ્યસ્ત થયેલા યુરોપના દેશોનું અર્થતંત્ર પાટે ચડે તે માટે તેની રચના કરવામાં આવી હતી. 1956માં ‘યુરોપીયન એકોનોમિક્સ કમ્યુનિટીનો આદર કરવાની શરૂઆતી થઈ. યુરોપના માંહેમાંહે લડતા ઝગડતા દેશો આમ એક પંગતે બેસેઊઠે, એનું પાકું એક મંડાણ થયું. ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ચાર્લ્સ દ’ગોલ જો કે વીટો વાપરતા રહી, યુનાઇટેડ કિંગ્ડમનો સાથોસાથ પાટલો પડે તે અટકાવતા રહેલા ! યુરોપના બીજા દેશો, દરમિયાન, સંઘમાં જોડાતા ગયા. પણ આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમનો વારો છેક 01 જાન્યુઆરી 1973ના, બાવીસ વરસને ઓવારે, આવ્યો. તે વખતે બ્રિટનમાં એડવર્ડ હીથના વડપણવાળી કન્સર્વેટિવ સરકાર હતી. સંસદમાં ઠરાવ મુકાયો તે વેળા લેબર પક્ષમાં તડા હતા. નેતા હેરલ્ડ વિલ્સને તેમ જ એમના નાયબ નેતા જિમ કેલેહાને ઠરાવની વિરુદ્ધ મતદાન કરેલું. ઑક્ટોબર 1974માં સાર્વત્રિક ચૂંટણી થઈ અને હેરલ્ડ વિલ્સનના વડપણમાં લેબર પક્ષ વિજયી થયો. પાતળી બહુમતી હોવા છતાં, 1975માં યુરોપીય મજિયારી બજારના ટેકામાં લોકમત લેવાનું ઠરાવાયું. હેરલ્ડ વિલ્સન, જિમ કેલેહાને પણ લોકમતની તરફેણે મન મૂકીને કામ કર્યું અને દેશે લેબર સરકારને યુરોપીય મજિયારી બજારમાં પ્રવેશ માટે 67 ટકાની બહુમતી આપી.
માર્ગરેટ થેચર, ફેબ્રુઆરી 1975 વેળા, બહુમતીએ કન્સર્વેટિવ પક્ષના નેતાપદે એડવર્ડ હીથને પરાસ્ત કરીને ચૂંટાયાં. હળુ હળુ પક્ષને ઉદારમત સામે જમણેરી વળાંક આપવાનો થેચરે આરંભ કર્યો. 1979માં ચૂંટણી આવી અને એ બહુમતીએ વડાપ્રધાન થયાં. એમણે પોતાના કાર્યકાળ દરમિયાન પક્ષને, દેશને નક્કરપણે જમણેરી વળાંક આપ્યો. લોકભોગ્ય ઉચ્ચારણો અને કાર્યપદ્ધતિથી શાસન ચલાવ્યું. પણ યુરોપ મુદ્દે તે યુરોપતરફી રહ્યાં. એમનાં પછી, જ્હોન મેજર વડાપ્રધાન થયા અને કન્સર્વેટિવ પક્ષનો સંસદમાં ટેકો યુરોપ તરફે જ રહ્યો. 1993 વેળા માસ્ટૃિક કરાર થયા. મજિયારી બજારને સંઘમાં પરિવર્તિત કરવામાં આવી. 1997 પછી ટૉની બ્લેરની આગેવાનીમાં લેબર સરકાર અસ્તિત્વમાં આવી. ટૉની બ્લેર પછી એમના નાણામંત્રી ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન થયા અને એમના જ વખત-ગાળામાં, 2009માં લિસબન કરાર કરવામાં આવતા, યુરોપીયન યુનિયનની રચના કરવાનું ઠેરવાયું.
