સર્જકોની લીલા સમયે પણ હશે તો નર્યો અંધકાર
અને માની કૂખે પાંગર્યું હશે બીજ
ત્યારે પણ
હશે તો નર્યો અંધકાર જ !
નવ નવ મહિનાનો વિકાસ પણ તો
થયો અંધકારમાં જ
ટેવ તો હતી ગર્ભાશયની
ગહન શ્યામલતાને જીરવવાની
તો પણ જન્મીને
દુનિયા તો માની આંખે જ જોઈ
સમજણ આવી ત્યારે
કર્ણમૂળે વહી આવ્યો શબ્દ ‘પ્રજ્ઞાચક્ષુ’
ત્યારે સમજાયું કે
આ દેહ પર ક્યાંક ચર્મચક્ષુઓ પણ છે !
પછી પરિચય થયો શૂન્યોથી
એમણે કહ્યું કે એટલે ડોટ્સ …
ગહન અંધકારની માયાજાળ ઉકેલતી
લઈ જાય ઉજાસ ભણી
એવી આનંદયાત્રા.
આજે ચાર જાન્યુઆરીએ
યાદ આવે સૌને અંધારા ઉલેચતી
બ્રેઈલલિપિ … થેન્ક્યૂ બ્રેઈલ !