ઓશોએ એક મઝાનું દષ્ટાંત આપ્યું છે. પોતાનો પુત્ર, મોટો થયા બાદ પણ વાચાહીન રહેવાને કારણે તે માતા અત્યંત ચિંતિત હતી. એક દિવસ તે બોલી ઊઠયો, ‘મમ્મી, ટોસ્ટ બળેલો છે.’ સ્વાભાવિક રીતે જ માતાના હરખ અને વિસ્મયનો પાર ન રહ્યો. તેણે પૂછયું, ‘આટલું બોલવામાં તે આટલી વાર કેમ લગાડી ?’ પુત્રે જવાબ આપ્યો, ‘મમ્મી’, અત્યાર સુધી બધું બરાબર હતું તો હું નાહક શા માટે બોલું ? આજે ટોસ્ટ દાઝી ગયો હતો માટે મારે મૌનભંગ કરવો પડ્યો.’
તો મિત્રો, વાત આટલી જ છે. બધું સમુસૂતરું ચાલતું હોય, જીવનના કોઈ ક્ષેત્રમાં કશું કહેવાપણું ન હોય, વર્તમાનપત્રોમાં લાખોકરોડોનાં કૌભાંડોનાં કૌભાંડો વિશે વાંચવા ન મળતું હોય, પ્રજાને ભગવાનના ભરોસે છોડી દેવામાં આવી ન હોય, કરોડોમાં આળોટતા આપણા સેવકો પાસે આટલી સંપત્તિ કોઇ દેખીતા કામધંધા વિના કેવી રીતે આવી તેની જાણ ન થાય, ત્યારે લાંબા સમયથી મૂક પેલા બાળકની જેમ નાગરિકોએ પણ મક્કમપણે બોલવું રહ્યું. ચૂપ રહી પાપના ભાગીદાર બનાય નહીં.
વચ્ચે સચ્ચિદાનંદન સંપાદિત ‘Words Matter’ પુસ્તક વાંચવામાં આવ્યું. જેમાં આપણા અત્યંત સંવેદનશીલ બુદ્ધિજીવીઓ – માર્કંડેય કાત્જુ, એમ.એમ. કલબુર્ગી, પંકજ મિશ્રા, નયનતારા સેહગલ વ.એ કશી દિલચોરી કર્યા વિના શાસકોના કાન આમળ્યા છે, તેમને તેમનો ધર્મ સમજાવ્યો છે. આ પુસ્તકમાં શરૂઆતમાં જ Czeslaw Miloszની પંકિતઓ ટાંકી છે :
You who have wronged the simple man
Bursting into laughter at his suffering.
Do not feel safe. The poet remembers.
કવિઓ- સર્જકો માટે તો શબ્દો એ જ તેમનાં શસ્ત્રો. સલિલ ત્રિપાઠી સહિષ્ણુતાનો મહિમા સમજાવે છે. પણ એમ.એમ. બશીર જેવા અભ્યાસી વાલ્મીકિ રામાયણ વિશે લખે તે સાંખી શકતાં નથી.આપણે ત્યાં તો લોકોની લાગણી ઝટ દુભાઈ જાય છે અમુક તત્ત્વો અને એમને મનાવ્યે જ છૂટકો. કલાની જેને કોઈ ગતાગમ નથી તે કૉન્સ્ટેબલ, પ્રદર્શિત કૃતિને દૂર કરવાનું જણાવે, કારણ ? ગાયને અધચ્ચે લટકતી બતાવવામાં આવી હતી. બિચારો કલાકાર તો ગાયની દયનીય હાલત તરફ ધ્યાન દોરવા માંગતો હતો. આપણે ગાયને એંઠવાડ ખવડાવીએ, એના પેટમાં કેટલું પ્લાસ્ટિક જાય છે એની ચિંતા ન કરીએ; પણ કોઈ એના વિશે ચિત્ર દોરે તો વિરોધ કરવામાં પાછા ન પડીએ.
ગમે તે પક્ષની સરકાર હોય – સર્જકો હંમેશાં અવાજ ઉઠાવતા રહ્યા છે. કૉઁગ્રેસ શાસનવેળા કટોકટીનો જોરશોરથી વિરોધ થયો જ હતો. ઘણાંએ પોતાને પોંખવામાં આવ્યાં હતાં તે સન્માન ખુમારીપૂર્વક પરત કર્યાં હતાં. આજે તો કોઈ સૂઝ વિનાના રાજકારણીઓ બેફાન નિવેદનબાજી કરી રહ્યા છે. આક્ષેપો-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, એમને શબ્દોનું પાવિત્ર્ય અને માહાત્મય કોણ સમજાવે?
અશોક યુનિવર્સિટીમાં ઉચ્ચ હોદ્દા પર આસીન પ્રતાપ ભાનુ મહેતા જેવા વીરલા કોઈ ન મળે જેમને શાસકોની ખફગી વહોરવી પડે તે પહેલાં, અંતરાત્માના અવાજને અનુસરવાનું પસંદ કર્યું.
અત્યારે nameless fearનું વાતાવરણ જોવા મળે છે. ટોસ્ટ સંપૂર્ણપણે બળેલો છે એમ કહીએ તો પણ ચાલે. ત્યારે વાસ્તવિકતા તરફ અંગુલિનિર્દેશ કરવા સંવેદનશીલ નાગરિકો, સર્જકોએ બોલવું રહ્યું. અસહિષ્ણુતા, કોમવાદ, શોષણ જેવાં અનિષ્ટોએ ભરડો લીધો છે, એક મહાન ‘ઍબ્સર્ડ’ નાટક ભજવાઈ રહ્યું છે, ખુશામતખોરો કોઈ જાતની લાયકાત વિના ઉચ્ચ હોદાઓ પર ગોઠવાઈ ગયા છે, તો કોઈ તો કહો, આ ‘ટોસ્ટ હવે ખાવા જેવો રહ્યો નથી’. શાસકોને રામ કે કૃષ્ણ સાથે સરખાવવામાં આવે ત્યારે કરોડોની જનસંખ્યા ધરાવતા દેશોમાં કોઇના પેટનું પાણી પણ કેમ નથી હાલતું?!
બિચારા સામાન્ય નાગરિકોને તો ચૂંટણી વેળા જ યાદ કરવામાં આવે છે. પણ કોઇ દુષ્યંતકુમાર, કોઇ ધૂમિલ બધું જુએ છે, બધુ યાદ રાખે છે – તે મોટું આશ્વાસન છે. આપણે ત્યાં કયારેક સરદાર પટેલ જેવા ગૃહમંત્રી હતા જેમણે હોદ્દાનો કોઇ ગેરલાભ લીધો ન હતો, કોઇને લેવા દીધો નહતો. જયપ્રકાશ નારાયણ હતા જેમને રાષ્ટ્રપતિપદ કે વડાપ્રધાન પદ આકર્ષી શકયા નહોતા, ઇંદિરા ગાંધીએ જેલમાં ધકેલ્યા છતાં એમને મન તો પુત્રીવત્ રહ્યા હતાં. ‘હિસાબ પતાવવાના દિવસો’ દૂર હતા.
અંગત રીતે, મારા જેવા ઘણાને જે.પી.ની ગેરહાજરી સાલવાની, જેમનામાં ‘ટોસ્ટ બળી ગયો છે’ કહેવાની નૈતિક હિંમત હતી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 02