વડા પ્રધાન બ્રાઉનના શાસનકાળમાં યુરોપીય સંઘ નામે અહીંતહીં ગોકીરો થયા કરતો. અને આવો ગોકીરો કન્સર્વેટિવ પક્ષમાં ઝાઝેરો અને લેબર પક્ષમાં નહીંવત દેખાતો. એની વચ્ચે ગોર્ડન બ્રાઉને ચૂંટણી માટેની જાહેરાત કરી. તેમના પક્ષને ધારી બહુમતી સાંપડી નહીં. આમ સભામાં ડેવિડ કેમરુનના વડપણ હેઠળના કન્સર્વેટિવ પક્ષને ગૂંજે બહુમતી સાંપડ્યા વિના ઝાઝેરાં સાંસદોનો જુમલો હતો. તેમ છતાં આમ સભામાં બહુમત ન હોઈ, લિબરલ ડેમોક્રેટ પક્ષ સાથે વાટાઘાટ કરી સંયુક્ત સરકારની રચના કરાઈ. બ્રિટન માટેના ફાયદારૂપ સુધારાઓ મેળવવા ડેવિડ કેમરુને યુરોપીય સંઘ સાથે વાટાઘાટ આદરી. બીજી પાસ, કન્સર્વેટિવ પક્ષમાં યુરોપમાંથી ફારતગી લેવાની તરફદારી વધતી ચાલી હતી. આમ સભામાં વરસો જૂનાં આવાં સાંસદો ઉપરાંત બીજાં અનેકોનું ઊમેરણ થયું હતું. આ કોયડાનો કાયમી ઊકેલ લાવવા માટે લોકમત લેવાનું આથી વડા પ્રધાન વિચારતા રહ્યા. તેમની નજર તેમના પક્ષનાં સાંસદોને સારુ ટાઢા પાડવાનો હોય તેમ લાગતું હતું. પ્રધાનમંડળમાંના તેમના બે વરિષ્ટ સાથીદારો કેમેરુનને વારતા રહ્યા. લિબરલ ડેમોક્રેટ તો પાયાગત આ વિચારની વિરુદ્ધમાં હતા. અને છતાં, વડા પ્રધાને 2016માં જુગાર ખેલવા ચોપાટ માંડી. ડેવિડ કેમેરુન ખુદ પોતે યુરોપમાં સામેલ રહેવાના મતમાં હતા અને તેમને ખાતરી હતી કે લોકમતમાં તે જીતશે. પણ, તેમ બન્યું નહીં. આશરે 52% લોકોએ ફારગત થવાને મત આપ્યા. સંબંધ જારી રાખવાની ટકાવારી સામી બાજુ ઝાઝી છેટી નહોતી, તેનો આંક આશરે 48% જેવડો રહેલો. ડેવિડ કેમેરુને વડાપ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું અને તેને સ્થાને ટરિઝા મે આવ્યાં.
યુરોપીય સંઘ સાથે અનેક જાતની, અનેક સ્તરે વાટાઘાટ બેઠકો યોજાતી રહી. ટરિઝા મે ‘બ્રેક્સિટ’ માટેની યોજના પણ મેળવી આવ્યાં. પરંતુ આમ સભામાં તેમની સરકારને બહુમતી ટેકો હતો નહીં. અઢી વરસ ઉપરાંતનો સમય વેડફાતો રહ્યો. તેમના કન્સર્વેટિવ પક્ષમાં ચરુ ઊકળતો રહ્યો. અને છેવટે પક્ષે તેમને દૂર કર્યાં અને તેને ઠેકાણે બોરિસ જોનસનને લાવ્યા. સાર્વત્રિક ચૂંટણી લેવાઈ અને મોટી બહુમતીએ તે અને તેમનો પક્ષ ચૂંટાયો. અને આમ સભાએ બ્રેક્સિટ અંગેની બોરિસ જોનસન મેળવી લાવેલી યોજનાને બહાલ રાખી અને હવે 01 ફેબ્રુઆરી 2020થી યુનાઇટેડ કિંગ્ડમ યુરોપીય સંઘથી ફારગત થયું. ફરી વાર તે ટાપુ દેશ તરીકે ‘આઝાદ’ થયું.
