નભની ય પાર ભાળે !
જૂઠો જવાબ આપે; કાં તો જવાબ ટાળે !
કાં મૌન સાવ પાળે; હૈયા ઉદાસ બાળે !
એવા સમયની પીડા, ક્યાંથી બયાન થાયે ?
લોકો મજાનો દિવસ; ઘરમાં જ જ્યારે ગાળે !
માળી હજી ન સમજે; એની મને છે ચિંતા,
શોલા ખીલેલ જોઉં; ગુલશનની ડાળ-ડાળે !
આંખો બીડી જ બેઠા; લોકો તમામ એવા,
જોઈ શકે અનાગત; નભની ય પાર ભાળે !
હોઠો બીડેલ જોઉં; હૈયા ધખેલ જોઉં,
પીડા ‘પ્રણય’, ન કોઈ; શબ્દો મહીં જ ઢાળે !
તા. ૧૯-૦૧-૨૦૨૧
•••
અઘરું થઇ ગયું !
ભીડથી અળગા થવું; સાચે જ અઘરું થઇ ગયું !
સાચી રીતે જીવવું; સાચે જ અઘરું થઇ ગયું !
આંખ સામે ફૂલ ચૂંટાયાં ઘણાં ખૂશ્બુભર્યાં,
એ પછીથી મ્હેકવું; સાચે જ અઘરું થઇ ગયું !
સ્વાર્થ માટે કૈં ય કરવા સજ્જ સહુને જોઇને,
સત્યને ઉચ્ચારવું; સાચે જ અઘરું થઇ ગયું !
માનવીનો અર્થ માનવતા ભરેલી વ્યક્તિ હો,
વાત એવી માનવું; સાચે જ અઘરું થઇ ગયું !
ત્યાં તમાશો હોય, એ રીતે બધા ભેગા થયા,
કોઇને સન્માનવું; સાચે જ અઘરું થઇ ગયું !
આપણે લેવામાં સમજ્યા; ને પરિગ્રહ બહુ કર્યો,
હોય જ્યાં કૈં આપવું; સાચે જ અઘરું થઇ ગયું !
જિન્દગીમાં જો મળે મિત્રો કદી જૂના ‘પ્રણય’,
મન ભરીને મ્હાલવું; સાચે જ અઘરું થઇ ગયું !
“વાહ-વાહ”, “ઈર્શાદ”, “દુબારા”નો કોલાહલ હતો,
ત્યાં ગઝલને વાંચવું; સાચે જ અઘરું થઇ ગયું !
તા. ૦૬-૦૨-૨૦૨૧