સમ-સંવેદના
છેલ્લા કેટલા ય દિવસોથી લાંબી કતારમાં કલાકો સુધી ઊભા રહ્યા બાદ પણ તેનો વારો આવે તે પહેલાં રોકડ રકમ ખલાસ થઈ જવાથી અલી ડોસાને પાછા ફરવું પડતું હતું. આજે તો ઠંડી પણ વિશેષ હતી. બહાર ધુમ્મસને કારણે નજીકની વ્યક્તિ કે વસ્તુને પણ ઓળખવામાં, તેની ક્ષીણ થતી જતી દૃષ્ટિને કારણે તકલીફ પડતી હતી.
મરિયમ પૈસાની રાહ જોતી હશે અને તે પામર પિતા તેને સહાયરૂપ થઈ શકતો નથી, એ વિચાર તેને અકળાવતો હતો. આજે તો કોઈ પણ હિસાબે પૈસા લઈને જ પાછો આવીશ એ દૃઢ નિશ્ચય કરી તે ઝૂંપડી બહાર નીકળ્યો. પ્રાતઃ કર્મ માટે ય સમય બગાડ્યો નહીં.
તેના દ્વારા પૂછાતા બાલિશ પ્રશ્નો, ‘આજે તો કેશ આવશે ને? ફક્ત બે હજાર જ ઉપાડવા મળશે? આજનો ટોકન કાલે રજૂ કરીએ તો આગળ ઊભા રહેવા મળે? આજે પહેલા શનિવારે બૅંક ચાલુ હશે? સિનિયર સિટિઝનનું કાર્ડ રજૂ કરવું પડે?’ વગેરેને કારણે તે ઠીક ઠીક હાસ્યાસ્પદ બનતો હતો. જેના કડપને કારણે લોકો થરથરતા હતા એ અલી ડોસો આજે દયનીય હાલતમાં મહેણાંટોણાં સાંભળી મનમાં સમસમી જતો હતો. પણ ઉપાય પણ શો હતો?
વહેલા નીકળવા છતાં ય, બૅંક દૂર હોવાને કારણે અને ઝડપથી ચાલવા અશક્ત હોવાના કારણે અલી ડોસો પહોંચ્યો ત્યારે લાઇન લાંબી થઈ ગઈ હતી.
લાઇનમાં રાહ જોતાં જાતાં તેનું મન વિચારોમાં ચકરાવે ચડ્યું. ક્યારેક આવી જ કોઈ બૅંકની બહાર સિક્યુરીટી ગાર્ડ તરીકે તેણે ઘણાંને અપમાનિત કર્યા હતા, ધક્કો મારી કાઢી મૂક્યા હતા, વૃદ્ધો કે મહિલાઓની વિનંતીને પણ ગણકારી નહોતી.
ફરજ પર હાજર થતા કોઈ કર્મચારીને જોઈ અલી ડોસો પૂછી બેઠો, ‘સાહેબ, આજે તો કૅશ આવી ગઈ છે ને? મને મારા પૈસા મળશે?’
‘હા, ભાઈ હા, હશે તો મળશે. કોઈ તારા પૈસા ખાઈ નહીં જાય.’ સરકારી કર્મચારી આટલી ઓછી તોછડાઈ અને આથી વધુ કઈ શિષ્ટ ભાષામાં વાત કરી શકે?
અલી ડોસાને મન બૅંક જ તીર્થસ્થાન બની ગઈ હતી. લગભગ દરેક કર્મચારી માટે એ પરિચિત ચહેરો બની ગયો હતો. અંતે બનવાકાળ બનીને જ રહ્યું. ત્રણ કલાક ઊભા રહ્યા બાદ પણ પરિણામ શૂન્ય.
જોરદાર પવનના સૂસવાટા પણ તેના મનમાંથી મરિયમના વિચારો ખંખેરી શક્યા નહીં. રસ્તામાં તેણે કુરાનની આયાતોનું રટણ ચાલુ રાખ્યું. ભૂખ, શ્રમ અને હતાશાને કારણે, ઝૂંપડીમાં પહોંચતા વેંત તેણે લંબાવ્યું. જાગ્યો ત્યારે રસોઈ બનાવવાની હામ હતી નહીં. ભલો પાડોશી, પરિસ્થિતિની જાણ થતાં, સાંજે જમવાનું આપી ગયો.
મરિયમની નાનામાં નાની ઇચ્છાને પણ તે પૂરી કરતો આવ્યો હતો અને આજે ? જૂના સ્વભાવને તેણે અંકુશમાં ન રાખ્યો હોત તો આજે બૅંક સળગાવી નાખી હોત. મરિયમના બાળપણના ફોટા જોતાં જોતાં ક્યારે આંખ મળી ગઈ, તેનો ખ્યાલ પણ ન રહ્યો. ગાઢ નિદ્રામાં નહીં પણ ચિરનિદ્રામાં તે પોઢી ગયો.
બીજા દિવસે તેની ગેરહાજરીની નોંધ લેવાઈ. આજે તેને પાછો નથી કાઢવો, હમણાં આવશે તો છેવટે મારા ખિસ્સામાંથી ય તેને નાણાં આપીશ, બૅંક મેનેજરે વિચાર્યું અને તેના ઇન્તિકાલની જાણ થતાં તેની કબર પર પૈસા મૂકી, પશ્ચાત્તાપ સાથે પાછા ફર્યાં.
માણસ પોતાના ‘બૅલેન્સ’નો વિચાર છોડી અન્યની ‘બૅલેન્સ’નો વિચાર કરે તો અડધી ભીડ ઓછી થઈ જાય.
(સુખ્યાત વાર્તાકાર ‘ધૂમકેતુ’ની ક્ષમાયાચના સાથે)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 20