courtesy : CHAPPATTE, International New York Times
આ દેશના એક વરિષ્ટ સમીક્ષક, વિશ્લેષક અને લેખક સ્ટીવ રિચર્ડ્સે હાલ એક મજેદાર પુસ્તક – ‘ધ પ્રાઈમ મિનિસ્ટર્સ’ આપ્યું છે. હેરલ્ડ વિલ્સનથી માંડીને ટેરિઝા મે લગીનાં દરેક વડા પ્રધાન અંગે વિગતે આલોચક સમીક્ષા આપી છે. ઉપસંહારમાં, સ્ટીવ રિચર્ડ્સ કહે છે : યુનાઇટેડ કિંગ્ડમમાં એક અરસાથી આગેવાનની સરિયામ ખોટ વર્તાય છે. ચોમેર લોકરંજનવાદી જમણેરી વિચારધારાની અસર વર્તાતી હોય, વૈષ્વિક બજારુ અર્થતંત્રને લીધે અસીમ અસલામતી અનુભવાતી હોય તેમ બ્રેક્સિટને કારણે ક્યારે ય અંત આવી ન શકે તેવી દેખીતી ધડાકાભડાકા કરતી માગણીઓ સતત વિંઝાતી રહેતી હોય, તેવે સમે લોક સાથે સંવાદ રચીને આગેવાની આપી શકાય તેમ વર્તાતું ન હોય, પક્ષોને કાબૂમાં રાખી શકાતા ન હોય, આમ જનતાને ફાયદામંદ બને તેવી નીતિરીતિ અમલમાં ન હોય, તેથી ભારે વિમાસણ પેદા થાય. એકાદી ટેલિવિઝન મુલાકાતમાં જરાતરા રંગ જમાવાયો હોય અને પછી જોડાજોડ ટ્વીટર, વૉટ્સએપ તેમ જ સોશિયમ મીડિયાના ઓજારોથી સંતોષના ઘૂંટડા લેવાતા રહ્યા હોય, તેવા, આવા આગેવાનને થાય છે કે, લાવ, હું ય વડા પ્રધાન થઉં. પણ વડા પ્રધાન પદ પાસે આજે ઝાઝેરી અપેક્ષા બંધાઈ છે, અને સામે માપને સારુ ગજ સતત ટૂંકો જ પડતો અનુભવીએ છીએ.
એક સમે રાજકારણને સમર્પિત રાજકારણીઓ ચોમેર હતા. આજે નિગમિક ક્ષેત્ર(કોરપોરેટ સેક્ટર)માં રચ્યાપચ્યા ખેલંદા ય આંટોફેરો કરી જાય છે, જેમને છેવાડાના માણસ જોડે કોઈ અનુસંધાન હોય તેમ લાગતું નથી. 1979 પછી જેમ માર્ગરેટ થેચરે રાજકારણની, તેમ દેશસમાજની કાયાપલટ કરી નાંખેલી, તેમ વડા પ્રઘાન પદે નહીં પહોંચવા છતાં 2015થી લેબર પક્ષમાં જે લોકશાહીનો પવન ફૂંકાતો થયો અને લેબર પક્ષને યુરોપનો સૌથી મોટો પક્ષ બનાવવાનો તેનો કાયમી યશ જેર્મી કોરબિનને ફાળે સતત બોલતો રહેવાનો છે.
આવી આવી પરિસ્થિતિઓની પછીતે યુરોપીય સંઘમાંથી બ્રિટનની ફારગતીની આ વેળાને જોવાતપાસવાની છે.
