‘ફ્લાવર્સ ઑફ પેશાવર’ / રમેશ કોઠારી
ઘડિયાળના કાંટા તો બંધ હતા, પણ શાળા છૂટવાનો સમય થઈ જ ગયો હોવો જોઈએ, એનો ટેવવશ અણસાર આવી જતાં સકીનાબીબીએ કહ્યું, ‘કાસમ કે અબ્બા, આજ તો જાને કા ઉસકા મન હી નહીં થા. ઉસકુ બોલને કા નહીં હોતા તો મૈં હી નહીં ભેજતી. કલ શામ તો રૂઠ કર છીપ ગયા થા. કહતા થા, ‘નયા સ્વૅટર લા દે, અમ્મા તબ જાઉંગા, કૈસા લગતા થા !’
‘હાં, હાં, આજ તો બોલને કે લિયે સ્ટેજ પર ગયા હોગા, તો કિતની હી તાલિયાં બજી હોગી, કલ અખબાર મેં દેખના, ઉસકા ફોટુ જરૂર હોગા. ‘મજહબ ઔર આતંકવાદ’ પર ઉસકે જૈસા બોલને કી કિસીકી ઔકાત હી નહીં.’
અને રહીમચાચાની વાત પણ ક્યાં ખોટી હતી? શિક્ષક તરીકે એમણે ઘણું વાંચ્યું અને વિચાર્યું હતું. કાસમને તૈયારી કરવામાં એમણે અંગત રસ લીધો હતો. સ્પર્ધામાં કાસમને પ્રથમ ઇનામ મળે, તો ભેટમાં એને શું આપવું તે પણ નક્કી કરી રાખ્યું હતું.
વૈસા તો ઉસકે બારે મેં કુછ કહેણા પડે એસા હૈ તો હી નહીં . હુંશિયાર હૈ, બસ બાતબાત મેં રૂઠ જાતા હૈ, કુછ રોજ પહેલે તો ખાટ કે નીચે ચુપચાપ પડા રહા. મેરા તો ઢૂંઢને મેં દમ નિકલ ગયા. પિક્નિક પે કૈસે ભેજતી ? નદીબદી મેં નહાને પડે ઔર કુછ હો જાવે તો, ના બાબા ના ખુદકા દિયા એક હી તો હૈ.’
રહીમચાચાને ગડગડાટ સંભળાતો હતો પણ તે કાસમની વાક્છટાથી પ્રભાવિત શ્રોતાઓની તાળીઓનો નહીં, પણ આતંકવાદીઓની બંદૂકોમાંથી ફૂટ્યે જતી ગોળીઓનો. અખબારમાં ફોટો વિજેતા તરીકેનો નહીં, પણ મૃતક વિદ્યાર્થીઓ પૈકીના એક તરીકેનો સકીના બીબીએ ખાટ સામે જોયું. તો ખાટને બદલે બૅન્ચ દેખાઈ, જેની નીચે કાસમ જીવ બચાવવા મૃત્યુ પામતાં પહેલાં સંતાઈ ગયો હતો. તેમણે જાણ કર્યા વિના કે સંમતિ લીધા વિના પિક્નિક પર પણ ન જનાર કાસમ આટલા લાંબા પ્રવાસે ગુપસુપ કેવી રીતે નીકળી પડ્યો હશે તેનો વિચાર કરતાં તેમણે દબાવી રાખેલાં આંસુનો ધોધ વહેવા લાગ્યો.
‘અબ ઘડિયાલ કે નયે સેલ મત લાઇઓ, ચલે તો ભી ક્યા, ન ચલે તો ભી ક્યા’ સકીનાબીબીએ નિરાશાભર્યા અવાજમાં કહ્યું.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2015, પૃ. 19