થયો !
પંખી ટહુક્યું; લાગ્યું કૉલાહલ થયો !
કલરવોનો પ્રશ્ર્ન ના કૈં હલ થયો !
સ્પર્શ પીંછાનો સકળ ધડકન મહીં,
હું ભીતરથી ઔર પણ કોમલ થયો !
મારી સહુ વાણી ય સરવાણી થઈ;
મારો આ પોષાક પણ વલ્કલ થયો !
મૌન પણ મારું ય અર્થોથી સભર,
તું ઉપસ્થિત જ્યારે કે જલ-થલ થયો !
થઇ પ્રતીક્ષા જીવની, વ્યાકુળ ધરા,
એ પછી પરબ્રહ્મ પણ બાદલ થયો !
તારી બદનામી ય ના થઇ શ્હેરમાં,
મારો એતબારે ય અહીં નિશ્ચલ થયો !
એનું કારણ શોધવામાં રસ ન લો,
જે અહીં કારણ વિના નિષ્ફલ થયો !
એને દુનિયાએ બહુ આપ્યા છે દુ:ખ,
ના દીવાનો; કે ન જે પાગલ થયો !
એને દુનિયાથી રહી ના નિસ્બતે,
જેને લીધે એ અહીં પાગલ થયો.
જલકમલવત્ જીવવાનું ત્યાં હતું,
શબ્દ ઉદ્દભવ્યો; તો એ ઉત્પલ થયો !
આપના સાંનિધ્યની થઇ છે અસર,
આખરે હું પણ અહીં નિર્મલ થયો !
જો અહમ્ રહ્યો નહીં સ્હેજે ‘પ્રણય’,
શખ્સ જળ થઇ, વ્હેતો પણ કલ-કલ થયો !
તા. ૦૫-૦૪-૨૦૨૦
•••
વૃક્ષ આ પણ
ના શ્રવણ; કે કૈં ઉચરવાનું નથી !
મૌન રેʼજો; કૈં જ કરવાનું નથી !
કોઇ ભયથી, સ્હેજે ડરવાનું નથી,
મન પડે એ સ્થળ વિહરવાનું નથી.
હોય કરવા; તો ઉધામા સહુ કરો,
મન છે ચંચળ; ક્યાં ય ઠરવાનું નથી.
મરવા વાંકે જે જીવે; એને જીવાડ,
તારે જીવવાનું છે; મરવાનું નથી.
સ્હેજ કડવા પણ થવાનું શીખ હવે,
સહુને ‘હા’ એ ‘હા’ જ કરવાનું નથી.
આજ પણ વાવું છું હું કોઈ વિચાર,
વૃક્ષ આ પણ અહીં ઉઝરવાનું નથી !
વાયદાઓ વંધ્ય પણ નીવડે ‘પ્રણય’,
ઝાંઝવામાં રોજ તરવાનું નથી.
તા. ૧૮-૦૪-૨૦૨૧