સાંપ્રત વડા પ્રધાન બોરિસ જોનસનની કાબેલિયત, તેમનું વ્યક્તિત્વ પણ સરાણે રહેવાનું છે. પહેલી નજરે તે મોઢે ચડાવેલું બાળક હોય અને તેનો ઉછેર તેની હાજી હાજીમાં થયો હોય તેમ વર્તાય છે. પત્રકાર બોરિસ જોનસને વિન્સટન ચર્ચિલની એક મજેદાર જીવનકથા, નામે – ‘ ધ ચર્ચિલ ફેક્ટર હાઉ વન મેન મેઇડ હિસ્ટૃી’ આપી છે. સપનાં તો ચર્ચિલને પગલે ચાલવાના તે જૂએ છે. પણ લોર્ડ નૉર્થે એક દા તેમના અખબાર “ડેયલી ટેલિગ્રાફ”માં પત્રકારુ કરતા બોરિસભાઈ વિશે કહેલું તે સાંભરે છે : તેનો સ્વભાવ શિયાળ શો છે ! તેની કામ કરવાની ઢબછબ પણ લહેરીલાલાને સારા કહેવડાવે તેવી છે. અને તેથી ધાર્યું કરાવવાની ધૂનમાં પ્રધાનમંડળમાં તાજેતરે જે ફેરફારો કર્યા, જે રસમોને કામ લગાડાઈ તેનાથી તે ખુદ વિરોધ, અલગ વિચારસરણીનો સ્વીકાર કરે તેમ લાગતું નથી.
ડેવિડ કેમરુન સામે કન્સર્વેટિવ પક્ષને સાંચવી લેવાનો સવાલ હતો અને તે વેળા યુનાઇટેડ કિંગ્ડમ ઇન્ડિપેન્ડન્ટ પક્ષને મલાઈલાભ મળી ન જાય તેની ચિંતા હતી. ચોમેર છવાયેલા, એક રોચક વક્તા તેમ જ ઉમરાઉ સમાજની ચાડી ખાતા હોય તેવા નાઇજલ ફરાજને દાબમાં રાખવાની કેમેરુનને ચિંતા હતી. બોરિસ જોનસન સામે નાઇજલ ફરાજ તો રહ્યા છે, પણ આ ફેરે તે ‘બ્રેક્સિટ પક્ષ’ને નામે ગરબે ઘૂમતા હતા. આ બન્ને પક્ષોનું વજન તો ભારે ઓસરી ગયું છે, પણ નાઇજલ ફરાજનો તોખાર તેવો જ તાજાતર અને હણહણતો દેખાય છે.
ટૉની બ્લેર વડાપ્રધાન હતા તે સમયે વેલ્સ તેમ જ સ્કૉટલૅન્ડને પ્રાંતીય સ્વરાજની જોગવાઈ અપાઈ. વેલ્સમાં લેબર શાસન ચાલુ છે, પણ સ્કૉટલૅન્ડમાં લેબરના મૂળિયાંનું ધોવાણ થયું છે અને ત્યાંની રાષ્ટૃવાદી પક્ષની બોલબાલા વધી છે. તે સ્કૉટિશ નેશનાલિસ્ટ પક્ષનું શાસન એક અરસાથી ત્યાં છે. અને તે પક્ષ, તેનાં સંચાલકો અને સ્કૉટલૅન્ડનો બહુ મોટો પ્રજાજન યુરોપ જોડે રહેવાનું જ માને છે. પરિણામે સ્કૉટલૅન્ડમાં આઝાદીની હવા ફૂંકાતી રહી છે. એક વખતના લોકમતમાં સ્કૉટિશ લોકો નહીંવત મતે જ આઝાદી મેળવી શક્યા નહોતા. ફરી વખત આ નાદ સતત વીંઝાતો રહ્યો છે. વારેપરબે સ્થાનિક શાસક પક્ષ તેની રજૂઆત સંસદમાં અને અન્યત્ર કરે જ છે.
