દેશ-વિદેશમાં વસતા મારા અનેક ગુજરાતી બાંધવોની જેમ, મને પણ આ સપરમા દિન નિમિત્તે થોડું પ્રકટ ચિંતન કરવાનું મન થઈ આવે છે. જેમના કારણે આ સ્વપ્ન વાસ્તવમાં ફેરવાઈ શક્યું, તે અનેક આંદોલનકારીઓને સ્મરીને કૃતકૃતજ્ઞતા વ્યક્ત કરું છું. કબૂલ, રાજી થવાને અનેક કારણો છે, પણ હતાશ થવા માટે ય ક્યાં ઓછાં કારણો છે ? કુદરતી તાપ અને માનવસર્જિત સંતાપ બંને દઝાડી જાય છે, વ્યથિત કરે છે, અકળાવે છે.
ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો, તે મારા કિશોરાવસ્થાના કાળથી આજ લગી કેટલી ય રાજકીય ગતિવિધિઓ અને જાહેરજીવનની સારીનરસી ઘટનાઓનો સાક્ષી રહ્યો છું. તેમને હું ગુમાવી બેઠો છું, તે મારાં સ્વજનો, મારાં નાનકડું ગામ, મિત્રોને કારણે Sense of loss પજવે છે. તેવું જ મારા રાજ્યના કિસ્સામાં, ના, આ મારું પ્રારંભિક તબક્કાનું ગુજરાત નથી જ. જાતજાતનાં રાજકીય કારણોસર યોજાતા મેળાઓ, તાયફાઓ, ઉત્સવો પાછળ લાખોનું આંધણ કરી નાખતાં શાસકોને કોણ યાદ કરાવે કે અહીં ટૂંકી પોતડીમાં સજ્જ રવિશંકર મહારાજ નામનો જણ થઈ ગયો, જે સાદગીનો અવતાર હતો ? જે રીતે આંધળા ખર્ચ કરી, દેવાનો ડુંગર ખડકવામાં આવે છે, તે જોતાં પૂછવાનું મન થાય છે, ‘જયજય ગરવી ગુજરાત’ કે ‘જયજય ગીરવી ગુજરાત’?
આપણા શાસકે રૂપાળાં સૂત્રો આપવામાં માહેર છે. હમણાં ‘વિશ્વ પુસ્તકદિન’ આવી ગયો. ‘વાંચેગુજરાત’ની ઝુંબેશ ચલાવનારા પ્રત્યેક પક્ષના રાજકારણીઓ પાસે નાનુંસરખું નિજી ગ્રંથાલય હશે ખરું? ઉદ્ઘાટનો, મોરચાઓ, પક્ષના કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચેથી થોડો સમય વાચન માટે ફાળવતા હશે ખરાં? મુખ્યમંત્રીશ્રીએ આ શુભઅવસર પર તમામ રાજકારણીઓને પુસ્તકો સુધી દોરી જવા જોઈએ. ‘All Politicians should be brought to books,’ બરાબરને?
ગુજરાતને જેમના કારણે આગવી ઓળખ મળી છે, તે સર્વશ્રી ઉમાશંકર જોશી, નિરંજન ભગત ‘દર્શક’ને કેમ યાદ નહીં કરાયા હોય? એમની વિદ્વત્તા, રમૂજવૃત્તિ, નિસબત હવે તો ક્યાં ય જોવા મળતાં નથી. એક કિસ્સો ટાંકવાનું ગમશે. કુલપતિ હતા, ત્યારે દર્શનસિંગ શીખના વર્તનથી અકળાઈ, ટકોર કરતાં હળવાશથી એમણે આટલું જ કહ્યું, દર્શનસિંગ … શીખ. કેવો મઝાનો શ્લેષ!
આજે દેશને લૂંટવાની સ્પર્ધામાં બધાં ઊતર્યા છે, ત્યારે માવળંકર સાહેબે પારદર્શક વહીવટનો કરાવેલો અનુભવ યાદ આવે છે. મારી કૉલેજમાં વ્યાખ્યાન આપવા, તેમને નિમંત્રણ પાઠવવા ગયેલો, ત્યારે તેમણે કહેલું, આજે સાંજે લેસ્કી ઇન્સ્ટિટ્યૂટ’માં મહારાષ્ટ્રના એક મોટા ગજાના વિદ્વાન ‘ભગવદ્ગીતા’ પર વક્તવ્ય આપવાના છે. આમ તો, લેસ્કીના સભાસદો જ હાજર રહી શકે અને અન્ય શ્રોતાએ ફી ચૂકવવી પડે, પણ તમે મારા મહેમાન હોઈ, તમારે કંઈ આપવાનું નથી. તમારી ફી હું ચૂકવીશ. સંસ્થાને શા માટે ખોટ જવી જોઈએ? પોતે નિયામક હોવા છતાં, કોઈ બાંધછોડ નહીં. કેવા ઉમદા મહાનુભાવો અને આજે તો પોતાના સસરાનું હૉસ્પિટલનું બિલ, ગરીબોના ફંડમાંથી ચૂકવવામાં અચકાટ ન અનુભવનારા મોભીઓ છે. એમનો અંતરાત્મા આમ કરવાથી મંજૂરી આપતો હશે. મારા આચાર્ય મજાકમાં કહેતા હતા, ‘અંતરાત્મા થોડો જોડો છે તે ડંખે?’
પોતાની અણઆવડત કે નિષ્ફળતાનો બચાવ કરવાની બધી ફાવટ શાસકો પાસે છે. એમને કોઈ કહે, ‘દારૂબંધીનો કાયદો છે, તો આટલા અડ્ડા બેરોકટોક કેમ ચાલે છે? કેમ આટલી હદે દારૂ પીવાય છે? તો તરત જવાબ મળશે,’ અમે તો કહીએ છીએ, ‘અહીં નહીં બીજે … પી’ બીજેપી- બીજેપી કહેતા રહીએ છીએ, પણ કોઈ સાંભળે તોને?
પાદરીએ અપરિણીત રહેવા સંદર્ભમાં કહેવાય છે ‘Father can marry none’. પણ કોઈ ધર્મપુરુષ પોતાની સાદગી સાથેનાં લગ્નના બચાવમાં કહી શકે, ‘Father can marry run.’ આક્ષેપો, ગુનાઓ, ખુલાસાઓ, આંકડાઓની માયાજાળમાં ફસાયેલા મારા ગુજરાતને સમર્પિત શિક્ષક, સાહિત્યકાર, પત્રકારની ખોટ કદી ન હજો.
ગુજરાત સ્થાપનાદિન પ્રસંગે મારી નજર સમક્ષ તરવરી રહ્યા છે અનેક લાચાર, ગરીબ, નિમ્ન મધ્યમવર્ગીય વાલીઓના ચહેરાઓ જેઓ તગડી ફી ભરી શકે તેમ નથી. તેમનાં સંતાનો નિરક્ષર રહે, ‘બ્રાહ્મણ’ની કક્ષા સુધી ન પહોંચે એમાં જ કદાચ શાસકોને રસ હશે. એક વ્યંગ ચિત્રમાં આબાદ કટાક્ષ જોવા મળ્યો હતો. એક મવાલી મંત્રીમહોદયને વિનંતી કરતાં કહે છે, ‘સાહેબ, મારા દારૂ, જુગારના અડ્ડા તો બંધ થઈ ગયા. હવે એક શાળા ખોલવાની પરવાનગી અપાવો, તો મારી કમાણી ચાલુ રહે,’ મારો ઇ.એન.ટી. સર્જન ભાઈ કહે છે, આજે પ્રાથમિક શિક્ષણ માટે જેટલી ફી વસુલાય છે, તેટલામાં તો હું એમ.એસ. થઈ ગયો હતો.
શિક્ષકોની ઘટ, દાક્તરોની ઘટ, ન્યાયાધીશોની ઘટ, માત્ર મંત્રીઓની એક પણ જગા ખાલી નહીં.
નક્કી તો કર્યું હતું, નિવૃત્તિકાળમાં માત્ર ને માત્ર સાહિત્યના અધ્યયન પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ. પણ મારું ‘ગુજરાતીપણું’ આટલું લખાવી ગયું. આર્થર મિલરના ‘All My Sons’ નાટકમાં પુત્ર પ્રત્યેના પ્રેમમાં અંધ પિતા હલકી ગુણવત્તાવાળા સ્પૅરપાટ્ર્સ બનાવે છે. જેના કારણે અકસ્માતમાં ત્રેવીસ યુવકો મૃત્યુ પામે છે. આદર્શવાદી પુત્ર લાંબી દલીલોને અંતે પિતાને કહે છે, ‘હું ગટરમાં સબડવાનું પસંદ કરીશ, પણ અનીતિથી મેળવેલું ઘન ન ખપે. નફાખોર માનસ ધરાવતા પિતાને ઝબકારો થાય છે. જે મૃત્યુ પામ્યા તે પણ મારા પુત્રવત્ હતા.’
આખરે આપણી જરૂરિયાતો કેટલી ? Some food, some clothes, some fun and some one. આપણા રાજકારણીઓ અને સનદી અમલદારો આટલાથી સંતુષ્ટ રહેવાનું શીખશે ત્યારે રૂડું પ્રભાત ઊગશે. માત્ર કન્યાઓ પરના બળાત્કાર માટે જ નહીં, મારી ગુજરાતી ભાષા પર અત્યાચાર કરનારને ય આકરી સજા મળવી જોઈએ.
ડીસા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 04