બીજી પેરે, ઉત્તર આર્યલૅન્ડમાં છેક બે વરસે પ્રાંતીય શાસન લાવી શકાયું. મડાગાંઠ જે પડેલી તેનો ઉકેલ રાજકારણીઓને જડતો નથી, અને સતત નડતો રહ્યો છે. કેથલિકો અને પ્રૉટેસ્ટન્ટો વચ્ચેનું પરાપૂર્વનું વેરઝેર તો ઊભું જ છે. તેની વચ્ચે શિન ફિયેન પક્ષનું જોર વધવામાં છે. અત્યારના શાસકોમાં બંધારણ મુજબ પક્ષનો પગપેસારો તો છે જ. હવે સીમાની પહેલે પાર, પ્રજાસત્તાક આર્યલૅન્ડની તાજેતરની સાર્વત્રિક ચૂંટણીઓમાં પણ શિન ફિેયેન પક્ષે કલ્પનાતીત કાઠું કાઢ્યું છે. બની શકે કે ઉત્તર આર્યલૅન્ડને દક્ષિણ જોડે સાંકળવાનું જો કામયાબ બને, તો યુનાઇટેડ કિંગ્ડમનું ભાવિ કેટલે ?
ઘરઆંગણે રંગભેદ અને પૂર્વગ્રંથિઓ વારેપરબે માથું ઊંચકે છે. 1948 દરમિયાન ‘એમ્પાયર વિન્ડરસ’ નામે સ્ટીમર ટીલબરી બંદરે લાંગરી ત્યારથી આણેલાં આ લોકો માટે વચનોનું પાલન થયું નથી અને ભેદભાવનું આચરણ થતું આવ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ તેમ જ કેરેબિયાથી અનેક લોકો જાહેર સંચાલનોમાં કામદાર તરીકે ભરતી કરાયાં હતાં. તેમને થાળે પાડવામાં ગૃહ ખાતું ગલ્લાંતલ્લાં કરતું રહ્યું છે અને કેટલાંકને દેશવટો ય અપાઈ રહ્યો છે. બીજી તરફ ઇસ્લામોફોબિયાએ પણ જોર પકડ્યું છે. જ્યારે બીજી તરફ, સેમાઇટ વિરોધી સૂર પણ ગાજતોફરતો સંભળાય.
courtesy : CHAPPATTE, Der Spiegel
યુરોપીય સંઘને સારુ બાકી રહેલા 27 દેશોને સાંચવવાના છે. તેથી આ ફારગત થયેલા અગત્યના મુલક સાથે વાટાઘાટ કરવામાં, નિર્ણયો લેવામાં અંદાજે પારાવાર આલ્પસની પર્વતમાળા ચડતાં જે હાંફ ચડે તેવી પરિસ્થિતિ સર્જાય તો ય નવાઈ નહીં. અને એ પછી કોઈ પણ જાતના વેપાર વાણિજ્યના કરારો ન થાય અને યુનાઇટેડ કિંગ્ડમ એક સાર્વભૌમ આઝાદ ટાપુ વેપારીઓનો મુલક બનવા ફરીવાર સજ્જ બની બેસે તો લગીર નવાઈ નહીં.
ભારતના એક અવ્વલ વિચારક અને સમીક્ષક ભાનુ પ્રતાપ મહેતાએ અન્યત્ર લખ્યું છે તેમ જગતની સામે આજે નિગમીય ક્ષેત્રની દાદાગીરીવાળા પૂંજીવાદ સામે લોકશાહીનો ઝંડો સાંચવવાની આ ઘડી છે. … જોઈએ.
પાનબીડું :
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
તેં શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !’
-રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો ! તેં શું કર્યું ?
– આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.
— ઉમાશંકર જોશી
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 17/18.02.2020
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
[1762 words]
સૌજન્ય : "નિરીક્ષક", 01 માર્ચ 2020; પૃ. 08-10